ભૂમિપુત્રની વાર્તા…..
નીતીશની આંખો અચાનક ખૂલી ગઈ. કેટલા વાગ્યા હશે? એણે મોબાઈલમાં જોયું. ઓહ! હજી તો ચાર પણ નથી વાગ્યા. હમણાં હમણાં આવું જ થાય છે. અડધી રાતે ઊંઘ ઊડી જાય પછી આંખ મીંચાવાનું નામ નથી લેતી. એટલામાં એને કાને અવાજ પડ્યો,
‘ટ્વિચ, ટ્વિચ,’
કોણ જાણે આ ચકલીનું શું લુંટાઈ જતું હશે કે, આટલી વહેલી સવારે ઊઠીને કકળાટ કરવાનું ચાલુ કરે છે ! નીતીશ મનોમન ખિજાયો. ગાર્ગી જો જાગતી હોત તો હસીને કહેત,
‘અરે, પણ આ માસુમ ચકલી પર વગર કારણે તારો ગુસ્સો શું કરવા ઊતારે છે? એ તો પતાની મસ્તીમાં બોલતી રહે છે!’ પણ અત્યારે તો ગાર્ગી રેવાને ગળે વળગાડીને નિરાંતે સૂતી હતી. સૂએ જ ને? આખા દિવસમાં કેટકેટલાં કામ કરે છે? થાકી જતી હશે. આવાં બધાં કામ કરવાની એને આદત પણ ક્યાં છે? ને રેવા? ગોરી પરી જેવી મારી દીકરી અહીં આવીને કેવી ઝાંખી પડી ગઈ છે? એ વ્હાલથી રેવાના વાળ સરખા કરવા ગયો ત્યાં રેવાએ ઉં… ઉં… અવાજ કર્યો એટલે ગાર્ગી જાગી ગઈ.
‘શું થયું નીતીશ? ઊંઘ નથી આવતી? તબિયત તો બરાબર છે ને?’ એણે ઉપરા છાપરી સવાલો પૂછી નાખ્યા.
‘તબિયતને તો કંઈ નથી થયું પણ મન બહુ બેચેન રહે છે. તને અને રેવાને અહીં લાવીને મેં ભૂલ કરી હોય એવું મને લાગ્યા કરે છે. જાણે મહેલમાં રહેનારાંને જેલમાં પૂરી દેવાનો ગુનો મારાથી થઈ ગયો હોય એવો સંતાપ મને સુખેથી ખાવા નથી દેતો કે નથી શાંતિથી સૂવા દેતો.’ બોલતાં બોલતાં એની આંખ ભીની થઈ ગઈ.
ગામડાં ગામમાં એકઢાળિયું મકાન, પાકથી લચી પડતાં ખેતર અને કુદરતી હર્યાભર્યા વાતાવરણમાં ઉછરેલો નીતીશ એગ્રીકલ્ચર એંજિનિયરની ડીગ્રી મેળવ્યા પછી સિંગાપુર જવાની જીદ લઈને બેઠો ત્યારે મા-બાપુને ઘણું આકરું લાગેલું પણ પોતાની પીડા મનમાં જ છુપાવીને એમણે દીકરાની મરજીને વધાવી લીધેલી.
‘ભલે બેટા, તારી ખુશીમાં અમારી ખુશી.’
સિંગાપુર જઈને નીતીશે ઘણીસારી પ્રગતિ કરી. .ઑફિસમાં સાથે કામ કરતી ગાર્ગી એને ગમી ગયેલી. એ દિવસોમાં ઑફિસની બારીની પાળ પર એક પંખી આવીને બેસતું. આખું કાળું અને છાતીથી પેટ સુધીનો ભાગ સફેદ. પૂંછડી એવી રીતે ઊંચી કરતું જાણે ટી.વી.નો એંટિના. આ પક્ષીની હિલચાલ અને એના અવાજને નીતીશે ગાર્ગીના ગમા- અણગમા અને વર્તન સાથે જોડી દીધેલાં. એ બે વાર પૂંછડી હલાવે તો ગાર્ગીને પોતે ગમે છે, દસ સુધી ગણે ત્યાં સુધી એ એક જ જગ્યાએ બેસી રહે તો ગાર્ગી પોતાનો લગ્નનો પ્રસ્તાવ સ્વીકારશે- આવું તો કેટલુંય એ પક્ષીને કેંદ્રમાં રાખીને વિચારતો. પછી તો બેઉ જોડાયાં બાદ એણે આ વાત કરી ત્યારે બંને પેટ પકડીને હસેલાં.
‘તું ય ખરો છે નીતીશ! પણ હવે આપણી એ મિત્રનું નામકરણ કરવું જોઈએ, એવું નથી લાગતું?’
‘મેં તો વિચારેલું જ છે. એ કાળી છે એટલે એનું નામ કલ્લી. બરાબરને?’
ત્યારબાદ સમય એટલો ઝડપથી વિતવા લાગ્યો કે એની સાથે તાલ મિલાવવાની દોડમાં કલ્લી ક્યાંય ભુલાઈ ગઈ. રેવાનાં જન્મ પછી સિંગાપુરની વૈભવશાળી જીવનશૈલીમાં બંને સારી રીતે ગોઠવાઈ ગયાં .એક દિવસ માનો ફોન આવ્યો હતો. રડતાં રડતાં એણે કહ્યું હતું,
‘બેટા, તારા બાપુ બહુ માંદા છે. તમને બધાંને જોવાની એમને બહુ ઈચ્છા છે. જેમ બને એમ જલ્દી આવી જાવ.’
સિંગાપુરથી એ સૌ પહોંચ્યા ત્યારે બાપુની હાલત નાજુક તો હતી જ પણ જ્યાં એમનાં મનને પજવતી વાત સમજીને નીતીશે ગામ પરત ફરીને ખેતી સંભાળી લેવાની વાત કરી ત્યાં તો જાણે ચમત્કાર થયો. થોડા દિવસમાં એમની તબિયતમાં ઘણો સુધારો થયો. મા-બાપુને ખુશ જોઈને દીકરાને આનંદ તો થયો જ પણ સાથે જ એક અજંપો એને ઘેરી વળ્યો કે, પોતાની મરજી એણે પત્ની પર થોપી દીધી હતી.
‘હું તમારા બેઉનો ગુનેગાર હોઉં એવું અનુભવું છું ગાર્ગી, અહીં નથી ઢંગની સ્કૂલ, નથી કોઈ પાર્ક કે નથી મૉલ. મારી લાડકવાયીને શું હું આવી જિંદગી આપીશ?’
‘નીતીશ, મને લાગે છે કે, સિંગાપુર છોડતી વખતે તેં મને અને રેવાને અગવડ ભરી જિંદગી આપવા માટે, તકલીફમાં મૂકવા માટે પોતાને જવાબદાર માનીને તારા મનની ફાઈલમાં એક ફોલ્ડર તૈયાર કરી લીધું અને બાકી બધી ખુશીઓને પાસવર્ડથી પ્રોટેક્ટ કરી લીધી. એ પાસવર્ડ તારી પાસે જ છે પણ કદાચ તું ભૂલી ગયો છે.’
‘સાચે જ તું એમ માને છે, ગાર્ગી?’
‘સો ટકા. અહીં આવીને થોડો વખત મને બેચેની જરૂર લાગી પણ હવે જમીન ખેડવામાં, બીજ રોપવામાં, બીજને અંકુરિત થતું જોવામાં મને જે આનંદ મળે છે એ આપણી એરકંડીશંડ ઑફીસમાં નહોતો મળતો. ને રેવાની વાત કરતો હોય તો એને આ કુદરતની શાળામાં જે પાઠ શીખવા મળે છે એની સરખામણીમાં પ્લે સ્કૂલનું પોપટિયું શિક્ષણ મને તો નકામું લાગે છે.’
‘હાશ, આજે તેં મારા મન પરથી મોટો બોજ ઉતાર્યો. હવે હું નિરાંતે સૂઈ શકીશ.’
‘નીતીશ, તારું એગ્રીકલ્ચરનું અને મારું માર્કેટીંગ નું ભણતર હવે આપણે ખેતીનું આધુનિકીકરણ કરવામાં કામે લગાડીશું. ઓન લાઈન માર્કેટીંગનો ઓપ્શન વિચારવા જેવો છે. રાગી અને કિનોવાના ઑર્ડર તો અત્યારથી મળવા માંડ્યા છે.’
‘તારા સાથથી મને નવું બળ મળ્યું છે ગાર્ગી. હવે મને લાગે છે કે, આપણે કંઈક અર્થસભર કામ કરવા અહીં આવ્યાં છીએ. આપણે ઘણાં લોકોને રોજી- રોટી આપી શકીશું.’
‘તારો ખૂબ આભાર ગાર્ગી,..’ ખુશ થઈને નીતીશ આગળ કંઈ કહેવા જાય ત્યાં અવાજ આવ્યો, ‘ટ્વિચ, ટ્વિચ’
બંને ખુશ થઈને એક સાથે બોલી ઊઠ્યા, ‘અરે, આ તો કલ્લી.’
(શ્રધ્ધા થવાઈતની હિંદી વાર્તાને આધારે) – આશા વીરેન્દ્ર