નવેમ્બરનો ચોથો ગુરુવાર અમેરિકામાં થેન્ક્સ-ગિવિંગ ડે તરીકે મનાવાય છે અને તે દિવસે દેશમાં જાહેર રજા હોય છે. તે પછીનો દિવસ – શુક્રવાર-અમેરિકામાં બ્લેકફ્રાઈડે તરીકે ઓળખાવાય છે અને એ દિવસે વેપારીઓ મોટા પાયે સેલ જાહેર કરે છે, જેની રાહ લોકો લાંબા સમયથી જોતા હોય છે. દુકાનો સામે રાત આખી લોકો લાઈન લગાવી બેસતા હોય અને દુકાન ખૂલતાં જ ખરીદી માટે ધસારો થતો હોય. પણ હવે ઓનલાઈન ખરીદી સરળ થવાને કારણે લાઈનોમાં ઊભા રહેવાને બદલે કોમ્પ્યુટર પર ક્લિક કરી ખરીદી કરવાનું સહેલું હોય છે. પણ તેની કિંમત સમાજે ભોગવવી પડે છે. એક વ્યક્તિને જે વસ્તુ ખરીદવાનું આજે સસ્તું લાગે છે તે સરવાળે સમાજ માટે સસ્તું હોતું નથી. એમેઝોનમાં કામ કરતા કામદારોનાં ચૂંથાઈ ગયેલાં શરીર, ઉત્પાદન માટેનાં આંબી ન શકાય તેવાં લક્ષ્યાંકોને કારણે થતો માનસિક ત્રાસ અને થાક, ઊંચે જતી કાર્બન ફૂટપ્રિંટ અને ગ્રાહકના ખિસ્સામાંથી જતી ઉદાર ટેક્સ સબસિડી. સમાજ જે કિંમત ચૂકવે છે તે આ છે.
એમેઝોનનાં 6 વિતરણ કેન્દ્રોના બે હજાર કરતાં વધારે કર્મચારીઓ જર્મનીના બર્લીનમાં 29 નવેમ્બર – બ્લેક ફ્રાઈડેથી બે દિવસની હડતાલ પર ઊતરી ગયા. એક દિવસમાં વસ્તુની ડીલીવરી કરવા દર 8 સેંકડે એક વસ્તુ ઉપાડવી પડે છે. રોજ 10 કલાક કરતાં વધુ સમય કામ કરવું પડે છે. અમેરિકાના મિનેસોટામાં એમેઝોનના કર્મચારીઓ 6 કલાક કામ ન કરીને વિરોધ વ્યક્ત કરે છે. તેમણે નંગ દીઠ મજૂરીને બદલે માસિક પગારની માંગણી કરી છે. વિશ્ર્વમાં એમેઝોનના 6.3 લાખ કર્મચારીઓ છે જેમાંથી અડધોઅડધ અમેરિકામાં છે. હવે એમેઝોનના કામદારો પોતાને ન મળેલ લાભો, સારા પગાર, સંગઠિત થવાનો અધિકાર અને રોબો સાથે હરીફાઈ કરી ન શકો તો કરારી સજાનો અંત લાવવાની માગણી કરી રહ્યા છે.
ઓર્ડર ઝડપથી પતાવવાની લાહ્યમાં કામદારો જ્યારે મોટા બોક્ષની ઊથલપાથલ કરે છે ત્યારે એમના હાથપગ ખેંચાઈ જાય છે, મોચ આવે છે, મશીનો વચ્ચે કચડાય છે, પડે છે અને મોટું જોખમ ઊભું કરે છે. એમેઝોનના વેરહાઉસની આસપાસ રહેતા લોકો વેરહાઉસની નોકરી પર નભતા હોય છે. થયેલા સંશોધન મુજબ 57% કામદારોને સરકાર દ્વારા અપાતા ફૂડ સ્ટેમ્પ એટલે કે રેશનના અનાજ પર જીવવું પડે છે કારણ એમેઝોનના પગાર બહુ ટૂંકા છે. જો કે હમણાં લોકમાગણી સમણ ઝૂકીને કંપનીએ પગારમાં થોડો વધારો વધારો જાહેર કર્યો છે પણ તે પણ જરૂરી લિવિંગવેજ કરતાં ઓછો છે. કામદારો કામને સ્થળે સલામતી અને આરોગ્ય માટે સમિતિ બનાવવાની માગણી કરે છે. ન્યુયોર્કમાં લોકઆંદોલન અને વિરોધને કારણે એમેઝોને પોતાનું નવું વડું મથક બાંધવાનું આયોજન પડતું મૂકવું પડ્યું છે.
આપણે જેને ગોડાઉન કહીએ છીએ તેને અમેરિકામાં વેરહાઉસ કહે છે. અમેરિકામાં 7000 જેટલા વેરહાઉસમાં દોઢ લાખ જેટલા કામદારો કામ કરે છે. અમેરિકામાં ઉદ્યોગોમાં અકસ્માતને કારણે થતાં મૃત્યુના સરેરાશ દર કરતાં વેરહાઉસ ઉદ્યોગનો દર ઊંચો છે. કારણ કે ત્યાં જોખમોનું વૈવિધ્ય ઘણું છે. આ ઉદ્યોગમાં રસાયણોને કારણે ઈજાઓ થતી હોય છે. ફોર્કલિફ્ટને કારણે દર વર્ષે અમેરિકામાં 100 કામદારોનાં મૉત થાય છે. અને 95000 જેટલા ઈજા પામે છે. વીજઝાટકાને કારણે પણ ઈજા, મૃત્યુના બનાવ બને છે. આગ લાગતી હોય અને તે કારણે પણ ઈજા કે મૃત્યુ થાય છે. ક્યારેક ફર્શ પર કે જમીનમાં ખાડા પડ્યા હોય કે કાણાં હોય તે કારણે અકસ્માતો થાય છે. ભારે મશીનોના ઉપયોગ અને હવે તો રોબોના કારણે પણ જોખમોમાં વધારો થયો છે. માલ ચઢાવવા અને ઉતારવા દરમિયાન ભારે વજન ઊંચકવાને કારણે પીઠ અને કમરનાં દર્દ થાય છે.
2018ના ડિસેમ્બરમાં અમેરિકાના ન્યુજર્સીમાં રોબિન્સવીલમાં આવેલા એમેઝોનના વેરહાઉસમાં રીંછને ભગાડવા માટેના રસાયણની બોટલમાં રોબોએ કાણું પાડી દીધું. તે કારણે ગેસ ફેલાયો અને 24 કામદારોને હોસ્પિટલમાં ભેગા કરવા પડ્યા. 255 કિલો જેટલું રસાયણ એ ડબ્બામાં ભર્યું હતું. આ રસાયણમાં મરચાંના ભૂકાનું દ્રાવણ હોય છે તે કારણે આંખોમાં બળતરા થાય. આ ડબ્બો કોઈ કારણસર ઘોડા પરથી પડી ગયો અને રોબોથી એમાં કાણું પડી ગયું.
કામદારોનાં સલામતી અને આરોગ્યનાં નબળાં ધોરણો માટે એમેઝોન કંપનીની ઘણી ટીકા થાય છે. 2015 અને 2017 વચ્ચેના ગાળામાં એકલી આ કંપનીમાં 600 વાર એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. ર્વિકી એલન નામની 49 વર્ષની કામદારે મે 2017માં ટેક્સાસ ખાતેની એમેઝોનની શાખામાં નોકરી લીધી પણ થોડા સમયમાં જ તેની ખુશી ઓસરી ગઈ. તેણે કહ્યું કે ત્યાં મેનેજરો તેને સતત તેના બાથરૂમના સમય, તેની ઉત્પાદકતા અને તેના કામ માટે સવાલો પૂછ્યા કરતા. કામને સ્થળે અકસ્માત થયા બાદ એલનથી નોકરી થાય તેમ ન હોવાથી તે ઘરવિહોણી બની છે. આજે અમેરિકામાં એમેઝોનનાં 140 જેટલાં કેન્દ્રો છે જેના દ્વારા ગ્રાહકોને માલ પૂરો પડાય છે. એ કારણે તેના માલિક જેફ બેઝોસ દુનિયાની સૌથી વધુ પૈસાવાળી વ્યક્તિ બની શક્યા છે. બેઝોસની સંપત્તિ 150 બિલિયન ડોલર છે.
ગયા વર્ષે ઑક્ટોબરમાં ઘોડા પરથી વસ્તુઓને પડતી અટકાવતા બ્રશગાર્ડનો એક નંગ શોધવા માટે એલન માલની ગણતરી કરતી હતી ત્યારે તેની પીઠને ઈજા પહોંચી. બ્રશગાર્ડની અવેજીમાં તેણે એક બીજું ખોખું વાપર્યું. અને પછી બહુ વિચિત્ર અંગમુદ્રામાં તેણે ગણતરી ચાલુ રાખી તે કારણે તેની પીઠમાં ઈજા થઈ. એ તો શરૂઆત હતી. તેણે નોકરી ચાલુ રાખી અને ઈજા વધતી ગઈ. કંપનીના ડૉક્ટરે તેને એક હિટીંગ પેડ વાપરવા આપ્યું જેથી પીઠને શેક થાય. પણ કંપનીએ તેને રજા પર ઉતારી દીધી અને તેને પગાર ચૂકવ્યો નહીં. આખરે એલને કામદાર વળતર ધારા હેઠળ વળતરનો દાવો કરવો પડ્યો. એલન જમણેરી હતી પણ તે પોતાનો જમણો હાથ ખેંચી શકતી ન હતી. તેથી તેને કામ કરવામાં તકલીફ પડતી હતી. એવું ત્રણ અઠવાડિયાં ચાલ્યું. તેના ઘરથી કામનું સ્થળ 60 માઈલ દુર હતું અને ત્રણ અઠવાડિયાં સુધી પોતાના ખર્ચે કામે જતી. ત્યાં કામે ન લે અને તેને ધોયેલા મૂળાની જેમ ઘરે પાછા ફરવું પડે. વળતર ધારા હેઠળ દાવો કર્યા પછી એની ફિઝિયોથેરાપી શરૂ થઈ. જાન્યુઆરી 2018માં તે કામે પાછી ફરી અને ફરી એ જ જગ્યાએ કામ કરતાં તેને ઈજા થઈ કારણ તેની કામ કરવાની પરિસ્થિતિમાં કોઈ સુધારા કરવામાં આવ્યા ન હતા. તે સારવાર માટે માંદગીની રજા પર ઊતરી ગઈ અને વધારાની બે અઠવાડિયાંની વગર પગારની રજા લીધી કારણ કામે જવા માટે પેટ્રોલ પુરાવવાના પૈસા પણ ન હતા. એપ્રિલ 2018માં તેનો એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યો જેમાં તેની પીઠમાં થયેલી ઈજાનો ઘા હજુ રુઝાયો ન હોવાનું દેખાયું પણ એ નિદાનના માત્ર પાંચ દિવસ બાદ એમેઝોનના કામદાર વળતર માટેની વીમા કંપની સેજવીકના ડૉક્ટરે તેને સારવાર આપવી બંધ કરી.
આખરે જૂન 2018માં કંપનીએ કામની એ જગ્યામાં સુધારા કર્યા. એલન કહે છે કે નાનકડું બ્રશગાર્ડ મૂકતાં તેમને 8 મહિના લાગ્યા. એમેઝોન ફુલ્ફિલ્મેન્ટ સેન્ટરમાં એ 2 જુલાઈએ અધિકારીઓને મળી અને પાછલા 9 મહિનામાં તેણે ભોગવેલી તકલીફોની રજૂઆત કરી. અધિકારીઓએ તેને એક અઠવાડિયાની ભરપગારે રજા આપવાની દરખાસ્ત કરી. પછી કશું ન બોલવાના કરાર પર સહી કરે તો 3500 ડોલર આપવાની દરખાસ્ત કરી. એલને આ દરખાસ્ત નકારી કાઢી. હાલ તે પોતાની કારમાં એમેઝોન ફુલ્ફિલમેન્ટ સેન્ટરની બહાર પડી રહે છે. તેમને કારણે તેનું ઘર ગયું એટલું જ નહીં, દિવસો સુધી ભૂખ્યા સૂઈ રહેવું પડે છે. ટાળી શકાય તેવી ઈજાનો ભોગ બનેલા અને જેમની સાથે કંપનીએ સારો વર્તાવ કર્યો ન હોય તેવા એમેઝોનના ઘણા કામદારો પૈકી એલન એક છે. 2018માં ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થની રાષ્ટ્રીય કાર્યકારણીએ અમેરિકામાં કામ કરવા માટે સૌથી જોખમી હોય તેવાં ડર્ટીડઝન કાર્ય-સ્થળોમાં એમેઝોનના વેરહાઉસનો સમાવેશ કર્યો હતો. કામદારોની સલામતી અને રોજગારી કરતાં કંપનીએ ઉત્પાદકતા અને કાર્યક્ષમતાને વધુ મહત્ત્વ આપ્યું હોવાને કારણે આમ થયું. ખૂબ મોટા પ્રમાણમાં આવતા ઓર્ડરોને પૂરા કરવા માટેના આગ્રહને કારણે વેરહાઉસના કર્મચારીઓ માટે કાર્યસ્થળ અસલામત બની ગયું.
ફ્લોરિડાના 43 વર્ષના બ્રાયન હીલને કામને સ્થળે પીઠની ઈજા થઈ અને તેની જાણ તેણે કંપનીને કરતાં જ ડૉક્ટર પાસે મોકલવાને બદલે તેને કાઢી મૂક્યો અને વળતર માટેનો દાવો પણ આગળ ન વધાર્યો. મેનેજરે તેને કહ્યું કે પીઠની ઈજા તારા જેવા યુવાનને થાય જ નહીં. પેન્સિલવેનિયામાં ક્રિસ્ટીનાને ઈજા થયા પછી પાંચ અઠવાડિયાં પછી કાઢી મૂકી. તેને ડાબા પગ અને પીઠમાં ઈજા થઈ. પીઠમાં થયેલી ઈજા કાયમી પ્રકારની છે. પાંચ અઠવાડિયાં પછી તેની હંગામી અપંગતાનું વળતર મળતું બંધ કર્યું જે તેને 26 અઠવાડિયાં સુધી મળવાપાત્ર હતું. તેણે એમેઝોનમાં બે વર્ષ કામ કર્યું તે પછી મેં 2017માં એક પત્ર દ્વારા તેને જાણ કરાઈ કે તેને હવે નોકરીમાં રાખવામાં આવતી નથી. કંપનીના આવા વલણને કારણે ઘણા કામદારો ઈજા પામ્યા હોવા છતાં તેની જાણ કંપનીને કરતા નથી. ક્યારેક તો કામદારને જે વચેટિયા કંપની દ્વારા નોકરીએ રખાયા હોય તેને માથે એમેઝોન કંપની નાખી દેતી હોય છે. તેવા સમયે કામદારોને તેમના કાનૂની અધિકારો મેળવવાનું વધારે દુષ્કર બની જાય છે. પરંતુ એમેઝોનના પ્રવક્તાનો દાવો છે કે તેમના માટે કામદારોની સલામતી પહેલી પ્રાથમિકતા છે. તેણે કહ્યું કે વિશ્ર્વમાં એમેઝોનના 5,60,000 કામદારો છે. છેલ્લા માત્ર એક વર્ષમાં જ નવી 1,30,000 રોજગારી તેણે ઊભી કરી છે. ભાવિ અકસ્માતો કઈ રીતે અટકાવવા તે અમે અનુભવોમાંથી શીખીએ છીએ. પરંતુ કામદારોના અનુભવો અને હકીકત તેનાથી વેગળા દેખાય છે.
બ્રિટનમાં આવેલા ટેસ્કોના એમેઝોનના ગોડાઉનમાં જીએમબી યુનિયનના 200 સભ્યો છે તે પૈકી 80%ને કામના ભારણને કારણે દુ:ખાવો થાય છે. એક સગર્ભા મહિલા કામદારે જણાવ્યું કે તેને 10 કલાકની પૂરી પાળી દરમિયાન ઊભા રહેવાની ફરજ પડાય છે. યુનિયનના કહેવા મુજબ તો સ્ટાફના કામની ઝડપ માપવા ત્યાં ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્યક્ષમતાના લક્ષ્યાંકો સિદ્ધ કરવાની લ્હાયમાં કામદારો પાણી પીવા કે બાથરૂમ જવાનું પણ ટાળતા હોય છે. આવા લક્ષ્યાંકોને કારણે જ એક સગર્ભા બહેનને ગર્ભપાત થઈ ગયો. આ મુદ્દો બ્રિટનના કામદાર યુનિયન સાથે સંકળાયેલા સંસદ સભ્યોની બેઠકમાં પણ ચર્ચાયો હતો.
એમેઝોને હમણાં એક રીસ્ટબેન્ડ (કાંડા પર બાંધવાનો પટ્ટો)ની પેટન્ટ લીધી છે. આ બેન્ડ જેણે પહેર્યો હશે તેની હિલચાલ પર કંપનીના અધિકારીઓ નજર રાખી શકશે. કર્મચારીએ ક્યાં હાથ મૂક્યો છે તે અધિકારી જાણી શકશે અને તેને ધૂ્રજારીની મદદથી બીજી દિશામાં વાળી શકશે. તે કારણે ઓર્ડરને સમયસર પૂરા કરવામાં મદદ મળશે. જ્યારે એમેઝોનને ઓનલાઈન ઓર્ડર મળે છે ત્યારે કર્મચારીના હાથમાં રહેલા કોમ્પ્યુટરમાં તેની વિગતો મોકલવામાં આવે છે. વિગત મળતાં જ કર્મચારીઓ ગોડાઉનમાં કયા ઘોડા પર તે વસ્તુ ક્યાં પડી છે તે શોધીને તેને ડિલીવરી બોક્ષમાં પેક કરીને બીજી ચીજ લેવા ભાગવાનું હોય છે. આવા સમયે રીસ્ટબેન્ડ પહેરેલા કામદારના હાથને યોગ્ય દિશામાં વાળવાનું કામ કરશે. એ કારણે કામની ઝડપ વધશે તેવી ધારણા છે. યંત્રમાનવ જ્યાં સુધી માણસનું સ્થાન સંપૂર્ણપણે નહીં લે ત્યાં સુધી આ કામ લાગશે. જો કે એમેઝોનમાં હજારો રોબો કામ કરે છે. તેની સાથે સ્પર્ધા કરી શકે તેવા કર્મચારી એમને જોઈએ જે એટલી જ ઝડપથી કામ કરે. 24 વર્ષના એક કર્મચારી આરોન કોલવે કહે છે કે રાતપાળીમાં વસ્તુને સ્કેન કરી યોગ્ય ગાડીમાં તેને મૂકવા માટે અમારી પાસે માત્ર 15 સેક્ધડનો સમય હોય છે. 2016માં બીબીસીની તપાસમાં જાણવા મળ્યું કે એમેઝોનના કર્મચારીને એમને આપવામાં આવેલા લક્ષ્યાંકો હાંસલ કરવા કોથળામાં મળ વિસર્જન કરવું પડે (ટોઈલેટમાં જવા અને આવવામાં સમય જાય ને !) અને કારમાં જ ઊંઘવું પડે છે. કર્મચારી કહે છે કે મારે સૌથી અગત્યની વાત રોબો સાથે થતી હોય છે.
સ્કોટલેન્ડમાં કર્મચારીઓને એટલો ઓછો પગાર અપાય છે કે કર્મચારીને ઘરે જવા-આવવાનો પ્રવાસ ખર્ચ પોસાતો ન હોવાને કારણે તેઓ ગોડાઉનની બહાર જ પડ્યા રહે છે. ત્યાં કામની સ્થિતિ અસહ્ય હોવાનું અને બીમારીને કારણે રજા પાડતા કર્મચારીઓને સજા કરાતી હોવાના આક્ષેપો થયા છે. શિયાળામાં પણ કામદારોને પોતાના ઘરે જઈને સૂઈ જવાને બદલે એમેઝોનના ગોડાઉનની બહાર જ પડ્યા રહેવું પડે તેવી સ્થિતિ માટે રાજકીય આગેવાનોએ કંપનીની ટીકા કરી છે.
સામાન્ય રીતે એક કામદારે દિવસ દરમિયાન 10 માઈલ જેટલું અંતર પગે ચાલીને કાપવું પડે છે અને પીવાના પાણીના બાટલા તો મોટાભાગે ખાલી જ હોય છે. કંપનીએ નાતાલની ખરીદીના ધસારાને પહોંચી વળવા 20,000 કામદારોની ભરતી એજન્ટો દ્વારા કરી છે, જે તેમના કામદારોની સામાન્ય સંખ્યા કરતાં બમણી છે. એજન્સીની બસ વ્યવસ્થા છે પણ તે માટે બસભાડું કામદારે ચૂકવવું પડે છે. બ્રિટનમાં કંપનીનાં 12 ગોડાઉન છે. ત્રણ વર્ષ પહેલાં ઓબ્ઝર્વર સામયિકના એક પત્રકારે છૂપા વેશે કામદાર બનીને પ્રવેશ કરી સ્થિતિ જોઈ અહેવાલ લખ્યો હતો તેમાં કામના લાંબા કલાક અને ઓછા વેતને લેવાતા ભારે શારીરિક કામ અંગે લખ્યું હતું. ઓવરટાઈમ ફરજિયાત કરવો પડે છે અને નવેમ્બર-ડિસેમ્બર જેવા ધસારાના મહિનાઓમાં અડવાડિક રજા પણ અપાતી નથી. જો કે કંપની આ બધા આક્ષેપો નકારતાં કહે છે કે અમે છેલ્લાં પાંચ વર્ષમાં હજારો નવી કાયમી નોકરીઓ આપી છે અને અમે કામના સ્થળે સારું વાતાવરણ અને સારા વેતન ચૂકવીએ છીએ તેથી જ લોકો દોડીને કામ કરવા આવે છે.
બ્રિટનના સ્વાનસી ખાતે આવેલા એમેઝોનના ગોડાઉનમાં છૂપા વેશે કામ કરીને લખેલ અહેવાલમાં કેરોલ નામની પત્રકાર જણાવે છે કે આ 8 લાખ ચો.ફૂટમાં પથરાયેલું વિશાળ ગોડાઉન છે જે 11 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલો વિસ્તાર થયો. અલબત્ત બ્રિટનમાં તેનું સૌથી મોટું ગોડાઉન 14 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલું મોટું છે. કંપનીની વેબસાઈટ પર તે દસ કરોડ જેટલી વસ્તુઓ વેચતી હોવાનું દેખાય છે. કેરોલને ક્ધવેયર બેલ્ટ પર ન મૂકી શકાય તેવી વસ્તુઓના વિભાગમાં કામ મળ્યું, જેમાં ડાયાબિટીસથી પીડાતા કૂતરાનો ખોરાક, કૂતરાનો બાયોઓર્ગેનિક શાકાહારી ખોરાક અને વધુ વજનવાળા કૂતરાઓનો ખોરાક, 52 ઈંચના ટીવી, મોટા કદના ટેક્સ ટોય વગેરે વસ્તુઓનો સમાવેશ થતો હતો. નોકરીના બીજા દિવસે મેનેજરે કહ્યું કે એ ગોડાઉન દ્વારા છેલ્લા 24 કલાકમાં 155,000 વસ્તુઓ પેક થઈ છે અને આવતીકાલ 2 ડિસેમ્બરે ઓનલાઈન ખરીદીના વર્ષના સૌથી વ્યસ્ત દિવસે આ આંકડો 450,000 પર પહોંચશે. દેશમાં આવાં 8 ગોડાઉનો પૈકીનું આ એક છે. ગયા વર્ષે એક દિવસમાં એમેઝોને 35 લાખ ઓર્ડર મેળવ્યા હતા. નાતાલ તેમના માટે વિયેટનામ મોરચે થયેલા યુદ્ધ જેવું હોય છે. તેમની આકરી કસોટી થાય છે અને પ્રચંડ ધસારો હોય છે. સૌથી વધુ અનુભવી મેનેજર પણ ભાંગી પડે છે અને રડી પડે છે. બ્રિટનમાં ક્રિસમસના દિવસોમાં 15 હજાર કામદારો કોન્ટ્રેક્ટ પર કામે રાખ્યા હતા. આવનારા ત્રણ વર્ષમાં ગોડાઉનોની સંખ્યા બમણી થશે એમ લાગે છે.
માણસનું કુટુંબ અને તેની જરૂરિયાતો, તેની આશા-આકાંક્ષા, તેના ડર અને તેનું ભાવિ આયોજન – આ એવી બાબતો છે જેમાં ટેકનોલોજીનું કંઈ ચાલતું નથી. જ્યાં બેકારી વધુ છે અને આર્થિક તકો ઓછી છે ત્યાં એમેઝોન જાણી જોઈને પોતાનું થાણું નાખે છે. વેલ્સ એક એવી જગ્યા છે જ્યાંની સરકારે એમેઝોનને પોતાનું થાણું નાખવા 88 લાખ પાઉન્ડની ગ્રાન્ટ આપી ! એમેઝોન દ્વારા નિયુક્ત એજન્સી નોકરી લેવા માટે આવતા લોકો પાસે ફોર્મ ભરાવે, એમને ડ્રગ કે દારૂની લત છે કે કેમ તે જોવા તેની તબીબી તપાસ થાય, વાંચતાં લખતાં કેવું આવડે છે તે જોવાય. તેમને પ્રક્રિયા સમજાવાય અને પછી પસંદ થયેલાઓનો ઇન્ટરવ્યુ થાય. ત્યાં તમને એક જણ સમજાવે, “જુઓ, હું ય તમારી જેમ જ કોન્ટ્રાક્ટ કામદાર તરીકે જોડાયો. મને થોડા દિવસમાં તો કાયમી કરાયો. પછી પ્રમોશન અપાયું અને બે વર્ષમાં તો હું એરિયા મેનેજર બની ગયો. નાતાલ પછી તો કંપની તમને કાયમી કરવાની છે અને જો તમે મહેનત કરશો તો તમે પણ કાયમી થશો.” આવા શબ્દોથી લોકો ભરમાઈ જાય અને નોકરી સ્વીકારી લે. પછી કાયમી કરે તે બીજા !
એક દંપતીને નોકરી મળી. એમને ઘરેથી નીકળી કામે પહોંચતાં એક કલાક થાય. સવારે પાંચ વાગે છોકરાંને ઉઠાડે અને માબાપને ઘરે એમને મૂકીને નોકરીએ જાય. 10.30 કલાકની પાળીની નોકરી પતાવી કલાકની મુસાફરી પછી એ છોકરાંને લેવા માબાપને ઘરે જાય અને એમને લઈ પોતાને ઘેર રાત્રે 9.30 વાગે પહોંચે. બીજા દિવસે પણ એ જ ક્રમ. પણ એ દિવસે બહેનને ઘૂંટણમાં ઈજા થઈ. તેણે એ જણાવવા ફોન કર્યો તો તેને એક પોઇન્ટ મળ્યો. આવા ત્રણ પોઇન્ટ મળે એટલે ઘરે બેસાડી દેવામાં આવે ! થોડા દિવસ પછી પણ તેનો ઘૂંટણ સૂજેલો હતો. તેને કાયમી થવું હતું. ઈજાને કારણે તેનો ‘પીકઅપ રેટ’ એટલે કે વસ્તુ ઉઠાવવામાં જતો સમય વધ્યો હતો, કામની ઝડપ ઘટી હતી. તેને સૂચના આપવામાં આવી કે આવતા અઠવાડિયે તમારા કામમાં એક કલાકનો વધારો થશે અને ફરજિયાત ઓવરટાઈમનો એક દિવસ વધશે. એટલે કે છોકરાંને 4.30 વાગે સવારે ઉઠાડવાં પડશે. હવે ત્રણ દિવસના સમયગાળામાં બાળકોને રાખનાર મળશે કે નહીં તેની ચિંતા આ દંપતીએ મેળવી છે.
નોકરીમાં રાખે ત્યારે જ કર્મચારીને જણાવી દેવાય છે કે અમારી કંપની ગ્રાહકને કેન્દ્રમાં રાખવાની બાબતે વિશ્ર્વમાં અવ્વલ નંબર ધરાવે છે. જો તમે મોડા પડશો તો તમારો અડધો પોઇન્ટ કપાઈ જશે અને એવું ત્રણ વાર થશે તો નોકરીમાંથી કાઢી મુકાશે. “મોડું” એટલે શું? એવા કર્મચારીના સવાલનો જવાબ મળ્યો, “એક મિનિટ કરતાં મોડું એટલે મોડું !” આઈએલએસઆર નામની કંપનીએ કરેલ સંશોધન મુજબ દુકાનોમાં 1 કરોડ ડોલરના વેચાણ માટે 47 કામદારોની જરૂર પડે છે. પણ એમેઝોન 1 કરોડના વકરા પર માત્ર 14 લોકોને કામે રાખે છે. બ્રિટનમાં 2012માં એનો ધંધો 4.2 અબજ પાઉન્ડનો હતો એટલે કે 23 હજાર નોકરીઓ એ ખાઈ ગઈ અને જેને એમેઝોનમાં નોકરી મળી એમાં કોઈનું ભાવિ ભાગ્યે જ સુરક્ષિત હતું. પ્રશ્ર્ન એ છે કે છૂટક નોકરીઓ દસ વર્ષમાં કેટલી બચશે ?
વર્ષ 2012માં 4.2 અબજ પાઉન્ડ વેપાર સામે કંપનીએ 32 લાખ પાઉન્ડનો વેરો ભર્યો હતો. કરવેરાના કાયદાના છીંડાનો એ પૂરો લાભ ઉઠાવતી હોય છે. 2006માં એણે બ્રિટનનો વેપાર લક્ઝમબર્ગમાં તબદીલ કર્યો અને બ્રિટનનો વેપાર માત્ર “ઓર્ડર ફુલફિલમેન્ટ” માટે હોવાનું જાહેર કર્યું. લકઝમબર્ગના કાર્યાલયમાં માત્ર 380 કર્મચારી અને બ્રિટનમાં 21,000. માંડો હિસાબ. “અમે નોકરીઓ આપીએ છીએ”ના બહાના હેઠળ એ લોકો રાજ્ય પાસેથી મસમોટી સબસિડી પડાવે છે પણ એ લોકો નવી નોકરી પેદા કરવાને બદલે બીજી સારી નોકરીઓનો ફેરબદલો માત્ર કરે છે.
જગતની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતી કંપનીની ‘જરૂરિયાતો’ અને કામદારોના જીવન વચ્ચેના સંઘર્ષની દાસ્તાન અંગે બીબીસીએ પણ એક ફિલ્મ બનાવી છે.
– જગદીશ પટેલ