ફેબ્રુઆરીની 23મીની સાંજથી દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા એ ફરી એક વાર દેશને હલાવી નાંખ્યો. આપણા દેશમાં કોમી તોફાનોનો એક ઇતિહાસ રહ્યો છે. તેની સાથે જ આપણે ત્યાં હિંદુ-મુસલમાન સાથે મળીને એકબીજાનાં સુખ-દુઃખમાં ભાગીદાર બનતા રહે એના દાખલા પણ ઓછા નથી. ગંગા-જમની સંસ્કૃતિ એ આપણું ગૌરવ છે. આપણે વારંવાર જોયું છે કે કોઈ ટૂંકા સ્વાર્થ માટે આ સૌહાર્દપૂર્ણ વાતાવરણને ડહોળી દેવાય છે. ઉત્તરોત્તર અસહિષ્ણુતાનું વાતાવરણ બનતું જાય છે. હિંસા જાણે કે સ્વીકૃત થતી જાય છે. જે વર્તન કરતા માણસ સામાન્ય રીતે અચકાતો તે હવે કોઈ રોકટોક વિના કરતા હોવાનું આપણે જોઈ રહ્યા છીએ. વળી તેના આવા વર્તન માટે સજા થવાને બદલે તેને તો જાણે સુરક્ષાનું કવચ મળતું હોય તેવું યે જોવા મળે છે.
કાયદો બનાવનારા સામાન્ય લોકો કરતાં વધુ જ્ઞાની, વિશેષ દૃષ્ટિવાળા તેમજ ઉદાર મત ધરાવતા હોય એવી એક આમ સમજ છે. એવા લોકોએ મળીને બનાવેલ કાયદો સાધારણ સમજણથી વધુ ઉદાર, પ્રગતિશીલ, ઊંચા સ્તરનો હોય એવું આપણે માનીએ. એવી જ રીતે સમાજમાં દેશમાં નેતાઓ પણ પોતાના વિચાર, વાણી, વર્તન દ્વારા લોકમાનસના સ્તરને હોય તેનાથી ઊંચું ઉઠાવી શકે એવા દાખલા જોવા મળે છે. ગાંધી-વિનોબાએ આ દેશમાં એવો દાખલો બેસાડયો છે.
દેશના ભાગલા વખતે થયેલાં કોમી તોફાનોમાં શાંતિ સ્થાપવા ગાંધી પોતે નોઆખલી પહોંચ્યા હતા. તેમણે કહેલું, ‘આંસુ લૂછવા જાઉં છું…’ દિલ્હીની કોમી હિંસા અટકે તે માટે ગાંધીએ મૃત્યુના થોડા દિવસ પહેલાં જ ૭૮ વર્ષની ઉંમરે આમરણ ઉપવાસ કરેલા. શાંતિ સ્થાપવાના એક ઉપાય તરીકે તેમણે કહેલું, ‘તમારા ઘરમાં જ પીડિતોને રાખો અને તેમને અપનાવવો. એક્કેય કુટુંબ, માતા-પિતા કે બાળકો રાખડી ના પડે તેની કાળજી લેવાનો આ અવસર છે.’ આવી સમજણના પરિપાક રૂપે જ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર સ્થાપવાનો નિર્ણય થયો અને તેવું બંધારણ રચાયું. આજે ૭૦ વર્ષે એ સમજણને ફંગોળી દેવાની આ કોમી વૈમનસ્યની આવેલી સુનામી ભાવિ પેઢીની ચિંતા કરાવે છે.
તાજેતરમાં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસીંડા ઓર્ડને પણ સાચી નેતાગીરી એટલે શું, તે પોતાના વર્તનથી બતાવી આપ્યું. માર્ચ ૨૦૧૯માં ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં જ્યારે મસ્જિદ પર હુમલો થયો તેમાં ૫૧ લોકો મૃત્યુ પામ્યા ત્યારે ઓર્ડન પોતે આશ્વાસન આપવા દોડી ગયેલા. ઘાયલ લોકો અને મૃત્યુ પામેલાં સગાં વચ્ચે ઊભા રહ્યાં ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. એટલું જ નહીં, તેમણે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો અને મિલિટરી જેવા હથિયારો રાખવા પર ન્યૂઝીલેન્ડમાં પ્રતિબંધ મુકાવ્યો. આ છે દેશની ચિંતા કરનાર, સમાજના સૌથી કચડાયેલાની ચિંતા કરનાર નેતાનો પ્રતિભાવ. પરંતુ કમનસીબે આજે દુનિયામાં ઓર્ડન જેવા નહીં, ટ્રમ્પ અને બોલ્સાનેરો જેવા નેતાઓ વધુ જોવા મળે છે જે સતત સંવાદના સ્તરને નીચે લઇ જવાના પ્રયત્નમાં રહે છે.
લગભગ દરેક કોમી તોફાનમાં સામ-સામે એકબીજાને બચાવ્યાના, માનવતાના ઉમદા દાખલાઓ અપવાદરૂપે સામે આવતા હોય છે. ટોળાના ઉન્માદમાં થયેલી ભૂલની કબૂલાતો પણ પાછળથી થતી હોય છે. છેલ્લા બે દાયકાથી જો કે તોફાનો ‘થવાને’ બદલે ‘કરાવવામાં’ આવતા હોય ‘થવા દેવાતા’ હોય તેવા સમાચારો વધુ સામે આવતા જાય છે. ફેબ્રુઆરીના દિલ્હીનાં તોફાનોમાં પણ આ જ વાત બહાર આવી કે પાડોશીઓએ તો એકબીજાના જાન બચાવ્યા. મારામારી કરનારા, લૂંટ ચલાવનારા, તોડફોડ અને આગ લગાડનાર બહારના લોકો હતા. આમ તો પાછળથી
કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ આ વાત સંસદમાં સ્વીકારી છે. દિલ્હીનાં તોફાનોમાં એક વધારાની વાત જોઈ તે એ કે પોલીસ પોતે પણ તોફાનમાં પથ્થરમારો કરવામાં સામેલ થઈ. ૨૦૦૨માં તોફાની ટોળાને ન રોકવાની તાલીમમાંથી પ્રગતિ કરી હતી તેમણે.
૨૩-૨૪-૨૫-૨૬ ફેબ્રુઆરી દરમિયાન આ બધા સમાચારો સાંભળી, વાંચી, જોઈને એક બાજુ ઊંઘ ઊડી ગઈ હતી, અસહાયતા અનુભવાતી હતી, હૃદય વલોવાતું હતું તેવે જ વખતે માનવતાને ઊંચે લઈ જનારા- ‘દિલવાલોં કી દિલ્હી’ ના દાખલા સામે આવવા માંડ્યા. તેમાંના કેટલાક અહીં જોઈએ.
દિલ્હીના શિવવિહારના રહેવાસી રંજુદેવી અને શાકીરાની આ વાત છે. રંજુ કહે છે, અમે તો ત્રણ દાયકાથી સાથે રહીએ છીએ. મારાં બાળકો એના ઘરનું ખાઈને મોટાં થયાં છે. મારાં મા-બાપ તો બિહારમાં રહે છે. આ શાકીરા જ મારી માવતર છે. મારી સુવાવડો પણ એણે જ કરી છે, એને હું કેમ મરવા દઉં. જો કે આ મુસ્લિમોને બચાવ્યા તેની સજારૂપે તોફાનીઓ એ રંજુના પતિનું માથું ફોડી નાખ્યું. બંને બહેનો આંખોમાં આંસુ સાથે કહે છે, ‘સાથે જીવ્યા છીએ અને સાથે જ મરીશું. મોહબ્બત બહુ મોટી વસ્તુ છે. પાડોશીનું ઘર કોઈ બાળવા આવે તો જોઈ કેમ રહેવાય? અમે ગરીબ માણસો છીએ, ગરીબને ખબર છે, ઘર કેમ વસાવાય. અમારું બધું જ લૂંટાઈ ગયું આખું ઘર લઈ ગયા. પણ જાન બચી છે. ઈજ્જત બચી છે તો જીવી ખાઈશું. અમારા પાડોશી રહેશે તો બધું રહેશે, અમે પ્રેમ કરીએ છીએ એકબીજાને બીજું કંઈ નહીં.’
શાકીરા કહે છે, ‘આ લોકો એ અમને ન બચાવ્યા હોત તો અમારા ઘર સાથે અમને પણ જીવતાં બાળી નાંખ્યાં હોત.’રંજુ કહે છે, ‘આ તો મારી બહેન છે, એ રહેશે તો જિંદગી રહેશે – ખાવા-પીવાનું તો મળી રહેશે. ઉપરવાળો બેઠો છે ને ! બહેન સમજીને રહ્યા છીએ અને હજી પણ રહીશું.’ બંનેનું કહેવું છે કે અમને એકબીજા પર વિશ્વાસ છે – આ તો બહારના લોકોએ આવીને હિંસા કરી, અમારી વચ્ચે કોઈ પ્રશ્ન નથી. જે હવા આંધી આવી તેને તો સહન જ કરવી રહી. જે થયું તે ખરાબ થયું પણ અમે વિશ્વાસ ગુમાવ્યો નથી. હળી-મળીને અહીં સાથે જ રહેવાનું છે. અમારા પાડોશીને બચાવી શક્યા એ જ અમારા માટે મોટી વાત છે.
બીજો કિસ્સો છે, મુજીબુર રહેમાન અને સંજીવભાઈનો. મુજીબુરની મીઠાઈની દુકાન તેમજ તેની જાન બચાવવા સંજયભાઈ અને તેમનો પરિવાર તોફાન કરવા આવેલા બહારના લોકો સામે હાથ જોડીને ઊભા રહી ગયા. તોફાનીઓએ કહ્યું, ‘તમે કેમ આ…ને બચાવો છો ?’ સંજીવ કહે છે, અમારા વિસ્તારમાં ક્યારેય તોફાનો થયા નથી, અમે બધા સંપીને રહીએ છીએ તો બીજી તરફ મુજીબુર પણ હિન્દુઓની પંદર-વીસ મીઠાઈની દુકાન છે, જ્યાં મુસ્લિમ ટોળું આવેલું ત્યાં મિત્રો સાથે ઊભા રહી જાય છે અને કહે છે, ‘હાથ પણ નહીં લગાડવા દઈએ આ દુકાનોને ! મુજીબુર કહે છે, ‘ઉપનિષદનો મંત્ર છે, વસુધૈવ કુટુંબકમનો તો કુરાન પણ એમ જ કહે છે. આપણે બધા એક પરિવારના સભ્યો છીએ તો ભેદ ક્યાં છે? રામ ને કેમ બદનામ કરો છો? મેં વેદ-ભગવદ્ગીતા વાંચ્યા છે. હું ખાતરીપૂર્વક કહું છું કે હિંદુ કુરાન વાંચે અને મુસ્લિમ જો ગીતા વાંચે તો બંને ને ખબર પડે કે ધર્મની વચ્ચે કોઈ ભેદ નથી. બધા ઝઘડા મટી જાય.’ તે આગળ કહે છે, ‘જેમણે આ તો તોફાન કર્યા તે પણ મારા ભાઈઓ જ છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે.’
મૌજપુરના હિંદુ-મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને કહ્યું કે, ‘અમારે ત્યાં પહેલી વાર આવાં તોફાનો થયાં છે. એનો મકસદ સાફ છે – અમારી વચ્ચેનો ભાઈચારો ખતમ કરવા માંગે છે – જેમાં રાજકારણ રહેલું છે. CAA-NRC વિરુદ્ધ જે ધરણા ચાલે છે તેનાથી હિન્દુ-મુસલમાન કોઈને તકલીફ ન હતી. સત્તા પક્ષના નેતા કપિલ મિશ્રા આવ્યા અને તેમણે જે નિવેદન આપ્યું તેના કારણે હિંસા ભડકી. પોલીસે તેમની ફરજ 10% જેટલી પણ નિભાવી હોત તો તોફાનો થયા ન હોત.’
દિલ્હીના આ પ્રસંગો માનવતામાં ફરી એક વાર ભરોસો કરવાની પ્રેરણા આપનારા છે. દેશનું સુકાન જેમના હાથમાં છે તેમને આજે દિલ વાલોં કી દિલ્હીના લોકો દિશાસૂચન કરી રહ્યા છે. આશા રાખીએ કે સંકુચિત વૈમનસ્યની દૂષિતતા હોળીમાં બળીને ખાખ થઇ ગઇ હોય અને ફરી એકવાર રંજુદી અને શકિરાની મહોબતનો પયગામ સમસ્ત દેશમાં પ્રસરે!
-સ્વાતિ
અને જરા આ પણ…..
કોરોનાની કઠિનાઈ વચ્ચે માનવતાની મહેક
બુલંદ શહેરના રવિશંકરનું બે દિવસ પહેલાં લાંબી માંદગી બાદ મૃત્યુ થયું. ગરીબી એટલી હતી કે પરિવાર પાસે અંતિમ ક્રિયા કરવાના પણ પૈસા ન હતા. કોરોના પ્રકોપ વચ્ચે પરિવારજનો પણ હતપ્રત હતા. આવી કપરી પરિસ્થિતિમાં રવિશંકરના મુસ્લિમ પાડોશીઓએ પૈસા ભેગા કરી હિન્દુ વિધી-વિધાન પ્રમાણે તેના અંતિમસંસ્કાર કર્યા. તેની અંતિમ યાત્રામાં મુસ્લિમ બિરાદરો ‘રામનામ સત્ય’ બોલતા જોવા મળ્યા. ત્યાં જોવા મળી સાચા ભારતની ઝલક.