સંયુક્ત રાજ્ય અમેરિકા (યુ.એસ.એ.)માં ૧૫૦ વર્ષ પહેલાં કાયદાથી અશ્ર્વેત (આફ્રિકન અમેરિકન) લેાકોની ગુલામીનો અંત આવ્યો તેને ગેરકાયદેસર ઠેરવવામાં આવી. તેમ છતાં, આજે પણ વર્ણભેદ, અશ્વેતો પ્રત્યેના ગંભીર પૂર્વગ્રહ તથા તેમને થતા અન્યાયનો સામનો દેશ આખામાં આ સાથીઓને કરવો પડે છે.
આંકડાઓ બતાવે છે કે શ્વેત અમેરિકનો પોલીસની ગોળીએ મરે તેના કરતાં અશ્વેતો પોલીસની ગોળીએ માર્યા જાય તેની સંખ્યા બમણી છે. ૨૦૨૦ની સાલમાં થયેલા જ્યોર્જ ફ્લોય્ડ, બ્રેઓના ટેયલર અને અહમદ આર્બરીનાં પોલીસને હાથે થયેલાં મૃત્યુ એ બાબતને ઉજાગર કરે છે કે અશ્વેતોને માત્ર તેમની ચામડીના રંગને લઈને જ ગુનેગાર ઠેરવી દેવાય છે. સોશિયલ મીડિયાને કારણે ઇતિહાસમાં પહેલી વાર રાજ્ય અને શ્વેત નાગરિકો દ્વારા અશ્વેતો પ્રત્યે થતી હિંસા અને તેમના પર થતા દમનની બાબત હવે માત્ર અશ્વેતો પૂરતી સીમિત નથી રહી.
આ હિંસાના ફોટા, દૃશ્યો તથા તેના સમાચાર ગુલામીની કાયદેસરની નાબૂદી છતાં અશ્વેતો ઉપર તંત્ર દ્વારા ગુજારાતી માળખાકીય હિંસા તાદૃશ્ય કરે છે. ટ્રેવિયન માર્ટિન નામના ૧૭ વર્ષના અશ્વેત વિદ્યાર્થીને ધોળે દહાડે ગોળીએ મારનાર શ્વેત વ્યક્તિને ૨૦૧૩માં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો. એના વિરોધમાં Black Lives Matter નામની જે ઝુંબેશ સોશિયલ મીડિયામાં શરૂ થઈ તેણે યુ.એસ.એ.માં આ આંદોલનનાં બીજની ભૂમિકા ભજવી.
આ આંદોલન દુનિયાને શું સંદેશો આપી રહ્યું છે ?
- અશ્વેતો પર શ્ર્વેત લોકોનું પ્રભુત્વ અને માળખાકીય દમન બંધ થવું જોઈએ.
- ચામડીનો રંગ ગમે તે હોય, દરેક જિંદગીનું મૂલ્ય સમાન છે.
- ગુલામી અને વંશભેદનાં ચિહ્નોનું આ દુનિયામાં કોઈ વજૂદ નથી. પછી તે પૂતળાં હોય, પ્રથા-રીતિ-રિવાજ હોય કે વ્યવસ્થા હોય.
- પોલીસને અમર્યાદ સત્તા અને તેની પાછળ ખર્ચાતાં સંસાધનો પર લોકોનું નિયંત્રણ હોવું જરૂરી છે.
- જાહેરનાણાંનો ઉપયોગ પોલીસતંત્રમાં કરવાને બદલે આરોગ્ય કે શિક્ષણ જેવી બાબતોમાં થવો જોઈએ.
આજનું આ આંદોલન આવા મુદ્દાઓને ઉજાગર કરતા અનેક પ્રયાસોની અભિવ્યક્તિ છે. આમ કરવું જરૂરી છે કારણ કે, હિંસા દેખીતી છે અને માળખાકીય પણ છે, જે સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં જુદા જુદા પ્રસંગે જોવા મળે છે. જેને લીધે અશ્ર્વેત લોકોની બાદબાકી થતી રહે છે ને તેઓ હાંસિયા પર ધકેલાતા રહે છે. આ વંશભેદની નીતિ અને સંસાધનોની અસમાન વહેંચણી જ શ્ર્વેત લોકોનું પ્રભુત્વ અને પોલીસનું દમન તેમજ શ્ર્વેત અને અશ્વેતો વચ્ચેની ખાઈ વધારતું જાય છે તેમજ સ્થાપિત હિતોને પોષે છે. દાખલા તરીકે યુ.એસ.ની જેલ વ્યવસ્થામાં વેપારી સ્વાર્થને લીધે વધુ લોકોને જેલમાં ધકેલાય છે. પરિણામે શ્ર્વેત લોકો કરતાં પાંચગણા અશ્ર્વેતો જેલમાં જાય છે.
એવું માનવાની જરૂર નથી કે અશ્વેતો પ્રત્યે થતી હિંસાનો ભોગ માત્ર કાળા પુરુષો જ બને છે. જેવું પુરુષો સાથે બને છે તેવી જ હિંસા અશ્ર્વેત બહેનો પર પણ આચરવામાં આવે છે. વર્ષ ૨૦૧૫માં સેન્ડ્રા બ્લેક નામની ૨૮ વર્ષની બહેનને ટ્રાફિકના નિયમના ભંગ બદલ જેલમાં મોકલી દેવાઈ અને ત્રણ દિવસ પછી જેલમાં તેનું મૃત્યુ થયું ! તેવી જ રીતે બ્રેઓના ટેલર જે એક આરોગ્યકર્મી હતી, તે પોતાના ઘરમાં સૂતેલી હતી ત્યારે પોલીસે તેને ગોળી મારી હતી. આ પ્રસંગો બાદ અશ્ર્વેત બહેનો પર પોલીસ દ્વારા થતી હિંસા સામે પણ એક સશક્ત આંદોલન #Say Her Name (તેનું નામ પોકારો) ઊભું થયું. આ રીતે હિંસાનો ભોગ બનતી બહેનો માત્ર એક આંકડો – કાગળ પરની સંખ્યા ન બની રહે તેને માટે લોકો મથી રહ્યા છે.
આજના આંદોલનનું સૌથી પ્રચલિત વાક્ય છે, “મારો શ્ર્વાસ રૂંધાય છે.” આ શબ્દો એરીક ગારનાર નામની અશ્ર્વેત વ્યક્તિએ મરતાં પહેલાં ૧૧ વખત ઉચ્ચાર્યા હતા. પોલીસે પોતાના પગ વડે ગારનારનું ગળું દબાવ્યું હતું જેને લીધે તેનું મૃત્યુ થયું. તેનો ગુનો; તે ગેરકાયદેસર સિગારેટ વેચી રહ્યો હતો. ન્યૂયોર્ક શહેરની ૨૦૧૫ની આ ઘટના. આ વર્ષે મે મહિનામાં જ્યોર્જ ફ્લોય્ડનું ગળું પોણાનવ મિનિટ સુધી પોલીસે પોતાના પગથી દબાવી રાખ્યું.
જ્યોર્જ બોલતો રહ્યો, ‘મારો શ્ર્વાસ રૂંધાય છે’. અન્ય પોલીસકર્મી જોતા રહ્યા. ઘટનાના કેટલાક દર્શકોએ પોલીસને સમજાવવા, તેને છોડવા પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે જ્યોર્જના ગળા પરનું દબાણ છોડ્યું નહીં અને પહેલાના અસંખ્ય અશ્વેત લોકોનું જે થતું આવ્યું છે તે જ થયું, જ્યોર્જ બચ્યો નહીં. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ છેલ્લા થોડા વખતમાં પોલીસ દ્વારા પકડેલા અને જાન ગુમાવનારા ૭૦ લોકોએ ‘મારો શ્વાસ રૂંધાય છે’ એવા ઉદ્ગાર કાઢ્યા હતા – છતાં પોલીસે તેમને છોડ્યા ન હતા.
એક અભ્યાસ મુજબ સંયુક્ત રાજ્ય અમેરિકામાં દર ૩૦ સેક્ધડે એક વ્યક્તિની ધરપકડ થાય છે. વર્ષે એક કરોડ લોકો જેલમાં ધકેલાય છે, જેમાંના ૮૦% જેટલા લોકો કાયદાના મામૂલી ભંગ માટે જેલમાં જાય છે. દર એક લાખ નાગરિકોએ ૨૩૦૦ અશ્ર્વેત જેલમાં છે જ્યારે ૪૫૦ શ્ર્વેત લોકો જેલમાં છે. યુ.એસ.એ.ની વસ્તીમાં આફ્રિકન અમેરિકન (કાળા વર્ણના)ની વસ્તી ૧૪% હોવા છતાં આવા આંકડા છે તે એક ચોંકાવનારી બાબત છે.
કોરોના કાળમાં ‘મારો શ્વાસ રૂંધાય છે’ નો અક્ષરશ: એક બીજો અર્થ પણ થાય છે. કોરોનાનો ચેપ લાગનાર વ્યક્તિઓમાં અશ્ર્વેતોનો મૃત્યુદર ગોરા લોકો કરતાં ઘણો વધુ છે. આપણે જાણીએ છીએ કે કોરોનાથી થતાં મૃત્યુ શ્ર્વાસ ન લઈ શકવાને લીધે થાય છે. આ રોગના શિકાર અશ્ર્વેત લોકો વધુ બની રહ્યા છે કારણ કે તેઓમાંના મોટી સંખ્યાના લોકો આરોગ્યકર્મી છે કે ખાવાનું પહોંચાડનાર સેવાઓમાં સંકળાયેલા હોવાથી પોતે સુરક્ષિત રહેવા ઘરે બેસી શકતા નથી.
અશ્વેત લોકોમાં ઊંચા મૃત્યુદરનું મહત્ત્વનું કારણ સારી ગુણવત્તા વાળી આરોગ્ય સેવાનો અભાવ પણ છે. તથા મૂળમાં આરોગ્ય વ્યવસ્થાના માળખામાં અવિશ્વાસ (કારણ કે ગરીબ હોવાથી તેમની સાથેનો વ્યવહાર ઓરમાયો રહેવાનો)ને લીધે સારવાર માટે પહોંચવામાં થતો વિલંબ વગેરે અશ્વેતોના ઊંચા મૃત્યુદર માટે જવાબદાર છે. કોવિડ-૧૯ના આ સમય દરમ્યાન પોલીસ દ્વારા અશ્વેત લોકો પ્રત્યે આચરાતી સીધી-દેખીતી હિંસા અને વ્યવસ્થાની હિંસાને કારણે દેશમાં ગુસ્સો અને દર્દ બંને ઠીક ઠીક પ્રમાણમાં વ્યાપ્ત છે.
કોરોનાને લીધે રોજબરોજની ભાગદોડને બદલે લોકો ઘરે હતા, સમાચાર વધુ જોતા હતા. કદાચ તેથી જ્યોર્જ ફ્લોય્ડ અને બ્રેઓના ટેલરના મૃત્યુનો જાણે અગાઉ ન લાગ્યો હોય તેટલો આઘાત લોકોએ અનુભવ્યો. પચાસ વર્ષથી યુ.એસ.એ.માં રહેતાં મારાં ગુજરાતી માતા-પિતા પણ કહેવા લાગ્યાં કે અશ્ર્વેતો સાથે થતું વર્તન ખરેખર આંખો ઉઘાડનારું છે. તેઓ કંઈ વંશભેદથી અજાણ હતાં એમ નહીં. પરંતુ અશ્ર્વેતો સાથે થતા અન્યાય, તેમના પર થતી સતત હિંસા અને સમાચાર માધ્યમોમાં દર્શાવાતા હિંસાના અસંખ્ય બનાવો, મૃત્યુના અહેવાલો તેમજ તેનાં દૃશ્યો જ્યારે તેમણે જોયાં અને સાંભળ્યા ત્યારે જ તેમને પરિસ્થિતિની ગંભીરતાનો સાચો ખ્યાલ આવ્યો અને આઘાત લાગ્યો. એક રીતે જોઈએ તો આ લોકડાઉને આપણામાંના ઘણાને જરા થોભીને, આપણે જે દુનિયામાં રહીએ છીએ તેમાં આપણી શી ભૂમિકા હોવી ઘટે તે અંગે વિચારવાની તક આપી છે.
હિંસાનાં મૂળિયાં જ્યારે આટલાં ઊંડાં હોય, અન્યાયનો ઇતિહાસ જ્યારે આટલો લાંબો હોય અને ભોગ બનનારો સમાજ જ્યારે આટલો મોટો હોય ત્યારે ઘણી વાર લોકજુવાળ ઊભો થાય છે. અને ત્યારે તેમાં માત્ર અન્યાયનો ભોગ બનનારો વર્ગ માત્ર આગળ આવે છે તેમ નહીં પરંતુ તેમાં સ્વસ્થપણે વિચારનારા, નિસ્બત ધરાવનારા, સંવેદનશીલ નાગરિકો… એમ બધા જ જોડાય છે, આગળ આવે છે. મે માસમાં થયેલા જ્યોર્જ ફ્લોય્ડના મૃત્યુ પછી થયેલાં વિરોધ પ્રદર્શનોમાં કાળા લોકો, દક્ષિણ અમેરિકી મૂળના હિસ્પેનીકસ લોકો, ભારતીયો, ગોરાઓ વગેરે બધા જ ભળ્યા, લોકડાઉનનો પણ ભંગ કર્યો.
એક સર્વે મુજબ ૨૫મી મેથી ૧૩ જુલાઈ વચ્ચે દુનિયાનાં ૪૧૪૦ શહેરોમાં ૧.૫થી ૨.૫ કરોડ લોકો આ દેખાવોમાં ભળ્યા. રોજના સરેરાશ ૧૪૦ શહેરોમાં દેખાવો થતા હતા. અમેરિકા, બ્રિટન, યુરોપમાં ગુલામી, વંશભેદ, શ્ર્વેત પ્રભુત્વના પ્રતીકસમા દા.ત. ગુલામી કરાવનારા – ગુલામોના માલિકો-નાં પૂતળાં જમીનદોસ્ત કરવામાં આવ્યાં. આ પ્રદર્શનકારીઓને સત્તાવાળાઓએ જ્યારે કોરોનાનું જોખમ દેખાડ્યું ત્યારે તેમનો જવાબ હતો – “અશ્ર્વેત લોકોએ કાં તો પોલીસની હિંસાથી રસ્તા પર મરવાનું છે અથવા કોરોનાથી. પરંતુ હવે ચૂપ નહીં રહેવાય !” અશ્વેતો ઉપર થનારી હિંસા વિશે મૌન બેસનાર અથવા તેને સાંખી લેનારાઓ માટે સૂત્ર અપાયું ‘ White Silence is Violence ‘ – “શ્વેતોનું મૌન એ હિંસા છે.”
યાદ રહે, અહિંસાનો, સંવેદનશીલતાનો અને ન્યાયનો પાઠ માત્ર યુ.એસ.એ. અને યુરોપે જ નહીં દલિતો, મુસ્લિમો અને આદિવાસીઓ બાબતે ઘર આંગણે પણ શીખવાની જરૂર છે.
– ડૉ. શિવાની પટેલ
(આસિસ્ટંટ પ્રોફેસર ઑફ ગ્લોબલ હેલ્થ, એમરી યુનિવર્સિટી, એટલાન્ટા, યુ.એસ.એ.)