(એક જમાનો હતો જ્યારે ખેડૂતોના આપઘાતના સમાચાર છાપાંમાં વાંચતા ત્યારે નવાઈ લાગતી. પછી તો રોજનું થયું અને હવે છાપાંવાળા માટે ખેડૂતની તકલીફ એ કોઈ સમાચાર રહ્યા નહીં. પરંતુ 23-24 નવેમ્બરથી સમગ્ર દેશનું ધ્યાન દિલ્હી તરફ છે, જેની ચોમેરની સીમા પર હજારો ખેડૂતો ડેરા-તંબુ તાણીને બેસી ચૂક્યા છે. તેમને બે નવા કાયદા અને એક સુધારા સામે વાંધો છે. આ લખાય છે અને પ્રકાશિત થશે તે વચ્ચેના 15 દિવસના ગાળામાં આશા રાખીએ કે સમસ્યાનો સુખદ અંત આવે. કાયદાના સંભવિત ફાયદા અને નુકસાન બાબતે ભારે પ્રચાર યુદ્ધ ચાલે છે. વોટ્સએપ પર ચાલતા સામાન્ય રીતે આધાર વિનાના સમાચારોના કોલાહલમાં જરા શાંત ચિત્તે વાતને સમજવાની જરૂર છે. અત્રે સવાલ-જવાબ રૂપે રજૂ થયેલી વિગતોને આધારે વાચક પોતાના અભિપ્રાય બાંધે તો આ પ્રયાસ લેખે લાગશે.)
1. દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ કેવી છે?
ખેડૂતની આવક બાબતે કેન્દ્ર સરકારના નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશનના સિત્તેરમા રાઉન્ડની વિગત પ્રમાણે દેશના ખેડૂતોના 82% (જે 2.5 એકરથી ઓછી જમીન ધરાવે છે) દર મહિને ખર્ચ કરવાજોગું ય કમાતા નથી બલ્કે દેવાં કરીને જ જીવે છે. દેશના સરેરાશ ખેડૂત પરિવારની બધી મળીને માસિક આવક 6426 રૂપિયા છે, જેમાંથી તેમણે ઘરખર્ચ કાઢવાનો આવે છે. એટલે સ્તો રોજના લગભગ 2000 ખેડૂતો ખેતી છોડે છે અને 53 ખેડૂતો આપઘાત કરે છે. આ સિલસિલો છેલ્લા બે દાયકાથી ચાલ્યો છે. તેની સામે ખેતી સિવાયમાં રોકાયેલાની સરેરાશ આવક ઘણી વધારે છે. એક અર્થશાસ્ત્રીના અંદાજ મુજબ છેલ્લાં 45 વર્ષમાં વિવિધ સરકારી કર્મચારીઓના પગારમાં એકસો ગણાથી વધુ વધારો થયો છે. 1966માં 1 ક્વિન્ટલ ઘઉંનો ટેકાનો ભાવ 54 રૂપિયા હતો તે આજે 1975 રૂપિયા (37 ગણો) છે. 1966માં 10 ગ્રામ સોનું 84 રૂપિયામાં મળતું, તેના આજે 50,850 (605 ગણા) થયા છે. એટલે કે 10 ટન (1 ટ્રક) ઘઉં ખરીદવા 1966માં 640 ગ્રામ સોનું આપવું પડતું હતું, પણ આજે માત્ર 4 ગ્રામ સોનું આપવું પડે. એ વાતનું પણ ધ્યાન રહે કે દેશનો સરેરાશ ખેડૂત રોજનું 8-10 કલાક કામ કરે છે. તે ટાઢ-તાપ-વરસાદ વેઠી દિવસ-રાત કામ કરે છે. મહિલાઓ તો તેનાથી ય વધુ કામ કરે છે. તેમને ક્યારેય ઓવર ટાઈમ, એલ.ટી.સી., મેડિકલ ભથ્થું, રજાઓ જેવા લાભ તો મળતા જ નથી. નોકરિયાતો સમય પ્રમાણે વળતર મેળવે છે, કામના જથ્થા કે પરિણામને આધારે નહીં. જ્યારે ખેડૂત કુદરતનું જોખમ ઉઠાવી મળેલ ઉત્પાદન પર ભાવ લે છે.
2. ટેકાના ભાવ (Minimum Support Price : MSP) એટલે શું? તે કઈ રીતે નકકી થાય છે ? કેટલા ભાવ વાજબી ગણાય?
ખેડૂતોની મજૂરીનું સરખું મૂલ્ય થાય તે હેતુથી દેશમાં 1966-67થી ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. તે માટે સમગ્ર દેશમાં કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈસીસ (CACP) સંસ્થા ઉત્પાદન ખર્ચ, ઉત્પાદક્તા ઉપરાંત આંતરરાષ્ટ્રિય ભાવો, અન્ય પાકોના ભાવો, આગલા વરસના ભાવ, ગ્રાહકો પર થનારી અસર, માંગ અને પુરવઠો વગેરેને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવ નકકી કરે છે. હાલમાં ટેકાના ભાવની ગણતરીમાં ખેડૂતે કરેલ તમામ વાસ્તવિક ખર્ચ ઉપરાંત ખેડૂત પરિવારે પોતે કરેલ મહેનતનું મૂલ્ય ઉમેરી (A2 + Family Labour) તેના ઉપર 50% ચડાવાય છે. લગભગ તમામ રાજકીય પક્ષોએ સ્વામીનાથન સમિતિની ભલામણ મુજબ ટેકાના ભાવ આપવા ચૂંટણી વખતે વચનો આપ્યાં છે અને કોઈએ પાળ્યાં નથી. આ ભલામણ પ્રમાણે (A2 + FL) ઉપરાંત ખેડૂતની જમીન અને સાધનોનું ભાડું/ઘસારો, વ્યાજ અને વ્યવસ્થા ખર્ચનો ઉમેરો કરી તેની ઉપર બીજા 50% ઉમેરી જે ભાવ આવે તે ગણાય. એવી પણ જોગવાઈ છે કે કેન્દ્ર સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ ઉપર કેટલીક રાજ્ય સરકારો બોનસ પણ ઉમેરતી હોય છે.
ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષોમાં જાહેર કરેલ બોનસ સાથેના ટેકાના ભાવ (રૂ./ક્વિન્ટલ) અને તેમાં વાર્ષિક વધારો(%)
ક્રમ | પાકનું નામ | 2016-17 | 2017-18 | 2018-19 | 2019-20 | 2020-21* |
1 | મગફળી | 4220 | 4500 (6.6%) | 5000 (11.1%) | 5090 (1.8%) | 5275 (3.63%) |
2 | અડદ | – | 5400 | 5600 (3.7%) | 5700 (1.8%) | 6000 (5.26%) |
3 | તુવેર | 5050 | 5450 (7.9%) | 5675 (4.13%) | 5800 (2.2%) | 6000 (3.45%) |
4 | ચણા | – | 4400 | 4620 (5%) | 4875 (5.5%) | 5100 (4.62%) |
5 | રાયડો | – | 4000 | 4200 (5%) | 4425 (5.4%) | 4650 (5.08%) |
6 | મગ | – | – | 6975 | 7050 (5.4%)* | 7196(2.07%) |
7 | કપાસ | – | 4720 | 5325 (12.8%) | 5453 (2.4%) | 5515 (1.14%) |
અત્રે એ નોંધવું જોઈએ કે કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત સમક્ષ એફિડેવિટ કર્યું છે કે સ્વામીનાથન સમિતિની ભલામણ મુજબ સરકાર ટેકાના ભાવ આપી શકે તેમ નથી. કારણ કે તેનાથી બજાર પર વિકૃત અસર થશે. પ્રામાણિક ખેડૂતને પૂછો તો કહેશે કે વાસ્તવિક ખર્ચમાં સાધનોના ઘસારા-રીપેરીંગ, ઘરની મજૂરી ઉમેરી જે થાય તેની ઉપર 20% જેટલો ભાવ પૂરતો છે. પણ મહત્ત્વનું એ છે કે તે ખાતરીપૂર્વક મળવો જોઈએ.
3. ટેકાના ભાવે કેટલી ખરીદી થાય છે? તેનો કેવો લાભ ખેડૂતોને મળે છે?
ટેકાના ભાવ (લઘુતમ સમર્થન મૂલ્ય-MSP) એ ખેડૂતને કેટલા ભાવ મળવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર છે. તેનાથી બજારને ખરીદી માટેનો એક સંદર્ભ મળી રહે છે. પણ તે વિશેષ કરીને કસરત કાગળ પરની છે. ભારતમાં 150થી વધુ પાકોની ખેતી થાય છે. પરંતુ તેમાંથી સાત ધાન્ય (ઘઉં, ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, બાવટો અને જવ), પાંચ કઠોળ (મગ, અડદ, તુવેર, ચણા અને મસૂર), સાત તેલીબિયાં (સોયાબીન, મગફળી, તલ, સૂર્યમુખી, કસૂંબી, રાયડો અને નાઈજર) અને ચાર રોકડિયા પાકો (કપાસ, કોપરાં, કાચું શણ અને શેરડી) મળી માત્ર 23 પાકોના જ ટેકાના ભાવ જાહેર કરાય છે. કેન્દ્ર સરકાર તરફથી ફળ, શાક સમેત કોઈ અન્ય પાકોના કે આ સિવાયના પાકોના ટેકાના ભાવ જાહેર કરાતા જ નથી. દેશમાં પ્રથમવાર તાજેતરમાં કેરળની રાજ્ય સરકારે સોળ શાકભાજીના ટેકાના ભાવ જાહેર કર્યા છે.
એક ખેડૂત સંગઠને ખરીફ, 2017ના વરસના આંકડાને આધારે ટેકાના ભાવે ખરીદી ન થાય તો દેશના ખેડૂતોને થતા આર્થિક નુકસાનનો અંદાજ બાંધ્યો હતો, તે નીચે પ્રમાણે છે :
પાક | સરકારે જાહેર કરેલા અને મળવાપાત્ર ભાવ( રૂ./ ક્વીન્ટલ) | સરેરાશ બજાર ભાવ ( રૂ./ ક્વીન્ટલ) | ખરીફ ૨૦૧૭માં થયેલ અંદાજીત વેચાણ(લાખ ) | ખેડૂતોને થયેલ ખોટ (કરોડ રૂપિયા) |
મકાઈ | 1425 | 1159 | 1649 | 4380 |
ડાંગર | 1550 | 1384 | 7985 | 1465 |
બાજરી | 1425 | 1139 | 593 | 1695 |
સોયાબીન | 3050 | 2680 | 1163 | 4307 |
મગફળી | 4450 | 3758 | 569 | 3939 |
કપાસ | 4320 | 4128 | 3195 | 919 |
અડદ | 5400 | 3073 | 216 | 5027 |
મગ | 5575 | 4625 | 120 | 1140 |
કુલ | 27,418 |
આમ, માત્ર આઠ જ પાકોની એક જ સિઝનની ગણતરી કરીએ તો ભારતના ખેડૂતોને મળવાપાત્ર રકમ કરતાં 27,418 કરોડ રૂપિયા ઓછા મળ્યા. આ તો દેશના સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ પ્રમાણેની ગણતરી છે. જો સ્વામીનાથન સમિતિની ભલામણ મુજબ ટેકાના ભાવ પ્રમાણે ગણતરી કરીએ તો આ રકમ 2 લાખ કરોડ જેવી થાય.
ટેકાના ભાવે ખરીદી અનેક રીતે અપૂરતી છે. ગુજરાતમાં કુલ ખેડૂતોના
4 થી 12% ખેડૂતને જ આ લાભ મળે છે. 2019-20ના કુલ ઉત્પાદન સાથે સરખાવીએ તો કુલ મગફળીના 10%, તુવેરના 4%, કપાસના 6% જથ્થો ટેકાના ભાવે ખરીદાયો છે. પાકોના પ્રકારની મર્યાદા, ઉપરાંત અમુક જ રાજ્યોમાંથી અમુક જ પાકોની ખરીદી કરાય છે, એટલે કે વિસ્તારની મર્યાદા. વળી જથ્થાની પણ મર્યાદા એટલે કે ખેડૂતદીઠ એકરદીઠ અમુક જ જથ્થો ખરીદાય છે. બાકીના ખેડૂતોએ, બાકીના પાકોનો, બાકીનો તમામ જથ્થો ટેકાના ભાવ કરતાં મોટા ભાગે ઓછા ભાવે ખુલ્લા બજારમાં વેચવો પડ્યો છે અને તે તો અસંતોષનો ખરો મુદ્દો છે. ચાલુ વર્ષે ગુજરાત સરકારે ડાંગર, મકાઈ, બાજરી અને સોયાબીન જેવા ખરીફ પાકોના ભાવ અનુક્રમે પ્રતિ ક્વિન્ટલ 1888, 1850, 2150 અને 3880 જાહેર કર્યા છે. મગફળીનો શરૂઆતનો બજાર ભાવ ટેકાના ભાવ કરતાં પાંચેક ટકા ઊંચો રહ્યો પણ આજે તે ઊતરી ગયો છે. પરિસ્થિતિ એવી છે કે આજે ખેડૂતોએ બાજરી, મકાઈ, ડાંગર ટેકાના ભાવથી 20 થી 25 ટકા નીચા ભાવે ખુલ્લા બજારમાં વેચવાં પડે છે. સમગ્ર ભારતમાં ય આ જ સ્થિતિ છે. સરકાર દેશના તમામ ખેતીપાકોનું કુલ ખેતઉત્પાદન ટેકાના ભાવે ખરીદી પણ ન શકે કારણ કે સરકાર પાસે એટલાં નાણાં, વ્યવસ્થાશક્તિ અને સંગ્રહની જોગવાઈ ન હોય તે સ્વાભાવિક છે. ટેકાના ભાવે ખરીદી કરાવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતને આર્થિક ટેકો થાય તે ઉપરાંત ગરીબી રેખાની નીચે જીવતા લોકોને રાહત દરે અનાજ-કઠોળ આપવા અને દેશની ખોરાક સલામતી માટે જરૂરી પુરવઠો રાખવાનો પણ છે.
તમને આ પણ વાંચવું ગમશે
4. ખેત ઉત્પન્ન પેદાશો (APMC)ની વ્યવસ્થા શી છે?
મધર ઇન્ડિયા ફિલ્મમાં બતાવાયું છે તેમ સ્થાનિક શાહુકારો ખેડૂતોનું ભારે શોષણ કરતા. ખેડૂત હંમેશાં નાણાંની તંગીમાં હોય, ધીરધાર કરનારા વ્યાજના ઊંચા દરે નાણાં આપે અને માલ પાકે ત્યારે વસૂલ કરે. દેવાનો ખાડો ક્યારેય પુરાય નહીં. ગુજરાતમાં પ્રથમવાર ગાયકવાડ સરકારે વડોદરા જિલ્લાના બોડેલી ખાતે 1939માં માર્કેટયાર્ડનું નિયંત્રણ શરૂ કરેલું અને તેનો સારો લાભ દેખાતાં ધીમે ધીમે વિસ્તાર થયો. આ નિયંત્રિત બજારને એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી કહેવાય છે. ગુજરાતે તે માટે 1963માં APMC Act પસાર કરી વ્યવસ્થિત કાયદાકીય સ્વરૂપ આપ્યું. આ કાયદાની જોગવાઈ અનુસાર ગુજરાતના 248માંથી 224 તાલુકામાં APMC દ્વારા કુલ 409 માર્કેટયાર્ડ અને સબ-માર્કેટયાર્ડ ખૂલેલાં છે, જે સહકારી ધોરણે ચાલે છે.
તેના વહીવટદારોમાં મોટાભાગના ખેડૂતો હોય છે. ઉપરાંત વ્યાપારીઓના અને સરકારના નીમેલા પ્રતિનિધિઓ પણ હોય છે. આ ખેત ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ખેડૂત જ હોઈ શકે. આ કાયદાનુસાર APMCની બહાર માલના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મુકાયેલો. આ સમિતિના વહીવટના ત્રણ સિદ્ધાંતો છે. હરાજી દ્વારા ઊંચા દામ, સાચો તોલ અને રોકડ નાણાં. આ સેવા બદલ સમિતિ માલ ખરીદનાર વેપારી પાસેથી વિવિધ પાકો પ્રમાણે 0.3 થી 2.0% સેસ ઉઘરાવે છે. જેમાંથી વિકાસનાં કામો, રસ્તા, ગોડાઉન, ખેડૂતોને રહેવા-જમવાની રાહતદરે સગવડ વગેરે કરી આપે છે. સરકાર અને તેની એજન્સીઓ જ્યારે ટેકાના ભાવે ખરીદી કરવા ઇચ્છે ત્યારે APMCની વ્યવસ્થા (સ્થાનિક ગંજ બજાર / માર્કેટયાર્ડ)નો જ સહારો લે છે. APMCને સરકારનો ટેકો પણ રહ્યો. નવાં બજાર ખોલવાં, નવાં ગોડાઉનો ઊભાં કરવાં વગેરે માટે સરકાર ગ્રાન્ટ અને લોન આપતી રહી છે.
APMCનું કામ છે કે વેપારીને ડિપોઝીટ લઈને વેપાર કરવાનું લાયસન્સ આપે. APMCના લાયસન્સ વગર અને સેસ ચૂકવ્યા વગર કોઈ વેપારી ખેત પેદાશ ખરીદી શકે નહીં. આ વ્યવસ્થાનો એક ફાયદો એ પણ છે કે જો ખેડૂત-વેપારી વચ્ચે કોઈ તકરાર થાય તો જેનો ચેરમેન ખેડૂત જ હોય તેવી સ્થાનિક તકરાર નિવારણ સમિતિ ન્યાય તોળે અને ખેડૂત અન્યાયમાંથી બચે. ગેરશિસ્ત બદલ વેપારી ડિફોલ્ટર જાહેર થાય, ડિપોઝીટ અને દુકાનના રોકાણને કારણે વેપારી APMCના કાયદાની શિસ્તમાં રહે. સમિતિ દ્વારા લેવાતા આ સેસ ઉપરાંત જે તે વેપારી પોતાનું કમિશન ચડાવી આગળ ઉપર માલ વેચતો હોય છે. આખરે તો ખુલ્લાં બજારનાં માંગ-પુરવઠાને આધારે બજારભાવ નક્કી થાય છે. વેપારીઓ પોત-પોતાના કમિશનની જોગવાઈ રાખીને જ હરાજીમાં ભાવ બોલે છે. એટલે વેપારીઓના કમિશનનો માર આડકતરી રીતે ખેડૂતે પણ સહન કરવો પડે છે.
આ વેપારીઓ અને ખેડૂતો વચ્ચે એક કાયમી ઘરોબો ય રહેતો. ખેડૂતોની નાણાંભીડ કાઢવામાં ય આ સંબંધ કામ લાગતો અને આ સંબંધનો ક્યારેક ધીરધાર માટે દુરુપયોગ પણ થતો, બંને પક્ષની જેવી સમજ અને ગરજ! આ નિયંત્રિત બજારવ્યવસ્થા ઊભી કરવી તે રાજ્યનો વિષય છે. દેશમાં બિહાર, કેરળ, જમ્મુ-કશ્મીર, મણીપુર અને અમુક કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવી નિયંત્રિત બજારવ્યવસ્થા છે જ નહીં.
5. APMCની મર્યાદાઓ શી છે?
જ્યારે APMC કાયદો બન્યો ત્યારે સંદેશાવ્યવહાર અને રસ્તાઓની સગવડ ન’તી. હવે પરિસ્થિતિ બદલાઈ છે. સાબરકાંઠાનો આદિવાસી ખેડૂત મુંબઈના વેપારી પાસેથી સારો ભાવ મળતો હોય તો પોતાનાં તડબૂચ ભરેલો ટ્રક લઈ જઈને ત્યાં વેચવા સક્ષમ બન્યો છે. ખેડૂતોને પણ હવે મુક્તિ જોઈએ છે. પોતાનો માલ અમુક જ જગ્યાએ ખરીદાય તેવું બંધન કેમ? વળી APMCની વ્યવસ્થામાં પણ બિનકાર્યક્ષમતા, સગાંવાદ અને ભ્રષ્ટાચાર પેઠો છે. કેટલીક APMC ખેડૂતોને નિયત સેવાઓ આપતી નથી અને સેસ ઉઘરાવે રાખે છે. મોટા ખેડૂતો વેપારીઓ પણ બની ચૂક્યા છે અને વહીવટ પર કબજો જમાવીને બેઠા છે. ચૂંટણીમાં જાત્રા-પ્રવાસો કરાવી મત મેળવી લે છે.
રાજકારણીઓએ પક્ષાપક્ષીનો લૂણો ત્યાંય લગાડી દીધો છે. કરોડો રૂપિયાના સેસની રકમના વહીવટમાં ભ્રષ્ટાચાર ચાલે છે. ક્યારેક કોઈ ગંજબજાર કે સમિતિની મુલાકાત લો તો તેના વહીવટનો ખ્યાલ આવી જાય. APMCમાં વેપારીઓની સંખ્યા અને સંગ્રહ ક્ષમતાની મર્યાદા પણ મહત્ત્વની છે. નવા વેપારીઓને લાયસન્સ લેવામાં તકલીફ પડે છે. અમુક APMCમાં માલ વેચવા બે-ત્રણ દિવસે વારો આવે તેટલી લાંબી લાઈન લાગે છે. ખેડૂત કેટલી વાટ જુએ? થાકીને ઓછા ભાવે બીજે માલ વેચીને નીકળી જાય. જ્યાં વહીવટ સારો છે ત્યાં આજે પણ વેપારીઓ શિસ્તપૂર્વક વર્તે છે અને ખેડૂતને સારો લાભ મળે છે. તેમ છતાં આ નિયંત્રિત બજાર ઉપરાંતની વેચાણની તકો પણ હોવી જ જોઈએ. છેલ્લા બે-ત્રણ દાયકાથી આ મર્યાદા પર સૌનું ધ્યાન ગયેલું. વિવિધ રાજકીય પક્ષોએ અને કિસાન સંગઠનોએ APMC એક્ટમાં ફેરફાર લાવવાની માંગ કરેલી જ હતી અને બદલાવની શરૂઆત થઈ ચૂકી હતી. ખેર, આ બધાં સારાં-નરસાં પાસાં પછી એ વાત નકકી છે કે બજાર ખુલ્લું થવું જોઈએ અને ખેડૂતોને મનફાવે તેને માલ વેચવાની છૂટ તો મળવી જ જોઈએ. પણ એ વાત દાયકાઓ પહેલાં સ્વીકારાઈ ચૂકી હતી.
(વધુ આવતા અંકે) – જગત જતનકર