રિવાજ

‘બીરુ હમારા નેતા થા, ભારત માં કા બેટા થા.’

‘માતૃભૂમિ પાર્ટી અમર રહો, હમારા બીરુ અમર રહો.’

માતૃભૂમિ પાર્ટીના કાર્યકર્તાઓ ઢંગધડા વગરના, જે કંઈ સૂઝે એવા સૂત્રોચ્ચારો કર્યે જતા હતા. આગળ તિરંગામાં લપેટાયેલી અને ફૂલ-હારથી લદાયેલી બીરુની લાશને ઉપાડીને જતા ડાઘુઓ અને પાછળ ચૂંટણીમાં ઊભેલા ઉમેદવાર કિશનની સાથે મોટું ટોળું. એમ તો સમાચાર મળતાંની સાથે લોકલ ચેનલના ટી.વી. રિપોર્ટર અને કેમેરામેન પણ દોડી આવ્યા હતા.

બીરુની સ્મશાનયાત્રા બરાબર ગામની વચ્ચોવચ પહોંચી એટલે કિશને ઈશારો કરીને સૌને રોક્યા અને એક ઊંચા ઓટલા પર ચઢીને ગમગીન ચહેરે બોલવાની શરૂઆત કરી, ‘બીરુ માતૃભૂમિ પાર્ટીનો એક મહાન નેતા હતો. પાર્ટીને એની ઘણી ખોટ પડી જશે પણ એનું બલિદાન નકામું નહીં જવા દઈએ. કિસાન પાર્ટીએ જ એનું ખૂન કરાવ્યું છે. એના પુરાવા અને વિડિયો અમારી પાસે છે. બીરુને અને એના પરિવારને ન્યાય અપાવીને જ અમે જંપીશું.’ વચ્ચે વચ્ચે ‘જય હો’ ‘જય હો’ના નારા ચાલુ જ હતા. કિશને આગળ ચલાવ્યું, ‘માતૃભૂમિ પાર્ટી બીરુના પરિવારને રૂ. 50,000 બંને બાળકોના ભણતર માટે આપવાની છે એની સાથે હું મારા તરફથી રૂ.10,000 ઉમેરવાનો છું. હવે આપણે સ્મશાન તરફ આગળ વધીશું.’

બધે કિશનની વાહ વાહ થઈ રહી. જમનાને એની દીકરી કહેવા લાગી, ‘મા, 50 ને 10 મળીને 60 થાય. એની ઉપર ત્રણ મીંડાં એટલે સાઠ હજાર. એટલા પઈસામાં તો આપણે ત્રણે વિમાનમાં પણ બેસી સકસું.’

જમનાને તો સમજાતું જ નહોતું કે આ બધું શું અને કેવી રીતે થઈ રહ્યું છે! કાલે રાતે બીરુ મોડેથી ઘરે આવ્યો ત્યારે ચિક્કાર દારૂ પીને આવ્યો હતો. આવીને લાત મારીને કે’ ‘ચલ ઊભી થા ને રોટલો આપ.’

‘રોટલો કંઈ ઉપરથી નથ ટપકતો, હમજ્યો?’

‘ઝાઝા લવારા કર્યા વગર રોટલો લાવ નકર ડાચું રંગી નાખીસ.’

‘જા જા, ડાચું રંગવા વાળા, તળાવમાં જઈને ડૂબી મર કે તારે જે કરવું હોય ઈ કર પણ મને ને છોરાઓને ઊંઘવા દે.’ જમના પડખું ફરીને સૂવા ગઈ ત્યાં વીરુ એની નજીક આવ્યો. એના મોઢામાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતી હતી. અકળાઈને જમનાએ જોરથી ધક્કો માર્યો ને બીરુ ઊંધે માથે પડ્યો. અંધારામાં જમનાને ખબર ન પડી કે, ખૂણામાં પડેલી ધારદાર કુહાડીએ એનું માથું ફાડી નાખ્યું હતું.

સવારના આછા અજવાળામાં વીરુનો લોહીથી લથબથ દેહ જોઈને જમના એટલી ગભરાઈ ગઈ કે, ‘દોડો, દોડો’ ‘ખૂન, ખૂન’ એમ બૂમાબૂમ કરતી ઝૂંપડીની બહાર નીકળીને બેભાન થઈ ગઈ. એ તો સારું થયું કે કિશને આવીને પરિસ્થિતિ સંભાળી લીધી. એણે તરત જ પોલીસને બોલાવીને પંચનામું કરાવ્યું અને એફ.આઈ.આર. નોંધાવી.

‘બીરુ છ મહિના પહેલાં જ કિસાન પાર્ટીમાંથી છૂટો થઈને અમારી પાર્ટીમાં જોડાયો એનું વેર વાળવા વિરોધી પાર્ટીએ ત્રણ હત્યારા મોકલી બિચારા નિર્દોષ અને ગરીબ ખેડૂતનું ખૂન કરાવી નાખ્યું પણ અમે માન સહિત એને અગ્નિદાહ આપીશું’. તાળીઓના ગડગડાટ થયા. બીરુનું શબ લઈ જતાં પહેલાં કિશને જમના પાસે આવી એના ખભા પર પોતાનો વજનદાર પંજો દબાવતાં કહ્યું હતું, ‘તું ચિંતા નહીં કરતી. બીરુ ગયો પણ હું બેઠો છું. જરૂર પડે તો અડધી રાતેય મારી પાસે આવી જજે.’ પછી ખંધું હસતાં ઉમેર્યું હતું, ‘તને જે જોઈએ એ બધું આપીશ.’

જમનાને જો કે એનું વર્તન ગમ્યું તો નહોતું પણ લાશની સાથે નાકા સુધી જઈને આવ્યા પછી એ વિચારે ચઢી ગઈ હતી કે આ સાઠ હજાર આવશે એમાંથી ચાની લારી કરવી કે શાકભાજીની? પડોશવાળી કમલી ખીચડી-શાક આપી ગઈ. ખાઈને છોકરાઓ રમવા નીકળ્યાં ને જમનાને ઊંઘ આવી ગઈ. લગભગ રોજ જ દારુ પીને બીરુ એને ઝૂડી નાખતો ત્યારે દર વખતે એણે ઇચ્છ્યું હતું કે, આ પિટ્યો મરી જાય તો મારો છુટકારો થાય.

આજે જ્યારે એ ઇચ્છા પૂરી થઈ ત્યારે એને શાંતિથી એવી તો ઊંઘ આવી ગઈ કે દિવસ કે રાતનું પણ ભાન ન રહ્યું. એની દીકરી મીરાએ એને ઢંઢોળી, ‘મા, ઊઠ જલદી. જો તો, પેલા મરદો શું ઊંચકીને લાવે છે?’ જમના હડપ કરતી ઊઠી. એને કંઈ સમજ પડે એ પહેલાં આવેલા ચાર જણે બીરુની લાશ નીચે મૂકી. લાશ પરથી પેલો તીરંગો ગાયબ હતો. ચારમાંના એકે કહ્યું, ‘અમે અડધે પહોંચ્યા ત્યાં કિસાન પાર્ટીના નેતા ભીખાભાઈ આવેલા. એમની અને કિસનભાઈ વચ્ચે સમજૂતી થઈ ગઈ એટલે કેસ પાછો ખેંચી લીધો. હવે આ મડદાનું જે કરવું હોય તે કરજો.’

જમનાનો જાણે શ્ર્વાસ અટકી ગયો. માંડ માંડ થૂંક ગળે ઉતારીને એણે પૂછ્યું, ‘કિસનભાઈએ ને પાલટીએ પેલા પઈસા આપવાનું કીધેલું ઈ હવે કારે મલસે?’

પેલા માણસો હસી પડ્યા. ‘અરે બેન નેતાઓ તો વચન આપ્યે રાખે. ઈ બધાં કંઈ પૂરાં કરવા માટે થોડાં જ હોય?’

રડતી કકળતી જમના સરપંચને પૂછવા ગઈ કે, હવે લાશનું શું કરવું? સરપંચે મોઢું બગાડતાં સંભળાવ્યું, ‘બાઈ, પૈસા મળવાના હતા ત્યારે મને પૂછવા આવી’તી? હવે એમ કર, તારી વસ્તીના લોકોને ભેગા કરી ખાડો ખોદાવીને દટાવી દે બીરુને, એટલે વાત પતી જાય. આમે તમારી વરણમાં તો દાટવાનો જ રિવાજ છે ને? આ તો તું કિશનાને રવાડે ચઢી’તી એટલે. બાકી તમારા લોકમાં આમ સ્મશાને લઈ જવાનો ને ચિતા પર ચઢાવવાનો રિવાજ ક્યાં છે? આપણી જેટલી પછેડી હોય એટલી જ સોડ તાણવી જોઈએ, ખરું કે નહીં?’

જમના નીચી મૂંડી કરીને સાંભળી રહી હતી. એની આંખોમાંથી ટપટપ આંસુ પડી રહ્યાં હતાં. એ આંસુ બીરુના ગયાનાં હતાં કે સાઠ હજાર માટેનાં, એ એને પોતાનેય સમજાતું નહોતું.

(સતરૂપા ઘોષની અંગ્રેજી વાર્તાને આધારે)        – આશા વીરેન્દ્ર


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s