મહાત્મા ગાંધીએ વડાપ્રધાનને ફોન કર્યો!

પૂછ્યું, ‘શું તમે ખરેખર “આત્મનિર્ભરતા” વિશે વાત કરી રહ્યા છો?’

ગાંધીજી : શું મેં આ સાચું સાંભળ્યું છે ? ૨૪મી એપ્રિલે તમે કહ્યું કે, “કોવિડ ૧૯ની આપત્તિમાંથી જે બોધપાઠ આપણે શીખ્યા છીએ તેમાં આપણે આત્મનિર્ભરતા અને સ્વાવલંબન તરફ આગળ વધવાનું છે… અને આ વાત તમે તમારા ૧૨ મેના એક ભાષણમાં કહી હતી ?

વડાપ્રધાન : હા, ગાંધીજી તમે સાચું જ સાંભળ્યું છે. ૨૪મી એપ્રિલે “રાષ્ટ્રિય પંચાયત દિવસ” પર હું સરપંચોને સંબોધિત કરી રહ્યો હતો અને ૧૨મી મેના રોજ રાષ્ટ્રને સંદેશમાં ! મેં કહ્યું કે, દરેક ગામ, દરેક જિલ્લા અને સમગ્ર દેશ આત્મનિર્ભર હોવો જોઇએ.

ગાંધીજી : આશ્ચર્ય છે ! જ્યારે અમે અંગ્રેજો સામે આઝાદી માટે લડી રહ્યા હતા ત્યારે આત્મનિર્ભરતાનું સ્વપ્ન મેં પણ જોયું હતું. મેં મારા પુસ્તક ‘હિંદસ્વરાજ’માં કહ્યું હતું કે, અંગ્રેજોથી આઝાદી મળવાનો કોઇ મતલબ નથી જ્યાં સુધી આપણને વાસ્તવિક સ્વરાજ ન મળી જાય, જ્યાં સ્થાનિક સ્તરે શાસનની દોર લોકોના હાથમાં હોય અને પોતાની જરૂરતોને પુરી કરી શકે.

વડાપ્રધાન : ગાંધીજી, મેં હમેશાં ‘હિંદસ્વરાજ’માં આપવામાં આવેલા તમારા સંદેશા પર વિશ્વાસ કર્યો છે.

ગાંધીજી : સારૂં લાગ્યું આ સાંભળીને ! પરંતુ મને એ તો કહો કે આ વાતને સમજવા માટે એક વાઇરસની જરૂર શા માટે પડી ?! દરેક ‘ગાંધીજયંતિ’ના દિવસે તમે અને તમારા પૂર્વ પ્રધાનમંત્રી તેમજ તેમની સરકારો, એ આદર્શો માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા રહ્યા જેના માટે મેં મારૂં જીવન સમર્પિત કરી દીધું અને મૃત્યુને ગળે લાગાડ્યું. તેમ છતાં આટલા દશકાઓ દરમિયાન તમને યાદ ન આવ્યું કે આ આદર્શોનો પાયો જ સમુદાયોની આત્મનિર્ભરતા છે ! અને અચાનક આ હલ્લો શા માટે ?!

વડાપ્રધાન : નહિં નહિં ગાંધીજી, મારી સરકાર હમેશાં સ્વરાજની પક્ષકાર રહી છે અને તેના માટે જ કાર્યરત છે. આ તો તમારા કોંગ્રેસી અનુયાયીઓ રસ્તો ભટકી ગયા હતા. હવે અમે હિન્દુસ્તાનને સાચા માર્ગ પર લાવવાની કોશિષ કરી રહ્યા છીએ.

ગાંધીજી : જાણો છો, આઝાદી બાદ વિકાસ અને પ્રશાસનના જે નમૂનાઓ બતાવવામાં આવ્યા એ સંદર્ભે મને ગંભીર આશંકાઓ હતી અને મેં એ વાત આઝાદી પહેલાં ઓક્ટોબર ૧૯૪૫માં, જવાહરલાલ નહેરૂને પત્રમાં લખીને જણાવી હતી. “વિકાસ” શરૂઆતથી જ એક સંસ્થાનવાદી વિચાર રહ્યો છે, જે બીજા વિશ્વયુદ્ધ(૧૯૩૯-૪૫)ના વિજેતાઓની ઉપજ છે. આધુનિક વિકાસનું મુખ્ય ધ્યેય- મોટા ઉદ્યોગો, માળખાગત સુવિધાઓ અને આર્થિક ગતિવિધીઓના કેન્દ્રિકરણ અને વાસ્તવિક રૂપે પ્રજાતંત્રથી વિપરીત એવી દિલ્હીની કેન્દ્રિત વ્યવસ્થા છે. તેની સામે પાયાની લોકશાહી અને સંપૂર્ણ વિકેન્દ્રિત આર્થિક પ્રવૃતિઓ ઉભી થવી જોઈએ. મારા સાથી જે. સી. કુમારપ્પાએ તેને “સ્થિર અર્થતંત્ર”(Economy of Permanence) કહ્યું છે. આ છે મારો ‘સ્વરાજ’નો સાચો અર્થ ! પરંતુ આપણે પશ્ચિમી દેશોના બતાવેલા માર્ગે ચાલી નીકળ્યા, ભૌતિક અને વ્યાવસાયિક સ્વપ્નોની શોધમાં ! ૧૯૯૧માં જ્યારે વૈશ્વિકરણ અને ઉદારીકરણને અપનાવવામાં આવ્યું ત્યારે હું દુ:ખી થયો હતો. જેના કારણે આપણે ‘સ્વરાજ’થી દૂર થતા ગયા ! પરંતુ…

વડાપ્રધાન : (ગાંધીજીને રોકતાં) વચ્ચે ટોકવા માટે માફી માંગુ છું ગાંધીજી. હું પણ એ જ તો કહેવા માગું છું કે દશકાઓથી કોંગ્રેસે આપણે સૌને ગુમરાહ કર્યા છે.

ગાંધીજી : હા, એ ઠીક છે. પરંતુ તેમના અને તમારા નમૂનાઓમાં ફરક શું છે ? ૧૯૪૭ બાદના કેટલાક દશકાઓમાં અર્થવ્યવસ્થા ઉપર સામાજિક અંકુશ રાખવાના પ્રયાસો તો કરવામાં આવ્યા. તેમજ સંવિધાનના ૭૩મા અને ૭૪માં સંશોધનોના આધારે, કેટલાક અંશે, ગામડાને અને નાના શહેરોને સ્વરાજ તરફ લઇ જવા ડગ માંડવામાં આવ્યા. સાચી વાત છે કે ૧૯૯૧ બાદ એ બધું હવામાં ઉડી ગયું. તેમ છતાં એ સમયમાં કેટલીક સકારાત્મક બાબતો બની હતી જેમ કે, ૨૦૦૦ની શરૂઆતના વર્ષોમાં કેટલાક નવા અને સારા કાયદાઓ ઘડાયા, જેમ કે માહિતીનો અધિકાર, ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અને વન અધિકાર. પરંતુ ૨૦૧૪ પછી મેં એવું કંઇ પણ નથી જોયું, જેનાથી સ્વરાજ મજબુત બની શકે. સાચું પૂછો તો હું એ વાતથી સ્તબ્ધ છું કે, તમે વિદેશી સરકારો અને વિદેશી કંપનીઓ પાસેથી ઉદ્યોગોમાં રોકાણ કરાવવા માટે દુનિયાભરમાં દોડતા રહ્યા છો. અને હા, તેને કંઇક સારૂં નામ પણ આપવામાં આવ્યુ છે… અરે હા, “મેક ઇન ઇન્ડિયા” ! હવે સાંભળવામાં આવી રહ્યું છે કે, કોવિડ આપત્તિની આડશમાં તમે સેંકડો વિદેશી કંપનીઓને અહિં આવવાની લાલચ આપી રહ્યા છો. એ કંપનીઓ હાલમાં ચીનમાં પોતાનો કારોબાર ચલાવી રહી છે. તેમાં કાપડ અને ખાદ્યાન્નને લગતા ઉદ્યોગોનો સમાવેશ થયેલો છે. આ તો ‘આત્મનિર્ભરતા’ એટલે કે ‘સેલ્ફ રિલાયંસ’ની ખૂબ જ વિચિત્ર પરિભાષા છે. તમે ૨૪મી માર્ચે કહ્યું કે, આપણે ક્યારેય વિદેશી કંપનીનું મોઢું પણ નહિં જોવું પડે….આત્મનિર્ભરતા અને આ સાથે કઇ રીતે થઇ શકે ? મારા માટે તો અનાજ અને કપડાંનું ઉત્પાદન સમુદાયો દ્વારા થાય એ જ ગ્રામ સ્વરાજ માટેની સૌથી મહત્વની બાબત છે.

વડાપ્રધાન : અ….અ.. એવું છે… ગાંધીજી કે તેમાં કોઇ વિરોધાભાસ નથી. હિન્દુસ્તાનનો પ્રાચીન ઇતિહાસ સાક્ષી છે કે જે પણ અહિં આવ્યા એ હિન્દુસ્તાની બનીને રહી ગયા છે. તેથી જ મારો વિશ્વાસ છે કે જે પણ વિદેશી કંપનીઓ અહિં આવશે એ હિન્દુસ્તાની બની જશે. અને તેથી જ આપણે દ્રઢતા સાથે ‘આત્મનિર્ભરતા’ એટલે કે ‘સેલ્ફ રિલાયંસ’ તરફ આગળ કદમ ઉઠાવીશું.

ગાંધીજી : સાચે ?! આ તર્કના આધારે શું કહી શકાય કે ૧૯૯૧માં મનમોહનસિંહ આર્થિક ઉદારીકરણ લાવ્યા તો એ પણ ‘સ્વરાજ’ તરફ ઉઠાવવામાં આવેલું એક પગલું હતું?

વડાપ્રધાન : ના ના, એમની વિચારસરણી તો કંઇક અલગ જ હતી. એમનો રસ માત્ર ઉંચા વિકાસદરમાં જ હતો પછી ભલે એ કોઇપણ ભોગે મેળવી શકાય. અમે વિકાસદર નીચે લાવ્યા છીએ પરંતુ અર્થવ્યવસ્થાની પાયાની બાબતોને અમે સુદ્રઢ કરી છે. હું મારા નાણામંત્રીને જણાવીશ કે એ તમને આનું વિસ્તૃત વિવરણ મોક્લી આપે.


તમને આ પણ વાંચવું ગમશે


ગાંધીજી : આ તો મને આર્થિક અસમાનતા જેવું લાગે છે. કેમ કે તમારા પક્ષે પણ તો ઉંચા વિકાસદરના વાયદા કર્યા છે; ચલો, છોડો આ વાતને આપણે પરત ફરીએ ‘સ્વરાજ’ અને ‘આત્મનિર્ભરતા’ તરફ ! આ માન્યતાઓ પર આપની સમજ શું છે ? તમારા ૨૦૧૯ના ચુંટણી ઘોષણાપત્રમાં ‘સ્વરાજ’ શીર્ષક અંતર્ગત દાન રૂપે(ચેરીટી)  અનેક ચીજો રાખવામાં આવી છે; જેમ કે નળ દ્વારા પીવાનું પાણી, રહેઠાણ અને પાકા રસ્તાઓ. મને એવું કંઇ ના દેખાયું જે ગામડાંને પોતાના ભવિષ્યનો નિર્ણય કરવા માટે સક્ષમ બનાવે.

વડાપ્રધાન : પરંતુ તેમની પ્રાથમિક જરૂરિયાતો તો અમારે પુરી પાડવી પડશે ને ?! અને અમે એમને ઇન્ટરનેટની સારી સુવિધા આપી છે, જનધન યોજનાનો લાભ આપ્યો છે અને તેના ફળસ્વરૂપે ઘણા રૂપિયા લોકો સુધી પહોંચી શક્યા છે. શું પોતાના ભાગ્યના નિર્માણ માટે એક ગામડાને આટલું મળે એ પુરતું નથી ?

ગાંધીજી : છે, પરંતુ ‘આત્મનિર્ભરતા’ની વ્યાખ્યા જે મેં આપી છે એ કંઇક આવી છે – આત્મનિર્ભર ગામડાનો અર્થ છે કે, પોતાની જરૂરતો જાતે પુરી પાડવી અને પોતાનું શાસન પોતે ચલાવવું ! ના કોંગ્રેસે, ના ભાજપે કે ના દિલ્હીની ગાદી પર બેઠેલા કોઇ પણ પક્ષે એવું પગલું ભર્યું નથી. જેનાથી ૭૩ અને ૭૪માં બંધારણીય સંશોધનો અનુસાર પંચાયતો અને શહેરી વોર્ડને યથાર્થ સ્વરૂપમાં વિકેન્દ્રિકરણના લાભો મળી શકે. સાચું પૂછો તો તેમની નાણાકીય અને કાનુની સત્તાને વધુને વધુ કમજોર બનાવવામાં આવી છે. રાષ્ટ્રના કહેવાતા ‘વિકાસ’ના નામે તમે પુરી સત્તા પોતાના હાથમાં લઇ રાખી છે. જેના દ્વારા તમે લોકોના જળ, જંગલ, જમીન અને આજીવિકાને આસાનીથી છીનવી શકો છો. મને માહિતી મળી છે કે તમારા પ્રધાનમંત્રી બની રહેવાના બે કાર્યકાળ દરમ્યાન સરકાર દ્વારા જમીનના કબ્જા મેળવવાનું વધી રહ્યું છે. આપનું પર્યાવરણ મંત્રાલય ખાણ, બંધો અને ઉદ્યોગની પ્રત્યેક યોજનાને મંજૂરી આપવામાં જરા વધુ પડતી તત્પરતા! દાખવી રહ્યું છે. ૧૯૯૧ બાદની ભારતની દરેક સરકારે વિકાસના નામે ઉપભોક્તાવાદને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું છે. આ તો આત્મનિર્ભરતા માટેનો જે સરળ માપદંડ છે તેનાથી વિપરીત છે, આવી પરિસ્થિતિમાં કેવી રીતે લોકો ‘સ્વરાજ’ને પ્રાપ્ત કરી શકે ?!

વડાપ્રધાન : ગાંધીજી હું આપના પ્રતિ ઉચિત આદરભાવ રાખું છું. આપ જાણતા જ હશો કે ગામડાના લોકો બાળકો જેવાં હોય છે. સરકારે એમને મદદ કરવી જોઇએ. અને વિકાસ કરવો હોય તો ઉદ્યોગોને આપવા માટે એમની જમીન લેવી જ પડે.  લોકોને રોજગાર મળે, એ લોકો ગરીબીમાંથી ઉગરી શકે, એ માટે ભલા બીજું શું કરી શકાય ?

ગાંધીજી : અરે ભાઇ ! આનાથી આસાન રીત છે સ્થાનિક, શ્રમિકો આધારિત વિકેન્દ્રિત ઉત્પાદન… નહિં કે દુનિયાની મોટી કંપનીઓને લાવવી, જે પોતાના દરેક કામ મશીનો પાસે કરાવતી હોય. પરંતુ તેની સામે તમે તો હેન્ડલુમ પર જીએસટી લગાવી દીધું. મને ખબર પડી છે કે આપના પક્ષ દ્વારા શાષિત કેટલાક પ્રદેશોએ શ્રમ કાયદાઓને માળીયા પર ચડાવી દીધા છે !

વડાપ્રધાન : અરે એ તો એ માટે કરવામાં આવ્યું કે મજૂરો અને કારીગરો મહેનત કરે. હશે, એ વાત છોડો, હું તમને એક ગોપનીય વાત કહું. જેટલી વિદેશી કંપનીઓને આપણે આમંત્રિત કરી રહ્યા છીએ, તેમણે હિન્દુસ્તાનમાં પોતાનું નામ બદલીને હિન્દુસ્તાની નામ રાખવું પડશે. તેથી મને તો ખરેખર ‘વેદાન્તા’ નામ પસંદ છે, જ્યારે એ એક વિદેશી કંપની છે. કેવું મહાન ભારતીય નામ છે…!

ગાંધીજી : અચ્છા, આ એજ કંપની છે ને જે ઓરિસ્સાના ડોંગરીયા કૌંધ આદિવાસીઓના પહાડોમાં ખાણ ખોદવા જઇ રહી હતી ? મેં તો સાંભળ્યું છે કે એ સમુદાય તો આત્મનિર્ભર છે. આનો મતલબ થાય છે કે તમારો ઇરાદો એવો છે કે વધારેને વધારે ગ્રામીણ વિસ્તારોને ‘વિકાસ’ માટે ખુલ્લા કરવા અને ગ્રામીણ લોકોને સરળ-સુલભ શ્રમિકો બનાવી દેવા !

વડાપ્રધાન : (ગાંધીજીને વચ્ચે રોકતાં) હા..હા તમે હમેશાં કહ્યું છે કે આપણી અર્થવ્યવસ્થા શ્રમ કેન્દ્રિત હોવી જોઇએ. સમસ્યા એ છે કે ડોંગરીયા કૌંધ જેવા સમુદાયો પ્રકૃતિ પર આધારિત રહીને જીવન નિર્વાહ કરતા હોય છે, તેથી એ જરૂરી છે કે અમે એમને ઉત્પાદક શ્રમિકોમાં પરિવર્તીત કરીએ.

ગાંધીજી : અચ્છા, તો એટલા માટે આપની સરકાર મહામારીની આ સ્થિતિમાં પ્રવાસી-મજુરોની ઘરવાપસી આટલી અઘરી બનાવી છે; જેને કારણ એ લોકો ઉદ્યોગપતિઓ અને ઠેકેદારોની દયા પર આશ્રિત રહે. શ્રમ પ્રતિષ્ઠાથી મારો આવો અર્થ તો હતો જ નહિં.

વડાપ્રધાન : જુઓ ગાંધીજી, આ શહેરી નક્સલી લોકો તમને  અવળા રસ્તે ચડાવી રહ્યાં છે. એ લોકો સત્ય નથી બોલતા અને તેથી  જ અમારે તેમને સજા કરવી પડે છે. તમારા ચિંધ્યા પવિત્ર માર્ગ પર એ દેવી જ પડે છે. એ લોકો સત્યથી દૂર થઇ ગયા છે ગાંધીજી ! અમે છીએ સાચા સત્યાગ્રહી…

ગાંધીજી : ના…ના… – જો મને મારા જમાનાના અંગ્રેજોની બેમોઢાની વાતો સાંભળવાનો અનુભવ ના હોત તો તમારી આ ભયાનક પરિભાષા સાંભળીને મારી બોલતી બંધ થઇ જાત. સત્તાના રાજમાં સત્ય બોલવા પર અંગ્રેજોએ મને આતંકવાદી જાહેર કરી દીધો અને તમે પણ… જે લોકો તમારાથી અસહમત છે તેમની સાથે તમે પણ એવું જ વર્તન કરો છો. તમે રાષ્ટ્રદોહના એજ સત્તાધારી કાયદા હેઠળ તેમના પર આરોપ લગાવો છો જેના હેઠળ મને સજા આપવામાં આવી હતી. જ્યારે પણ સરકાર જનવિરોધી પગલાં ભરે છે, ત્યારે લોકોને તેનો વિરોધ કરવાનો અધિકાર છે. લોકોએ “સવિનય કાનૂન ભંગ આંદોલન” એટલે “સત્યાગ્રહ” કરવો જ પડે છે. તમે જાણો છો, મેં ‘સ્વરાજ’ની અન્ય કેટલીયે પદ્ધતિઓથી વ્યાખ્યા કરી છે ? મારી પત્રિકા ‘યંગ ઇન્ડિયા’માં મેં લખ્યું હતું, “જો સત્તાનો દોર મુઠ્ઠીભર લોકોના હાથમાં આવી જાય તો તેને ‘સ્વરાજ’ નહિં કહેવામાં આવે. “સ્વરાજ” ત્યારે આવશે જ્યારે લોકો એટલા સક્ષમ બની જાય કે સત્તાના દૂરૂપયોગનો વિરોધ કરી શકે”.

(મોદીજી કંઇ નથી બોલતા)

ગાંધીજી : વડાપ્રધાનજી …?

વડાપ્રધાન : માફ કરજો ગાંધીજી, ફોનમાં ખૂબ જ ખરરર ખરરર થઇ રહ્યું છે, હું તમને સાંભળી ના શક્યો…

ગાંધીજી : કોઇ વાંધો નહિં. ટૂંકમાં એક વાત કહું… જે હું પહેલાં કહી ચુક્યો છું – ‘જે સાંભળી નથી શકતા તેમને સંભળાવી શકાય છે, પણ જે ન સાંભળવાનો ઢોંગ કરતા હોય તેમને સંભળાવી ન શકાય. સારું છોડો. એક અન્ય મુદ્દા પર આવીએ. આપણી સભ્યતાનો આધાર છે પ્રકૃતિ અને પર્યાવરણ સાથે આપણો અતૂટ સંબંધ ! આ આખું ઔદ્યોગીકરણ તેનો નાશ નથી કરતું ?! મને કહેવામાં આવ્યું છે કે આપ કટ્ટર હિંદુ છો. તમે જાણાતા હશો કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પ્રકૃતિ અને અન્ય જીવોનો આપણે આદર કરીએ.

વડાપ્રધાન : તમે તદ્દન સત્ય કહી રહ્યા છો ગાંધીજી. એ જ તો આપણા “વસુધૈવ કુટુંમ્બકમ”ની વ્યાખ્યા છે. અમે તો પ્રકૃતિને સમૃદ્ધ કરીએ છીએ. જો અમે એક હેક્ટર જમીનમાંથી વૃક્ષો કાપીએ છીએ તો તેનાથી બમણી સંખ્યામાં વૃક્ષો રોપીએ છીએ.

ગાંધીજી : પરંતુ તેનાથી જે વૃક્ષો કુદરતી રીતે જંગલોમાં હજારો વર્ષો બાદ વિકસેલા છે, તેને કાપવાની ભરપાઈ કેમ થશે?

વડાપ્રધાન : હું નથી જાણતો – તમને આવી સલાહ કોણ આપે છે ગાંધીજી ?! સત્ય કંઇક અલગ છે. સેંકડો પ્રકારના અનેક વૃક્ષોવાળા જંગલની સરખામણીમાં ૨-૩ સારી પ્રજાતિના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવું જોઇએ અને એવું કહેવામાં આવે છે કે આ પ્રકારના વૃક્ષો જંગલની હવામાંથી ખૂબ જ સારી રીતે કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. અને મનુષ્યોમાં પણ એવું જ હોવું જોઇએ. મને ખબર નથી કે જલવાયુ પરિવર્તનના વિષયથી તમે કેટલા માહિતગાર છો, પણ આ મુદ્દાઓ તમારા સમય પછી સામે આવ્યા છે.

ગાંધીજી : અરે હું બધું જ જાણું છું. સાથે એ પણ કે કેવી રીતે તમે પૃથ્વીનો ચેમ્પિયન પુરસ્કાર(અર્થ એવોર્ડ)મેળવ્યો ! હું એ બાબત પર સ્તબ્ધ છું, કેમ કે તમારી સરકારે તો પર્યાવરણ સાથે જોડાયેલા કાયદાઓને કમજોર કર્યા છે. અચ્છા, ગ્રામસ્વરાજની થોડી વધુ વાતો કરી લઇએ, તમારી મોટી-મોટી યોજનાઓ અનેકવાર ગ્રામીણો, આદિવાસીઓ અને શહેરી ગરીબોની જમીન અને પ્રાકૃતિક સંસાધનોને હડપી લે છે, અને તેમની પાસેથી ના પાડવાનો અધિકાર પણ છીનવી લે છે, તો એ કેવું ‘સ્વરાજ’ છે ?! ત્યાં સુધી કે તેમને કશું પૂછવા કે જણાવવાનો અધિકાર અથવા પર્યાવરણીય અને સામાજિક સુનાવણીનો ભાગ બનવાની પ્રક્રિયાને અનેક પ્રોજેક્ટમાંથી સમાપ્ત કરી દીધી છે. સાંભળ્યું છે કે તમે આ કોવિડ ૧૯ની આપત્તિ વચ્ચે આવી અનેક યોજનાઓને મંજૂરી આપી દીધી છે. જ્યારે સજ્જડ તાળાબંધીના કારણે લોકો એકઠા થઇને તેનો વિરોધ પણ કરી શકતા નથી.


તમને આ પણ વાંચવું ગમશે


વડાપ્રધાન : જુઓ ગાંધીજી, મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે મારી જનતા બાળકો સમાન છે. અનેકવાર એમને પોતાને ખબર નથી હોતી કે એ પોતે શું ઇચ્છે છે. એટલે જ એમને મારા જેવા મજબૂત માતાપિતાની જરૂર છે.

ગાંધીજી : અચ્છા, હવે સમજમાં આવ્યું કે, આત્મનિર્ભરતાનો અર્થ છે તમારા ઉપર નિર્ભર બનવું !

વડાપ્રધાન : આ સાચું છે.

ત્રીજો અવાજ આવે છે : વડાપ્રધાન, ભુલતા નહિં, હું પણ આ વાતચીત સાંભળું છું.

ગાંધીજી : મોદીજી આ કોણ છે?! મને નહોતી ખબર કે કોઇ અન્ય વ્યક્તિ પણ આપણી વાત સાંભળે છે.

વડાપ્રધાન : કોઇ ચિંતા નહિં ગાંધીજી ! આ કહાનીના “નિર્ભર” એટલે કે “રિલાયન્સ” પણ એક પાત્ર છે !

ગાંધીજી : હે રામ…!

લેખક : અશીષ કોઠારી

અનુવાદ – જય અંજારિયા(પર્યાવરણ મિત્રમાંથી)

અશીષ કોઠારી કલ્પવૃક્ષ પર્યાવરણ સમુહના સંસ્થાપક સદસ્યોમાંના એક છે. તેઓ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમીનીસ્ટ્રેશનમાં ભણાવી ચુકયા છે. તેમણે વિવિધ આંદોલનમાં ભાગ લીધો છે. વર્તમાનમાં તેઓ વિકલ્પ સંગમનું સંચાલન કરી રહ્યા છે.

તેમણે અંદાજે ૩૦ પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે અને એમના ૩૦૦થી વધુ લેખો પ્રકાશિત થયા છે.

2 thoughts on “મહાત્મા ગાંધીએ વડાપ્રધાનને ફોન કર્યો!

  1. Pingback: महात्मा गाँधी ने फ़ोन किया मोदी जी को (in Hindi) - Vikalp Sangam

  2. Pingback: Mahatma Gandhi calls PM Modi: “Did you really mean Self-reliance?” - Vikalp Sangam

Leave a comment