અમે, મિત્રો અને સાથીદારો, સ્નેહથી તેમને ‘ઇન્દુભાઈ’ કહીને જ બોલાવતા. સામાજિક ક્ષેત્રે કર્મશીલોની ભૂમિ હવે સંકોચાઈ રહી છે અને ઇન્દુભાઈના નિધનથી આ ખોટ વધી છે. ૭૭ વર્ષની એમની જિંદગીમાંથી એમનાં લખાણ, વક્તવ્ય, રજૂઆત અને કાર્યક્રમો દ્વારા ૪૧ વર્ષ જેટલો લાંબો સમય તેમણે ગરીબો-શોષિતોની વેદનાને વાચા આપવામાં વીતાવ્યો.
જિંદગીના અંતભાગમાં તેઓ નિરાશામાં સરી પડ્યા હતા. તેમને લાગતું હતું કે, શોષકો અને તેમની શોષણની જાળ વધુ ને વધુ મજબૂત થયાં છે અને ગરીબોની ન્યાય મેળવવાની રહી-સહી આશા પણ ઝાંઝવાનાં જળ જેવી બની રહી છે. તેમની સાથે બેસીને તેમની હતાશા ઓગાળવાનું કામ અઘરું હતું. તેમની વાત સાચી પણ હતી. જે લોકોએ જિંદગીનો મોટો ભાગ, જાતના જોખમે અન્યોની ગરીબી અને શોષણ સામેના સંઘર્ષમાં વીતાવ્યો હોય અને બદલામાં જે વાતાવરણમાં ઉછેર થયો હોય ત્યાંથી કપાઈને અલગ થઈ ગયા હોય તેમના માટે જિંદગીના અંતભાગમાં સામાજિક ન્યાયની દુર્દશા અને તેનું નૈતિક અધ:પતન જોવાનું પીડાજનક થઈ પડે છે.
ઇન્દુભાઈ સાથે મારો પ્રથમ પરિચય ૧૯૮૧માં. તે વખતે સામાજિક ન્યાયના ક્ષેત્રમાં મથતા તમામ માટે વડીલ સમાન પ્રાથમિક શાળાના શિક્ષક અને પત્રકાર એવા શ્રી ભાનુભાઈ અધ્વર્યુ. દિગંતભાઈ ઓઝાના તંત્રીપદ વાળા ‘જનસત્તા’માં ભાનુભાઈ પોતાની કોલમ ‘દુનિયા જૈસી હમને દેખી’ તે મથાળે લખતા. ગુજરાતના ખૂણેખૂણે ઘૂમતા. તેમણે નીરખેલી ગરીબ અને શોષિતની જિંદગીની વાસ્તવિકતા આ લખાણોમાં હોય. ભાનુભાઈએ ગુજરાતના તમામ નાના-મોટા, ગરીબ-વંચિતલક્ષી કર્મશીલ, પત્રકાર, શિક્ષણવિદ, લેખક, નિવૃત્ત સરકારી અધિકારીઓને એક મંચ પર લાવવાનું મસમોટું કામ કર્યું હતું.
ત્રણેક મોટાં સંમેલન થયાં, જ્યાં બધાં, અઠવાડિયા સુધી ભેગાં મળે, રહે અને પોતાના અનુભવ-વિચારોનું આદાન-પ્રદાન કરે. જોસેફ મેકવાન ચર્ચાઓનું આકલન કરે અને તે પુસ્તિકા રૂપે છપાય પણ ખરી. આવી એક પુસ્તિકાનું નામ ‘ઊઘડ્યો ઉઘાડ અને આવી વરાપ’. આવી પ્રથમ શિબિરને શક્ય બનાવવામાં ભિલોડાના કર્મશીલ શ્રી કરસનભાઈના યોગદાનનો ઉલ્લેખ કર્યા વગર ન ચાલે. ભાનુભાઈ સાથે આગેવાનીમાં, આગલી હરોળે અચ્યુતભાઈ યાજ્ઞિક પણ ખરા. ભાનુભાઈના અંતિમ દિવસોમાં એમની નાજુક તબિયતમાં તેમને અચ્યુતભાઈ અને તેમનાં પત્નીએ સાચવેલા. કમનસીબે, ભાનુભાઈની વિદાયથી ‘જનપથ’નું ચાલકબળ અને દિશાસૂચન બંને ઝંખવાયાં.
આ મંચ પછીથી પ્રો. હર્ષદ દેસાઈના પ્રથમ અધ્યક્ષપણા હેઠળના ‘જનપથ’માં ફેરવાયો અને ત્યારબાદ નાની ઉંમરે બીજા અધ્યક્ષની જવાબદારી મારે શિરે આવી. ‘જનપથ’ના ઘડતરની પ્રક્રિયામાં ઇન્દુભાઈનો મોટો ફાળો. અન્ય અખબારોમાં તે લખતા, પણ એમનું પોતીકું બન્યું તે ‘નયામાર્ગ’. તેઓ લખતા અને જાતે ‘પ્રૂફ’ સુધારતા. અયુબની જવાબદારી ખરી કે દર પંદર દિવસની મહેતલ પહેલાં ‘નયામાર્ગ’ ટપાલ કચેરીએ પહોંચી જાય. જો કે, ‘નયામાર્ગ’ની સફળતા પાછળ ચંદુભાઈ મહેરિયાનું સ્વૈચ્છિક યોગદાન ભલે ક્યાંય અંકિત ન થયું હોય, તે ઉવેખી ન શકાય. આ યોગદાન માત્ર ‘નયામાર્ગ’ પૂરતું સીમિત ન હતું, પણ ‘ખેત વિકાસ પરિષદ’ દ્વારા પ્રકાશિત તમામ પુસ્તકોને લાગુ પડે. ત્યારે, ‘નયામાર્ગ’ની શરૂઆતનાં વર્ષોમાં કમ્પ્યુટર સીમિત હતાં અને હું પણ મારાં લખાણ હાથે લખીને ઇન્દુભાઈને ખેત ભવન પહોંચાડતો.
ઇન્દુભાઈ લાગણીસભર વ્યક્તિત્વ હોઈ, કોઈપણ, ક્યારે પણ તેમનો સંપર્ક કરી શકતું. તેમના મુલાકાતીઓમાં દૂર-સુદૂર કાર્યરત પાયાના કર્મશીલોથી માંડી રાજકીય નેતા પણ ખરા. વિવિધ જાહેર કાર્યક્રમ, રેલી, ધરણાં, પછી તે દલિત અત્યાચાર અંગે હોય કે આદિવાસીની જંગલ-જમીનની માલિકી અંગે હોય, લઘુતમ વેતનનો હોય કે સ્ત્રી અત્યાચારનો હોય, મીઠાના અગરિયાની વાત હોય કે અકીકના કામદારો સિલિકોસિસથી મરતા હોય તે બાબત હોય, કે પછી કોઈ પુસ્તકનું વિમોચન હોય, ઇન્દુભાઈની હાજરી ત્યાં અવશ્ય હોય. ઇન્દુભાઈનાં લખાણ વ્યાપક છે. તે ગ્રંથસ્થ થાય તો ગુજરાતમાં સામાજિક આંદોલનનો ઇતિહાસ અને એજન્ડા, બંને સંદર્ભ-ગ્રંથ બને.
બાબરી ધ્વંસના ત્રીજા-ચોથા દિવસે ઇન્દુભાઈ, મધુસૂદન મિસ્ત્રી અને અમદાવાદના પૂર્વ નગરપતિ વાડીભાઈ કામદાર સાથે સુરતની મુલાકાત લીધી. ટ્રેનમાંથી સુરત સ્ટેશને ઊતરવામાં અમને ભારે મુશ્કેલી પડી. કારણ, સુરત છોડીને ભાગવાવાળાનો ધસારો ભારે હતો. ભયંકર રમખાણોથી બિહામણી બનેલી સુરતની શેરીઓમાં અમે ફર્યા અને મુસ્લિમ રહેણાકોની ભસ્મીભૂત હાલત જોઈ. રાહત છાવણીમાં ક્રૂર રીતે ગંભીર શારીરિક ઇજાનાં શિકાર નાનાં બાળકોને જોયાં. ઇન્દુભાઈ આંસુ ખાળી શકતાં ન હતાં.
૧૯૯૪માં ધંધુકામાં પોલીસના બેરહેમ મારથી મૃત્યુ પામેલા મૂળજીભાઈ મુંધવાના બનાવમાં પોલીસ સામે કાર્યવાહી ન થતાં વહેલી સવારે ઇન્દુભાઈ મને ત્યારના ગૃહ મંત્રી સી.ડી. પટેલના નિવાસસ્થાને લઈ ગયા. કલાક જેટલી ચર્ચા ચાલી.
ધોળકામાં ‘નવસર્જન’ની શરૂઆત કરી ત્યારે મને એ ખબર ન હતી કે, તાલુકા પંચાયતના પ્રમુખ અને તે પણ કમનસીબે ધાર્મિક લઘુમતી સમાજના, દ્વારા મારા જીવને જોખમ છે. વાત ઝીણાભાઈ દરજીના ધ્યાનમાં આવી. વહેલી સવારે મને કંઈ સમજાય તે પહેલાં ઇન્દુભાઈ અને પ્રફુલ્લ ત્રિવેદી મને તે પ્રમુખના ઘરે લઈ ગયા, તે સંદેશો પહોંચાડવા કે અમે બધા સંગાથી અને સંગઠિત લોકો છીએ.
લાગણીવશ સ્વભાવે ઇન્દુભાઈના જીવનમાં ઘણી પીડા પેદા કરી. જેમને તેમણે સધિયારો આપ્યો તેમણે જ તેમને અંધારામાં રાખી છેતર્યા. રાજકીય દુશ્મનોએ રફાળેશ્ર્વર ખાતેની પશુ છાવણી બાબતે ઇન્દુભાઈ પર ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી કાદવ ઉછાળ્યો. પોતાની સંસ્થામાં જ પોતાના માણસોએ ભ્રષ્ટાચાર કર્યો અને ઇન્દુભાઈ એકલા અને નિસહાય બની ગયા. એ પીડાએ તેમની માનસિક શાંતિ હણી લીધી. ‘નયામાર્ગ’ ચાલુ રાખવું જ જોઈએ, તેવી ઘણા સાથી-મિત્રોની વાત અવગણી તેમણે તે બંધ કરવાનો નિર્ણય લીધો.
લાગણીશીલ સ્વભાવને કારણે ઇન્દુભાઈ ખૂબ ઝડપથી પોતાના વર્ષો જૂના મિત્રો સાથે અતડા બની જતા. પાછળથી ભૂલ સમજાય ત્યારે દિલગીરી વ્યક્ત કરતા, જોકે, ત્યાં સુધી ઘણું નુકસાન થઈ જતું.
ઇન્દુભાઈનો જમણો હાથ અયુબ ઉર્ફે ભાઈલાલભાઈ. ઘર હોય કે કચેરી, ઇન્દુભાઈની ઘણી જવાબદારી અયુબ સંભાળી લે. અમદાવાદમાં કોમી રમખાણ દરમિયાન, અયુબ કુટુંબ સાથે એક ઓરડાના મકાનમાં ખેત ભવનમાં રહે તેનાથી ઝીણાભાઈ અને ઇન્દુભાઈનો જીવ તાળવે ચોંટેલો રહે. ઇન્દુભાઈની તમામ સ્વભાવગત લાક્ષણિકતામાં ઇન્દુભાઈને સંભાળવાની આવડત અયુબમાં.
છેલ્લાં બે વર્ષ દરમિયાન ઇન્દુભાઈને મળવાનું મેં ટાળેલું. તેમની એકલતા અને આશાવિહીન મનોસ્થિતિમાં તેમની સાથે બેસવું અઘરું હતું. અમારા સંબંધોમાં ઘણા ચઢાવ-ઉતાર આવેલા છે. સ્વભાવે હું હકારાત્મક હોઈ, બાકીનું મેં અવગણી તેમના મિત્રભાવને જાળવી રાખ્યો છે. જાહેર સંસ્થાઓ ચલાવવી સહેલી નથી. જે માનવસહજ નબળાઈઓ સમાજમાં છે, તે જ સંસ્થાઓમાં આવે છે. આથી આંતરિક સંઘર્ષ, સંસ્થા સંચાલનનો એક ભાગ બની જ રહે છે. લાગણી સાથે વૈચારિક સ્પષ્ટતા તથા વિવેક બંને જરૂરી બને છે.
ઇન્દુભાઈને સતત હિમ્મત આપી હોય તો રંજનબહેને. ઇન્દુભાઈને થતા તમામ અનુભવોની ચર્ચામાં રંજનબહેન ખરાં. એક અદ્ભુત વ્યક્તિત્વની ગેરહાજરી આજે વાસ્તવિકતા છે, તેમ છતાંય તેમના થકી જે કામ થયાં છે તે ભવ્ય જમા પાસું છે.
– માર્ટિન મેકવાન