હૉસ્પિટલના સ્પેશિયલ રૂમમાં ડોક્ટરો અને નર્સોની દોડધામ વધી ગઈ હતી. એમને હાંફળાં – ફાંફળાં જોઈને દર્દીની બગડી રહેલી હાલતનો અંદાજ આવી જતો હતો. દર્દી એટલે સ્નેહાના જિગરજાન દોસ્ત કહો કે પ્રાણપ્રિય પિતા કહો એવા શહેરના પ્રતિષ્ઠિત વકીલ, સુધાકર દીક્ષિત. પપ્પાની પરી સ્નેહા રૂમની બહારના સોફા પર બેસીને એકધારું રડી રહી હતી.
અત્યારે, જ્યારે પપ્પાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે એમની સાથેની અગણિત સ્મૃતિઓએ એની પર આક્રમણ કર્યું હતું. બાળપણની એક એક ઘટના એની આંખો સામેથી પસાર થઈ રહી હતી. એ વિચારતી હતી, કદાચ આઠ-નવ વર્ષની હતી, ત્યારે એક દિવસ રમતમાં મેં મમ્મીને કહેલું, ‘મને ચા બનાવતાં શીખવ. મારે પપ્પા માટે ચા બનાવવી છે.’
આ સાંભળીને પપ્પા ખુશ થઈ ગયેલા. ‘હા હા, આજથી હું મારી પરીના હાથની જ ચા પીશ. ભલે જેવી બને તેવી.’ બસ, પછી તો એમની દરેક સવાર મારી બનાવેલી ચાથી જ પડતી. પેપર આવે કે તરત એ લઈને હું પપ્પા પાસે પહોંચી જતી, ‘પપ્પા, તમને સમાચાર વાંચી સંભળાવું?’ ‘હા, સંભળાવને બેટા!’ મારા ગરબડિયા ઉચ્ચારોમાં હું મોટેથી પેપર વાંચતી ને પપ્પા મારી ભૂલો સુધારીને મને પ્રોત્સાહિત કરતા.
અમારા બંને માટે નાસ્તો તૈયાર કરવો, પપ્પાનું ટિફીન બનાવવું, મને સ્કૂલ માટે તૈયાર કરવી અને પોતે કૉલેજ જતાં પહેલાંનાં કામ આટોપવાં-એ બધાંમાં મમ્મી તો વ્યસ્ત હોય. પણ હું પપ્પાનો કેડો જરાય ન મૂકતી. એ ઑફિસે જવા તૈયાર થાય ત્યારે લીફ્ટ સુધી એમની પાછળ પાછળ જઈને અલક મલકની વાતો કર્યા કરતી ને લીફ્ટ આવે પછી કેટલીય વાર પપ્પાને ‘કીસી’ કરીને ‘બાય પપ્પા, બાય પપ્પા’ કર્યા કરતી.
વિચારોમાં ડૂબેલી સ્નેહાને ખભે હાથ મૂકી એનાં આંસુ લૂછતાં મમ્મીએ કહ્યું હતું, ‘જો બેટા, તું રોજ કેટલી બધી વાર પપ્પાને બાય-બાય કર્યા કરતી? આજે એટલો બધો સમય નથી. ફક્ત એક જ અને છેલ્લી વાર એમને આવજો કહી દે. કદાચ એ તારા વિદાયના શબ્દોની રાહ જોઈ રહ્યા છે.’ મમ્મીની વાત સાંભળી એનાથી ડૂસકું મુકાઈ ગયું. એ પપ્પાની પથારી પાસે ગઈ. એમને ‘કીસી’ કરવાની બહુ ઇચ્છા થઈ આવી પણ ગળામાં લગાવેલી ટ્યૂબ અને નાક પરનું ઑક્સિજન માસ્ક એમ કરવા દે એમ નહોતું. બહુ પ્રયત્નપૂર્વક રડવું રોકી, પપ્પાને માથે હાથ ફેરવીને એણે કહ્યું, ‘બાય પપ્પા, ગુડ બાય ફોર એવર.’
તમને આ પણ વાંચવું ગમશે
એનું બોલવાનું પૂરું થાય ત્યાં તો પપ્પાએ ડોક ઢાળી દીધી. સ્નેહાને હતું કે એમના જવાથી મમ્મી ભાંગી પડશે પણ એવું નહોતું થયું. એ મજબૂતીથી અડીખમ ઊભી હતી અને ડગલે ને પગલે સ્નેહાને એમના વિના જીવવા માટે તૈયાર કરતી રહેતી, ‘જો બેટા,એમના મૃત્યુ માટે માનસિક તૈયારી કરવાનો આપણને કેટલો બધો સમય મળ્યો! છ વર્ષ પહેલાં એમને ફેફસાંનું કેંસર છે એવું નિદાન થયું ત્યારે ક્યાં ધાર્યું હતું કે, એ આટલો સમય આપણી સાથે રહેશે?’
વાત તો સાવ સાચી હતી. પપ્પા ઘણી વાર હસીને કહેતા, ‘તારી મમ્મીએ એની કારકિર્દીમાં બે જ વખત રજા લીધી. એક તારા બર્થ (જન્મ) સમયે અને બીજી વખત મારા રી બર્થ (પુનર્જન્મ) સમયે.’ ખરેખર પપ્પા એ જીવલેણ માંદગીમાંથી નવો જન્મ લઈને જ પાછા ફર્યા હતા. મમ્મી કૉલેજમાં પ્રોફેસર હતી. કેટલાય વિદ્યાર્થીઓની પ્રેરણામૂર્તિ. કૉલેજના ભણતર સાથે એ એમને જીવતરના પાઠ પણ શીખવતી.
ઘણી વખત સ્નેહાને આશ્ર્ચર્ય થતું કે, મમ્મી આટલા બધા મોરચા એક સાથે કેવી રીતે સંભાળે છે? એ તો પોતાને વિશે કંઈ કહેવા તૈયાર ન હોય પણ પપ્પા ઘણી વાર જૂની વાતો વાગોળતા, ‘અમે લગ્ન કર્યાં ત્યારે મારી તો સાવ ટૂંકી આવક, પણ તારી મમ્મીએ કદી ખબર ન પડવા દીધી કે એ કેટલી મુશ્કેલીથી ઘર ચલાવે છે!’ મમ્મીને પોતાની પ્રશસ્તિ સાંભળતાં અકળામણ થતી.
વાત બદલવાના ઈરાદાથી એ કહેતી, ‘સ્નેહા, તું તો માની ય નહીં શકે કે, આજે સડસડાટ અંગ્રેજી બોલતી તારી આ મમ્મીને અંગ્રેજીમાં બે વાક્ય બોલવાનાંય ફાંફાં હતાં. અમારાં લગ્ન પછી પપ્પાની બદલી મસૂરી થઈ. ત્યાં બધા હિંદી અને અંગ્રેજી જ બોલે. કોઈ ઘરે આવે તો હું શરમાઈને રૂમમાં જ ભરાઈ રહેતી.’
પપ્પા હસીને કહેતા, ‘પણ પછી તારી માએ નક્કી કર્યું કે આમ તો ન ચાલે. રાત્રે ઉજાગરા કરી, મહેનત કરીને એ અંગ્રેજીમાં એવી તો પાવરધી થઈ ગઈ કે ઘણી વખત મારે પણ એને પૂછવું પડતું!’
યૌવનમાં ડગ માંડતી વેળાએ સ્નેહાના મનમાં અનેક પ્રશ્ર્નો ઊભા થતા. કોને પૂછવા જવું એવી મૂંઝવણ થતી. મમ્મી એની મુશ્કેલી પારખી ગયેલી. એણે કહ્યું હતું, ‘તારા મનમાં જે અને જેવા વિચારો આવતા હોય એ એક પત્રમાં લખીને મને આપ. જરાય સંકોચ કે શરમ રાખ્યા વિના લખજે. જીવનનો આ તબક્કો એવો છે જેમાં કાચી કે અધૂરી સમજણ બહુ નુકસાન કરે છે.’ આજેય સ્નેહાને બરાબર યાદ છે કે ત્યારે મમ્મીએ કેટલી સહજતાથી એના પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યું હતું!
પપ્પાની વિદાયને એક મહિનો થયો ત્યારે મમ્મીએ કહ્યું હતું, ‘સ્નેહા, તારા પપ્પાની મહિનાની તિથિને દિવસે આપણે હોસ્પિટલમાં જઈને જે ડોક્ટરો અને નર્સોએ એમની સંભાળ લીધી એમનો આભાર માનવો જોઈએ એમ મને લાગે છે.’
ડો. ચેટરજી સાથે વાત કરતાં સ્નેહાની આંખો ભીની થઈ ત્યારે એમણે એની પીઠ પસવારતાં કહ્યું, ‘હું ઇચ્છું કે, તું તારી મમ્મી જેવી મક્કમ બને. તારા પપ્પા છ છ વર્ષ જીવી શક્યા એ શું માત્ર અમારી સારવારથી? ના, એ જીવ્યા એક ચમત્કારને કારણે અને એ ચમત્કાર તારી મમ્મીએ કરી બતાવ્યો – હિંમત અને ધીરજથી.’
સ્નેહા ગૌરવ અને અહોભાવથી મમ્મીને જોઈ રહી.
(સૌમ્યનેત્રા મુન્શીની અંગ્રેજી વાર્તાને આધારે) – આશા વીરેન્દ્ર