સામાન્ય રીતે વ્યક્તિની ઓળખ તેની સિદ્ધિઓ વડે થાય છે. વ્યક્તિએ કેવાં કેવાં સ્થાન, માન-પાન, હાંસલ કર્યાં અથવા કેટલાં ધન-સંપત્તિ મેળવ્યાં તેના વડે તેનું માપ નીકળે છે. પણ સમાજનું ધ્યાન એવા લોકો તરફ ભાગ્યે જ જાય છે, કે જેમણે ઘણું બધું હાથવગું હોવા છતાં તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હોય. આવા લોકો માટે, તેમણે શું શું ન મેળવ્યું તેની યાદી બનાવીએ તો તેમના વ્યક્તિત્વનો દિશાનિર્દેશ તથા આકલન સાંપડે.
ઇન્દુભાઈનો રાજકીય નેતાઓ પૈકી ઘણા સાથે ઘરોબો હતો. ઝીણાભાઈ દરજીના તે માનસપુત્ર હતા. ઇંદિરા શાસન અને વીસ મુદ્દાના કાર્યકાળમાં ઝીણાભાઈ ધારાસભ્ય અને રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન પામી શક્યા હતા. સહકારી પ્રવૃત્તિ, ગ્રામ-વિકાસના ક્ષેત્રે કાર્યરત અનેક સ્વૈચ્છિક સંગઠનો અને આશ્રમ શાળાઓના એક વિશાળ સમૂહ સાથે તે આજીવન સંકળાયેલા રહ્યા.
આ ક્ષેત્રે એમણે કરેલા પ્રદાનની તાકાત ઉપર પણ એ સંસ્થાઓના નિયામક બની શક્યા હોત. સમાજમાં એવી ઘણી વ્યક્તિઓ છે કે જે કંઈ કરવા માટે નહીં પણ ન કરવા માટે સંસ્થાઓ પચાવી-બથાવી પાડે છે. ઇન્દુભાઈ હસતા ચહેરે આ સઘળાંથી વેગળા રહ્યા. અલબત્ત, ઘણી સંસ્થાઓ માત્ર પ્રેમવશ થઈને તેમને નવાજવા આવી. નવાજિશનાં ચિહ્નો એમના ઘરમાં નજરે પડે છે.
તેમને ચાહનારા મિત્રોના બે ઉપક્રમો તેમણે રોકી દીધા :
- કેટલાક મિત્રોએ એમના જીવનના પ્રસંગો જાણવા માટે અઠવાડિક મિલન શરૂ કર્યું. માંડ ત્રણ-ચાર અઠવાડિયા આ ચાલ્યું પણ પછી તેમણે અનિચ્છા વ્યક્ત કરી.
- કેટલાક મિત્રોએ તેમનું સામાજિક સન્માન કરવા વિચાર્યું. સમાજ તેમનો ઘણો ઋણી છે અને તેથી તેમના હાથમાં સન્માનનિધિ મૂકીને ગુજરાત ગૌરવાન્વિત થયું હોત. પણ આ બાબતે પણ તેમણે સ્પષ્ટ અને અસંદિગ્ધ ‘ન’કાર જ ભણ્યો.
ઇન્દુભાઈની ઓળખ માટે તેમની ઘણી નજીક જવું પડે તેમ હતું. અડધી અડધી ચા પીતા-પીતા મિત્ર બની જાય તેવા તે ન હતા. ચાના ઘૂંટ વગર પણ, સાહિર, કતીલ, મીર કે ગાલિબના શેર ઉપર કે પછી બેગમ અખ્તર કે રૂના લૈલાની ગઝલ ઉપર તેમનું દિલ ખૂલી જતું. એમનો પોતાનો કંઠ સારો હતો, સૂરીલો હતો; અને ગીત-ગઝલના કલાપારખુ હતા. કંઈક સારું જણાય તો શેર કરતા અને તેમના આવા ‘શેર’ માટે ઇંતેજારી રહેતી.
તેમને ‘અનુજ’નું દુ:ખ હતું પણ ઉદ્વેગ કે શોકથી બને ત્યાં સુધી દૂર રહેતા. ક્યારેક ધીરજનો બંધ તૂટી પણ જતો – ‘અમારા પછી અનુજનું શું -’ આ પ્રશ્ર્ન રંજનબહેન પણ એવી જ ઉત્કટતાથી કરતા. અનુજને ઍડપ્ટ કરવા ગયા ત્યારે એક અન્ય યુગલ પણ આ જ હેતુથી ત્યાં આવ્યું હતું. “તેમનો દીકરો તો હવે ભણીગણીને કમાતો પણ થઈ ગયો, એવું રંજનબહેન કહેતાં ત્યારે એક ઘનઘોર નિરાશા ઘેરી વળતી!
‘નયામાર્ગ’ માત્ર ચલાવવા ખાતર કે પોતે કોઈ બડા પત્રકાર હોય તેવા આભાસ હેઠળ ચલાવતા ન હતા. દર પંદર દિવસે આવતા તેમના ‘સાંપ્રત’, લોકશિક્ષણનું ગજબનું કામ કરતા. ‘નયામાર્ગ’ની તો એ માવજત કરતા. એક ઉત્તમ લેખકસમૂહ તો તેમને મળ્યો જ પણ એ પોતે કેટલું વાંચતા! ખેત-ભવનના અધમાળી કાતરીયા (મેઝેનિન ફ્લોર)માં કેટકેટલાં પુસ્તકો, સામયિકો અને છાપાં ખડકાતાં! એમનું દૈનિક વાંચન, ચિંતન પરિશીલન અને લેખન આજના કોઈ પણ અધ્યાપકને લજવી મૂકે તેટલું હતું. કાશ ! ગુજરાતમાં બૌદ્ધિકોની કદર થતી હોત તો તેમને રાજ્યની કોઈક યુનિવર્સિટીએ માનદ ડૉક્ટરેટ આપી હોત. કાશ તેમના હાથ નીચે થોડાકે પીએચ.ડી. કર્યું હોત! તેમની સમાજસાધનાની સાથોસાથ જ્ઞાનઉપાસનાનો પરિચય તેમણે અમારા ‘માધુકરી’માં ખેત-મજૂરો વિશે લખેલા લેખમાંથી સાંપડે તેમ છે. (‘માધુકરી’, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટનું અર્ધવાર્ષિક સામયિક છે.)
શાસ્ત્ર વચન છે: ” स्मशाने राजद्वारे च य तिष्ठति स बांधवः “
સ્મશાન અને રાજદ્વારમાં જે તમારી સાથે રહે તે સાચો બંધુ. આ અનુભવે અમે ગાયકવાડ હવેલીમાં એક દિવસની અટકાયત વેઠી.
વસ્ત્રો અને પરિધાનમાં એકદમ સુઘડ! સુંદર વસ્ત્રો, બરાબર ઓળેલા વાળ, આછા કથ્થઈ કાચનાં ચશ્માં – એકંદરે આંખ ઠરે તેવું પરિધાન એમની ખાસિયત હતી. મહેમદાવાદ ખાતેના ‘જનપથ’ના મિલનમાં કહેલું – “મારા વાળ ઊભા હોય તો હું આખેઆખો ઊભો હોઉં તેવું લાગે છે! ચીલાચાલુ કે ગતાનુગતિક ઢબે જિવાતા ખોખલા જીવનના વિકલ્પે-દુ:ખ અને પીડાભર્યું – પણ સમતોલ અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકાય છે તેનો આનાથી અદકો દાખલો મળે ત્યારે ખરો!
– રોહિત શુકલ