મારી એક કેફિયતમાં મેં લખ્યું છે કે અમારા ઘરમાં ‘ભાઈ’નો ઉલ્લેખ થાય ત્યારે કાં દિલીપભાઈ (રાણપુરા) સમજાય, કાં ઇંદુભાઈ (જાની). કારણ કે, માના જણ્યા જે ભાઈ હતા તે તો…. (જવા દો એ વાત).
એંશીના દાયકાની શરૂઆતમાં ‘નયામાર્ગ’ શરૂ થયું અને મેં એમાં ક્યારેક ક્યારેક લખવા માંડ્યું. મને યાદ છે ત્યાં સુધી, ૧૯૮૨ કે ૧૯૮૩માં ભરૂચ તરફના પાલેજ કે એવા કોઈ ગામના રેલવે સ્ટેશને કોમી પ્રકારની હિંસા થઈ એ નિમિત્તે મેં પહેલી નોંધ કે પહેલો લઘુ લેખ ‘નયામાર્ગ’ને મોકલેલો. મામલો કોઈ હિંદુત્વવાદી સંગઠનના યુવાનો અને સ્થાનિક યુવાનો વચ્ચેની સ્ટેશન પરની અને આસપાસની મારામારીનો હતો. જે દેખીતું કારણ હતું તે એ હતું કે, લાંબા પ્રવાસમાં જોડાયેલા પ્રવાસી યુવકોએ કોઈની છેડતી કરેલી અને દોષનો ટોપલો સ્થાનિક છોકરાઓ પર ઢોળવામાં આવેલો. મેં મારા હાઈસ્કૂલના દિવસોના વૅકેશન-પ્રવાસોના અનુભવો ટાંકીને લખેલું કે આવા પ્રવાસી નવલોહિયાઓ ઘણી વાર સ્થાનિકોને પીડે છે અને એમાંથી હિંસા જન્મે છે. ખરેખર તો આવા નવયુવકોને લઈને નીકળનારે એમના પર કાબૂ રાખવો જોઈએ. (આ ઘટના મને ફેબ્રુઆરી, ૨૦૦૨માં પણ યાદ આવી ગઈ હતી.)
આ પછી વખતોવખત કશુંક વિચારાત્મક કે વિશ્ર્લેષણાત્મક લખું અને ‘નયામાર્ગ’ને મોકલું. એનો પ્રગતિશીલ તથા રેશનલ અભિગમ જોઈને ઇંદુભાઈ એ પ્રગટ કરે. રેશનલ પ્રાર્થના કેવી હોય, માત્ર ક્રિયાકાંડરૂપ વ્રતો-તહેવારોની પોકળતા વગેરે પ્રકારના લેખ લખાતા.
૧૯૮૮માં મેં ‘ગુજરાત સમાચાર’ની નોકરી છોડી દીધી. ૧૯૮૧-૮૨ અને ૧૯૮૫નાં આંદોલનો વેળા ત્યાં જે અભિગમ હતો અને જે વાતાવરણ હતું, તે મારા માનવતાવાદી અભિગમને માફક આવતું નહોતું. મારે મારા સમતાશીલ વિચારોની અભિવ્યક્તિ કરવી હતી. જોગાનુજોગ, એ જ દિવસોમાં સેક્યુલર અભિગમ સાથે કામ કરવાનો ઈરાદો જાહેર કરીને એક નવું દૈનિક ‘ગુજરાત ટુડે’ શરૂ થયું. એના સંચાલકોએ વરિષ્ઠ પત્રકાર તરીકે એની કામગીરી સંભાળી લેવા બોલાવ્યો. પરંતુ મેં જણાવ્યું કે હું સાહિત્ય અને વિચારનો માણસ છું. તંત્ર સંભાળવાની મારી તાલીમ નથી અને ક્ષમતા પણ નથી. એથી ત્યાં ‘સહચિંતન’ નામનો સ્તંભ લખવાનું શરૂ થયું. આગળ જતાં, રહસ્યકથા અને મહિલાલક્ષી સ્તંભ લખવાનું પણ બન્યું.
‘સહચિંતન’માં હું એ જ લખતો હતો જે માટે ભીખુભાઈ વ્યાસ, સનતભાઈ મહેતા વગેરેએ ‘નયામાર્ગ’ શરૂ કર્યું હતું, અને જેને પછીથી ઝીણાભાઈ દરજીએ પોષ્યું હતું અને ઇંદુભાઈને સોંપ્યું હતું. એટલે ૧૯૮૯ની શરૂઆતથી લઈને ‘નયામાર્ગ’ માર્ચ, ૨૦૨૦માં બંધ થયું ત્યાં સુધી આશરે ૩૧ વર્ષ સુધી ‘નયામાર્ગ’માં મારો ‘સહચિંતન’નો લેખ ઉદ્ધરણ પામતો રહ્યો. કારણ એક જ – બુદ્ધ, ઈસુ, માકર્સ, ગાંધી, સનતભાઈ, ઝીણાભાઈ, ઇંદુભાઈ જે આદર્શો અને માનવીય ઉદ્દેશોને વરેલા હતા એમની જ વફાદારી મારા લેખોમાં હતી. આમ તો ‘સહચિંતન’નો અખબારી સ્તંભ અઠવાડિક હતો અને ‘નયામાર્ગ’ પાક્ષિક. એટલે જે-તે અઠવાડિયાના મારા બે લેખોમાંથી એકની પસંદગી કરવાનો વિકલ્પ એમની પાસે રહેતો.
આગળ જતાં મારા મહિલાલક્ષી લેખો પણ એમણે લગભગ નિયમિતપણે છાપવા માંડ્યા. મૂળે ‘અર્ધી આલમ’ સ્તંભ-શીર્ષક તળે ‘ગાર્ગી વૈદ્ય’ ઉપનામથી એ છપાતા. એ લખાણોમાં પણ પ્રગતિશીલ નારીકેન્દ્રી લેખો, વ્યક્તિચિત્રો વગેરે પ્રગટ થતાં. એમાં પણ નારીગૌરવ, સ્વાશ્રય, નારી-અધિકારોની જ વાતો હોવાથી ‘નયામાર્ગ’ માટે અને એના વાચકો માટે અનુકૂળ હતા.
આટઆટલાં વર્ષોના સહયોગને પ્રતાપે, મેં આગળ લખ્યું તેમ, અમારો ભાઈચારાનો સંબંધ પાકો થઈ ગયો. એમ તો દેવીબહેનને પિયરને પક્ષે એ દૂરના મોસાળિયા ભાઈ થતા હતા. પણ સંબંધો તો રાખ-રખાપત વડે ગાઢ થતા હોય છે. અમારા તમામ સામયિક પ્રસંગોમાં ઇંદુભાઈનો પરિવાર હોય જ. અમારા બંને પરિવારોના સારા જ નહિ, માઠા પ્રસંગોએ પણ અમે ભેરુ રહ્યા. ૨૦૧૩માં મારાં ૭૫ વર્ષ ઊજવાયાં ત્યારે ઇંદુભાઈ પ્રમુખ વક્તાઓમાં હતાં. આપણા અમર લોકધર્મી સાહિત્યકાર દિલીપ રાણપુરાના અવસાન પછી દિલીપભાઈનું સ્મરણ કરવા માટે જે અનેક મિલન યોજ્યાં, એ માટે ઇંદુભાઈએ ‘ખેત વિકાસ પરિષદ’ની જગા આપી. ભારતની આઝાદીની અર્ધશતાબ્દીએ કે ગુજરાત રાજ્યની સ્થાપનાની અર્ધ શતાબ્દીએ ‘ગુર્જર’ માટે હું લેખોનું સંપાદન કરતો હોઉં ત્યારે મારી વિનંતીથી એકથી વધારે લેખો એમણે આપ્યા.
‘નયામાર્ગ’ દ્વારા એમણે આદિવાસીઓ, દલિતો, ખેત-કામદારો, સ્ત્રીઓ ઇત્યાદિ વંચિત સમુદાયોનાં હિતની ખેવના કરી એટલું જ નહિ, અગણિત આંદોલનોમાં અગ્રણી કર્મશીલતા દાખવી. આપણી સૌની ટ્રેજેડી એ છે કે ઇંદુભાઈએ અને એમના જેવા અનેકે જે સમતાશીલ, ન્યાયપૂર્ણ સમાજ માટે મથામણો કરી તે આજે તો નિષ્ફળ જણાય છે. તદ્દન વિકૃત વિચારો અને આચારો જાણે સમાજ પર હાવી થઈ ગયેલા જણાય છે.
વિકૃતિનાં આ પરિબળો ક્રમશ: એટલાં પ્રભાવશાળી બન્યાં છે કે, જેમ સૂર્યની સામે આંખ અંજાઈ જાય તેમ પ્રગતિનાં પરિબળો કાયર બની ગયાં છે. ઇંદુભાઈએ કદાચ આ સ્થિતિથી જ ત્રાસીને ‘નયામાર્ગ’નું પ્રકાશન બંધ કરવા ઠરાવ્યું હતું. પ્રગતિશીલ વિચારોની હારની એ કબૂલાત હતી, ક્ધફેશન હતું. એટલે જ ૨૦૧૯ના ઉત્તરાર્ધમાં અમારા જેવા અનેકે, અનેક પ્રકારે એમને સમજાવ્યા, ઉશ્કેર્યા, કેટલેક અંશે લલચાવ્યા, છતાં એ ‘નયા માર્ગ’ બંધ કરવા મક્કમ રહ્યા. ‘નયામાર્ગ’ પછી પણ એમની પાસે પુષ્કળ કામ હતાં. ખેત વિકાસ પરિષદ, આશ્રમશાળાઓ, કેટલીક સંસ્થાઓનાં કામ તો કરવાનાં જ હતાં. લેખન પણ કરી શક્યા હોત. પરંતુ વાઇરસ કોરોનાની ઝપટમાં આવી ગયા અને આપણે આપણા યુગના વિરલ પત્રકાર, કર્મશીલ, લેખક, જનસેવક ગુમાવી બેઠા.
– યશવન્ત મહેતા