ગૂજરાત વિધાપીઠની સ્થાપના કઈ રીતે થઈ એનો હું સાક્ષી છું. આરંભમાં ત્યાં થોડું ઘણું ભણાવવાનું કામ પણ મેં કર્યું છે. એ વખતે હું સાબરમતી આશ્રમમાં રહેતો હતો અને રોજ અહીં ભણાવવા આવતો હતો. આવતી વખતે ચાલતો આવતો હતો, પરંતુ પાછા જતી વખતે દોડતો જતો હતો. ૪૫ મિનિટનો એક વર્ગ હું લેતો હતો.
સાબરમતી આશ્રમમાં પણ ગીતા વિષેના મારા વર્ગ ચાલતા હતા. એ વર્ગ સવારે ચાલતા અને એમાં ૫-૪ વિધાર્થી રહેતા. બપોરે ત્રણ વાગે બીજો એક વર્ગ લેતો અને સાંજે પ્રાર્થનામાં પણ બોલતો હતો. બપોરના ગીતાના વર્ગમાં કેટલાક વિદ્યાર્થીઓને દોડીને આવવું પડતું હતું, એવી સમયની ખેંચ રહેતી હતી. આમ, આરંભમાં કંઈક કસાયેલું જીવન હતું. હવે સંસ્થા ધીરે ધીરે વિકસિત થઈ રહી છે, સાથોસાથ એમાં કંઈક સુવિધાઓ પણ વધી રહી છે.
ઉત્તમ ખોરાક મળવો જોઈએ
વિદ્યાર્થી-જીવનમાં ઉત્તમ ખોરાક મળવો જોઈએ, કેમ કે વિધાર્થીઓનું શરીર વિકસતું રહેતું હોય છે. મના ખોરાકમાં કાંઈ કમી નહીં રહેવી જોઈએ. વિધાર્થીઓને એવી બધી સુવિધાઓ મળવી જ જોઈએ. જો કે સુવિધાવાળા જીવનની આદતો જીવનમાં કાયમી થઈ જાય તો, અધિક પુરુષાર્થ નહીં કરી શકે અને ગામડાંમાં રહીને કામ નહીં કરી શકે. ગામડાંમાં શહેરો જેવી સુવિધાઓ ના હોય.
વ્યાસ ભગવાને તો “મહાભારત’માં લખી દીધું છે, “सुखार्थिन: कुतो विद्या, विधार्थिन: कुतो सुखम् ” યાને સુખાર્થીઓને વિદ્યા ક્યાં અને વિદ્યાર્થીઓને સુખ ક્યાં ? આમ, સુખાર્થી અને વિદ્યાર્થી, એવા બે ભાગ સમાજના થઈ ગયા. યદ્યપિ વિધ્યાર્થીઓને આત્માનંદ, વિદ્યાનન્દ, ગુરુસેવા અને એવાં બીજાં ઘણાં સુખ હોય છે.પરંતુ સુખનો પ્રચલિત અર્થ છે : સુવિધાઓ મળવી. એ સુવિધાઓ એમને મળી શકતી નથી; અને જો તેઓ શારીરિક સુખ ચાહે છે, તો એમને વિધા મળી શકતી નથી.
શરીર સશક્ત કરવું જોઈએ
મારું શરીર તો પહેલેથી નબળું જ હતું. જો મેં શરીરને ક્યું ના હોત; ઠંડી, ગરમી, વરસાદ આંધી વગેરે સહન કરવાની શક્તિ કેળવી ના હોત, તો આ ભૂદાન-યાત્રામાં ટકી શક્યો ન હોત. સાત-આઠ વર્ષથી આ યાત્રા ચાલી રહી છે અને કોણ જાણે ક્યાં સુધી ચાલશે ! કયારેક ક્યારેક તો જ્યાં વધુમાં વધુ વરસાદ પડે છે, ત્યાં પણ સતત ચાલતો રહ્યો. જેમ કે કેરળમાં ૧૭૫ ઈંચ વરસાદ થાય છે. ચાર વર્ષ પહેલાં જ્યાં સૌથી વધુ ઠંડી પડી છે, ત્યાં યાત્રા ચાલી. ગરમીમાં બાંદદા અને નાલગુંડા જેવા જિલ્લાઓમાં જ્યાં ૧૧૮-૧૧૯ ડિગ્રી તાપમાન હોય છે, ત્યાં યાત્રા ચાલી.
જાણીબૂઝીને એ રીતે યાત્રાનું આયોજન થતું નથી. પણ એવું કરવું પડે છે. તેમ છતાં શરીર સાથ આપી રહ્યું છે, કેમે એવા જીવનની બાળપણથી આદત પાડી છે. એ અત્યારે કામ આવી રહી છે. માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં શરીર મજબૂત બને એમ હું ઇચ્છું છું. સારો ખોરાક મળે તો શરીર મજબૂત બને. કસાયેલું જીવન જ મધુર જીવન છે. જીવનમાં માધુર્ય કાયમ ટકી રહે એવું જીવન ઘડવું જોઈએ. જો કે વચ્ચે વચ્ચે ઉપવાસ પણ કરતા રહેવું જોઈએ. માટે આપણા પૂર્વજોએ વચ્ચે વચ્ચે ઉપવાસની યોજના પણ ઘડી રાખી હતી.
અભ્યાસમાં તન્મયતા રહેવી જોઈએ
પ્રકૃતિ આપણી મિત્ર છે. ખૂબ વરસાદ વરસે, તો આપણો મિત્ર મળવા આવ્યો છે એમ સમજવું. ગરમીમાં માટી તપે અને પછી એના પર વરસાદ પડે, તો સારો પાક થાય. એ રીતે આપણું શરીર પણ માટી છે, એને સૂર્યનારાયણનો સ્પર્શ થવો જોઈએ. પ્રકૃતિનાં આ તત્ત્વો આપણાં મિત્ર છે અને મિત્રૂપમાં જ એમનું સ્વગાત આપણે કરવું જોઈએ. વિધાભ્યાસ વખતે એવી તન્મયતા હોવી જોઈએ કે શું ખાઈ રહ્યા છીએ એની જીભને ખબર પણ ના પડે.
મારી બા રસોઈ કરતી વખતે ભજનો ગાયા કરતી હતી. ઘણાં ભજન એને યાદ હતાં. રસોઈ કરતી જાય અને સ્તોત્ર-પાઠ કરતી જાય. એમાં ક્યારેક મીઠું નાખ્યું કે નહીં એ ભૂલી જાય. કોઈ વખત બે વાર મીઠું નંખાઈ જાય. વધારે મીઠું ખાવાની એને આદત પણ હતી. સૌથી પહેલાં ખાઈને હું કૉલેજ ચાલ્યો જાઉં. રસોઈમાં મીઠું વધારે છે કે ઓછું એ તો મારા ધ્યાનમાં આવતું પણ નહીં. મારા પિતા જમવા બેસે ત્યારે કહે કે, અરે ! આમાં તો મીઠું વધારે છે. રસોઈ પહેલાં ચાખી લેવાનું બા માટે શક્ય નહોતું. કેમ કે એ ભગવાનને ધરાવતી હતી. હું કૉલેજથી આવું ત્યારે મને કહેતી, ““અલ્યા વિન્યા, મીઠું વધારે પડ્યું હતું, પરંતુ તેં તો મને કહ્યું પણ નહીં.” હું કહું, “મને એનો ખ્યાલ જ નહોતો રહ્યો.”
કહેવાનો મુદ્દો એ છે કે અભ્યાસમાં આવી તન્મયતા રહેવી જોઈએ. વિદ્યાર્થીને અસ્વાદ રૂપમાં નહીં, પણ આવી તન્મયતા સહેજે સાધ્ય થવી જોઈએ. આ તન્મયતાની કસોટી છે. અસ્વાદવ્રત અને કસાયેલું જીવન વિદ્યાર્થીઓ માટે જરૂરી છે. આ રીતે તમે શરીર – મનને કેળવશો તો મને આશા છે કે જે સેવા માટે તમે તૈયાર થઈ રહ્યા છો, એ સેવા તમે જરૂર કરી શકશો.
પ્રવકતા : વિનોબા
(અમદાવાદ, ૨૧-૧૨-૧૯૫૮ : ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ વચ્ચે. હિંદી પરથી અનુ. અમૃત મોદી)