સાથી ઇન્દુકુમાર જાનીને છેલવેલ્લા જુહાર પાઠવવા બેઠો છું. ક્યાંથી શરૂ કરું? છેલ્લાં વર્ષોમાં નારાયણ દેસાઈ ગુજરાતમાં નાનાં-મોટાં નાગરિક વર્તુળોમાં વાત કરતાં કહેતા કે કંઈ નહીં તોપણ આપણાં આ ત્રણ પખવાડિકો તો વાંચતાં રહો : ‘ભૂમિપુત્ર’, ‘નયામાર્ગ’ અને ‘નિરીક્ષક’. આ લખું છું ત્યારે, એમ તો, ઉત્તમ પરમારનાં એ વચનો પણ સાંભરે છે કે, આ ત્રણ પત્રો ગુજરાતના જાહેર જીવનની પ્રસ્થાનત્રયી સમાં છે. અયોધ્યા ઘટના પછી, ૨૦૦૨ પછી, દૈત્યકાય છાપાં વચ્ચે (‘સમકાલીન’, ‘ગુજરાત-મિત્ર’, ‘ગુજરાત ટુડે’ જેવા અપવાદ બાદ કરતાં) નીતિ અને ન્યાયની વાત કહેવાનું આ તનુકાય પત્રિકાઓને હિસ્સે આવ્યું. ત્રણેક દાયકા પર, મને યાદ છે, એક વાર મહેન્દ્રભાઈ મેઘાણીએ અમને સાથે મળવાનું ગોઠવ્યું હતું – તમે ત્રણ પખવાડિકો ભેગાં થઈ જાઓ તો કેવું સારું! એક વાત અલબત્ત સાચી કે દેશની બિનકોમી વ્યાખ્યા અને સમતા તેમ જ ન્યાય પર અધિષ્ઠિત સમાજ બાબતે ત્રણમાં એકંદરમતી હતી અને છે. જોકે, હમણાં મેં ‘ત્રણે’ એમ કહ્યું ત્યારે મને યાદ રહેવું જોઈતું હતું કે ‘નયા માર્ગ’ માર્ચ ૨૦૨૦થી આમ પણ ઇન્દુભાઈએ બંધ કરેલું હતું. પણ ‘નયા માર્ગ’ અને ઇન્દુભાઈની જે લગભગ પર્યાયી ઓળખ ત્રણચાર દાયકા પર બની તે લક્ષમાં લઈએ તો ઇન્દુભાઈએ અંતિમ શ્ર્વાસ લીધો ત્યારે ‘નયા માર્ગ’નું તત્ક્ષણ સ્મરણ થવું સ્વાભાવિક હતું.
ઇન્દુભાઈ જાની અને ‘નયામાર્ગ’ની પર્યાયી ઓળખની હમણાં જિકર કરી તો સાથેલગો મારે ફોડ પણ પાડવો જોઈએ કે આ ઓળખ શું હતી. એમાંથી ઇન્દુકુમારના જીવનકાર્યની છબી ઊઘડશે અને ત્રણે સામયિકો સાથે, તથા નિરાળાં શી વાતે હતાં (અને છે) એય સ્પષ્ટ થશે.
‘ભૂમિપુત્ર’નો આરંભ વિનોબાના ભૂદાન આંદોલન સાથે. કેરળના પોચમપલ્લીમાં એક દલિત કુટુંબને સ્વાશ્રયી જીવન માટે જમીન મળે એવી જાહેર ટહેલમાંથી વિનોબાએ ગાંધીયુગના નવપડાવની જે ઝાંખી અને જવાબદારી આપી એમાંથી ‘ભૂમિપુત્ર’ આવ્યું. વિનોબા તો ભારતભૂમિની સાંસ્કૃતિક ને આધ્યાત્મિક પરંપરામાં રમેલા ગાંધીજન એટલે એમને તરત જડી રહેલો વેદમંત્ર હતો – ‘માતા ભૂમિ: પુડોહમ્ પૃથિવ્યા:’ ભૂમિ એ માતા છે, અને હું એનો પુત્ર છું.
૧૯૬૮માં ઉમાશંકર જોષી, પુરુષોત્તમ માવળંકર, ઈશ્ર્વર પેટલીકર, યશવન્ત શુકલ આદિ ‘નિરીક્ષક’ લઈને આવ્યા ત્યારે સ્વરાજનાં વીસ વરસે લોકશાહી રાજ્યકર્તાઓનો પહેલો ફાલ ઉત્તમ કામગીરી પછી કંઈક પાછો પડવા લાગ્યો હતો અને મહાન સ્વપ્નદૃષ્ટાઓએ તેમ બંધારણના ઘડવૈયાઓએ જે પ્રજાસત્તાક સ્વરાજનું ચિત્ર કલ્પ્યું હતું એમાં ખોટ વરતાતી હતી. સ્વરાજની શુદ્ધિ ને પુષ્ટિની દૃષ્ટિએ ટીકાટિપ્પણ અને વિચારવિમર્શ તરફ ‘નિરીક્ષક’નો સહજ ઝોક રહ્યો. સ્વરાજી કૉંગ્રેસ પ્રણાલીથી ઉફરાટે શરૂ થયેલી એ એક કોશિશ હતી – અને તેમાં નવનિર્માણ ને જેપી આંદોલનનો કદાચ પૂર્વાભાસ પણ હતો. જે બધાં ભયસ્થાનો ‘નિરીક્ષક’ના પ્રથમ તંત્રીમંડળને ૧૯૬૮માં જણાતાં હશે તે ૧૯૭૫-૭૭ના કટોકટી-કાળમાં બહુ ખરાબ રીતે સાચાં પડ્યાં એ હવે ઇતિહાસવસ્તુ છે.
આ વર્ષોમાં ‘નયામાર્ગ’ ક્યાં હતું ? ઇંદિરા ગાંધીએ દેશના રાજકારણમાં ‘ગરીબો અને ગરીબી’નો મુદ્દો કેન્દ્રમાં આણ્યો એની અપીલ કૉંગ્રેસના ચોક્કસ ધડાને થઈ. (આ ક્ષણે આપણે એની પાછળ તેમ સામસામી રાજકીય પ્રયુક્તિઓની ચર્ચામાં સ્વાભાવિક જ નથી જતા.) દક્ષિણ ગુજરાતમાં ધૂણી ધખાવી બેઠેલા જુગતરામ દવે સરખા ગાંધીજને દર્શક જેને એકલવ્ય ઘટનાના પ્રાયશ્ર્ચિત્ત રૂપ કહે છે એવો જે શિક્ષણ-જગન માંડ્યો એમાંથી ઘડાયેલા, જાહેરજીવનનાં મૂલ્યોને વરેલા ઝીણાભાઈ દરજી વગેરેને ઇંદિરા ગાંધીમાં વરતાયેલા ઉન્મેષમાંથી જિલ્લા સ્તરના કૉંગ્રેસપત્ર જેવું ‘નયામાર્ગ’ શરૂમાં કદાચ આવ્યું હશે, પણ જોતજોતાંમાં ઝીણાભાઈ દરજી અને સનત મહેતા વગેરેના સંધાનમાંથી ખેતવિકાસ પરિષદ જેવું જે આર્થિક-સામાજિક ન્યાય માટેનું સંગઠન ખડું થયું એણે પૂરા પાડેલ પ્લેટફોર્મ પછી ‘નયામાર્ગ’ જિલ્લા સ્તરની પક્ષપત્રિકા ક્યાંય વટી જવાની સ્થિતિએ હતું.
હું જાણું છું કે પૃષ્ઠભૂ જરી લંબાઈ રહી છે અને ઇન્દુભાઈ પરત્વે અંજલિભાવ પ્રગટ કરવાનું કંઈક ખેંચાતું માલૂમ પડે છે. પણ ‘ભૂમિપુત્ર’ અને ‘નિરીક્ષક’થી ‘નયામાર્ગ’નું નિરાળાપણું સમજવા સારુ, આટલો વ્યાયામ કદાચ જરૂરી પણ હતો. ઝીણાભાઈ દરજી જમીન વિકાસ બૅંકના અધ્યક્ષ હતા, અને ઇન્દુકુમાર જાની એ બૅંક કર્મચારીઓના યુનિયનના આગેડુ. એટલે બંનેનું સામસામે મુકાવું સહજ હતું. પણ આવોયે પરિચય ઉપયોગી એ રીતે થયો કે ઝીણાભાઈના મનમાં જે અગ્રતા હતી, અસંગઠિત કામદાર વર્ગના પ્રશ્ર્નોની ને દલિતવંચિત વર્ગની સમસ્યાઓની, તેની સામે સંગઠિત ક્ષેત્રના યુનિયનના સવાલો આર્થિક-સામાજિક ન્યાયની બુનિયાદી રાજનીતિમાં માનવતાની કસોટીએ કેટલા ઓછા અને પાછળ પડે છે તે યુનિયન નેતા ઇન્દુકુમારને પકડાયું. સુરક્ષિત પગાર જોગવાઈ છોડીને એ અસંગઠિત વર્ગની કામગીરીમાં જોડાયા. એમનાં કામોમાં ખેતકામદાર યુનિયન અગ્રતાએ છે. એ કહેતા પણ ખરા કે ‘બધું છોડીને ખેતકામદારોને સંગઠિત કરવાનું કામ કરવું છે.’ અને આગળ ચાલતાં કેમ જાણે ઝીણાભાઈના માનસપુત્ર શા બની રહ્યા.
‘ભૂમિપુત્ર’ અને ‘નિરીક્ષક’ની રીતે તો પણ કંઠીબંધા પક્ષીય પ્લેટફોર્મથી તો વ્યાપક ભૂમિકાએ ‘નયામાર્ગ’ એમના નેતૃત્વમાં મુકાયું અને ઊંચકાયું. કટોકટીરાજ પરત્વે ‘ભૂમિપુત્ર’ અને ‘નિરીક્ષક’ને હશે તેવી પ્રતિક્રિયા આ સ્કૂલની ક્યારેય નહીં હોય તો પણ આર્થિક-સામાજિક ન્યાયની રાજનીતિએ સુધ્ધાં અધિકારવાદથી પરહેજ કરવાપણું છે એ સમજમાં ઇન્દુભાઈ ઓછા કે પાછા નહોતા.
૧૯૭૭માં ઇંદિરા ગાંધીના ગયા પછી જે એક દલિતવિરોધી પ્રત્યાઘાત, જેપી આંદોલનનાં મૂલ્યોથી વિપરીતપણે, આપણે ત્યાં આવ્યો ત્યારે ‘ભૂમિપુત્ર’ અને ‘નિરીક્ષક’ અલબત્ત સમતાનાં મૂલ્યો સાથે હતાં પણ દલિતોને પોતાનો અવાજ, પોતાનું સ્થાન, પહેલા ખોળાની પ્રીત જેવું ‘નયામાર્ગ’માં મળી રહ્યું, અને અમદાવાદનાં દૈનિકોમાં ‘જનસત્તા’. નવજાગ્રત દલિત અસ્મિતાને સારુ એક તબક્કે ‘ઘરનું ઘર’ નિ:શંક ‘નયામાર્ગ’ હતું. એમાં ઝીણાભાઈની હૂંફ ને ઓથ સાથે કપ્તાન કામગીરી બેલાશક ઇન્દુભાઈની હતી. ૧૯૮૧-૮૫નાં અનામત વિરોધી રમખાણો એમના કર્મશીલ અને પત્રકારજીવનમાં સૌથી મહત્ત્વનાં છે. અનામતના સમર્થનમાં તે કાયમ હતા. મંડલ રાજનીતિને તે વૈકલ્પિક રાજનીતિમાં મહત્ત્વની માનતા હતા. ગાંધી અને ગાંધીવાદીઓ સાથે દિલથી લગાવ છતાં બાબા સાહેબ આંબેડકર અને તેમના વિચારોના બહુ મોટા પ્રભાવમાં, અને અનન્ય ચાહક પણ.
જૂની રંગભૂમિના એક ઉત્તમ નટ અમૃત જાની. આ સાહિત્ય-રસિક જણે ન્હાનાલાલકૃત ‘ઇન્દુકુમાર’થી પ્રેરાઈને પુત્રનું નામ પાડેલું. પણ આ ઇન્દુકુમારની સાહિત્યપ્રીતિએ એક જુદું કાઠું કાઢ્યું. ‘નયામાર્ગ’ દલિત સાહિત્યપ્રકાશનનું સ્થાનક બની રહ્યું. એમાં આગળ ચાલતાં એમને ચંદુ મહેરિયા જેવા ખમતીધર મિત્રનીયે એક તબક્કે ખાસી કુમક રહી હશે. જોસેફ મેકવાને, લાંબા અંતરાલ પછી પોતે લખતા થયા અને કૉળ્યા એનો યશ જોગાનુજોગ ‘જનસત્તા’એ પ્રકાશિત કરેલી એક વાર્તાને તેમ સવિશેષ તો ‘નયામાર્ગે’ પૂરા પાડેલા મેદાનને ક્યારેક આપેલો છે. ગુજરાતી દલિત કવિતાની તવારીખમાં ‘આક્રોશ’, ‘કાળો સૂરજ’ વગેરેની ઐતિહાસિક ભૂમિકા ખસૂસ છે, પણ દલિત કવિતાના પ્રાગટ્ય સારુ સળંગ લાંબો સમય રહેલું કોઈ એક પત્રિકાઠેકાણું બલકે, થાણું હોય તો તે ‘નયામાર્ગ’ અને ‘નયામાર્ગ’ જ.
દલિત પરિમાણનો મેં કંઈક વિશેષોલ્લેખ કીધો પણ અસંગઠિત વર્ગોના પ્રશ્ર્નો હોય, રેશનાલિસ્ટ ચળવળ હોય, વ્યાવસાયિક આરોગ્ય ક્ષેત્રે કર્મીઓની આપદાવિપદા હોય, ‘નયામાર્ગ’ સતત વાચા આપતું રહ્યું. એમની સ્થળતપાસ આધારિત લેખશ્રેણીઓ કંઈક વિશેષ ઉલ્લેખ માગી લે છે. ‘કોયતા’ જેવી તુચ્છ ઓજારની ઓળખે સંબોધાતા શેરડી કામગારોને આપણા એકના એક ગિરીશભાઈની પીઆઈએલે રાહત, હક અને વળતર અપાવેલાં તેનાં સગડ ઇન્દુભાઈની આવી જ એક લેખશ્રેણીમાં તમને મળશે. આ વ્યાપ અને સાતત્ય એને ‘ભૂમિપુત્ર’ અને ‘નિરીક્ષક’ કરતાં (ત્રણેનાં વલણોમાં સામ્ય છતાં) જુદું તારવી આપે છે.
૧૯૭૭ પછીનો ગાળો આપણા રાજકારણ અને જાહેર જીવનમાં એનજીઓ તેમ નાગરિક સમાજ સક્રિયતાનો છે. ત્રણે પત્રો (અને એના તંત્રીઓ) પોતપોતાની રીતેભાતે તેની સાથે સંકળાતા અને પ્રસંગોપાત્ત દોર સંભાળતા રહ્યા છે. રાજકીય વિકલ્પ અને વૈકલ્પિક રાજનીતિની દિશામાં પણ એમના યથાસંભવ ઉધામા રહ્યા છે. મુખ્ય ધારાનું પત્રકારત્વ (દૈનિક પત્રકારણ) મહદંશે જે બજાર અને સત્તા-લક્ષી ઝોકનું હેવાયું બની રહેલું માલૂમ પડે છે એની વચ્ચે આવા અવાજો અને આવાં સ્થાનકોની ભૂમિકા ઉત્તરોત્તર સવિશેષ મહત્ત્વની બનતી જાય છે. ઇન્દુભાઈની ‘નયામાર્ગ’ વાટે અંકિત મુદ્રા કોઈ હાડના બૌદ્ધિકની નહીં (અને ધંધાદારી બુદ્ધિજીવીની તો બિલકુલ જ નહીં) પણ જાહેર કાર્યકર પાસે પ્રજાના પ્રશ્ર્નોની સાદી સમજ અને તે માટેની પ્રતિબદ્ધતાની છે. સરકાર અને સત્તાપક્ષની મર્યાદાઓ એ આપણાં છાપાંના ટપાલપાનાં લગી જઈ ટીકાટિપ્પણ વગર સીધાસાદા ઉતારા મારફતે ઉજાગર કરતા એ અહીં સાંભરે છે. ‘રચના અને સંઘર્ષ’ એ એમની ‘જનસત્તા’ની કોલમકારી પણ ચોક્કસ સંભારવી જોઈએ.
પુરુષોત્તમ માવળંકરે લૅસ્કી ઇન્સ્ટિટ્યૂટ બંધ કર્યું ત્યારે આજીવન સભ્યોને એમની રકમ પાછી વાળી હતી (જોકે વસ્તુત: એ તો ખરચાઈ જ ગઈ હોય, તોપણ). એક તબક્કે આખા ત્રણસો રૂપિયાના આજીવન લવાજમ સામે ઇન્દુભાઈએ ‘નયામાર્ગ’ લાંબો સમય આપ્યું હશે. આગળ ચાલતાં બંધ કરવાનું નક્કી કર્યું ત્યારે નવાં લવાજમો લેવાનાં તો બંધ કર્યાં જ, પણ નોંધ લેવા માટે આવતાં પુસ્તકો પણ પાછાં વાળવા માંડ્યાં હતાં, એ વિવેક આ ક્ષણે સાંભરે છે.
સહેજ પાછળ જઈને ૨૦૦૨ને ફરી સંભારું? ગોધરામાં જે નિર્ઘૃણ ઘટના બની એમાં ગંઠાઈ ગયેલ લોકમાનસે સત્તાપક્ષ અને સરકારના કંઈક મેળાપીપણા (અને કંઈક આંખ આડા કાન) સાથે આખા અનુગોધરા કાંડને (‘પ્રોગ્રોમ’ કહેતાં વંશીય નિકંદનની માનસિકતાપૂર્વકની હિંસાને) જોઈ-ન જોઈ કરી એ હકીકત છે. કથિત મોટાં છાપાં લગભગ એકતરફી જેવાં પેશ આવ્યાં એ પણ હકીકત છે. લોકમાનસમાં એ બધાને પ્રતાપે ‘ગોધરા’ પર જાણે પિન ચોંટી ગઈ હોય એવું આટલે લાંબે ગાળે પણ લગભગ યથાવત્ લાગે છે. એ દિવસોમાં એક વાર ઇન્દુભાઈએ ‘નયામાર્ગ’માં એ મતલબનું લખેલું કે મારા દરેક પેરેગ્રાફે પહેલી લીટી હું ગોધરા ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું તેમ વાંચવાની કૃપા કરશો (પણ પછીના બનાવોને ન જોવા માટે ‘ગોધરા’ની આડશનો ઉપયોગ ન કરશો). ૨૦૦૨માં ‘ભૂમિપુત્ર’, ‘નિરીક્ષક’, ‘નયામાર્ગ’ની વૈચારિક કામગીરી વિશે ગુજરાતના વિમર્શમાં કોઈ ધોરણસરની તપાસ ને અભ્યાસ નથી થયાં તે આપણી કારુણિકા છે. ગોધરા-અનુગોધરા દશવરસીએ બે તંત્રીઓએ (‘ભૂમિપુત્ર’ના કાન્તિ શાહે અને ‘નિરીક્ષક’ના પ્રકાશ ન. શાહે) પોતપોતાના પત્રની ભૂમિકા અને કામગીરીને લઈને કરેલી ચર્ચાની થોડીક નકલો (સોથી નવસોની મર્યાદામાં) વેચાઈ અને વંચાઈ હોય તોય ઘણું.
વાત સાચી કે, માર્ચ ૨૦૨૦થી ‘નયામાર્ગ’ નીકળતું નહોતું. સ્વાસ્થ્યનાં કારણોસર પણ છેલ્લા વરસમાં ઇન્દુભાઈએ જાહેર કામોમાંથી પોતાને સંકેલી લીધા હતા. પણ હાજરી તો હતી. વાતઠેકાણું તો હતું. વિધિવત્ અઘોષિત કટોકટીના કાળમાં થાણાં તો ઠીક, આવાં એકલદોકલ ઠેકાણાં પણ ક્યાં!
– પ્રકાશ ન. શાહ