ગુજરાતમાં સીધી રીતે ન જોઈ શકાય તેવી રીતે પ્રાણીઓ પર થતી હિંસા !

પ્રાણીઓ તો આપણા જીવનસાથીઓ છે :

ધી યુનાઈટેડ નેશન્સ એન્વાયરન્મેન્ટ પ્રોગ્રામનો રિપોર્ટ કહે છે કે, જંગલો કાપતા રહેશો, પ્રાણીઓને મારતા રહેશો તો રોગચાળો આવશે જ. ઇબોલા, સાર્સ, મેર્સ, એચ.આઈ.વિ., રીફટ, વેલી ફીવર, લાસા ફીવર, લીને ડીસીઝ, વગેરે રોગો એવા છે જે પ્રાણીઓમાં હજ્જારો વર્ષોથી હતા. પરંતુ, મનુષ્યો તેના સંપર્કમાં આવ્યા પછી તે મનુષ્યોમાં દાખલ થયા. કહેવાય છે કે, આ કોરોના વાયરસ પણ ચામાચીડિયા દ્વારા ફેલાયો.

વન્યજીવનનો સંદર્ભ તેમના કુદરતી રહેઠાણમાં જીવતા સજીવો માટે છે. રક્ષિત વિસ્તારો – વન્યજીવોનાં કુદરતી રહેઠાણો રાષ્ટ્રીય સ્રોત છે કે જે પર્યાવરણનું સમતુલન જાળવવામાં મદદ કરે છે. વર્ષો દરમિયાન વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની ઘણી પ્રજાતિઓને લુપ્ત જાહેર કરવામાં આવી છે અને અન્ય ઘણી લુપ્ત થવાના આરે છે. વન નાશ, ગેરકાયદેસર શિકાર, રહેઠાણોમાં ઘટાડો અને તેમની અવનતિ વગેરે રક્ષિત વિસ્તારો માટે ખતરારૂપ છે. આથી, વન્યજીવનના સંરક્ષણ માટેનું નિયમન એક જરૂરિયાત છે. રક્ષિત વિસ્તારોની રચના અને નિયંત્રણ વન્ય જીવ (રક્ષણ) અધિનિયમ 1972ની જોગવાઈ હેઠળ થાય છે.

થોડા સમય પહેલાં કેરળમાં ગર્ભવતી હાથણીને અનાનસમાં દારૂખાનું મૂકીને ખવરાવવામાં આવવાથી તેનું કમકમાટીભર્યું મૉત થયું. આખા દેશમાં દુ:ખની લાગણી ફેલાઈ ગઈ. કેરળમાં ભૂંડોને મારવા માટે આવા પ્રયોગો થાય છે. દેશના અન્ય ભાગોમાં પણ કૃષિમાં નુકસાન કરતાં પશુઓને દૂર રાખવા કે મારવા માટે વિવિધ પ્રયોગો થાય છે. પ્રાણીઓ, પક્ષીઓને ખેતરોમાં ભેલાણ કરવાનો શું શોખ હોય છે ? માણસની જેમ ચટપટો સ્વાદ ચાખવાની શું આ લોકોને આદત છે ? ના. તો પછી સવાલ એ થાય કે, આ પ્રાણીઓ, પક્ષીઓ કેમ ઊભા પાકને નુકસાન કરે છે કે પછી માનવવસતીમાં ઘૂસી જાય છે ?

માણસ પોતાના વિકાસ માટે તેનાથી નબળા માણસોનું શોષણ કરે છે, તેવી જ રીતે કુદરતી સંસાધનોનો પણ બેફામ ઉપયોગ કરે છે. સરકારોએ આર્થિક ઉપાર્જન કરવા માટે અને લોકોની સુખાકારીના બહાના હેઠળ જંગલની જમીનો, ખરાબાઓ, ગૌચરની જમીનો હડપ કરીને અવનવાં વિકાસકાર્યો હાથ ધર્યાં જેને લીધે પ્રાણીઓ, પક્ષીઓનાં મૂળ નિવાસસ્થાન (હેબિટાટ) છીનવાઈ ગયાં. પરિણામે પક્ષીઓ અને પ્રાણીઓ લુપ્ત થવા જઈ રહ્યાં છે. તેઓ ખોરાકની શોધમાં અન્યત્ર જવાથી શિકારનો પણ ભોગ બની રહ્યાં છે.

ઍન્વાયરન્મેન્ટ ક્લીયરન્સ મેળવવા માટે ઍન્વાયરન્મેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ અને એન્વાયરોન્મેન્ટ મેનેજમેન્ટ પ્લાન રજૂ કરવો પડતો હોય છે. એન્વાયરોન્મેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટમાં ફ્લોરા-ફૌના (વનરાજી, પ્રાણીઓ, પક્ષીઓ)નો અભ્યાસ કરવામાં આવે છે. તેમાં પ્રોજેક્ટ વિસ્તારમાં પક્ષીઓ, પ્રાણીઓ તો બતાવાય છે. પરંતુ, તેમનો વિકલ્પ શું ? તે અંગે એન્વાયરન્મેન્ટ મેનેજમેન્ટ પ્લાન નિ:શબ્દ હોય છે. પર્યાવરણની સંમતિ આપવાવાળા નિષ્ણાતોએ પણ ક્યારેય સવાલ નથી કર્યો કે, પ્રકલ્પો બનવાથી આ પ્રાણી-પક્ષીઓ ક્યાં જશે ?

આજકાલ શહેરીકરણ કરવાની હોડ લાગી છે. રાજકીય અને આર્થિક ફાયદા માટેની આ હોડને લીધે પ્રાણીઓ, પક્ષીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. શહેરો બૃહદ થતાં આજુબાજુનાં ગામોનો સમાવેશ શહેરોમાં થાય છે. તે ગામોનાં પ્રાણીઓ જાય ક્યાં ? અને એટલે જ ગાયો, ભેંસો અને અન્ય પ્રાણીઓ રસ્તા પર ફરતાં જોવા મળે છે. જેને લીધે અકસ્માતો થાય છે. આમ, સરકારો નબળા વર્ગના લોકો અને અબોલ પ્રાણી, પક્ષીઓના  પુન:ર્વસન અને પુન:ર્વસવાટ વિષે વિચારતી નથી.

: સિંહો અંગે : 

એશિયાટિક લાયનનું નિવાસસ્થાન ગુજરાતમાં આવેલું ગીરનું જંગલ છે. કુદરતી રીતે જ સિંહોનું આ હેબિટાટ બન્યું છે. જેનું આપણે ગુજરાતીઓ ગૌરવ લઈએ છીએ. ગૌરવ લેવામાં કશું ખોટું પણ નથી. પરંતુ, સિંહોનાં મૉતના ભોગે, સિંહોને પડી રહેલી યાતનાઓ અને ખેડૂતોને થઈ રહેલા પશુધનના નુકસાનને ભોગે ગૌરવ લેવું કેટલું યોગ્ય છે, તે વિષે વિચારવાની જરૂરત છે.

1995ની સાલમાં WWFIની સેન્ટર ફોર એન્વાયરન્મેન્ટ લો વિરુદ્ધ ઇન્ડિયન ઓફ ઇન્ડિયા દ્વારા એક રીટ પિટિશન (સિવિલ)નો 15 એપ્રિલ 2013ના રોજ ચુકાદો આવ્યો. સુપ્રીમ કોર્ટે દિશાનિર્દેશ કર્યો છે કે, સિંહોને કુદરતી આપત્તિઓ અને મહામારીઓથી બચાવવા માટે બીજાં નિવાસસ્થાન શોધવાની જરૂર છે. જે-તે વખતે ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે મધ્યપ્રદેશનાં કુનો-પાલપુર જંગલો સૂચવ્યાં હતાં. પરંતુ, તત્કાલીન ગુજરાત સરકારને આ નિર્ણય પસંદ ન હતો. જેથી જવલ્લે જ થતી ક્યુરેટીવ પિટિશન સર્વોચ્ચ અદાલતમાં દાખલ થઈ. અલબત્ત, સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં કોઈ બદલાવ કર્યો ન હતો. પરંતુ, આજદિન સુધી કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે આ ચુકાદાના અમલીકરણ તરફ મૌન સેવ્યું છે.

2015માં અમરેલી જિલ્લામાં પૂર આવતાં 49 જેટલા સિંહો તણાયા હતા. આ ઉપરાંત ગીર જંગલની બાજુમાં જે જમીનો રેવન્યુ હસ્તક છે ત્યાં ખુલ્લા કૂવાઓ આવેલા છે. આ ખુલ્લા કૂવાઓમાં પડવાથી પણ અવારનવાર  સિંહોનાં મોત થાય છે. રેલવે અકસ્માતો પણ નોંધાયા છે. ઓક્ટોબર 2018ના વર્ષમાં કેનીસ વાયરસથી 24 સિંહોનાં મોત થયેલાં. ગીરનાં જંગલોમાં નેતાઓ, અભિનેતાઓ, ક્રિકેટરો સિંહદર્શન કરવા વારંવાર આવે છે. એવા કિસ્સા બહાર આવ્યા છે કે, તેમને સિંહદર્શન કરાવવા માટે કૃત્રિમ રીતે મારણો આપવામાં આવ્યાં છે.

ગુજરાતની વડી અદાલતે વ્હીસલ બ્લોઅરના પત્રને આધારે 25 સપ્ટેમ્બર, 2014ના રોજ સુઓ મોટો અરજી દાખલ કરીને સરકારની ઇકો ટૂરિઝમ નીતિ અને ગેરકાયદેસર બનેલ હોટેલ/રિસોર્ટ અંગે ખુલાસાઓ માંગેલા. તે વખતે વડી અદાલતના ધ્યાન પર આવ્યું કે, ગીર ફોરેસ્ટમાં ગેરકાયદેસર રીતે હોટેલ/રિસોર્ટ બની ગયાં છે.

ગુજરાતનું ટૂરિઝમ વિકસાવવા માટે રાજ્ય સરકારે પર્યાવરણીય કાયદાઓ અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમો અંગે આંખ આડા કાન કર્યા છે. જેને લીધે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉધાનોમાં રહેલાં જંગલી પ્રાણીઓને ખૂબ જ યાતનાઓ વેઠવી પડે છે. રેવન્યુ કમાવા માટે સરકાર દ્વારા એવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવી છે કે જેને લીધે વન્ય પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાયાં છે.

ગીર ફોરેસ્ટની આસપાસ મોટા પ્રમાણમાં ખાણ-ખનીજનું કામ ચાલે છે. જેને લીધે પણ સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓ યાતનાઓ ભોગવી રહ્યાં છે. આ બધાં કારણોને લીધે ગીરનો સિંહ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાંથી બહાર નીકળીને દીવ કે ચોટીલા સુધી કે પછી રાજુલાના ભેરાઈ ગામ સુધી શિકારની શોધમાં આવી પહોંચે છે. જેને લીધે તેઓ ફેન્સિંગ દ્વારા આપવામાં આવતા ઇલેક્ટ્રિક કરંટના પણ ભોગ બન્યાના બનાવો નોંધાયા છે. વર્ષ 2018ના CAGના અહેવાલ-1માં ઉલ્લેખ કર્યો છે કે, એશિયાઈ સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધી રહી છે જેથી ગીરના સિંહો ગીરરક્ષિત વિસ્તારની બહાર નવાં રહેઠાણ શોધવા અને અપનાવવા માટે દોડી જાય છે.

હકીકત એવી રહી હતી કે, સિંહ માટેના રહેઠાણ માટે છેલ્લું વિસ્તરણ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા 2008 માં એટલે કે, ગીરનાર વન્યજીવન અભયારણ્ય (178.87 ચો..કિ.મી.નો વિસ્તાર) દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. 2011-15 દરમિયાન સિંહોની વસતીમાં 54.60 ટકાનો વધારો અને ગીરરક્ષિત વિસ્તારમાં સિંહોનાં મરણના ઘણા બનાવો બન્યા હોવા છતાં સિંહો માટે કોઈ નવું રક્ષિત રહેઠાણ મંજૂર કરવામાં આવ્યું નથી.

છેલ્લા પાંચ માસમાં ગીરના જંગલમાં 85 સિંહનાં મૉત થયાં છે. 85 સિંહોનાં મૉતમાં 17 સિંહોનાં કુદરતી અને 68 સિંહોનાં અકુદરતી રીતે જેમ કે, સર્પદંશ, કૂવામાં પડવાથી અને રોગચાળાના લીધે મૉત થયાં છે. જેને લીધે કેન્દ્ર તરફથી તપાસ સમિતિએ ગીર જંગલની મુલાકાત લીધી. તપાસ સમિતિના અહેવાલ મુજબ સિંહોના વસવાટવાળા વિસ્તારમાં મોનીટરીંગ બરાબર થતું નથી. તેથી એકસો ફોરેસ્ટર અને અઢીસો ગાર્ડની ખાલી જગ્યા ભરવા તાકીદ કરી છે.

: પર્યાવરણીય સંવેદનશીલ વિસ્તારો ઘટ્યા : 

CAG એ નોધ્યું છે કે, પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્રના જાહેરનામા માટે ત્રણ દરખાસ્તો (વેળાવદર, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, નળ સરોવળ પક્ષી અભયારણ્ય અને હિગોળ ગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય) ને ગેરવાજબી રીતે બાકાત રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે. વધુમાં એવું અવલોકન કરવામાં આવ્યું છે કે, ઉપરના કિસ્સાઓમાં જંગલની જમીનના વિસ્તારોમાં 87 થી 99 ટકા જેટલો ઘટાડો થયો હતો. જંગલના વિસ્તારોનું નિયમન પહેલેથી જ વન સંરક્ષણ અધિનિયમ 1980 હેઠળ થાય છે માટે તેમાં ઘટાડા માટે વાજબીપણું ન હતું (જેમાં મુખ્યત્વે સરકારી ખરાબાની જમીન અને જંગલની જમીનનો સમાવેશ થાય છે). તેમાં ઘટાડો કરવાથી વન્ય જીવોના સંરક્ષણ માટેના લાંબા ગાળાના પ્રયત્નો માટે જોખમ ઊભું થઈ શકે છે અને તેને પરિણામે પર્યાવરણને અવળી અસર થઈ શકે છે. કારણ કે, પર્યાવરણ સંવેદન ક્ષેત્રમાંથી બાકાત રખાયેલા વિસ્તારોમાં પર્યાવરણને અસર કરતી પ્રવૃત્તિઓનું નિયમન શક્ય રહેશે નહિ. દીપડાને અમદાવાદ શહેર જોવાની જરા પણ ઇચ્છા નથી. પરંતુ, નાછૂટકે તેણે શહેરોમાં જવું પડે છે અને લોકોના રોષનો ભોગ બનીને મરવું પડે છે.

: રોઝ (નીલગાય)ને મારવાનો કાનૂની પરવાનો :

ખેતરોમાં ભેલાણ અંગે ઘણી ફરિયાદોને અંતે વનખાતાએ રોઝ (નીલગાય)ને મારવાની પરવાનગી આપવા રાજ્ય સરકારને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની સેક્શન 11 (1) બી  અન્વયે કાનૂની શિકાર દરખાસ્ત કરી હતી. દરખાસ્તને આધારે રાજ્ય સરકારે પ્રસિદ્ધ કરી વન્યપ્રાણી અધિનિયમ 1972ની સેકશન-4 (1) (ઇઇ) અન્વયે સરપંચોની ઓનરરી વાઈલ્ડ લાઈફ વોર્ડન તરીકે નિમણૂક કરી.

વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 11 (1) (ઇ) હેઠળ કૃષિપાકનો નાશ કરતાં પ્રાણીનો શિકાર કરવાની જોગવાઈ છે. ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન કોઈપણ વ્યક્તિને તેને શિકાર કરવા લેખિત હુકમ કરી શકે છે. મોટી સંખ્યામાં રોઝને મારી નાખવાની યોજના તદ્દન અવિચારી છે. વૈકલ્પિક ઉપાયો યોજી નીલગાયને બચાવવા આજ સુધી પ્રયાસો થયા નથી. આમ, જોઈ શકાય છે કે રેવન્યુ વિસ્તારમાં વધેલી નીલગાયની વસ્તીને અભયારણ્યમાં છોડી શકાય તેમ છે છતાં તે હકીકત તદ્દન નજર અંદાજ થઈ છે. ગુજરાત વિધાનસભામાં સરકારે જણાવ્યું છે કે નીલગાયને પકડીને તેને સુરક્ષિત રાખવા બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં તેમજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભડલા ગામમાં વાડા બનાવાયા હતા. તો આવા વાડા રાજ્યના તમામ જિલ્લાઓમાં બનાવી નીલગાયને શા માટે સુરક્ષિત કરવામાં ન આવી ?

ઘુડખર અભયારણ્યમાં પવનચક્કીઓ : ઈઅૠ (વર્ષ-2018, અહેવાલ નંબર  1) દ્વારા અવલોકન કર્યું હતું કે, વેસ્ટાસ વિન્ડ ટેકનોલોજી ઇન્ડિયા પ્રા.લિ. દ્વારા જાન્યુઆરી 2007માં ઘુડખર અભયારણ્ય ધાંગધ્રાની 3.72 હેક્ટર જંગલની જમીનો ઉપર સાત પવનચક્કીઓ ઊભી કરવામાં આવી, જે વન્ય જીવન રક્ષણ અધિનિયમ 1972નું ઉલ્લંઘન છે. એક તરફ જીવદયા અને પ્રાણીઓની ગૌરવગાથાઓ ગાતાં આપણે થાકતા નથી. બીજી બાજુ રક્ષિત પ્રાણીઓને મારવાનો પરવાનો આપતાં પણ અચકાતા નથી. સવાલ એ થાય કે, પ્રાણીઓનો શું દોષ ? શું ગુનો ? ભારતના બંધારણની કઈ કલમનો તેમણે ભંગ કર્યો કે તેમને મૉતની સજા આપવામાં આવે ? શું અબોલાં પ્રાણીઓ/ પક્ષીઓ આતંકવાદીઓ છે કે તેમને કાયદેસર મારી નાખવાનો પરવાનો આપવામાં આવે છે ?

ગુજરાતના સત્તાધીશોને એવા પણ અરમાનો થયા હતા કે, સરદાર સરોવરનું એક તળાવ 300 જેટલા મગરોથી ભરાયેલું છે, તે તળાવમાંથી મગરોને હટાવીને સી પ્લેન (દરિયાઈ હવાઈ) સફર કરાવીએ. પોતાના મોજશોખ અને ટૂરિઝમ વિકસાવવા નિર્દોષ પ્રાણીઓનો જે ભોગ લેવાઈ રહ્યો છે તે રોકાવો જોઈએ.

– મહેશ પંડ્યા

પર્યાવરણ મિત્ર,અમદાવાદ, સંપર્ક : 9714839280

Leave a comment