રાષ્ટ્રોદ્ધારક – જમશેદજી ટાટા

ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪

‘જગની સૌ કડીઓમાં સ્નેહની સૌથી વડી.’

શ્રી રૂસી લાલાના મિત્ર હોવાનો મારો દાવો એમણે ત્યારે પ્રમાણિત કર્યો જ્યારે મેં આ અનુવાદ કરવા વિશે અણગમો વ્યક્ત કર્યો. મેકૉલેના શિક્ષણના વિચારોથી દેશને લાભ થયાની વાત મને કેમેય ગળે ના ઊતરે. શ્રી લાલાએ કહ્યું, ‘આ મારી ચોપડી છે, મારે જે લખવું હોય તે લખું. તારી નથી. તારે તો મારું કામ કરી આપવાનું છે. હું કહું છું માટે તે કરી આપ.’ આ તેમનો મારા ઉપરનો હકદાવો ગમ્યો. અને અનુવાદના કામની શરૂઆત કરતાંની સાથે જ જે અણગમો  હતો તે કોરાણે મૂક્યો.

સપ્ટેમ્બર, ૨૦૦૪માં કામ હાથ પર લીધું ત્યારે ત્રણેક મહિનામાં એટલે કે ડિસેમ્બર, ૨૦૦૪ સુધીમાં અનુવાદ પૂરો કરી શકીશ તેવી ગણતરી મેં કરેલી. પરંતુ તેમ ન કરી શક્યો. સૌ૦ માલિની-બહેન, મારાં પત્નીની માંદગીએ રોકી પાડ્યો. હવે લગભગ વરસે દિવસે પૂરું કરી શક્યો છું તેનું ઘણું સામાધાન છે જ.

ટાટા ઘરાના વિશે, તેમાં પણ જે૦આર૦ડી૦ ટાટા વિશે, એક મુંબઈમાં જન્મેલા નાગરિક તરીકે આદર તો બહુ વહેલો નાનપણથી જ હતો. પરંતુ આ પુસ્તકનો અનુવાદ કરવા મળવાથી તે આદરની ઉપર ઓપ ચઢ્યો. કેવળ મરહૂમ જમશેદજી જ નહીં, દોરાબજી પણ કેવા સક્ષમ નિર્ણય કરનારા તેમજ ચઢિયાતાં કદમ ભરાવનારા હતા તે જાણી આનંદ થયો. વાઈસરૉય કર્ઝનને જે પ્રત્યુત્તર સર દોરાબજીએ લખ્યો તે અલબત્ત, સલામ ભરાવે તેવો છે. તેમનાં પત્ની શ્રીમતી મહેરબાઈની ખુમારી પણ નોંધવી જ પડે.

સ્વામી વિવેકાનંદશા રાષ્ટ્રોદ્વારકને ભારતના ઔદ્યોગિક વિકાસ અંગેની પોતાની સમજણને અનુકૂળ કરનારા, બેંગલોરની સુખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સનું આગ્રહપૂર્વક નિર્માણ કરનારા, કે ૧૯૦૨ની સાલમાં યુરોપ અને અમેરિકા વચ્ચે દોડધામ કરનારા જમશેદજી, તેમની પ્રયત્નશીલતા માટે દાદ માગે તેવા છે. પરંતુ વાંદ્રેથી ઉત્તરના શાંતાક્રુઝ, પારલાના આખા વિસ્તારને પૂર્વના વેનિસમાં પરિવર્તિત કરવાની યોજના જે તેમણે ઘડી કાઢી તે તો આજે પણ અહોભાવ પ્રગટાવનારી જ ને ! એ મહામાનવીની કેટલી જબરી કલ્પનાશીલતા !

      – અનુવાદક જ્યોતિભાઈ દેસાઈની નોંધ

ઑગસ્ટ ક્રાંતિ દિન, ૨૦૦૫

Leave a comment