ગામડાંને સ્વયં પ્રકાશ બનાવવા માટે ગ્રામશાળા એ બીજું પાસું છે.
1. શાળા શબ્દ ભણવા સાથે જોડાયેલો છે. કહે છે કે થોડું ભણે એ કામ છોડે અને ઝાઝું ભણે તે ગામ છોડે. કેટલાંયે મા-બાપ ઇચ્છે છે કે પોતાના છોકરા ભણી ગણીને સારી નોકરી મેળવીને સુખી થાય. કાળજાતોડ જાતમહેનતથી બચે અને સુખ ભોગવે.
2. મા-બાપનું આવું માનસ કેમ બન્યું? એમણે જોયું કે સમાજમાં શ્રમિકની પ્રતિષ્ઠા નથી. અને શ્રમ મૂલ્યની અવગણના થાય છે. શહેરી વર્ગ ઓછી મહેનતે વધુ મહેનતાણું મેળવે છે. તેથી આજની શાળા-કોલેજો રોગભૂમિ છે, જે વાયરસ ફેલાવે. તે જ્ઞાનગંગોત્રી નથી.
3. તેમાંથી ગામડાંને મુક્ત કરવા અને સાચા જ્ઞાન સાથે પ્રવૃત્ત કરવાનો પ્રયોગ કરવા જેવો છે. ગ્રામ જીવનને સમૃદ્ધ કરવા ગ્રામશાળા છે.
4. તેનો હેતુ જીવન યોગ શિક્ષણનો, આજીવન શિક્ષણનો, કહેતા અબાલ-વૃદ્ધ શિક્ષણનો છે. આમ શાળા એ ગ્રામજીવનને મજબૂત કરવાનું એક મહત્ત્વનું પાસું બને છે.
5. આ હેતુ પાર પાડવા
1 કુદરત સાથે દોસ્તી કરવી.
2. ખેતી-પશુપાલન કરવું.
3 ‘માટીધન’ વધારવું.
4. જીવન મંગલમય અને રસમય બનાવવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવી.
5. તનને આરોગ્યવાન અને મનને ચારિત્ર્યવાન બનાવી, પુરુષાર્થ સહુ માટે વાપરવો. એટલે કે સહુના ભલા માટે વ્રતો પાળવાં.
6. ગ્રામશાળામાં વિવિધ વયજૂથની લાક્ષણિકતા અને જુદી જુદી ઋતુઓના હવામાનને ધ્યાનમાં લઈને સમય આયોજન કરવું. તે મુજબ ગ્રામશાળાની પ્રવૃત્તિ ગોઠવવી.
7. આ ગ્રામશાળા ગામમાં વસનારા ગ્રામજનોના સહયોગ થકી ચાલશે. આ ગ્રામજનો જાત અનુભવે ત્રણ ક્ષેત્રે નિપુણ બનશે. જરૂર જણાય તો પ્રશિક્ષણ મેળવશે (1) માટીધન (2) પરિવારમાં સંસ્કાર સિંચન (3) સમાજ જીવનના પ્રશ્નોને ઉકેલવાની સામૂહિક વિચારણા કહો અથવા સંવાદ સહયોગની કેળવણી.
8. આ ત્રણેય ક્ષેત્રના અનુભવી તાલીમ પામેલા ગ્રામજનો ગ્રામશાળા ચલાવશે એટલે કે એવી પ્રવૃત્તિ ચલાવશે. જેથી
1. દરેક પરિવારને તાજાં શાકભાજી અને તાજી પોષક રસોઈ મળી રહે.
2. દરેક પરિવારને કામ ધંધો મળી રહે.
3. દરેક પરિવારમાં સંસ્કાર સિંચનનું કામ થાય એટલે કે પ્રાર્થના, યોગાસન, સંગીત, રમત-ગમત, સદ્ સાહિત્ય, સારાં નાટક, ચિત્રકળા અને સુશોભન. વાર તહેવારની ઉજવણી, પ્રવાસો અને જ્ઞાનસત્રો, વગેરે થતાં રહે.
4. દર બે માસે બદલાતી ઋતુઓ અનુસાર જાગૃતિ શિબિર યોજાય.
5. દર માસે આયોજન બેઠક થાય, જેમાં ગ્રામજીવનની જરૂરિયાતોની વિચારણા થાય અને તેની જરૂરિયાતો પાર પાડવાની યોજના ઘડાય. તેની સામગ્રી ‘માટીધન’ થકી અને માનવ શક્તિ ‘ગ્રામશાળા’ થકી મેળવાય.
9. પૂરો સહયોગ મળી રહે તો આ બધાં કામો ધીરે ધીરે, ત્રણ-ચાર વર્ષે આકાર પકડશે પણ તેનો આરંભ તો ચાલુ સાલથી જ કરવાનો થશે.
પ્રયાસ, માંગરોળ, મો. : 9428105909 – મહેન્દ્ર ભારતી