ઑલિમ્પિક્સમાં ભારતની મહિલા હૉકી ટીમ 41 વર્ષ બાદ સેમિફાઇનલમાં પ્રવેશી એનું ગૌરવ સહુને હોય. આ ટીમની ખેલાડીઓના ‘કંકુપગલાં પાડનારી સુકન્યાઓ’ તરીકે ઓવારણાં લેવાયાં. તેમાં સ્ત્રીને ભારતીય સંસ્કૃતિનાં પુરુષપ્રધાન બીબામાં ઢાળી દેવાની ઘેલછા ફરી એક વખત જોવા મળી. પણ આ કંકુપગલાંમાં કેટલાય કાંટા ભોંકાઈ ચૂક્યા છે. તે વિશે આજના (3 ઑગસ્ટના) ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકના છેલ્લાં પાને HERSTORY એવાં સૂચક મથાળાવાળા લેખમાં વાંચવા મળે છે.

તેના મુખડામાં ‘એક્સપ્રેસ’ આ મતલબનું નોંધે છે : ‘ વિજેતા ટીમની ખેલાડીઓના અસાધારણ પાસાની કથાઓ અહીં આપી છે. આ ખેલાડીઓમાંથી કોઈક ખેલાડી રમતગમતના મથકો સમાં કસબાની છે, તો કોઈક નક્ષલવાદી કંપાની. કોઈએ ઘરનું વૈતરું નહીં કરવા માટે મ્હેણાંટોણાં સાંભળ્યાં છે, તો કોઈ ખેતરના તડકે કે ચૂલાના તાપે શેકાઈ છે. એક ખેલાડી એવી છે કે જેને લોકો રાષ્ટ્રીય કક્ષાના રમતવીર એવા તેના ભાઈની સાથે જ સરખાવતાં રહે છે, તો વળી બીજી એકની હૉકી રમતી મોટી બહેન પોતાની રોજમદારીના રૂપિયામાંથી હૉકી સ્ટિક લાવીને રમતી. એક ખેલાડી દારુડિયા પિતાથી બચવા માટે હૉકી રમે છે, તો વળી બીજી એક પોતાના એવા પિતાને ગૌરવ અપાવવા માટે રમે છે કે જેમણે સમાજના રિવાજોને ન ગણકારીને દીકરીને રમવામાં હિમ્મત આપી હોય.’ આ ભૂમિકા બાદ ‘એક્સપ્રેસ’ના લેખમાં તમામ સોળ ખેલાડીઓમાંથી દરેક ખેલાડી વિશે સરસ ટૂંકી નોંધો છે.
તેમાં સહુ ખેલાડીઓની કારકિર્દી અને સિદ્ધિઓ ઉપરાંત કેટલીક ખેલાડીઓએ વેઠેલી મુશ્કેલીઓ અને વિશે ટૂંકી નોંધો લખી છે. તે અહીં સારવી છે. રાની રામપાલ : હરિયાણાના શાહબાદની રાની (ઉંમર 26 વર્ષ)ના પિતા લારી ખેંચતા અને માતા લોકોના ઘરનાં કામ કરતાં. પિતાને દિવસના એંશી રૂપિયા મજૂરી મળતી. કારમી ગરીબીમાં રહી ચૂકેલી રાનીએ તૂટેલી સ્ટિકથી, સલવાર-કુર્તામાં હૉકી રમવાની શરૂઆત કરી. મેદાન પર રમત જોયાં કરતી રાની ઘરની ગરીબીમાંથી આવતાં કુપોષણને કારણે અશક્ત હતી,એટલે કોચ તેને તાલીમ આપવાનો ઇન્કાર કરતા. રાનીએ લખ્યું છે : ‘ મારે હાડમારીભરી જિંદગીમાંથી છૂટકારો મેળવવો હતો. લાઇટો જાય, મચ્છર ગણગણ્યા કરે, ચોમાસામાં ઘરમાં પાણી ભરાય, બે ટંક ખાવાનું ન મળે. મારા મા-બાપ મારા માટે કાળી મજૂરી સિવાય કંઈ કરી શકે તેમ ન હતાં.’ રાની એ પણ યાદ કરે છે કે હૉકીની તાલીમ તો વહેલી સવારે શરૂ થઈ જાય. પણ વહેલાં જાગવા માટે એને ત્યાં અલાર્મવાળી ઘડિયાળ જ ન હતી. એટલે મા આકાશમાં જોઈને સમય નક્કી કરીને એને જગાડતી.
તાલીમ કેન્દ્રમાં દરેક ખેલાડીએ અરધો લીટર દૂધ લઈ જઈને કોચ સમક્ષ પીવાનું રહેતું. એટલું બધું દૂધ તો રાનીને પોષાય તેમ હતું જ નહીં, એટલે એ અરધું દૂધ અને અરધું પાણી પીતી. (પૂરક માહિતી ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ 28 જુલાઈ)

નેહા ગોયલ : હરિયાણાના સોનીપતની નેહા(26) તરુણ વયના ટિન-એઇજ વર્ષોમાં હૉકીને કારણે બાપના ત્રાસમાંથી બચી જતી અને બે ટંકનો રોટલો ખાઈ શકતી. જેટલો સમય મેદાન પર અને રમતસંકુલમાં હોય તેટલો સમય રાની તો તેના દારુડિયા બાપથી અળગી રહી શકતી ; પણ તેની મા બાપાને હાથે માર ખાતી રહેતી. મા-દીકરી બંને સાયકલ બનાવવાનાં એક કારખાનામાં મજૂરી કરતી. સાયકલના પૈડામાં એક આરો બેસાડવાની મજૂરી પાંચ રૂપિયા મળતી.

નિક્કી પ્રધાન : ઝારખંડના આદિવાસી ગામ હેસાલની નિક્કી (27)ને એનાં પોતાનાં કહેવાય એવાં બૂટ તેમ જ હૉકી સ્ટિક 2006માં એના બારમા વર્ષે જ્યારે તે રાંચીની એક તાલીમ સંસ્થામાં જોડાઈ ત્યારે મળ્યાં. બિહાર પોલીસના હેડ કૉન્સ્ટેબલની દીકરી નિક્કીની મોટી બહેન પણ હૉકી રમતી. એ પોતાનાં માટેની સ્ટિક પોતાની મજૂરીના પૈસે લાવી હતી.

નિશા વારસી : હરિયાણાના સોનીપતની નિશા (26)ના દરજીકામ કરતા પિતા તેને ખૂબ પ્રોત્સાહન આપતા. છ વર્ષ પહેલાં તેમને લકવો થયો. ત્યાર પછીના કપરા દિવસોમાં તેની માતા એક કારખાનામાં મજૂરી કરતી. નિશાને આ રમતમાં ખાસ તો એટલા માટે રસ પડ્યો કે એમાં ભાગ્યે જ કોઈ સાધનની જરૂર પડે છે. જો કે ઘરના સંજોગોને લીધે તેનુ રમત સાથેનું જોડાણ તૂટતું પણ રહ્યું હતું.

લાલરેમસિઆમી : મિઝોરામના કોલાસીબની સિયામી ઓલિમ્પિકમાં જનારી તેના રાજ્યની પહેલી મહિલા ખેલાડી છે. સોળ વર્ષની ઉંમરે એ રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થઈ ત્યારે તેને હિન્દી કે અંગ્રેજી બિલકુલ આવડતું ન હતું. એને ઇશારાથી અથવા એકાદ-બે શબ્દોથી જ કામ ચલાવવું પડતું.
સુશીલા ચાનુ : મણિપુરના ઇમ્ફાલની સુશીલા (29) ભારતીય રેલવેમાં મુંબઈ ખાતે ટિકિટ કલેક્ટરની નોકરી કરે છે. તેના પિતા ડ્રાઇવર છે અને દાદાથી માંડીને આખો પરિવાર જુદી જુદી રમતોમાં રસ ધરાવે છે.
દીપ ગ્રેસ એક્કા : ઓડિશાના લુલકીડીહીની દીપ (27)નો ભાઈ દિનેશ ભારતીય હૉકી ટીમનો પૂર્વ ગોલકીપર હતો. એક્કાને પણ ગોલકીપર જ બનવું હતું, પણ તેના ભાઈના અતિશય દબાણને કારણે તેને ડિફેન્ડર તરીકે તૈયાર થવું પડ્યું. તેના ગામના લોકો તેને ઘરનાં કામ નહીં કરવા મટે મ્હેણાં મારતા, પણ એનો પરિવાર એની સાથે હતો.
સલીમા ટેટે : ઝારખંડના હેસલ ગામની સલીમા (19) નક્સલવાદીઓની પકડ ધરાવતા પંથકના એવા ગામની છે કે જ્યાં પથ્થરો હઠાવીને, કામચલાઉ ગોલપોસ્ટ ઊભા કરીને બનાવેલાં મેદાન પર રમવું પડતું હોય. સલીમાને પહેલવહેલી હૉકી સ્ટિક ખેતરમાં મજૂરી કરીને રળેલા પૈસે લાવવી પડી હતી.
(આધાર : ધ ઇન્ડિયન એક્સપ્રેસ, 3 ઑગસ્ટ 2021)
– સંજય સ્વાતિ ભાવે
ફેસબુકની દીવાલ પરથી