નવી શિક્ષણનીતિનો ફાયદો વિદ્યાર્થીને, સરકારને, ખાનગી સંચાલકો કે ઉદ્યોગોને?

તાજેતરમાં કેન્દ્ર સરકારે 29 જુલાઈ 2020 નવી શિક્ષણ નીતિ (NPE) જાહેર કરી છે. આ નવી નીતિમાં શાળા તેમજ ઉચ્ચ શિક્ષણમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. ભણવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવશે.

1986 પછી પહેલી વાર શિક્ષણનીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 34 વર્ષ પછી બદલવાની જરૂર તો હતી, પરંતુ શું આ નવી નીતિ એ ખરેખર શિક્ષણ માટે, વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ફેરફારો લઈને આવી છે ? અહીં જાણીતા અભ્યાસુ, શિક્ષણવિદ્ તેમજ કર્મશીલ ડૉ. અનિલ સદ્ગોપાલ નવી શિક્ષણનીતિનું વિશ્લેષણ કરીને તેનાં વિવિધ પાસાં રજૂ કરે છે. ડૉ. સદ્ગોપાલ ‘ઓલ ઇન્ડિયા ફોરમ ફોર રાઈટ ટુ એજ્યુકેશન’ના પ્રણેતા છે અને શિક્ષણના અધિકાર અંગે વિવિધ સ્તરે કામો કરે છે.

સંપાદક

આજના મહત્ત્વપૂર્ણ પડાવે આપણે સૌએ એ સમજવાની જરૂર છે કે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 કયો એજન્ડા લઈને આપણી સામે આવી છે, અને તે કોને માટે લઈને આવી છે. આમ કરવા માટે કોઈ પણ નીતિ હોય, તેમાં જે લખ્યું હોય છે તેની વચ્ચેની કોરી જગ્યા (Reading Between The Lines) માં શું છે તે સમજી લેવું સૌથી જરૂરી હોય છે. આમ કરીશું તો જે-તે નીતિનું વિશ્લેષણ સાચી રીતે કરી શકીશું.

આ શિક્ષણનીતિ શું કરવાની છે તેનું ટ્રેલર આપણને તાજેતરમાં જ જોવા મળ્યું છે. 24મી જૂનના દિવસે છ રાજ્યોના શાળાકીય શિક્ષણને બદલવા માટે કેન્દ્ર સરકારે વિશ્વબેંક સાથે કરાર કર્યા. આ કરાર કરતી વખતે કહેવામાં આવ્યું કે દેશમાં નવી શિક્ષણનીતિની શરૂઆત થઈ રહી છે. આ નીતિની પાછળ વિશ્વબેંકનો પણ હાથ છે. વિશ્વબેંકે આ ત્રીજી વાર  ભારતની શિક્ષણનીતિ બાબતે હસ્તક્ષેપ કર્યો છે.

સૌ પ્રથમ 1990માં જ્યારે વિશ્વબેંકે 18 રાજ્યોના પ્રાથમિક શિક્ષણમાં ફેરફાર કર્યા. તેના પછીનાં દસ વર્ષમાં પ્રાથમિક શિક્ષણ એટલું કથળી ગયું કે શિક્ષણના ખાનગીકરણને વેગ મળ્યો. અને વિશ્વબેંકનો મૂળ હેતુ પણ એ જ હતો, ભારતના પ્રાથમિક શિક્ષણને સુધારવા આવ્યા છીએ એ તો માત્ર બહાનું હતું. તેના પછીનાં વીસ-પચ્ચીસ વર્ષમાં વિશ્વબેંક સર્વશિક્ષા અભિયાનનું અભિન્ન અંગ રહી છે. અને હવે ત્રીજી વાર તેને બોલાવાઈ છે. કારણ કે હજી સંપૂર્ણપણે શિક્ષણ ખતમ નથી થયું, તેમ થાય પછી શિક્ષણનું સંપૂર્ણપણે ખાનગીકરણ કરી શકાય. આ એનો હેતુ છે એ સમજી લેવું જોઈએ.

CBSCના નવમા ધોરણથી બારમા ધોરણના અભ્યાસક્રમમાંથી 30 ટકા ભાગ કાપી નાંખવામાં આવ્યા, એમ કહીને કે કોરોનાના સંકટને લીધે આ અભ્યાસક્રમ ચાલી નથી શક્યો. આ તો બહુ આશ્ચર્યની વાત છે. માર્ચ મહિના સુધી તો શાળાઓ ચાલુ હતી. સામાન્ય રીતે ત્યાં સુધીમાં મોટાભાગનો અભ્યાસક્રમ પૂરો થવો જોઈએ. પરંતુ કોરોના તો એક બહાનું છે, ખરેખર તો હાલની સત્તા અને તેની પાછળ જે ફિલસૂફી કામ કરી રહી છે તેને જે વિષયો બાળકોને-વિદ્યાર્થીઓને નથી ભણાવવા તેના પર કાપ મૂકવામાં આવ્યો છે.

બંધારણને ખતમ કરવા માટે એ જરૂરી હતું કે બાળકોને આ મુદ્દાઓ વિશે ભણાવવામાં ન આવે તેથી એ બાબતો અભ્યાસક્રમમાંથી કાઢી નાંખવામાં આવી છે. કોવિડની મહામારીનો એક રીતે તેમણે ફાયદો ઉઠાવ્યો. આપણા નેતા કહે છે ને ‘આફતને અવસરમાં ફેરવો’ તે એમણે કરી બતાવ્યું છે. જ્યારે તમે સ્વતંત્રતાના આંદોલનનું પ્રકરણ અભ્યાસક્રમમાંથી કાઢી નાંખો છો, તો ચોક્કસપણે તેની પાછળ કોઈ હેતુ છે, તેના વગર દેશના ઇતિહાસની આટલી મહત્ત્વની બાબત જાણ્યા વગર આવનારી પેઢી રહી જાય તેવું કેમ વિચારી શકાય ?

સ્વતંત્રતાની ચળવળમાં બે વિચારો અંગે વિમર્શ (Discourse) સમાંતર રૂપે ચાલ્યો છે. એક છે, જાતિવિરોધી વિમર્શ અને બીજો, સામ્રાજ્યવાદ વિરોધી વિમર્શ (ચર્ચા). અને આ બંને બાબતોમાંથી આજની પેઢીનું ધ્યાન બીજી તરફ વાળી દેવું બહુ જરૂરી છે. તેથી એવું નક્કી કર્યું કે તેનું પ્રકરણ જ કાઢી નાંખો.

ભારત એક પ્રજાસત્તાક રાજ્ય છે એવું બંધારણ કહે છે, ભારત એ રાજ્યોનો સંઘ હશે અને સત્તા માત્ર કેન્દ્ર પાસે નહીં પણ રાજ્યોમાં વહેંચાયેલી હશે; રાજ્યોથી જિલ્લા અને જિલ્લાથી તાલુકા-ગ્રામપંચાયત સુધી – આ વાત ડૉ. બાબાસાહેબ આંબેડકરે કરી હતી. તો આ અધ્યાય જેમાં સત્તાનું કેન્દ્રીકરણ નહીં પણ વિકેન્દ્રિત સત્તાની વાત છે, તે ભણાવવું હિંદુ રાષ્ટ્રની કલ્પનાની વિરુદ્ધ છે. તેથી તેને અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં  આવ્યું છે. બીજું શું શું અભ્યાસક્રમમાંથી બાકાત થયું તે જાણવા તેમજ વધુ જાણકારી માટે અખિલ ભારતીય શિક્ષણ અભિયાનનું સાહિત્ય વાચકને જોવાની વિનંતી કરું છું.

ડાર્વિનનો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત પણ અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવ્યો છે. કારણ કે આપણાં શાસ્ત્રોમાં આવું કાંઈ આવતું નથી કે વાંદરામાંથી માણસ બન્યો. આ ઉપરાંત કુદરતી સંસાધનોનું જતન કઈ રીતે કરવું જોઈએ તે પણ બાકાત કરી દેવાયું છે. કારણ કે હવે ખુલ્લેઆમ, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં અને અન્યત્ર પણ જળ, જંગલ, જમીન, ખનીજ વગેરે સંસાધનો મોટી કંપનીઓ (કોર્પોરેટ્સ)ને સોંપાઈ રહ્યાં છે. કોવિડનો ફાયદો ઉઠાવીને પણ પાછલે બારણે, વિરોધ કરવાનો અવકાશ ન રહે તે રીતે આ થઈ રહ્યું છે.

શ્રમ-કાયદાઓને નબળા પાડી દેવાયા. હજારો સ્થળાંતરિત મજૂરો જેમને લોકડાઉનને કારણે સેંકડો કિ.મી. ચાલીને પોતાના વતન જવું પડ્યું તેમને માટે કંઈ કરવાને બદલે સરકારે ન્યૂનતમ મજૂરીનો કાયદો જ ખતમ (Suspend) કરી દીધો ! પર્યાવરણના કાયદાઓ પણ પ્રતિદિન હળવા કરાઈ રહ્યા છે જેથી ઉદ્યોગોને ફાયદો થાય. પર્યાવરણ તેમજ સ્થાનિક વસવાટ તરફ સદંતર દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. જ્યારે સરકારને આમ વર્તવું હોય ત્યારે કુદરતી સંસાધનોના રક્ષણ વિશે શીખવાની શી જરૂર ? તેથી આ પ્રકરણને જ બાકાત કરી દેવાનો સરળ રસ્તો અપનાવાયો! તો આ ભૂમિકા છે, આ નવી શિક્ષણનીતિની. આ આખોય ડ્રાફ્ટ કોઈ સાર્વજનિક ચર્ચા વગર જ મંત્રાલયની વેબસાઈટ પર ચઢાવી દેવાયો છે.

એક નવો અધ્યાય જે આ નીતિમાં જોડવામાં આવ્યો છે તે છે,  ઓનલાઈન શિક્ષણનો. એવું કહેવામાં આવ્યું કે ઓનલાઈન શિક્ષણ એ નવી નીતિનું હાર્દ બની રહેશે. આ બાબતે શિક્ષણનો આખો પાયો જ બદલી નાંખ્યો. આવા શિક્ષણથી ભારતમાં એક નવા જ પ્રકારનો સમાજ રચાશે. અને ભારત ‘જ્ઞાન’ની બાબતમાં દુનિયામાં ‘સુપર પાવર’ તરીકે ઊભરી આવશે. આવું માત્ર કહેવામાં આવ્યું પણ આવું કેવી રીતે થશે તે અંગે કોઈ ખુલાસો કે આયોજન રજૂ કરાયું નથી.

તેના પછી કોઈ ઈન્ટરનેશનલ માર્કેટ એજન્સીનો રિપોર્ટ આવવા લાગ્યો – જે માર્કેટનો રિવ્યુ કરીને રજૂ કરાયો હતો. તેના પરથી ખ્યાલ આવ્યો કે આવતાં ચાર વર્ષમાં ભારતમાં લગભગ 15 બિલીયન (1500 કરોડ) યુ.એસ. ડોલરનો નવો વ્યાપાર શરૂ થયો છે અને આ ધંધાનું નામ છે, ઓનલાઈન શિક્ષણ. તો આ શિક્ષણ નથી, એક ધંધો છે. એક પછી એક આ અંગે ‘ઉપરથી’ આદેશ આવવા માંડ્યા કે ઓનલાઈન શિક્ષણ ફરજિયાત કરવું. આજે પણ આઠ રાજ્યો આનો વિરોધ કરી રહ્યાં છે. પરંતુ ગૂગલ, રિલાયન્સ જેવાં કોર્પોરેટ્સ આમાં સંકળાયેલાં છે અને સરકાર ઉપર દબાણ લાવી રહ્યાં છે. અચાનક કરોડો વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો, જેથી એમનો ધંધો આકાશને આંબી શકે.

નવી શિક્ષણનીતિના આ 66 પાનના દસ્તાવેજની કેટલીક ખાસિયતો જોઈએ :

એક તરફ સમતામૂલક શિક્ષણની વાત કરવામાં આવે છે અને બીજી તરફ ખાનગી શાળાઓ તેમજ સરકારી શાળાઓ બંને ચાલશે એમ પણ કહેવાય છે. આવી પરિસ્થિતિમાં ભેદભાવ ન થાય એ કઈ રીતે સંભવ છે ? એ તો બહુ સ્પષ્ટ છે કે જેની પાસે પૈસો છે તે ખાનગી શાળા-કૉલેજમાં જશે અને ગરીબોનાં બાળકો સરકારી શાળામાં. તો આ સમતામૂલક કઈ રીતે થયું ? બે બાજુની વાત કેવી રીતે કરો છો ભાઈ ? વળી સરકાર કહે છે, શિક્ષણ નફાનો ધંધો ન હોવો જોઈએ, આ તો સમાજને આગળ લઈ જવાનું સાધન છે ! તો સરકારે શું એવી નીતિ બનાવી ખરી કે ખાનગી શિક્ષણ સંસ્થાઓના માલિકો (!?) નફો નહીં કમાય ? માત્ર પોતાનો મત જાહેર કરવાથી શું થશે ?

આ મત સાથે અમે પણ સહમત છીએ પણ તેને માટે કાયદા બનાવવા પડશે. નિયંત્રણની વ્યવસ્થા ઊભી કરવી પડશે, નિયમિતતાથી પરીક્ષણ કરવું પડશે, તેને માટે એક માળખું ગોઠવવું પડશે જેનાથી કોઈ પણ ખાનગી શાળા, કોલેજ કે યુનિવર્સિટી શિક્ષણમાંથી નફો કમાઈ ન શકે. આ 66 પાનાંના દસ્તાવેજમાં આવું કશું કહેવાયું નથી. એનો અર્થ સાફ છે, શિક્ષણમાંથી નફો મેળવવા બાબતે કોઈ રોક-ટોક સરકાર દ્વારા કરવામાં નહીં આવે !

આ નવી નીતિને અંતર્ગત ખાનગી યુનિવર્સિટી મોટી કોર્પોરેટ કંપનીઓના અનુદાનથી ખોલવામાં આવશે. જેના ઉપરાંત તેમને સરકાર પણ ગ્રાન્ટ આપશે. એટલે કે નફો પણ કમાશે અને ઉપરથી ગ્રાન્ટ પણ લેશે. આ કંપનીઓને વળી આ અનુદાન (CSR)ને માટે ટેક્સમાફી પણ મળશે. પબ્લિક-ફિલાન્થ્રોપિક પાર્ટનરશીપ એવું રૂપાળું નામ અપાયું છે પણ તેની પાછળ શું છુપાયેલું છે તે આપણે જોયું.

આ દસ્તાવેજમાં લખવામાં આવ્યું છે કે અમે ઊંચા દરજ્જાનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરાવીશું અને તે ઉપરાંત અન્ય પુસ્તકોના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ભલામણ કરવામાં આવશે. આ કયાં પુસ્તકો હશે તે પેલી કંપનીઓ જેમણે પૈસા આપ્યા છે અથવા જેમની આ ખાનગી યુનિવર્સિટીઓ છે તે નક્કી કરશે. શું ભણાવવું – ન ભણાવવું તે પણ આ કોર્પારેટ્સ જ નક્કી કરશે, આમાં આપણે સમજવાનું એ છે કે આ બધી બાબતોનું અર્થઘટન કેવી રીતે કરવું.

એક બીજો પ્રશ્ર્ન ઊભો થાય છે કે જ્યારે તમે વારંવાર કહો છો કે હાલત બહુ ખરાબ છે, શિક્ષણમાં સ્તરીકરણ અને ભેદભાવ છેલ્લાં 70 વર્ષથી રહ્યાં છે, હવે અમે બધું સરખું કરી દઈશું. સમતામૂલક શિક્ષણ  થઈ જશે. આ તો બહુ સારું છે. એનો અર્થ એ થયો કે આજે જે સ્તરીકરણ છે, સરકારી શાળાઓમાં પણ નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય જેવી ઉત્તમ શાળાઓ જે કોઈ પણ પ્રાઈવેટ શાળાઓ કરતાં ખૂબ સારું પરિણામ 10-12મા ધોરણનું આપતી આવી છે તેવી સારી શાળાઓ –  જેમાં બધી સગવડો – રમતગમત, લેબોરેટરી, કમ્પ્યુટર બધું પ્રાપ્ત છે અને બીજી તરફ છે એકદમ સામાન્ય, ખરાબ હાલતમાં ચાલતી સરકારી શાળાઓ. આ સ્તરીકરણ છે.

જ્યારે કોઠારી આયોગે કહ્યું કે ‘તમામ શાળાઓમાં માળખાકીય સુવિધાઓ સમાન હોવી જોઈએ. બધી શાળાઓ સમાન હશે અને રાષ્ટ્રપતિ તેમજ પટાવાળાનાં બાળકો સાથે અભ્યાસ કરતાં હશે.’ પરંતુ આવું થયું નહીં. તો શું આ નવી નીતિ જે વારંવાર સમતાની વાત કરે છે જેમાં કહેવામાં આવ્યું છે તે મુજબ શિક્ષણમાં રહેલું સ્તરીકરણ તે ખતમ કરશે ? Multilayered શાળા, કૉલેજો નહીં રહે ? ના, ઊલટું આ નીતિ તો એને કાયદાકીય સ્વરૂપ આપી રહી છે. તો પછી સમાનતા કેવી રીતે આવશે ? ભેદભાવ કેવી રીતે ખતમ થશે ? આ પ્રશ્ર્નો ઉઠાવવા પડશે. ખરું જોતાં પ્રસાર-માધ્યમોએ આ કામ કરવું જોઈએ.

પરંતુ તે પણ આ કાર્પોરેટ્સના હાથમાં હોવાથી તેમ નહીં થાય. તો આપણે જ આ સવાલો ઉઠાવવા પડશે. અને જનતાને જણાવવું પડશે કે આ નવી શિક્ષણપ્રણાલી પણ એવી જ ભેદભાવવાળી, અસમાનતાવાળી વ્યવસ્થા બનવાની છે જેવી અગાઉ પણ હતી. અને એ બદલવાની કોઈ યોજના તેમની પાસે નથી, હા, તેમાં ખૂબ સુંદર સુંદર શબ્દો જરૂર વાપરવામાં આવ્યા છે. શિક્ષણ સર્વસમાવેશક(Inclusive) હોવું જોઈએ એવું કહેવામાં આવ્યું છે. પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, હાઈસ્કૂલ, કૉલેજ બધા માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે.

મારું માનવું છે કે સમાવેશ (Inclusion) ની વાત ખૂબ જ જોખમ-કારક છે. અને આ જનવિરોધી વિચાર છે. આ બંધારણવિરોધી વાત છે. તમને થશે, આ કેવી વાત છે ? Inclusiveness તો પ્રગતિશિલતાની નિશાની છે. ભારતના રાજકીય વિમર્શમાં સમાવેશક શબ્દ સૌ પ્રથમ ક્યારે આવ્યો ? સંવિધાનની ચર્ચાઓમાં ? ના, પંચવર્ષીય યોજનાઓમાં કે અન્યત્ર આ 70 વર્ષમાં ? ના. 2011માં પહેલી વાર સમાવેશી આર્થિક વૃદ્ધિની વાત કરવામાં આવી. સૌને આ શબ્દ બહુ પસંદ આવી ગયો. સમસ્ત મીડિયા, કોર્પોરેટ દુનિયા આ શબ્દની પાછળ લટ્ટુ થઈ ગયાં.

તે પ્રિય બની ગયો ને બધા જ એ શબ્દ વાપરવા માંડ્યા. Inclusive લોન, બધું જ Inclusive બની ગયું – રાજકારણ સમાવેશક નહીં બને પણ રાજકારણ બધાને સમાવેશક બનાવશે. આ શબ્દ સાથે આટલો બધો પ્રેમ કેમ થઈ ગયો ? કારણ કે આ નવઉદારવાદી મૂડીવાદનો શબ્દ છે. આ ભારતના બંધારણના પાયામાંથી નીકળેલો શબ્દ નથી. આપણા બંધારણમાં સમાવેશની વાત નથી, સમાનતાની વાત છે.

બધી બાબતમાં સમાનતા. જળ, જંગલ, જમીન પરના અધિકાર હોય કે રોજગારીના અધિકાર – તો સમાવેશકતાનો સવાલ જ નથી આવતો ! સમાવેશની વાત ત્યારે આવે છે જ્યારે તમે અસમાનતાને ટકાવી રાખવા માંગો છો, ભેદભાવને ટકાવી રાખવા માંગો છો. એટલે વારંવાર સમાવેશકતાની વાત કરીને તમે અમને અવળે માર્ગે દોરી રહ્યા છો. અને આ સમાવેશ તો નવઉદારવાદી મૂડીની શર્તોને આધીન હશે, આમ ને આમ નહીં. આર્થિક મૂડી જેની વધુ, તેનો સમાવેશ થશે અને બાકીનાનો નહીં થાય.

Online શિક્ષણનો દાખલો લઈએ. દેશમાં માંડ માંડ આઠ ટકા લોકો એવા છે જેની પાસે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ બંને છે. મધ્યપ્રદેશના ગ્રામીણ ક્ષેત્રમાં તો 2.7% લોકો પાસે જ આ બંને ચીજો છે. બીજાં રાજ્યોની પણ પરિસ્થિતિ કંઈક આવી જ હશે. પરંતુ આપણી પાસે આંકડા નથી. 95% લોકોને તમારે ઓનલાઈન શિક્ષણમાંથી બાદ કરવા છે, એટલે પછી તમારે સમાવેશકતાની વાત કરવી જ પડે ! શહેરના થોડા દલિતોને શક્ષભહીમય (સમાવેશ) કરી લીધા, એમની સુવિધા, એમની મરજી. એમના રાજકારણ પ્રમાણે લોકોનો સમાવેશ થશે અથવા નહીં થાય. તમને કંટ્રોલ કરવાની, તમારો ઉપયોગ કરવાની આ એક નવી પદ્ધતિ છે ! તો આ એક નવઉદારવાદી એજન્ડા છે. એ અંગે આપ સૌ વિચાર કરજો.

1966ના કોઠારી પંચના રિપોર્ટમાં એક બહુ જ અભૂતપૂર્વ ભલામણ કરવામાં આવી હતી કે સમગ્ર ભારતમાં સમાન શાળા વ્યવસ્થા હોય. સમાનતાનો અર્થ એકરૂપતા નહીં; સમાન શિક્ષણ વ્યવસ્થાનો અર્થ છે બધી શાળાઓ, કૉલેજોનો પ્રાથમિક માપદંડ સમાન હોય. માપદંડમાં ફેરફાર નહીં હોય. જો એવું નક્કી કરાય કે 30 બાળકો વચ્ચે એક શિક્ષકનું હોવું જરૂરી છે તો આ માપદંડ દેશની 14 લાખ શાળાઓને લાગુ પડશે, માત્ર 1100 કેન્દ્રીય વિદ્યાલય અને 700 નવોદય વિદ્યાલયોને નહીં. આ બાબત પ્રયોગશાળા હોય કે રમતગમતનાં મેદાન હોય, બધાની બાબતમાં લાગુ પડે છે. આ અર્થ છે સમાન શાળા વ્યવસ્થાનો. આ નવી શિક્ષણનીતિએ સમતામૂલક શિક્ષણ સ્થાપવાની અતિ મહત્ત્વની વાત જે કોઠારી કમિશને કરેલી તેને સ્પર્શ સુધ્ધાં કર્યો નથી.

આ નીતિનો હેતુ સ્પષ્ટ છે – સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થાનું ખાનગીકરણ કરવું. અને એ પણ સામાન્ય ખાનગીકરણ નહીં, તેને કોર્પોરેટ્સના હાથમાં સોંપી દેવી અને તેનું કોર્પોરેટીકરણ કરવું ! એ ધીરે ધીરે બધું કરશે. હજી એમની પાસે સમય છે. પરંતુ આ વાત તેઓ (સરકાર) સ્પષ્ટરૂપે કહેતા નથી, ઊલટું, છુપાવવાની સંપૂર્ણ કોશિશ કરે છે.

આ નીતિમાં કહેવાયું છે કે બધી શિક્ષણ સંસ્થાઓનું આજે બહુ નિયંત્રણ કરવામાં આવે છે. અમે નિયંત્રણ નહીં કરીએ. અમે પારદર્શિતામાં વિશ્વાસ ધરાવીએ છીએ. શું સુંદર શબ્દો છે ? તેથી અમે સ્વનિયંત્રણની વ્યવસ્થા ઊભી કરીશું. તમારે બસ એક ફોર્મ ભરી દેવાનું, જેમાં શાળા-કૉલેજને લગતી બધી માહિતી આપવાની રહેશે. શિક્ષકોની સંખ્યા, ફી કેટલી લો છો, બાળકો કેટલાં છે વગેરે વગેરે. આમાં જોખમ શું રહેલું છે તેની વાત કરીએ. હાલની શિક્ષણ વ્યવસ્થામાં ઘણી ખામીઓ રહેલી છે, એ વાત સાચી છે. પરંતુ જેવી પણ વ્યવસ્થા છે તેનું એક માળખું તો બનેલું છે, નિયંત્રણ પણ છે, જેના દ્વારા સારાં કામો પણ થઈ શકે છે.

પરંતુ તમે જો આ વ્યવસ્થા જ ખતમ કરી દેશો તો શું થશે ? આજે જિલ્લા શિક્ષણ અધિકારીને ખાનગી શાળાઓ પર પણ દેખરેખ રાખવાની એટલી જ સત્તા પ્રાપ્ત છે જેટલી સરકારી શાળાઓ માટે છે. ખાનગી શાળાઓ પણ તમામ માહિતી તેને આપવા બાધ્ય છે. પરંતુ, જ્યારે તમે આ વ્યવસ્થાનો છેદ ઉડાવી દો છો ત્યારે ખાનગી સંસ્થાઓ કોઈ જવાબ નહીં આપે. એ કહેશે, અમે સ્વનિયંત્રણનું ફોર્મ ભરી દીધું છે. આપ વિચારો, આને કારણે કેટલું નુકસાન થશે !

આ નવી નીતિમાં વિદેશી યુનિવર્સિટી ખોલવાની વાત છે. બહુ સારી કલ્પના છે એવું કહેવાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓના, દેશના કેટલા પૈસા બચશે, ઘર આંગણે વિદેશી યુનિવર્સિટી જેવું શિક્ષણ તેમને મળી જશે. દુનિયાના જુદા જુદા વિકાસશીલ દેશોમાં વર્ષોથી આવી યુનિવર્સિટી ખોલવાનો રિવાજ ચાલે છે. આપણા દેશમાં પણ ખોલવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ બાબતે યુનેસ્કોનો એક અહેવાલ છે. આ અહેવાલ કહે છે, “એવી ઘણી પ્રખ્યાત યુનિવર્સિટીઓ છે જે વિકાસશીલ દેશોમાં પોતાના કેમ્પસ ખોલે છે અને એમના દ્વારા એકદમ નકામા-નિમ્નસ્તરના કોર્સ ચલાવે છે. એ યુનિવર્સિટીઓનાં નામ જો કે વિશ્વભરમાં પ્રખ્યાત છે. છતાં તે આવું કરે છે. તે સમતામૂલક શિક્ષણ કદી આપતા નથી. તેનું મૂળ કેમ્પસ ઉચ્ચ કક્ષાનું અને વિકાસશીલ દેશોમાં ખોલવામાં આવેલ કેમ્પસ બિલકુલ જુદા હોય છે.” મને તો યુનેસ્કોના આ મૂલ્યાંકનમાં પૂર્ણ વિશ્ર્વાસ છે. હું માનું છું કે આ NEP લખનારાઓએ કાં તો આ રિપોર્ટ વાંચ્યો નથી અથવા વાંચ્યો હોય તો તેમની હિંમત નથી થઈ તે વિશે કહેવાની. નહીં તો આ વિદેશી યુનિવર્સિટીની વાત જ ખતમ થઈ ગઈ હોત.

વિશ્ર્વનાં જે આ પ્રખ્યાત વિદ્યાલયો (યુનિવર્સિટીઓ) છે તેમની 100-150 વર્ષની પરંપરાઓ છે, એક સંસ્કૃતિ છે. યુનિવર્સિટી એટલે માત્ર વિષયો કે બિલ્ડીંગો નથી. તેનું કેમ્પસ ભોપાલ, મુંબઈ કે આજમગઢમાં ખોલી દેવાથી એ ગુણવત્તાનું શિક્ષણ અહીં સ્થાનાંતરિત નહીં કરી શકાય કારણ કે પરંપરાઓનું એમ સ્થાનાંતર નથી થતું. એ પરંપરાઓને આપણા દેશમાં વિકસાવવી પડશે. જેવું જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીએ કર્યું છે. ત્યાં પરંપરાઓ વિકસેલી તમે અનુભવી શકશો. મુંબઈ યુનિવર્સિટીએ કર્યું છે. ધારવાડ હોય કે પંજાબ, આવી ઘણી યુનિવર્સિટીઓ તમને મળશે જેમાં વિશેષ પરંપરા-સંસ્કૃતિ વિકસેલી છે. આપણી ઈંઈંઝ ઓમાં પણ તે જોવા મળે છે. પરંપરાઓનો વારસો ત્યાં જળવાયેલો છે.

એ બધાને સલામ ! ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ જ્યાં હું વિજ્ઞાની હતો. હું ત્યાં ગયો ને અચંબામાં પડી ગયો હતો, એવું ત્યાંનું વાતાવરણ હતું. તો આવો વારસો તો આપણે ઊભો કરવા નથી માંગતા. આપણે માની લીધું છે કે મોંઘી ફી લઈ લીધી એટલે બધું થઈ ગયું. કે વધુ પગાર આપી દીધો એટલે શિક્ષણ-જ્ઞાન મળી જશે. જ્ઞાન ત્યારે મળશે જ્યારે તમે જ્ઞાનને જ્ઞાન સમજશો, વેપાર નહીં. જ્ઞાનને પૈસાથી નહીં, માનવતાથી તોલશો, ત્યારે તે મળશે. આ પ્રકારનું વિશ્લેષણ આ નવી નીતિમાં નથી દેખાતું.

આશ્ર્ચર્યની વાત એ છે કે આ આખા દસ્તાવેજમાં ક્યાંય એવું કહેવાયું નથી કે દેશનું 1991થી વિશ્વીકરણ થયું છે ત્યારથી શિક્ષણ વ્યવસ્થા પર નવઉદારવાદી નીતિઓનું આક્રમણ થયું છે. એના માટે તેમને જગ્યા નથી મળી. પરંતુ, એવું જરૂર કહેવાયું છે કે જરૂર પડે તો વિદ્યાલયો માર્કેટમાંથી પૈસા (દેવું) લઈ શકે છે. પોતાની જમીન ગિરવે મૂકી શકે છે ! આજ સુધી વિદ્યાર્થીઓ દેવું કરીને ભણતા તે સાંભળ્યું હતું હવે વિશ્વવિદ્યાલયોને માથે પણ દેવું થશે. આ છે નવી શિક્ષણનીતિ. આ હદ સુધી પહોંચી ગયા છીએ.

અને છેલ્લી વાત. આપણે આ લડાઈ કેવી રીતે લડીશું ? અને લડાઈ કોણ લડશે ? આ લડાઈ શું અદાણી-અંબાણી કે બિરલા-ટાટા લડશે ? ના, તમે જાણો છો, એ લોકો નહીં લડે. તો શું યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર આગળ આવશે ? તે શક્ય નથી કારણ કે એમને એમની ખુરશી વ્હાલી છે. જો કોઈ આશા કરી શકાય તો તે યુવા સંગઠનો પાસે કરી શકાય તેમ છે. વિદ્યાર્થી સંગઠનો પાસેથી અને શિક્ષકોના સંગઠન પાસેથી ઉમ્મીદ છે. આ લડાઈ શું તમે એકલા જીતી લેશો ? આ લડાઈ સહેલી નથી. આ બહુ મોટી લડાઈ છે.

દુનિયાના નવઉદારવાદી મૂડીવાદ સાથેની આ લડાઈ નહીં લડી શકીએ. આ ટાણે બહુ જરૂરી છે કે આપણે શહીદ ભગતસિંહને યાદ કરીએ. નવજવાન ભારત સભાની એક મિટિંગમાં તેમણે કહ્યું હતું કે, આપણી વિદ્યાર્થીઓની લડાઈ પોતાની કૉલેજના સહાધ્યાયીઓને સ્વાતંત્ર્ય આંદોલનમાં સામેલ કરીને ઇન્કલાબ જીંદાબાદના નારા લગાવવાથી પૂરી થતી નથી, એ તો શરૂઆત છે.’

આપણે આપણી લડાઈ દેશનાં કારખાનાંના મજૂરો સુધી લઈ જવી પડશે, ખેતરોમાં કામ કરતા ખેડૂતો સુધી લઈ જવી પડશે અને જે લોકો શાળા-કૉલેજમાં અભ્યાસ કરનારા નથી તે બધા સુધી લઈ જવી પડશે. એટલે આ બધાને પણ જ્યારે આપણી આ લડતમાં જોડી શકીશું ત્યારે જ આપણે સામ્રાજ્યવાદને ખતમ કરી શકીશું. અને સાચી આઝાદી મેળવી શકીશું. આનાથી કંઈ પણ ઓછું કરીશું તો લડાઈ નહીં જીતી શકાય.

વ્યૂહરચનાની વાત પણ કરવી પડશે, પરંતુ એક વાત સાફ છે, જ્યાં સુધી આપણને દેશના સામાન્ય લોકોનું સમર્થન નથી પ્રાપ્ત થતું, માત્ર યુનિવર્સિટી કેમ્પસો સુધી સીમિત રાખીશું તો આ લડાઈને હારેલી જ માની લેજો. જીતવાનું સંભવ નથી. કેમ્પસની બહાર નીકળો, લોકો સાથે વાત કરો, લોકોનું દિલ જીતો, તો જ આ લડાઈ દિમાગ સુધી પહોંચશે. જનતાની સાથે રહીને લડીશું તો જ આપણે જીતીશું – 2020 એ એક નવો મોરચો ખોલ્યો છે, નવી શિક્ષણનીતિનો.

(વેબિનાર પરથી અનુવાદિત તેમજ સંકલિત)    – ડૉ. અનિલ સદ્ગોપાલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s