મિત્ર, શિક્ષક અને લોક-આંદોલનોના સાથીદાર ઇન્દુકુમાર જાની

જે વ્યક્તિ અને વ્યક્તિત્વનું આપણે સન્માન કરતાં હોઈએ, જે અનુભવ અને ઉંમરમાં આપણાથી સિનિયર હોય તેમને મિત્ર કહેવાય કે નહિ! ખબર નથી, પણ ઇન્દુભાઈને હું મારા વડીલમિત્ર માનું છું.

મારા કામની શરૂઆતનાં વર્ષોમાં નારી આંદોલનમાં નવી આર્થિક નીતિની સાથે-સાથે ગુજરાતના અને તેમાંય પૂર્વપટ્ટીના આદિવાસી વિસ્તારના પ્રશ્ર્નોની સમજ મેં ઇન્દુભાઈનાં જુદાં-જુદાં વક્તવ્યોથી કેળવી. કોઈ કાર્યશાળાનું કે સેમિનારનું આમંત્રણ હોય તો મારે કે મારા સાથીદારોએ દેવગઢ બારીઆથી બસનો પ્રવાસ ખેડી અમદાવાદ જવું કે નહિ, તે નક્કી કરવામાં ક્યારેય કોઈ મૂંઝવણ નહોતી અનુભવી, જો તેમાં ઇન્દુભાઈ પણ હોય. કારણ, અહીં અમને ગામના અનુભવોને વ્યાપક મુદ્દાઓના સંદર્ભમાં જોવાનું ભાથું મળતું.

ગુજરાતમાં ભૂંકપની આપદામાં વર્ષ ૨૦૦૦ની અછતનો મુદ્દો વિસરાઈ ગયેલો. ૨૦૦૧ની સાલમાં પંચમહાલ-દાહોદનાં મહિલા સંગઠનોએ ‘દેવગઢ મહિલા શક્તિ સંમેલન’ યોજી સ્થાપિત હિતો દ્વારા ઊભી કરાયેલી બીકોને પડકારવી હતી. આ સંમેલનમાં ‘આદિવાસી મહિલા સંગઠન’ અને ‘આનંદી’ના કાર્યકરોનો ઉત્સાહ વધારવા ઇન્દુભાઈ કાર્યક્રમના અતિથિપદે હતા. સંમેલનના સંદર્ભ-સાહિત્ય ‘નવો સૂરજ’ પુસ્તક, જેમાં ‘દેવગઢ મહિલા સંગઠન’ની બહેનોની સિદ્ધિ અને પડકાર નોંધ્યાં હતાં, તેમાં શ્રી ઇન્દુભાઈનો લેખ “આદિવાસી મહિલાઓનું સશક્તિકરણ – આજની અનિવાર્યતાનો અંશ અહીં ટાંકું છું. બે દાયકા બાદ આજે ફરી આ વાત સંગઠન માટે મૂળ મંત્ર બને છે.

“સામાજિક-આર્થિક-રાજકીય શિક્ષણ તે સમાજ-પરિવર્તનનો પાયો છે, જે દરેક સંગઠનમાં સતત ચાલતું રહેવું જોઈએ. કુદરતી સંસાધનો આધારિત આજીવિકા આદિવાસી બહેનો સંચાલિત હોવી જોઈએ. ઇન્દુભાઈ ઘણી વાર આ કહેતા! “જાગે તેની પાડી અને હુતાનો પાડો કહી લોકજાગૃતિના મુદ્દા પર ભાર મૂકતા. ખાસ કરીને, પંચમહાલ-દાહોદના આદિવાસી સમાજનો અને પૂર્વ પટ્ટી ગુજરાતનો વિકાસ થાય તો જ ગુજરાતનો સંતુલિત વિકાસ થયો ગણાય, એમ કહેતા.

આપદાઓની અસર ગરીબ-વંચિત સમુદાય અને તેમાંય મહિલાઓ અને બાળકો પર ખૂબ ઊંડી પડે છે. દુષ્કાળ, ભૂકંપ, ગુજરાત નરસંહાર અને પૂર જેવી આફતોમાં ગરીબ પરિવારો ભૂખમરાની કગાર પર પહોંચ્યા હતા, પણ સમાજ અને રાજ્યની માનસિકતા એવી કે ભૂખમરાની સમસ્યાને સતત ઢાંકવાનો પ્રયાસ કરે, તેને શરમ અને કલંક સાથે જોડે.

‘આનંદી’ અને ગુજરાતનાં ઘણાંય સાથી સંસ્થા-સંગઠનો અને ‘અન્ન સુરક્ષા અધિકાર અભિયાન’ દરેકે એક ફલક પર આવી, રાજ્યના ખૂણે-ખૂણે જનસુનવાઈ કરી, અન્ન અસુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થાના પ્રશ્ર્નો ઉજાગર કર્યા. ઇન્દુભાઈ જેવા પીઢ પત્રકાર અને અનુભવી કર્મશીલની ઉપસ્થિતિમાં સરકારી પ્રતિનિધિઓને જવાબદેહી બનાવવામાં સફળતા મળી. ઇન્દુભાઈએ ઘણી વાર આ બાબતે ‘નયામાર્ગ’માં પણ લખ્યું અને ગુજરાતની સામાજિક આર્થિક સ્થિતિનું અસલી ચિત્ર પ્રસ્તુત કરી અમારા જેવા પાયાના કાર્યકરોની હિંમત વધારી. ‘અભિયાન’ દ્વારા ઉપાડેલાં વનમજૂર, નરેગા શ્રમિક, ખેતમજૂરના કામના અધિકારના આંદોલનને પીઠબળ પૂરું પાડ્યું. જાહેર સભાઓમાં ઇન્દુભાઈનાં વક્તવ્ય, વિશ્ર્લેષણ અને અભિવ્યક્તિ શૈક્ષણિક સત્ર સમાન રહેતાં અને યુવા કાર્યકરોને વૈચારિક બળ આપતાં.

ગુજરાતનાં કોમી રમખાણોની ઊંડી અસર પંચમહાલ દાહોદના ગ્રામ સ્તરે થયેલી. કાલોલ તાલુકાના બોરૂ ગામે રાહત શિબિરમાંથી પોતાના વતન પરત જવાની હિંમત બાંધી અને સમુદાયના પ્રશ્ર્નો અને સ્વૈચ્છિક સંસ્થાઓના આધુનિક પ્રયત્નોથી એકએક ઘર પાછું ઊભું થયું.

અસરગ્રસ્ત પરિવારોના આ કદમને ઉત્સાહભેર વધાવવા અને સતત ટકાવી રાખવા માટે સ્થાનિક મુસ્લિમ મહિલા આગેવાનો, યુવાઓ અને પ્રગતિશીલ લોકોએ સુમેળભર્યા વાતાવરણને બનાવી રાખવા માટે કવ્વાલીનો કાર્યક્રમ યોજ્યો. ઇન્દુભાઈએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કહેલું કે ‘કવ્વાલી માત્ર જલસો નથી પણ કલા દ્વારા વેદનાને રાહત અને અરસપરસ પ્રેમભાવને પ્રોત્સાહન આપવાનું માધ્યમ છે.’

આજની વૈશ્ર્વિક આપદા અને ખાસ કરીને દેશમાં કોવિડ મહામારીનો પ્રભાવ મને ઇન્દુભાઈની વિશેષ યાદ અપાવે છે. ૧૯૯૮માં દેવગઢબારીઆ તાલુકાનાં ૧૫ ગામોમાં ૫ દિવસની આરોગ્ય જાગૃતિ પદયાત્રા બાદની સભામાં ઇન્દુભાઈ અમારા વિશેષજ્ઞ તરીકે આવ્યા હતા. સંગઠનની બહેનોએ ગામમાં લોકો પાસેથી જાણેલી બીમારી, તેનો ખર્ચ, ડૉક્ટરનો અભાવ, માળખાગત વ્યવસ્થાની કમી, દુર્ગમતા વર્ણવી. સંગઠનનાં જ પીઢ આગેવાન બજીબહેન નાયકે તેમના ગામમાં રક્તપિત્તના દર્દી સાથે થતા દુર્વ્યવહારની વાત કરી.

આજથી ૩૦ વર્ષ પહેલાં આ ગામોમાં રક્તપિત્તનાં દર્દીને સામાજિક કલંક માની સારવારને બદલે જીવિત દફનાવી દેવાયાનો બનાવ કહ્યો. સ્વાભાવિક રીતે જ આ વાત કંપારી ઊભી કરે તેવી હતી. આ મિટિંગમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી સાથે ઊંડાણપૂર્વક વાત કર્યા બાદ ઇન્દુભાઈએ એક ગુજરાતી છાપાના સંપાદકીય લેખમાં રક્તપિત્ત સાથે જોડાયેલા ભેદભાવ, લાંછન અને સેવાઓના અભાવ વિશે લખ્યું અને તરત આરોગ્ય વિભાગ સાબદું થયું અને રક્તપિત્તની તપાસ, પુનર્વસન અને નિયમિત દેખરેખની પ્રકિયા શરૂ થઈ.

કોવિડ-૧૯ની આ મહામારીમાં ઘણાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો વ્યવસ્થાવિહીન છે, માનવ સંસાધનોનો અભાવ છે. ગેરમાન્યતાઓ અને અવિશ્ર્વાસની કપરી જાળ છે. આવા સમયે ઇન્દુભાઈના સરળ પણ સચોટ વિચારોની જરૂર છે, જે પ્રશાસનને સક્રિય થવાની ફરજ પાડી માનવમૂલ્યને ટકાવી રાખે…

“ઊંચનીચ યા જાતિપાંતિ કે ભેદભાવ કો સભી વિસાર, વિશ્ર્વબંધુતા-શાંતિ-પ્રેમ કા મિલકર જગ મેં કરો પ્રસાર.

– નીતા હર્ડીકર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s