શું શીખવે છે ‘કોરોના’ ? – ભાગ ૧

આજે યક્ષ પ્રશ્ન એ છે કે કોરોના જેવાં નવા જીવાણુઓ(સ્વાઇન-ફ્લુ, ઈબોલા, એચ.૧ એન૧. વગેરે) વિનાશ વેરતાં નજરે ચડે છે. તેમની ઉત્પત્તિ પાછળનું કારણ શું છે ?

નિસર્ગની રચનામાં પરસ્પર પૂરકતા છે, પરસ્પર નિયંત્રણ પણ. બુદ્ધિપ્રામાણ્યવાદી માનવે નિસર્ગના કેટલાક નિયમોને જાણ્યાં જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ. વિજ્ઞાન-પ્રાપ્તિનો અહંકાર મનુષ્યને એ હદ સુધી લઈ ગયો કે વૈજ્ઞાનિકતાની કસોટી પર જે સાચું નથી ઠરતું તે સત્ય જ નથી, એવી મનોધારણા વિજ્ઞાન-યુગની બની ગઈ. બુદ્ધિસંગત શોધથી પર એવું નિસર્ગનું એક ઘણું મોટું ક્ષેત્ર છે, જે બુદ્ધિના આકલનની બહાર છે, એ મનુષ્ય ભૂલી ગયો. પરિણામ સ્વરૂપ નિસર્ગના કોસ્મોસ-cosmosને ન સમજતા, બુદ્ધિથી નિસર્ગ પર વિજય પ્રાપ્ત કરવાના અહંકારે, નિસર્ગની પરસ્પર પૂરકતા અને નિયંત્રણને નુકસાન પહોચાડ્યું.

પર્યાવરણીય પ્રકૃતિના નિયમોની ઉપેક્ષાથી જે સંકટો ઊભાં થયા છે, તે કેટલાક આપણે સમજ્યા છીએ, પરંતુ નિસર્ગની પરસ્પર પૂરકતા અને પરસ્પર નિયંત્રણના પરિમાણ હજી વણસ્પર્શ્યા જ છે. આ સંકટો વ્યક્તિગત પરાક્રમોથી નથી ઉકેલાવાના, તેને માટે સામૂહિક શક્તિ લગાડવી જરૂરી છે. પરસ્પર પૂરકતા એ હદ સુધી નષ્ટ થઈ રહી છે કે આજે મનુષ્ય જ મનુષ્યની સામે ઊભો થઈ ગયો છે.

 મચ્છર અનિયંત્રિત થવાથી તેમના માધ્યમથી આવેલા રોગો- Japanese Encephalitis, ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા આપણે અનુભવેલાં જ છે. હવે નવાં-નવાં વાઈરસ જન્મ લઈ રહ્યાં છે, જેને માટે આપણી પાસે આજે ઉપાય પણ નથી. શરીરની પ્રતિકારક શક્તિ નબળી પડવાથી શરીર તેની સામે લડી શકતું નથી. વિજ્ઞાનને રસી(વેક્સીન) શોધવામાં એક – બે વર્ષ લાગી જાય છે. ત્યાં સુધી આ યમદૂત તબાહી કરી ચૂક્યા હોય છે. માનવસમાજ આજે વિવશતા અનુભવી રહ્યો છે.

આનો જવાબ શેમાં છે ? પ્રકૃતિના નિયમોને અનુકૂળ જીવન-પદ્ધતિ પુન:વિકસિત કરીને, શરીરની પ્રતિકારક શક્તિ વધારવી. આપણા પરિસરમાં પર્યાવરણીય સંકટોનો ઉપાય શું છે, તેની પુન:સ્થાપના શું હોઈ શકે, એ શોધવા સામૂહિક રીતે  ઝઝૂમવું.

આપણે ક્યાં ચૂકી ગયાં?

Photo by Edward Jenner on Pexels.com

૧. શરીર સાધન છે, તે સ્વસ્થ રહેવું જોઈએ. શરીરધર્મ નિભાવવા માટેનું સાધન શરીરશ્રમ છે અને તે શુદ્ધ પોષણ પણ છે. પ્રકૃતિની માંગ છે કે લગભગ ચાર કલાકનો શરીરશ્રમ રોજ શરીરધર્મના નિભાવ માટે આવશ્યક છે. આપણે બુદ્ધિજીવી અને શ્રમજીવી એમ બે વર્ગોમાં વહેંચાઈ ગયાં છીએ. બુદ્ધિજીવી વર્ગ ‘બીના શ્રમ ખાવે ચોર કહવે’ની શ્રેણીમાં આવે છે. બુદ્ધિજીવીઓ સમાજમાં લગભગ બધી સત્તા (શાસનસત્તા, અર્થસત્તા, વ્યવસાયિક સત્તા, ધર્મસત્તા અને લિંગસત્તા) હડપી લે છે.  સત્તાના સંરક્ષણ માટે સમાજમાં હિંસા આધારિત વ્યવસ્થાઓ(કાયદો, પોલિસ, સૈન્ય…) પણ વિકસે છે. સત્તા એ શોષણની તેમજ હિંસાની વાહક છે, અસમાનતાની જનની છે. પ્રકૃતિ ‘પ્રેમના નિયમ’ને ત્યાગીને ‘શક્તિના નિયમ’થી સમાજ સંચાલિત કરવામાં આવે છે. સમાજના વિઘટનનો આ આરંભ છે.

 આપણે શ્રામ આધારિત અને શ્રમપ્રતિષ્ઠિત જીવન તરફ સામૂહિક રૂપે વળવું પડશે. શ્રમ કર્યા વગર કોઈ સમાજમાં રહી જ ન શકે(અપંગ, બીમાર, વૃદ્ધ વ્યક્તિઓ સિવાય) એવી સમાજ વ્યવસ્થા ગોઠવવી પડશે. ટૂંકમાં કૃષિ-આધારિત, શ્રમપ્રતિષ્ઠિત જીવનને માર્ગે ચાલવું જોઈશે. ગાંધી રસ્કિનના પુસ્તક ‘Unto This Last’(સર્વોદય) –  માંથી જે ત્રીજો બોધ પામ્યાં હતા તે હતો – ‘ખેડૂતનું જીવન સૌથી મંગલમય જીવન છે’ – ઉપરોક્ત બાબત એ વાતની સાક્ષી પૂરે છે.

૨. કુદરતી સંસાધનો (જળ, જંગલ, જમીન) પર શ્રમ કરીને મનુષ્ય જીવવા માટેની જરૂરી વસ્તુઓ – અનાજ, શાક,ફળ…. જેવા ખાદ્યપદાર્થ(લક્ષ્મી) મેળવે છે. તેને ધરતી માતાએ શ્રમને બદલે આપેલ પ્રસાદ માનીને તે પોતાનું પોષણ કરે છે. જુદાં અર્થમાં કહીએ તો શ્રમ જ લક્ષ્મી છે. પ્રસાદ લક્ષ્મીનું સગુણ રૂપ છે. લક્ષ્મીને સંગ્રહ નથી કરી શકાતી(પરિગ્રહ નથી કરવા દેતી) કારણ કે અનાજ એ નાશવંત-perishable છે. લક્ષ્મીને વહેંચી શકાય છે અને સમાજ જીવનને સમૃદ્ધ કરી શકાય છે. લક્ષ્મી સમતા મૂલક સમાજની દેવતા છે. તેનો વાસ શ્રમજીવી સમાજમાં છે.

  બુદ્ધિજીવી સત્તાધારીઓએ બજારની રચના ઘડી. જ્યાં વસ્તુ વિનિમય પદ્ધતિ(વસ્તુની લેણદેણ) ને સ્થાને વિનિમયના સાધનના રૂપમાં non-perishable રૂપિયાને લાવ્યા. રૂપિયા સંગૃહીત કરી શકાય છે, તેથી બુદ્ધિજીવીઓના હાથમાં શોષણનું આસુરી સાધન બની જાય છે ‘લફંગો રૂપિયો’. શરીરશ્રમ કર્યા વિના બુદ્ધિજીવી રૂપિય સંગ્રહી શકે છે, કારણ કે શરીરશ્રમ અને બુદ્ધિશ્રમની બજારમાં રૂપિયામાં અંકાતી કિમતમાં કાયદાકીય રીતે મોટું અંતર છે. ગાંધીજીએ રસ્કિનના પુસ્તક – અન ટૂ ધીસ લાસ્ટ (સર્વોદય) થી મેળવેલો બીજો બોધ ”વાળંદનું  અને વકીલનું મહેનતાણું સમાન હોવું જોઈએ” –ના આપણે લીરે લીરાં ઉડાવી દીધાં છે. પ્રકૃતિના સંકેત લેબર કરન્સી ( બુદ્ધિશ્રમ અને શરીરશ્રમ-નું સમાન મૂલ્ય) ને આપણે આપણી કાગ બુદ્ધિથી છાપરે મૂકી દીધો છે.

પ્રકૃતિના સંકેતો અનુસાર શ્રમજીવી અને બુદ્ધિજીવી વર્ગનું વળતર રોકડ યા વસ્તુ સ્વરૂપે સમાન જ હોવું જોઈએ. બુદ્ધિજીવીની કુશળતાનું વળતર, પ્રતિષ્ઠાના રૂપમાં સમાજ પાસેથી મળવું જોઈએ. આ શ્રમ-મુદ્રા વ્યવહારમાં નહી ઉતરે ત્યાં સુધી સમતામૂલક અર્થરચના (ઈકોનોમી ઑફ પરમાનન્સ) દુર્લભ છે.

આનો અર્થ એવો છે કે રોજેબરોજના જીવનમાં રુપિયાનું મહત્વ જેટલું ઓછું કરી શકાય(આદર્શ તો કંચન મુક્તિ છે) એટલે કે બજારથી મુક્તિ થાય, તેટલા આપણે લફંગા રૂપિયાથી થતાં શોષણથી મુક્ત થઈશું. જેટલી આપણે લક્ષ્મીની ઉપાસના કરીશું તેમ તેમ આપણે અહિંસક સમાજના માર્ગ પર આગળ વધીશું. બજાર મુક્તિની સાથોસાથ અસ્તેય અને અસંગ્રહ, સ્વદેશી, સાદગી અને શરીર શ્રમ – વ્રતો જોડાયેલા હશે. શરીરશ્રમનો વ્રતધારી સમાજના આભૂષણ સમાન બની રહેશે.

૩. અર્થવ્યવસ્થાના પાયા પર સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક જીવનની ઇમારત ઊભેલી છે. ડૉ. જે. સી. કુમારપ્પા પોતાના પુસ્તક  ‘ચિરંજીવી અર્થશાસ્ત્ર’માં કુદરતની વ્યવસ્થાઓને આ રીતે સમજાવે છે:

  • પરોપજીવી અર્થવ્યવસ્થા( પેરાસાઇટ ઈકોનોમી) આનું માનવભક્ષી સ્વરૂપ છે. આ કોઈપણ પ્રકારના લાભનું સ્થાન નષ્ટ કરનારી વ્યવસ્થા છે. એમાં કશું અર્પવાની કલ્પના જ નથી હોતી. દા.ત. – ચિત્તો.
  • આક્રમક અર્થવ્યવસ્થા (પ્રિડિટરી ઈકોનોમી) અર્થાત લૂંટફાટ સ્વરૂપ. જેમાં કશું આપ્યા વીના ફાયદો લેવાની પ્રવૃત્તિ હોય છે. દા.ત. – ખિસ્સાકાતરું.
  • પુરુષાર્થયુક્ત અર્થવ્યવસ્થા(ઈકોનોમી ઑફ એન્ટરપ્રાઇઝ) એટલે કારોબાર ચાલતો હોય તેવું માળખું. આમાં મહેનત અને ફાયદાનો ઉચિત સમન્વય થાય છે. આમાં પહેલા આપીને પછી લેવાનું હોય છે. આમાં અધિકાર અને ફરજનું સંતુલન હોય છે. દા.ત. – પંખીઓ.
  • સમૂહ પ્રધાન અર્થવ્યવસ્થા (કોરોગેશન ઈકોનોમી) એટલે સંઘ-પ્રધાન સ્વરૂપ. આમાં વ્યક્તિના હિતથી સમૂહના હિતને પ્રાધાન્ય અપાય છે. આમાં અધિકાર કરતાં ફરજ વધુ મજબુત હોય છે. પોતાના હિસ્સા કરતાં વધુ ભાગ આપવો એ તેની વિશેષતા છે. દા.ત. – મધમાખી.
  • સેવા પ્રધાન અર્થવ્યવસ્થા (ઈકોનોમી ઑફ સર્વિસ) અર્થાત કોઈ વળતરની ચિંતા ન કરતાં બીજાનું ભલું કરવાનું હોય છે. આમાં નિઃસ્વાર્થ ભાવથી આપવાનું હોય છે. દા.ત. – માતા.

આ પાંચેય વ્યવસ્થાઓ ઉત્તરોત્તર શુદ્ધ પ્રકાર વધુમાં વધુ સ્થિરતા તેમજ અહિંસાના ક્રમમાં દર્શાવી છે.

અન્ય બધાં પ્રાણીઓ જ વ્યવસ્થિત રીતે કુદરતના નિયમોનું પાલન કરે છે. તેમને પોતાની ‘ઇચ્છા’ના ક્રિયાન્વયન કરવાનો કોઈ અવકાશ નથી. તે પોતાના જન્મજાત સ્વભાવ અનુસાર કામ કરે છે, જે કુદરતને અનુકૂળ હોય છે.

મનુષ્યની નિસબત અથવા મુશ્કેલી એ છે કે તેને ‘સ્વતંત્ર બુદ્ધિ’ હોય છે. આ સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ યોગ્ય દિશામાં કરવામાં આવે તો મનુષ્ય જ્ઞાનપૂર્વક કુદરતના એકમોમાં વધુ સહયોગ નિર્માણ કરી શકશે. પરંતુ આનાથી વિપરીત જો ખોટી રીતે ‘સ્વતંત્ર બુદ્ધિ’નો ઉપયોગ કરશે તો તે કુદરતની વ્યવસ્થામાં ઘણી ઉથલપાથલ મચાવીને અંતે નષ્ટ થઈ જશે. બુદ્ધિના દુરુપયોગથી મનુષ્યની પ્રવૃત્તિ વિકૃત થઈ જાય છે અને મનુષ્ય પોતાના પાડોશીને પ્રેમ કરવાનો શાશ્વત ધર્મ છોડીને સ્વાર્થ અને લિપ્સામાં લિપ્ત થઈ જાય છે. અંતમાં આજ બાબત દુનિયાની વસ્તુઓ પર પોતાની માલિકી સ્થાપિત કરવાની પ્રવૃત્તિમાં પરિવર્તિત થઈ જાય છે.

સારાંશ, એ છે કે મનુષ્ય જો કુદરતના નિયમોનો સ્વીકાર કરે અને ઉત્તરોત્તર ઊંચા સ્તર સુધી પહોચવાનો નિર્ણય કરે તેમજ સંયમ અને શિસ્ત પૂર્વક વર્તવા માટે તૈયાર હોય તો સ્થાયી વિકાસની મંજીલ સુધી પહોંચી શકે.

આધુનિક માનવ-સમાજ ઈકોનોમી ઑફ એંટર્પ્રાઈસીસની હદથી ઉપર ઊઠતો નજરે નથી પડતો. ‘શક્તિના નિયમ’માં તે ફસાઈ ગયો છે. આસુરી સભ્યતાથી માનવીય સભ્યતાના પડાવે પહોંચવા માટે ‘પ્રેમના નિયમ’ને આચરણમાં ઉતારવો પડશે.

4. જ્યાં સમૂહ ભેળો રહે છે ત્યાં શાસન જરૂરી છે. આજે ભારતવર્ષમાં પ્રતિનિધિક લોકશાહી(Representative Democracy) છે. બહુમતના આધાર પર પ્રતિનિધિ ચૂંટાય છે. પક્ષીય રાજકારણની રચનામાં પાર્ટીના નેતાઓ, (જે ગણ્યાગાઠ્યા જ હોય છે) સર્વાધિકાર ભોગવતા હોય છે. તેથી આજનું પ્રાતિનિધિક લોકતંત્ર હૂકુમશાહી(Authoritarian) વ્યવસ્થાનું પાડોશી બની ગયું છે. પ્રકૃતિ સાથે એકરૂપતા પામવી હોય તો સહયોગી લોકતંત્ર ( Participatory Democracy) વિકસાવવું જરૂરી છે. જેને માટે વિનોબાજીએ ‘સ્વરાજ્ય શાસ્ત્ર’ પુસ્તકમાં ‘સર્વાયતન’ શબ્દ વાપર્યો છે. સમાજનું સૌથી વિકેન્દ્રિત એકમ-ગામથી આની શરૂઆત થવી જોઈએ. આ જ એકમથી એટલે કે ગામના સ્તરથી ઈકોનોમી ઑફ સર્વિસ તરફ પગલાં ભરવા પડશે.

ગામ-સ્તરથી સહભાગી લોકતંત્રમાં ગ્રામસભા (જેમાં દરેક ઘરમાં એક પુરુષ અને એક સ્ત્રી હશે) સર્વોપરી હશે, ગ્રામપંચાયત નહીં. ચૂંટણી નહીં થાય, સર્વાનુમતિથી નિર્ણય લેવાનો નિયમ હશે. ગામ સંબંધિત બધાં નિર્ણયો લેવાનો અધિકાર ગ્રામસભાનો રહેશે. ગ્રામસભાની પાસે તેનો પોતાનો ગ્રામ કોષ હશે. ગામના પરિસરના જળ-જંગલ-જમીનના અધિકાર ગામની પાસે રહેશે. ગામનો કર્મચારીગણ ગ્રામસભામાંથી વેતન મેળવશે. ગ્રામ-સ્વાવલંબનથી ગ્રામ સશક્તિકરણ આકાર પામશે.

સારાંશ એ કે ગાંધી-વિનોબા-જયપ્રકાશના સપનાનું આ ગ્રામ સ્વરાજ્ય હશે. આવા સ્વતંત્ર ગામોના એકમોના સંગઠન(federation)થી રાષ્ટ્ર-સ્તર સુધી શાસન રચના આકાર લેશે. ગાંધીએ સૂચવેલ Oceanic Circleની શાસન રચના. સર્વાનુમતિથી નિર્ણય લેવાનો નિયમ પરસ્પરાવલંબી શ્રમજીવી સમાજને એક માળામાં પરોવશે.

ઉપરોક્ત આખો વિચાર  દિવા સ્વપ્ન(આદર્શલોક લાગે છે. ગામસ્તર પર ગ્રામ-સ્વરાજ્યનું આ સ્વપ્ન ગઢચિરોલી જિલ્લાના મેંઢા(લેખા) આદિવાસી-ગામે વ્યવહારમાં ઉતારીને બતાવ્યું છે. ‘મુંબઈ-દિલ્હીમાં આપણી સરકાર, અમારા ગામમાં અમારી સરકાર’નું સૂત્ર તેણે આપ્યું છે. પોતાના પરિસરના જંગલમાં ગ્રામસભાએ પોતાનો અધિકાર પ્રસ્થાપિત કર્યો છે.

આ સ્વપ્ન વિનોબાજીએ જોયેલું. ભૂદાન આંદોલનનું આરોહણ ‘ગ્રામદાન’માં થયું. ‘ગ્રામદાન કાયદો’ પણ બન્યો. આમ રાજનૈતિક ઇચ્છાશક્તિ હોય તો ગામ-સમાજ ઉત્ક્રાંત(ઉત્ક્રાંતિ પામેલ) સમાજ વ્યવસ્થા તરફ પગલાં માંડી શકે છે. આ લાંબી લડાઈ છે. પણ જો વિશ્વાસ હોય કે દિશા યોગ્ય છે તો આરંભ ક્યાંથી કરીશું ? ગામના એકમથી તે કરાશે. કૃષિ-સંસ્કૃતિથી જ તે કરાશે. શ્રમજીવી સમાજથી જ તે થશે. સમતા, બંધુતા અને સ્વતંત્રતાના સામાજિક મૂલ્યો શ્રમજીવી સમાજમાંથી જ આપણને મળશે. શ્રમજીવી સમાજ ‘લક્ષ્મી’ની આરાધના પોતાના સ્વાવલંબન માટે કરશે, તો સમતા મૂલ્ય સાથે-સાથે જ પ્રસ્થાપિત થશે. શ્રમજીવી સમાજ પરસ્પરાવલંબન વગર જીવી નથી શકતો એટલે બંધુત્વનું મૂલ્ય સમજાશે. સર્વાનુમતિથી નિર્ણય લેવાની આચારસંહિતા(નિયમો) શાસનને સહભાગી બનાવશે અને વ્યક્તિગત સ્વાતંત્ર્ય ખિલશે, સ્વૈરાચાર પર કાબુ આવશે.

કયા કયા પગલાં લેવા પડશે ?

૧. આજે લાચારીથી ખેતી કરવાવાળો ખેડૂત તેને બુદ્ધિપૂર્વક કરે અને આગલા પગથિયે ભક્તિપૂર્વક, બુદ્ધિપૂર્વક ખેતી કરવાનો અર્થ છે, પ્રકૃતિના નિયમોનો અભ્યાસ કરીને ખેતી કરે. ખેતીનું વિજ્ઞાન સમજે. ખેતરના શેઢે પાળ બાંધીને માટી અને વર્ષા-જળ વહીને જવા ન દે. સજીવ ખેતી કરવા માટે નીંદણનાશક, રસાયણિક દવાઓ, રસાયણિક ખાતર, હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ ન કરે. પર્યાવરણની સુરક્ષા માટે ખેતરની ચારે બાજુ મોટા વૃક્ષોની દીવાલ ઊભી કરે. ખેતરનો કચરો ન સળગાવવાને બદલે તેનું સારું ખાતર બનાવીને ધરતીને પાછું આપે. છાણ અને ગૌમૂત્રને સેંદ્રિય ખેતી માટે સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવે.

ખેતી ભક્તિપૂર્વક કરવાનો મતલબ છે – પ્રકૃતિક ખેતી, સાતત્યપૂર્ણ ખેતીની રાહે ચાલવું. ધરતી માતા પાસેથી પ્રાપ્ત થનારા પ્રસાદમાં જ સમાધાન માનવું.

૨. બજાર માટે ખેતી ન કરીએ. પાક આયોજન-Crop Planning માં જૈવવિવિધતા-Biodiversity હોય. સ્વાવલંબન માટે ખેતી કરીએ. ધરતી માતા જેટલા પ્રકારના પ્રસાદ આપી શકે છે, તેમને પોતાની ખેતીમાં રોપીએ. એકપાકીય(monoculture) ઉત્પાદનના બંધાણી ન થઈએ. બજાર મુક્તિ આપમેળે સધાશે અને લફંગા રૂપિયાની જરૂરિયાત તેટલી જ ઓછી થશે. સાત્વિક, સ્વાવલંબન, સાદાઈવાળા જીવનને ગતિ મળશે. કપાસથી કાપડ સુધીનું સ્વાવલંબન, તેલીબિયાંથી તેલનું સ્વાવલંબન, શેરડીથી ગોળનું સ્વાવલંબન, શાકભાજી-ફળ-અનાજનું સ્વાવલંબન સાધી શકાયું છે. બજાર-મુક્તિને પગલે આગળ વધીએ. સજીવ ઉત્પાદનો પોષક આહાર આપશે અને શરીરશ્રમ તેમાં ઉમેરાતા શરીર-ધર્મ પણ નિભાતો રહેશે. વૃક્ષોને કારણે પર્યાવરણ-સંતુલન તરફ આગળ વધીશું. સ્વાવલંબનથી સશક્તિકરણ થશે- empowerment આવશે.

૩. કૃષકના જીવનમાં સહયોગ વિશેષ રૂપે શ્રમ-સહયોગ અવશ્યંભાવી છે. પરસ્પરાવલંબનથી સંબંધો બનશે. સર્જનની સામુહિકતા શ્રમજીવી સમૂહને સ્વસ્થ જ બનાવશે.

૪. પોતાના પરિસરના જંગલનો પર અધિકારની  માંગણી કરી શકાય.

૫. સહભાગી સંસ્કૃતિના નિર્માણ માટે સત્તા-વિસર્જન જરૂરી છે. ગ્રામસભાના સંગઠન અને સર્વાનુમતિથી નિર્ણય લેવાની આચારસંહિતાથી ઇચ્છિત આકાર લેતું અમે ‘મેંઢા’ગામમાં અનુભવ્યું છે.

૬. સમાજની માનસિકતામાં ઉત્ક્રાંતિ આવતાં ગ્રામદાનનો વિચાર સમજીને ગ્રામદાન કાયદાના અંતર્ગત ગ્રામસભા સંગઠનને રસ્તે જવાનું વિચારી શકાય.

– ઉલ્હાસ જાજુ (૦૨/૦૪/૨૦૨૦)

ડૉ. ઉલ્હાસ જાજુ, સેવાગ્રામ વર્ધા હોસ્પિટલમાં ફિસિશિયન તરીકે વર્ષો સુધી સેવા આપી. તેમજ સેવાગ્રામ મેડિકલ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. ઊલ્હાસભાઈ માત્ર ડૉકટર જ નહિ એક સંવેદનશીલ વ્યક્તિ અને સમાજ સાથે નિસ્બત ધરાવતા મૌલિક વિચારક છે. તેમણે ડૉકટરી સેવા ઉપરાંત વર્ધા જિલ્લાના ગામોમાં સ્વાવલંબન, ખાદી ઉત્પાદનના અનેક કામો પણ કર્યા છે.

Featured Photo by Anna Shvets from Pexels

One thought on “શું શીખવે છે ‘કોરોના’ ? – ભાગ ૧

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s