ટેક્નોલોજી અને સમાજ : યુવા સંવાદ 2023નો અહેવાલ

દસેક વર્ષથી ચાલતા યુવા શિબિરો અને યુવા સંવાદની શૃંખલામાં 19, 20 અને 21મી મેના રોજ ખેડા જિલ્લાના માતર ખાતે આવેલા ઓરો આશ્રમ ખાતે યુવા સંવાદ યોજાયો. મુખ્ય વિષય હતો- ‘ટેક્નોલોજી અને સમાજ’.

19મી તારીખે સાંજે, પ્રથમ સત્રમાં પરિચય કરવામાં આવ્યો. પરિચય બાદ મિત્રોએ સંવાદમાં પોતે શું શીખવાની અપેક્ષા સાથે આવ્યા છે તેની વાત મૂકી, જેમાં બદલાતા સમયમાં કૃત્રિમ બુદ્ધિ (AI) વિકસી રહી છે તેની ભવિષ્ય પર શું અસર થશે? – તે વિશે નીચેના મુદ્દા બહાર આવ્યા :

  •  ટેક્નોલોજીનો રચનાત્મક અને સકારાત્મક ઉપયોગ કેમ થઈ શકે?
  •  ઓનલાઈન ગુનાથી કઈ રીતે બચવું?
  • ટેક્નોલોજી અને ખાસ કરીને સોશિયલ મીડિયાની આદતથી કેમ બચવું?
  • ટેક્નોલોજીથી સંબંધો અને સમાજના વિવિધ વર્ગોમાં શી અસર થઈ રહી છે?
  • રોબોટ આપણા જીવન પર શું અસર કરશે?
  • સામાન્ય વ્યક્તિ સુધી ટેક્નોલોજીના લાભ પહોંચે તેના માટે શું કરીએ? માહિતીની ખરાઈ કઈ રીતે કરવી?

બીજા સત્રમાં અમદાવાદ યુનિવર્સિટીના અધ્યાપક સંજયભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ટેક્નોલોજી અંગે આપણે તટસ્થતાથી સમજવાની જરૂર છે. તેમજ આપણે યુરોપ-અમેરિકાના અનુભવમાંથી સીધું અનુકરણ કરવાને બદલે ભારતના સંદર્ભમાં અને ખાસ કરીને આપણા પ્રશ્ર્નો અંગે સજાગ રહીને ટેક્નોલોજી અંગે સમજવાની જરૂર છે. સ્વયં સંચાલિત હોય તેને જ ટેકનોલોજી કહેવાય એવું જરૂરી નથી. વળી ટેક્નોલોજી અથવા યંત્ર માત્ર ડિજીટલ હોય તેવું પણ જરૂરી નથી. યંત્રની ખાસિયતો છે કે તે માણસનું કામ સરળ કરે  છે અને યંત્રનો દરેક જગ્યાએ જુદો સંદર્ભ અને ઉપયોગ હોય છે. જરૂરી એ છે કે યંત્ર પર માણસનો કાબૂ હોવો ઘટે.

કચરાની સફાઈ, ખેતીનાં કામો અને જોખમી કામોમાં યંત્રનો ઉપયોગ કઈ રીતે થઈ શકે તે તેમણે ઉદાહરણ અને વિડિઓ ક્લીપ દ્વારા સમજાવ્યું.

અંતમાં તેમણે રોબોટિક્સ અને ડ્રોન અંગે કેટલાંક ઉદાહરણો દર્શાવ્યાં અને તેનાં જોખમોની વાત કરી. યંત્ર હવે કૃત્રિમ બુદ્ધિ વિકસાવી રહ્યું છે અને માણસના મગજમાં જેમ ન્યૂરલ નેટવર્ક છે તેવું નેટવર્ક યંત્રોમાં પણ વિકસી રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો યંત્ર જાતે શીખી રહ્યું છે, પ્રતિક્રિયા અને પ્રતિભાવ આપી રહ્યું છે, અનુભવના આધારે પોતાની સમજ વિકસાવી રહ્યું છે.

ત્રીજા સત્રમાં શિબિરાર્થી મિત્રોએ પોતે ખાસ કરીને સોશિયલ મીડિયા અને મોબાઈલનો ફોનનો ઉપયોગ શા માટે વધુ કરે છે તેનાં કારણો જાતે જ તારવ્યાં. અલગ-અલગ ચાર જૂથમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગુગલ અને અન્ય મેસેજિંગ એપ્સ કઈ રીતે બદલાવો કરીને આપણે તેમાં વધુમાં વધુ સમય પસાર કરીએ તેવી વ્યૂહરચના બનાવે છે, તે સૌના ધ્યાનમાં આવ્યું.

ચોથું સત્ર મુખ્યત્વે બે ભાગમાં રહ્યું. જેમાં નાગરિક તરીકે આપણી પાસે જે માહિતી પહોંચે છે, આપણે જેના આધારે લોકશાહીમાં મત બાંધીએ છીએ તેમાં ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાની શું અસર થાય છે તે અંગે ચર્ચા કરવામાં આવી. આ સત્રના પ્રથમ ભાગમાં રાજનીતિના વ્યાખ્યાતા સાર્થકભાઈ બાગચીએ માનવસમાજના વિકાસમાં પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆતથી આજ સુધીની ટેકનોલોજીની ભૂમિકાને બિરદાવી.

તેમણે કહ્યું કે, પ્રિન્ટિંગ પ્રેસના આગમનથી બાઇબલનો પ્રસાર વધ્યો. પણ ટૂંક સમયમાં આ પ્રેસ બાઇબલ પૂરતું સીમિત ન રહેતાં, સમાચાર પત્રો, પત્રિકાઓ તેમજ પુસ્તકો દ્વારા વિવિધ વિચારધારાઓનો પ્રચાર પણ સરળ અને વ્યાપક બન્યો. થોડા સમયમાં જ સામાન્ય લોકો સુધી અનેક પ્રકારની માહિતી પહોંચવા લાગી. ટૂંકમાં કહીએ તો માહિતીનું લોકતંત્રીકરણ થયું. માહિતી અથવા જ્ઞાન પર કેટલાંક લોકોની ઈજારાશાહી નાબૂદ થઈ! પરંતુ જેમની પાસે મૂડી છે, સત્તા છે અને સમાજ પર અંકુશ છે તેવો એક ખાસ વર્ગ અસ્તિત્વમાં આવ્યો. એ સંખ્યામાં ઘણો નાનો હતો પણ તેની અસર ઘણી વધારે છે. અને આ વર્ગ ઇચ્છે છે કે બાકીના લોકોને વાસ્તવિક ચિત્ર ન સમજાય અને આ લોકો સક્રિય થાય તો ખાસ લોકોની સત્તા જોખમમાં આવે. આ લોકો વિચારવા લાગશે, હક માંગશે અને સવાલ પૂછશે તેવો ડર સતત ખાસ લોકોને સતાવતો હોય છે. આથી વ્યક્તિ, નાગરિક ન બને તેનું ‘ધ્યાન’ રાખવામાં આવે છે.

એ માટે તેમણે માહિતી પર વિવિધ રીતે નિયંત્રણ અને અંકુશ મૂકવાનું શરૂ કર્યું. છેલ્લાં 10-15 વર્ષમાં ટેક્નોલોજી અને ખાસ કરીને સોશ્યિલ મીડિયાનો ઉપયોગ સત્તાધીશો અને તેમના સોબતીઓએ સામાન્ય લોકો એકબીજા સાથે લડે, સતત ભય અને અવિશ્ર્વાસમાં જીવે તેવા પ્રયત્નો કરવા માટે કર્યો. જેથી તેમની સત્તા ટકી રહે અને લોકો વાસ્તવિક પ્રશ્ર્નો અંગે સવાલ ન ઉઠાવે. અંતે સાર્થકભાઈએ કેટલાંક ઉદાહરણ આપ્યાં જેમાં સોશિયલ મીડિયા-માધ્યમોની નાગરિકો અને લોકમાનસ પર કેટલી વધારે અસર છે તે અંગેનો અંદાજ આવે. ભારતના સંદર્ભે વાત કરતાં તેમણે જણાવ્યું કે તમિલનાડુમાં કોઈ એક રાજ્યના લોકો વિષે ખોટી વિગતો સાથેનો મેસેજ વહેતો કરવામાં આવે અને રાજ્યના લોકોએ કામ-ધંધા છોડીને પોતાના રાજ્યમાં પરત જવું પડે. તમિલનાડુના મુખ્ય પ્રધાને તે ઉચાટને રોકવા જાહેરમાં નિવેદન આપવું પડે! કોવીડના બહાને સામાન્ય લોકો પરના સર્વેલન્સમાં થયેલા વધારા અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી.

જાણીતા પત્રકાર ઉર્વીશભાઈએ નાગરિક ઘડતર અને નાગરિક બની રહેવામાં ટેક્નોલોજીની શું ભૂમિકા છે તેની વાત કરી. આજની કહેવાતી આધુનિક ટેક્નોલોજી ન હતી ત્યારે પણ દુનિયામાં તાનાશાહી શાસકો દ્વારા લોકોના માનસ સાથે રમત રમીને શાસકો પોતાનો સ્વાર્થ સાધતા.

બીજા વિશ્ર્વયુદ્ધ સંદર્ભે યુરોપમાં બનેલી ઘટનાઓ અને 2014ના અમેરિકાના પ્રમુખની ચૂંટણીની ઘટનાઓમાં નાગરિકોના માનસ પર કેવી અસર થઈ તેનાં ઉદાહરણો આપ્યાં. ત્યારબાદ ભારતના સંદર્ભે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ટેક્નોલોજી અથવા સોશિયલ મીડિયાને કારણે છૂટા છવાયા સમાચારો ભેગા થઈ મોટું સ્વરૂપ પકડવાનું સહેલું સાધન મળી ગયું છે. જે પહેલાં જુદી-જુદી વ્યક્તિઓ અથવા તેમના મત સુધી મર્યાદિત રહેતું હતું તેને ભેગું કરી એક વિચારધારા રૂપે મોટું સ્વરૂપ આપવું સરળ બની ગયું છે. આ સ્પર્ધામાં જેની પાસે વધુ સંસાધન (મૂડી, ટેકનોલોજી, માનવ સંસાધન) હોય તે પોતાની વાત વધુ ફેલાવી શકે છે. એ પછી રાજકીય પક્ષો હોય કે કંપનીઓ હોય, તે દરેક સ્વાર્થ સાધવા માટે આનો ઉપયોગ કરે છે. જેની પદ્ધતિ નીચે મુજબની હોય છે.

સમાજમાં એક ચોક્કસ પ્રકારના માનસનું ઘડતર કરવું. એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે, જે રાજકીય પક્ષને કે સત્તાધારીને અનુકૂળ હોય. જે લોકોનું માનસ એવું બની ગયું છે તેમનો મત બદલાય નહીં તે સુનિશ્ર્ચિત કરવામાં આવે છે. અને નવા લોકોને આ વિચારધારામાં દાખલ કરવા અલગ-અલગ રીતે પ્રયત્ન કરવામાં આવે છે. જે આ ચાલમાં ફસાતા નથી તેમને જુદી-જુદી રીતે બદનામ કરવાનો યોજનાબદ્ધ રીતે પ્રયત્ન કરવામાં આવે છે. ખોટી દિશામાં દોરતા સમાચાર-માહિતી, ફેક ન્યુઝ, માહિતીનો આભાસી પરપોટો બનાવવો જેથી વાસ્તવિક સમસ્યાઓ અંગે કોઈ ધ્યાન ન આપે, વિરુદ્ધ મત ધરાવતા અને જાહેર કરતા લોકોને ટાર્ગેટ કરી trolling કરવું, social media પર account block કરવા, વિરોધનો અવાજ દબાવવો વગેરે ટેકનોલોજીના વિકાસ સાથે વધુ ને વધુ સહેલું થતું જાય છે. લગભગ પાછલાં 80-100 વર્ષથી ચાલી રહેલી સાંપ્રદાયિક ધ્રુવીકરણની પ્રક્રિયા  છેલ્લાં 10-15 વર્ષમાં ખૂબ ઝડપથી ફેલાઈ છે તેમાં ટેક્નોલોજીનો મોટો ફાળો છે.

ઉર્વીશભાઈએ ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાની અસર અંગે વાત કરી પણ સાથે એ વાત પર ઘણો ભાર આપ્યો કે માણસ તરીકે અને નાગરિક તરીકે આપણે કયાં મૂલ્યો સાથે જીવવું છે. સમાનતા, ન્યાય અને સ્વતંત્રતા જેવા દરેક બંધારણીય મૂલ્યને પ્રથમ તો આપણે જીવવાનો પ્રયત્ન કરવો પડશે. માત્ર ટેક્નોલોજીને દોષ આપવાથી કે માત્ર આધુનિક ટેક્નોલોજીમાં તેના રસ્તાઓ શોધવા કરતાં આપણી અંદર તે મૂલ્યો પડેલાં છે કે નહીં, આપણે તે મૂલ્યો માટે સજાગ રહીને કેટલી મથામણ કરીએ છીએ, આ બાબત તપાસતાં-જીવતાં રહેવું એટલું જ જરૂરી છે.

પાંચમા સત્રમાં ઓલ્ટ ન્યુઝના કિંજલબહેને ફેક ન્યુઝ, મિસઇન્ફોર્મેશન અને ડીસઇન્ફર્મેશન વચ્ચેનો તફાવત સમજાવ્યો. ભારતમાં ફેક ન્યુઝ કોણ ફેલાવે છે, કેવી રીતે ફેલાવે છે અને તેની કેવી અસરો થાય છે તે અંગેની ઓલ્ટ ન્યુઝના અભ્યાસની વિગતો બધા સામે રજૂ કરી.

આ ઉપરાંત આપણે ફેક ન્યુઝ કઈ રીતે તપાસી શકીએ તેની સરળ તકનીક શીખવી. ખાસ કરીને કોઈ ફોટો કે ઈમેજ સાચી છે કે નહીં તે કેવી રીતે તપાસવું તેની તકનીક વિશેષ ધ્યાનાકર્ષક રહી.

છઠ્ઠા સત્રમાં ગ્રામોચિત ટેક્નોલોજી અંગે દાયકાઓથી પ્રવૃત્ત માઈકેલભાઈએ દુનિયામાં સત્તા અથવા રાજ કરતા લોકો અંકુશ કઈ રીતે મેળવતા તેની વાત કરી. શરૂઆતના સમયમાં રાજા-રાણીઓ જમીન પર અંકુશ રાખતાં અને તેના બદલામાં પ્રજા પર અંકુશ રાખવા કર ઉઘરાવતાં અને જરૂર પડે સજા આપતાં. આ અંકુશ ઘણે અંશે જોઈ શકાય તેવો હતો. અલબત્ત તેમાં મહદ્અંશે અંગત બાબતો પર અંકુશ ઓછો હતો.

ઔદ્યોગિક ક્રાંતિ આવતાં કંપનીઓ વિકસી અને તેમનામાં સમાજ પર કાબૂ મેળવવાની હોડ લાગી. જેનો એક માત્ર ઉદ્દેશ વધુ ને વધુ નફો કમાવવાનો  રહ્યો. પોતાની વસ્તુ લોકો ખરીદે તે માટે લોકો પર કાબૂ કઈ રીતે મેળવવો તેને લઈને કંપનીઓ વિવિધ યુક્તિઓ પણ અજમાવવા લાગી.

જ્યારે સોશિયલ મીડિયા ન હતું ત્યારે આ કામ જુદી રીતે થતું. જેમાં જાહેર ખબરો દ્વારા મહિલાઓને સિગારેટ પીવા માટે પ્રોત્સાહન આપવાનો એડવર્ડ બર્નેસ દ્વારા એક પ્રયોગ કરવામાં આવ્યો. તેમની એ થિયરીની મદદથી યુનાઇટેડ ફૂડ કંપનીએ પોતાનું બજાર-ઈજારો ટકાવી રાખવા દક્ષિણ અમેરિકાના ગ્વાટેમાલા દેશના પ્રમુખ વિરુદ્ધનું વાતાવરણ ઊભું કર્યું અને સરકાર ઊથલાવી પાડી. આથી સ્થાનિક કંપની આગળ ન આવે તેમજ બજારમાં અમેરિકાની કંપનીનો ઈજારો અને નફો જળવાઈ રહે. તેમણે આ વાતો જાણે વાર્તા કહેતાં હોય તેવી રોચક રીતે રજૂ કરી!

પછી ગૂગલ જેવી કંપનીઓના વિકાસની વાત કરતાં કહ્યું કે ગૂગલ સૌથી પહેલાં આવેલી કંપનીઓમાંથી એક છે અને અગ્રેસર છે. એટલે તેને શરૂઆતથી જ સમજાયું કે આપણે વપરાશકર્તાઓનો જેટલો ડેટા ભેગો કરીશું અને વેચીશું એટલો વધારે નફો મળશે. આ મોડેલની શરૂઆત ગૂગલ દ્વારા થઈ. પછી ફેસબુક પણ આ ડેટા ભેગો કરીને વેચવાની હરીફાઈમાં લાગી ગયું.

આપણને ફેસબુક, ગૂગલ વગેરે જેવી બધી સુવિધાઓ મફત મળે છે. પરંતુ આપણે અને આપણી અંગત માહિતી તેના માટે વસ્તુ છે! જે વેચીને આ કંપનીઓ રૂપિયા કમાય છે. તે માટે નવી નવી રીતો આ કંપનીઓ હવે આગળ વધીને શોધ્યા કરે છે.

આપણું જ માનસ બદલવા સુધીના પ્રયોગો કરે છે. આપણને જે આપણો મત લાગે છે તે ખરેખર આપણો છે કે નહિ તે પ્રશ્ર્ન આજે ચિંતાજનક છે! અને કમભાગ્યે જેનો જવાબ આપણામાંથી કોઈની પાસે નથી. સરકારો નીતિ બનાવીને આ કંપનીઓ પર કેટલા અંશે અંકુશ રાખી શકે તેનાં ઉદાહરણો આપી કેટલીક નીતિઓની વાત પણ કરવામાં આવી. પરંતુ આ નિયંત્રણો અને કાયદાઓ બહુ સીમિત છે અને જ્યાં નાગરિકો આ બધા મુદ્દાઓને લઈને જાગૃત છે ત્યાં જ આવી ચર્ચાઓ અથવા નીતિઓ ઘડવા માટે દબાણ લાવી શકાય તેમ છે. આપણે ત્યાં ભારતમાં આ સંદર્ભની નીતિઓ સામાન્ય નાગરિકો માટે કેટલી અસરકારક અને વ્યાપક છે તે હજી વિચારવાનો વિષય છે!

સત્રના અંતમાં માઈકેલભાઈએ કહ્યું કે આ દરેક વ્યવસ્થા ઊભી થવા પાછળ કોઈ ને કોઈ કારણો જવાબદાર હોય છે. જેને આપણે બિલ્ડીંગ બ્લોક્સ કહીએ. આ દરેક બ્લોક દ્વારા વ્યવસ્થા મજબૂત બનતી હોય છે. જેમ કે રાજાશાહી હતી તો તેને મજબૂત કરતા બિલ્ડીંગ બ્લોક્સ સમાજમાં હતા. આજે આપણે ઇચ્છીએ તો પણ રાજાશાહી મજબૂત બની ન શકે કારણ કે લોકોએ લોકતાંત્રિક મૂલ્યોની વ્યવસ્થા સ્વીકારી અને તેને જીવવા લાગ્યા. એમ જ આ ટેક્નોલોજી અને ડેટાના બજારને ચલાવતી વ્યવસ્થાને ટકાવનારાં કેટલાંક પરિબળો છે અથવા કહીએ કે બિલ્ડીંગ બ્લોક્સ છે. આ બ્લોક્સ સમજીએ અને તેના અંગે આપણા સ્તરે અને પછી સામૂહિક સ્તરે જેટલું કામ કરી શકીએ તેટલું આપણા હિતમાં છે.

આઠમા અને અંતિમ સત્રમાં સંવાદમાં ભાગ લેનારા મિત્રોએ નીચે પ્રમાણેનાં પગલાં ભરવાનું વિચાર્યું :

  • સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપવાનું ઓછું કરીએ, તેમાં વિવેક રાખીએ.
  • ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં ઓછો થઈ શકે તેમ છે એ તપાસવું. કારણ કે છોડવી અઘરી છે!
  • જ્યારે ફોન હાથમાં લઈએ ત્યારે પ્રશ્ર્ન પૂછીએ કે આપણે ખરેખર જરૂરી કામ છે? મારી પ્રાથમિકતા શું છે?
  • કોઈ સમાચાર કે વિગતની ખાતરી કર્યા  વિના બીજાને ન મોકલીએ.
  • જ્યારે ઓનલાઈન જઈએ ત્યારે ખરેખર શું જોઈએ છીએ તે અંગે સ્પષ્ટ રહીએ. સમયનો બચાવ થશે અને જોઈએ તે મળી શકશે.
  • વપરાતા એપ પર Time Lock મૂકી શકાય. જેથી જે એપની આદત પડી હોય તે એપ નિશ્ર્ચિત સમય પછી બંધ થઈ જાય.
  • આ અંગે જાગૃતિ માટેનું સાહિત્ય ગુજરાતીમાં વધુ લોકો સુધી સુલભ બને તેવા પ્રયત્ન કરવા.
  • ડિજીટલ ડાયેટીંગ કરીએ.
  •  આપણી આસપાસની વ્યક્તિઓ સાથે જોડાઈએ અને રૂબરૂ વાતો કરીએ.
  •   સ્થાનિક સ્તરે ઉપયોગમાં આવે તેવી ટેકનોલોજી વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્ન કરીએ.          

– પાર્થ ત્રિવેદી

One thought on “ટેક્નોલોજી અને સમાજ : યુવા સંવાદ 2023નો અહેવાલ

  1. Pingback: ભૂમિપુત્ર : ૧ ઑગસ્ટ, ૨૦૨૩ – ભૂમિપુત્ર

Leave a comment