ઝરીના ક્યારની એના ફ્લેટની બાલ્કનીમાં ચૂપચાપ ઊભી હતી. અનિતા ઑફિસેથી આવીને હાથમાં કૉફીનો મગ લઈને બાલ્કનીમાં આવે ને બેઉની ગપ્પાગોષ્ટિ ચાલુ થતી, ‘ઝરીનાભાભી, આજ ખાનેમેં ક્યા બનાનેકા પ્લાન હૈ?’
આમ તો ઝરીના ગુજરાતી પાડોશમાં રહીને ઘણું સારું ગુજરાતી બોલતી થઈ ગઈ હતી પણ અનિતાથી એની સાથે હિંદીમાં જ બોલાઈ જતું.
‘હજી તો કંઈ વિચાર્યું નથી. પણ જો સલીમને ભાવતું બનાવીશ તો એ મારા શોહરને નહીં ખાવું હોય અને મુસ્તાકની ફરમાઈશનું બનાવું તો સલીમનું મોઢું બગડશે.’
બંને જણીઓ ખડખડાટ હસી પડતી. અત્યારે પણ ઘડીભર ઝરીનાને લાગ્યું કે અનિતા કહી રહી છે, ‘શું કરો છો ભાભી? ચાલો, કૉફી પીવા આવી જાવ.’
એનાથી નિ:સાસો નખાઈ ગયો. પ્રેમ અને ભાઈચારાથી હળી-મળીને રહેતા આ પાડોશીઓની જિંદગીમાં છેલ્લા થોડા દિવસોમાં કેવી ઉથલ-પાથલ મચી ગઈ હતી! એને આજેય બરાબર યાદ હતો એ દિવસ જ્યારે એ લોકો નવાં નવાં આ સોસાયટીમાં રહેવા આવ્યાં હતાં. સાંજે એ નીચે બાંકડા પર સલીમને રમાડતી બેઠી હતી ત્યારે પરાણે વ્હાલો લાગે એવો ચિરાયુ દોડતો આવ્યો હતો. હાથ લંબાવીને એણે સલીમને પૂછ્યું હતું, ‘મુજસે દોસ્તી કરોગે?’ એની પાછળ જ આવેલાં એનાં મમ્મી- પપ્પા અનિતા અને અરુણ હસી પડ્યાં હતાં. અરુણે સ્નેહથી સલીમને માથે હાથ ફેરવતાં કહ્યું હતું,’
‘બેટા. હવે તું અને ચિરાયુ બેઉ દોસ્ત બની જજો હં!’
મુસ્તાક ઑફિસેથી આવ્યો કે તરત ઝરીનાએ ખુશ થતાં કહ્યું હતું,’સામેના ફ્લેટમાં રહે છે એ બહુ મજાનાં લોકો છે. મને આજે પહેલી મુલાકાતમાં જ એમણે ભાભી કહીને બોલાવી. આપણે મુસ્લિમ છીએ એનાથી એમને કંઈ ફરક પડતો હોય એવું જરાય ન લાગ્યું.’
બંને પરિવાર વચ્ચે ધીમે ધીમે ઘરોબો બંધાતો ગયો. સલીમ ને ચિરાયુ એક જ સ્કૂલમાં જતા. ઘરે આવે ત્યારે અનિતા ન હોય એટલે સલીમ પરાણે ચિરાયુને પોતાને ત્યાં ખેંચી જતો,’ ચાલને યાર, મારી અમ્મીએ આપણે માટે બોર્નવીટા બનાવી રાખ્યું હશે.’ તો રવિવારે સલીમના ધામા ચિરાયુને ઘરે જ હોય. કૉલેજમાં આવ્યા ત્યારે બંને મિત્રોએ એક જ કૉલેજમાં એડમિશન લીધું. મલાડથી સવારે લોકલ પકડીને બેઉ સાથે બોરીવલી જતા ને સાંજ ની ટ્રેનમાં કૉલેજથી પાછા ફરતા. ગાઢ સહવાસે મૈત્રીની ગાંઠને વધુ મજબૂત બનાવી હતી.
11 જુલાઈ ને મંગળવારને દિવસે સલીમે ચિરાયુને રિસેસમાં કહ્યું હતું , ‘ચિરાયુ, મારાં દાદી અમ્મા બહુ માંદા પડી ગયાં છે. એમને દહીંસરની હૉસ્પિટલના આઈ.સી.યુ. માં દાખલ કર્યાં છે. અમ્મી ઘરેથી એમની પાસે જવા નીકળી ગઈ છે અને અબ્બુ ઑફિસેથી સીધા હૉસ્પિટલ જશે.’
‘ ઓહ, વેરી સૉરી, પણ તને કેવી રીતે ખબર પડી? અંકલનો ફોન હતો?’
‘હા, અબ્બુનો ફોન હતો અને કહેતા હતા કે આજે રાત્રે તો એમણે અને અમ્મીએ હોસ્પિટલમાં જ રહેવું પડશે એટલે મારે હવે કૉલેજથી સીધા મામુને ઘરે જવાનું છે. આજે હવે હું તારી સાથે ઘરે નહીં આવું. કાલે કૉલેજમાં જ મળીશું.’
તે દિવસે મુંબઈમાં પાંચ સ્થળે બોંબ ધડાકા થયા અને એમાં ટ્રેનમાં બેઠેલા ચિરાયુનો ભોગ લેવાયો. આ ગોઝારા ખબર મળતાં જ સોસાયટીમાં માતમ છવાઈ ગયો. આડોશી-પાડોશી સૌ અરુણ અનિતાને પડખે તો ઊભા પણ બધાની નજર સલીમના ઘરના તાળા પર જતી હતી. એમાંના કોઈકે કહ્યું, ‘રોજ તો સલીમ અને ચિરાયુ કૉલેજથી સાથે જ આવે છે ને, તો આજે એ કેમ દેખાતો નથી?’
‘એ તો નથી દેખાતો પણ એનાં મા-બાપ પણ ક્યાં છૂ થઈ ગયાં? ઝરીના તો ચિરાયુને પોતાનો દીકરો માને છે ને!’
‘અરે એ તો બધું દેખાવનું! મેં તો અનિતાને કેટલી વાર સમજાવેલી કે આ ‘જાતવાળા’ નો બહુ ભરોસો ન કરાય. ભલું પૂછો, સલીમ ક્યાંક આતંકવાદીઓ સાથે ભળેલો હોય અને એણે જ…’
ખલાસ! ઘાસની ગંજીમાં આગ લાગી ચૂકી અને બધું ભડભડ બળવા લાગ્યું. બીજે દિવસે હૉસ્પિટલથી ઘરે આવેલાં ઝરીના અને મુસ્તાકને આ સમાચાર ધરતીકંપના આંચકા જેવા લાગ્યા. બેબાકળા થઈને ચિરાયુનાં ઘરે પહોંચેલા એ બેઉને સગા-સંબંધીઓએ અનિતા-અરુણ સુધી પહોંચવા જ ન દીધાં,
‘એમને બહુ સખત આઘાત લાગ્યો છે. વાત કરી શકે એવી સ્થિતિ માં જ નથી.’
સલીમ તો કૉલેજમાં ખબર મળતાં જ પાગલની જેમ અનિતાને મળવાનું રટણ લઈને બેઠો. ‘મારે મમ્મીને મળવું છે,’ પણ એને ય ઉંબર પરથી પાછા ફરવું પડ્યું. એને કહેવામાં આવ્યું,
‘તને જોઈને અનિતાને ચિરાયુ યાદ આવી જશે. હમણાં તું એને ન મળે તો સારું.’
એકાએક આ શું થઈ ગયું? ત્રણમાં થી કોઈને સમજાતું નહોતું કે અચાનક લોકોની નજરમાં એમને માટે શંકા કેમ ડોકાવા લાગી? કોમવાદનું આ ઝેર કોણે ફેલાવ્યું?
સજળ આંખે ઝરીના આવું વિચારી રહી હતી ત્યાં બેલ વાગી. લાલચોળ આંખો અને વિખરાયેલા વાળ સાથે આવેલી અનિતા ઝરીનાને ભેટી પડીને કહેવા લાગી,
‘ભાભી, તમારો લાડકો દીકરો ગયો ને તમે કોઈ આટલા દિવસથી અમને મળવા પણ ન આવ્યાં? હું તમારી કેટલી રાહ જોતી હતી…’
અનિતાનો અવાજ સાંભળીને બાજુના રુમમાંથી સલીમ દોડી આવ્યો અને એના પગ પાસે ઘૂંટણિયે પડીને રડતાં રડતાં કહેવા લાગ્યો,
‘મમ્મી તમે કહો એની કસમ, હું કંઈ નથી જાણતો. કોઈ ચિરાયુનાં મોત માટે મને જવાબદાર ગણે એના કરતાં તો હું મરવાનું પસંદ કરું.’
અનિતાએ એને ઊભો કરીને ગળે વળગાડી દીધો અને કહેવા લાગી, ‘ગાંડા,મરવાની વાત ક્યાં કરે છે? હવે તું ફક્ત આ બંનેનો સલીમ જ નથી રહ્યો. હવે તો તારે અમારા બેઉના ચિરાયુ પણ બનવું પડશે. અમારો આધાર બનીશ ને દીકરા?’
સલીમને માથે સ્નેહથી હાથ ફેરવતાં અનિતાની આંખો ચોધાર વરસી રહી.
(કવિતા જોશીની મરાઠી વાર્તાને આધારે) આશા વીરેંદ્ર