શ્રી મકરન્દ દવેને આપણે ત્યાં અધ્યાત્મના પથના કવિ સાધક માનવામાં આવે છે. અધ્યાત્મમાં આત્મતત્ત્વને અંતિમ સત્તા તરીકે સ્વીકારવામાં આવે છે. તે સિદ્ધાંત અધ્યાત્મનો પાયો છે. આ અંતિમ તત્ત્વના સ્વરૂપ અને સંખ્યાની મીમાંસા કરનારી તત્ત્વજ્ઞાનની શાખાને તત્ત્વમીમાંસા કહે છે. અધ્યાત્મવાદ એ ભૌતિકવાદનો વિરોધી સિદ્ધાંત છે.
આત્મા કોઈ ભૌતિક દ્રવ્યના વિકારનું પરિણામ નથી. એક અને અદ્વિતીય, સર્વથી નિરપેક્ષ, નિર્ગુણ એવા એક અને એક જ આત્મા-તત્ત્વનો સ્વીકાર કરનાર નિર્ગુણ બ્રહ્મવાદ કે નિરપેક્ષ તત્ત્વવાદ, જે શંકરાચાર્ય જેવા ઓળખાવે છે તે છે.
પશ્ચિમના હેગલ, બ્રેડલી, સ્પીનોઝા જેવા તત્ત્વચિંતકો નિરપેક્ષ તત્ત્વવાદનું પ્રતિપાદન કરે છે. મતલબ આપણા વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈતને મળતું. અહીં સર્વેશ્વરવાદ છે. મતલબ ભૌતિક જગત, જીવ અને તેનું નિયંત્રણ કરનાર અધ્યાત્મવાદનો બીજો પ્રકાર છે. આમ મોટાભાગના અધ્યાત્મવાદી ઈશ્વરવાદી હોય છે. અને આ ઈશ્વર વિશ્વના મોટાભાગના તત્ત્વજ્ઞાનનો ભાગ રહેલ છે. પશ્ચિમના પ્લેટો, દેકાર્ત, લાયબનિઝ, બર્કલી, કેન્ટ જેવા આધુનિક વિચારકો ઈશ્વરના કર્તૃત્વ, અસ્તિત્વ અને નિયંતૃત્વનો સ્વીકાર કરે છે.
પશ્ચિમમાં નિરીશ્વરવાદ અને ભૌતિકવાદ હંમેશાં સાથે જોવા મળે છે. જ્યારે ભારતીય અધ્યાત્મચિંતનમાં નિરીશ્વરવાદને અધ્યાત્મચિંતનમાં પણ સુસંગત બનાવવાના પ્રયત્નો થયા છે. દાખલા તરીકે જૈન બૌદ્ધદર્શન.
ટૂંકમાં, અધ્યાત્મવાદી તત્ત્વમીમાંસામાં કેન્દ્રસ્થાને આત્મા હોવાથી અધ્યાત્મવાદી જ્ઞાનમીમાંસામાં ઇન્દ્રિય જ્ઞાનવાદ કરતાં બુદ્ધિવાદ, અંત:સ્ફુરણાવાદ, રહસ્યવાદને વિશેષ મહત્ત્વ મળે છે. એ જ રીતે અધ્યાત્મવાદી નીતિમીમાંસામાં સ્વાર્થપરક ઇન્દ્રિય સુખવાદને નિષેધીને પરમાર્થ-પ્રેરક સદ્ગુણવાદ અને મોક્ષવાદને પુરસ્કારવામાં આવે છે. આટલી પૂર્વ ભૂમિકા પછી મકરન્દભાઈના અધ્યાત્મલક્ષી સાહિત્યની નાનકડી યાદી જોઈએ.
‘ધુમ્મસને પેલે પાર’, મકરન્દભાઈનું વિવેચનનું પુસ્તક છે, ‘સાવિત્રી વિદ્યા’, ‘તપોવનની વાટે’, ‘ગર્ભદીપ’, ‘ચિદાનંદ’, ‘ચિરંતના’, ‘યોગપથ’, ‘ભગવતી સાધના’, ‘બ્રહ્મવીણા’, ‘સૂર્યની આમંત્રણપત્રિકા’, ‘વિષ્ણુસહસ્રનામ’, ‘આંતર પ્રવેશ’, ‘અંતર્વેદી’, ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’, (વધુ પોપ્યુલર પુસ્તક) ‘રામનામ તારક મંત્ર’, તથા ‘સત કેરી વાણી’ અને ‘ભજનરસ’ આ અધ્યાત્મવાણીના અર્થઘટનનો આસ્વાદ કરાવતા ગ્રંથો છે.
મકરન્દભાઈના ખુદના સર્જનમાં રહસ્યવાદ કે અનુભવાતીતવાદ આવે. દાખલા તરીકે કાવ્યપંક્તિ ‘પાણાનાં દૂધ અમે પીધાં.’ હવે આનો અર્થ શો ? તો આપણે આસપાસના સંદર્ભ તપાસવા પડે. લોકજીવનમાં મેઘાણી પ્રવેશેલા. તેમણે ‘ધરતીનું ધાવણ’ શબ્દ પ્રયોજ્યો છે. અહીં ‘પાણાનું દૂધ’ છે. આ સર્જકની વિદેશી અધ્યાત્મ મીમાંસા કરતા કાવ્યગ્રંથને આ સંદર્ભમાં જોવા જેવો છે. ‘ઇમ્પોર્ટલફેઇસ ઑફ અમેરિકા’ પોતે જ અનુવાદ કરી ‘અમેરિકાનો ચિંતન ચહેરો’ સંગ્રહ આપ્યો. આજના ભૌતિકવાદનું શ્રેષ્ઠ પ્રતીક અમેરિકા. તેનું અધ્યાત્મ જગત તો મકરન્દભાઈ જ નીરખી શકે. ખેર; પણ તેમનાં આવાં વલણોમાં સામાન્ય ભાવક તરીકે આપણે છેતરાઈ જઈએ. શીર્ષક જ વિશાળ પરિપ્રેક્ષ્ય રચી આપે. દાખલા તરીકે ‘ધુમ્મસને આરપાર’ એ ગ્રંથ આપતા હતા તો હળવી કૉમેન્ટ કરી કે ભાઈ ધુમ્મસની આરપાર છે, પણ તેને પેલે પાર !! તો ઉમેરી આપ્યું – અપરંપાર.
હવે આપણે કલાસાહિત્યનો અભ્યાસ કરીએ તો આપણને ખબર હોવી જોઈએ કે જગતની સૌથી મોટી કથા, પ્રખ્યાત કથા – મહાભારત, તે ક્યાંથી પ્રગટી ? તો કહેવાય કે પરાશરે મત્સ્યગંધા અનુસંધાને ધુમ્મસ રચ્યું અને તેમાંથી કૌરવ-પાંડવને જન્મ આપનારા વ્યાસ કૃષ્ણ-દ્વૈપાયન થયા. હવે જો આપણે મૂળ સુધી ન જઈએ તો આપણે કથાસાહિત્યની સંકુલતા જ ન પામી શકીએ. અવું જ બીજું શીર્ષક લો, ‘સૂર્યની આમંત્રણ-પત્રિકા’…. સૂર્ય કૈં આમંત્રણ આપે ? વળી તે પત્રિકા રૂપે આપે ? પરંતુ શાંતિથી વિચારો તો જણાશે કે સતત ઘૂમતી આ પૃથ્વીને સૂર્ય પોતાના ગુરુત્વાકર્ષણથી ટકાવે છે. એટલે સૂર્યના એ મહત્ત્વથી પૃથ્વીના સર્વ પદાર્થો સૂર્ય તરફ ગતિ કરે છે.
સંસ્કૃત ભાષાના અભ્યાસીઓ જાણે છે કે તે ભાષાના મોટા ભાગના શબ્દોમાં ધાતુ ગતિસૂચક છે. મતલબ ઊર્ધ્વગતિ. વનસ્પતિ, વાયુ, જલ બધું ઊર્ધ્વ તરફ. તેમ મનુષ્યની ગતિ પણ ઊર્ધ્વ અને તેજ તરફ હોવી જોઈએ. એ સંકેત. અહીં ઊંચે રહેલાં સ્વર્ગીય સુખની લાલચ નથી. પરંતુ મૃણમય પિંડને ચિન્મય બનાવતા તેજની વાત છે.
ખેર; મકરન્દભાઈના સાહિત્યમાં આવું તો પુષ્કળ છે, પરંતુ આપણે તેમના આ પ્રકારના સાહિત્યને ત્રણ વિભાગમાં અને તેનાં ત્રણ આધારબિંદુથી પામી શકીએ. પ્રથમ તેમનું અધ્યાત્મકેન્દ્રી સાહિત્ય વેદ આધારિત છે. દાખલા તરીકે, ‘અશ્વમેઘ યજ્ઞ – એક સૂક્ષ્મ અતિસૂક્ષ્મ અંતર્યાગ’ પુસ્તક છે, યજુર્વેદના ૨૨થી ૨૫મા અધ્યાયના ભાગમાં ‘અશ્વમેઘ’ના શ્લોકો છે. કેટલાક બ્રાહ્મણો પોતાને માધ્યાંદિની શાખાના માને છે. તે શાખા શ્ર્લોકોના અનુવાદને આધારે શુકલ યજુર્વેદની આ વિધિને આપણી પાસે ખોલે છે. લક્ષ્મીશંકર જોશી જેવા સંસ્કૃત વિદ્વાનની મદદ લઈ તે આપણને લુપ્ત-ગુપ્ત સામગ્રી આપે છે.
તમને આ પણ વાંચવું ગમશે
બીજું, એમનું અધ્યાત્મ સાહિત્યનું કેન્દ્રબિંદુ છે પુરાણ. દાખલા તરીકે તેમનું ગરુડપુરાણ વિશેનું પુસ્તક. આપણે ત્યાં જિવાતા જીવન વિશે પુષ્કળ સાહિત્ય છે, પરંતુ મૃત્યુ પછી આત્માની દિશા-દશા અંગેનું અધિકૃત સાહિત્ય, વળી તત્ત્વજ્ઞાનયુક્ત અતિ અલ્પ. તેમાં મકરન્દભાઈનું આ પ્રકારનું વલણ આ પુરાણને ભક્તિ ઐતિહાસિક કે કલ્પિત વંશાવલિ સુધી લઈ જઈ, સંતોષ ન માનતાં સૂક્ષ્મ જગતમાં પ્રવેશ શક્ય બનાવે છે.
મકરન્દભાઈના અધ્યાત્મ સાહિત્યનું ત્રીજું કેન્દ્ર છે ઉપનિષદ. આપણા પ્રખ્યાત ૧૮ ઉપનિષદ જ નહીં, સાધનાજગતની વિશિષ્ટતા દર્શાવતા ઉપનિષદમાંની સામૂહિક અને વયૈક્તિક જીવનપદ્ધતિને આલેખી આપતાં લખાણોમાં ‘તપોવનની વાટે’, ‘ગર્ભદીપ’, ‘ચિરંતના’, ‘સૂર્યની આમંત્રણ-પત્રિકા’નો સમાવેશ થાય.
ખેર; આ ત્રણ ધારા મકરન્દભાઈના મોટા ભાગના અધ્યાત્મકેન્દ્રી સાહિત્યનું ઉગમસ્થાન લાગે, પણ એ ત્રણેયને પાછી તેમણે ત્રણ રીતે તપાસી છે. ધર્મ-અધ્યાત્મજગતમાં વિધિ-વિધાનનું – પદ્ધતિનું આગવું મહત્ત્વ છે. તેમાં કઈ પદ્ધતિએ આ અભૌતિક આત્મપદારથને ઓળખવો-પામવો તે સમસ્યા હોય છે.
આ સમસ્યાના નિવારણ માટે પૂર્વસૂરિઓ પોતાના અનુભવ, માન્યતા, ધારણા, શક્યતા રજૂ કરે છે. તેમાં પ્રથમ છે જ્ઞાનમાર્ગ. બીજો છે ભક્તિમાર્ગ અને ત્રીજો છે યોગમાર્ગ. તંત્રમાર્ગ સમન્વય પામ્યો છે. આ અભિગમથી જીવનપદ્ધતિ ગોઠવાય તે સાધના ઉપાસના કહેવાય. તો મકરન્દભાઈએ આ ત્રણ માર્ગ ધ્યાનમાં રાખી ઉપાસના-સાધના અંગે જે સાહિત્ય આપ્યું છે, તે આપણા રસના વિષયનું કેન્દ્રબિંદુ છે.
પ્રથમ બાબત છે પ્રાકૃતિક સહજપ્રાપ્ત તત્ત્વની ઉપાસના. જળ, વાયુ, તેજ, પૃથ્વી, આકાશતત્ત્વની ઉપાસના. વૈદિક ઉપાસના યજ્ઞથી થતી. ‘ઇન્દ્રિય સ્વાહા, ઇદમ નમમ્, ઇદમ વરુણાય, ઇદમ અગનાય, ઇદમ સૂર્યાય.’ આપણે આ વૈદિક યજ્ઞ દ્વારા જે-તે દેવ કે તત્ત્વને ઉપાસતા, પણ તે બહીર્ યજ્ઞ. મકરન્દભાઈ વાત કરે છે, અંતયાગની. બહીર્યજ્ઞ નહીં, અંતરયજ્ઞ અને તેના યાગ માટેની યાત્રા. એ ઉપાસના પદ્ધતિયુક્ત જીવનપદ્ધતિ મકરન્દભાઈને અપેક્ષિત છે. આમ જે થિયરી છે તેનું પ્રેક્ટિસમાં-વ્યવહારમાં રૂપાંતર. એ મકરન્દભાઈના લેખનનું આધારબિંદુ છે. ‘યોગ પથ’, ‘બ્રહ્મવીણા’ મકરન્દભાઈનાં પુસ્તક તેમાં આવે.
મકરન્દભાઈના અધ્યાત્મ સાહિત્યની બીજી પદ્ધતિ છે યોગમૂલક. હવે યોગ એટલે આપણે પતંજલિ કે ગોરખનાથ અથવા બાબા રામદેવ દ્વારા સમજીએ એ એટલા પૂરતો સીમિત નથી. યજ્ઞ માટે ઇતર સામગ્રી કે અન્ય પુરોહિત, ઉદ્ગાતા, હોતાનો આધાર રાખવો પડે. જ્યારે યોગ એ પોતાના દ્વારા પોતાને જ સહજપ્રાપ્ય સાધનથી કેળવવાનો છે. દાખલા તરીકે શ્વાસ અને નામ. પ્રાણાયામ અને નામયોગ. તેમનાં મોટા ભાગનાં લખાણોમાં યોગમૂલક અભિગમ પ્રકટે છે, તેમાં બૌદ્ધ-સિદ્ધોની પરંપરા પણ દેખાય છે.
મકરન્દભાઈ અધ્યાત્મ સાહિત્યમાં ત્રીજી શાખા – ભક્તિમાર્ગને પણ આલેખે છે. પરંતુ તેના માટે ફક્ત વૈષ્ણવ ભક્તિમાર્ગનું ‘વિષ્ણુ-સહસ્રનામ’ જ પુસ્તક ઉદાહરણ માટે નથી. તેઓ સૂફીઓ, દરવેશો, ખ્રિસ્તી સાધુઓ, ઓલિયા, અવધૂત, સંન્યાસીઓ, ધૂળિયા સંતો અને ઋષિઓ, સિદ્ધોના જીવન પ્રસંગોમાંથી કેટલીક વખત લાવી બતાવે. દાખલા તરીકે ‘સહજને કિનારે’, ‘વિશ્ર્વ ચેતનાના વણજારા’, ‘પીડ પરાઈ’ જેવાં પુસ્તકો તેનાં ઉદાહરણ છે.
મકરન્દભાઈના અધ્યાત્મ સાહિત્યનો મહિમા જાણવા માટે આપણે કેટલીય ધારાઓથી પરિચિત હોવા જોઈએ. તો તેના અવનવા ઉઘાડના અધિકારી બનીએ. ભારતમાં પંડિત ગોપીનાથ કવિરાજનું નામ છે. તેઓ પોતાના ગુરુની સૂર્ય ઉપાસનાની સાધના દ્વારા અને પોતાની પ્રતિભાથી આપણને અધ્યાત્મની નજીક લઈ ગયા. સાધનાના ગુહ્યમાર્ગ દર્શાવ્યા. પણ અર્થઘટનના મામલે મકરન્દભાઈની જોડ ધ્યાનમાં નથી આવી.
અધ્યાત્મ-જગતમાં યાત્રા માટે ગુરુની ધારણા છે. બીજી કૃપાની અવધારણા છે. તો ધ્યાનમાં રાખવું કે મકરન્દભાઈના કોઈ નામજોગ ખાસ ગુરુ નથી કે તેમણે શિષ્ય મૂંડ્યા નથી. બીજું, સાવ પરમની કૃપાને અગત્યની ગણવામાં આવે છે. એક માન્યતા છે કે કૃપા શું છે ? તો બોધિવૃક્ષ નીચે રાજકુમાર સિદ્ધાર્થને જ્ઞાન થયું અને તે બુદ્ધ બન્યા.
બુદ્ધ તો સેંકડો થયા છે, પણ આ તો રાજકુમાર પણ બુદ્ધ થયો. તો તેમાં એ રાજકુમારના તપનો જે ફાળો હતો તેનાથી વિશેષ ફાળો પેલા વૃક્ષનો હતો, કારણ તેણે કેટલીયે કૃપા કેટલાંય વર્ષોથી ઝીલી હતી. તે બધી જ કૃપા આ રાજકુમાર પર ઠાલવી અને પરિણામ જગતે જોયું છે, પણ મકરન્દભાઈએ આડકતરી રીતે જણાવેલું કે આભારી સહુનો છું, પણ આધારિત કોઈનો નથી. આમ અધ્યાત્મજગતમાં ગુરુ અને કૃપાના તત્ત્વને તે જાણે છે, પરંતુ યાદ રાખીએ કે અધ્યાત્મ એ સૂક્ષ્મ ચેતનાઓનું જગત છે. તેની અનુભૂતિ થાય તેવું અસ્તિત્વ બનાવવું એ સાધના-ઉપાસના છે. મકરન્દભાઈના જગતમાં વેદ, પુરાણ, ઉપનિષદ કે જગતના ધર્મગ્રંથો જ ન હતાં. સામાન્યની સાથે સામાન્ય બની જિવાતા જીવનનાં ચૈતન્યવાદી પરિબળોનો પણ સંપર્ક હતો.
દાખલા તરીકે ‘વિશ્ર્વ ચેતનાના વણજારા’ પુસ્તકમાં છેલ્લું પ્રકરણ છે તેમાં ગાય ચીરવાનો મંત્ર છે. ‘સતકી છૂરી શબ્દકી ધાર’થી શરૂ થઈ, આ ગાયનાં શિંગડાંમાંથી શું બનાવ્યું. ચામડાનું કોણે શું કર્યું કે કરવું, ગાયનું દૂધ, માખણ, છાશની વાત કરતાં છેલ્લે આવે કે ‘પૂંછડે કા બનાયા લંગોટ’. હવે પૂંછડાની લંગોટ બનાવવી એટલે શું ? તેનો અર્થ જેઠાલાલ ત્રિવેદીના સંત શબ્દકોશમાં સ્વામી દિગમ્બરાનંદના ‘યોગની પરિભાષા’ પુસ્તકમાં ન હોય. પરંપરાથી જે ગરીબ મેઘવાળ આ બોલતો હોય, તેને શું ખબર હોય કે પોતે શું બોલે છે ? વડીલ પૂંજાલાલ બડવાએ તેનો અર્થ પૂછ્યો. મકરન્દભાઈને રાતે (૧૧ વાગ્યે) તેના અર્થની ખબર ન હતી.
નંદીગ્રામમાં લાઇટ ગઈ હતી. ફોન ચાલુ નહીં. બધાં સૂઈ ગયાં. સવારે સાડા ચારે ઊઠી મકરન્દભાઈએ કહ્યું, ‘પૂંછડે કા બનાયા લંગોટનો અર્થ પશુત્વ દૂર કર્યું એવો થાય.’ ઘટના સામાન્ય છે, પરંતુ અધ્યાત્મ ફક્ત આશ્રમોમાં કે મંદિરો અથવા ભવ્ય શિબિરોમાં નથી. ઘોરવાડમાં ગાય ચીરતા ગામડાના મેઘવાળના જીવનમાં પણ છે, તે રંગ ભાઈ જોઈ શકે તેવી ચેતનાઓનો સંપર્ક હતો.
આપણે ફરીથી તત્ત્વજ્ઞાન યાદ કરીએ કે મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે પ્રાણીઓને મનુષ્ય બનાવવાની પ્રક્રિયા અધ્યાત્મ સાહિત્યમાં છે, જે મકરન્દભાઈએ આપણે સમજી શકીએ તેવી રીતે આપી છે. અધ્યાત્મ જ્ઞાન ગ્રંથો કે પરંપરાઓ કે દેખાવમાં નથી હોતું. તે જીવંત વ્યક્તિમાં હોય છે. નજર અને અભ્યાસમાં હોય તેને જ દેખાય. તેવી વ્યક્તિઓ વિશે મકરન્દભાઈએ ઉમળકાથી લખ્યું અથવા કહ્યું છે, દાખલા તરીકે ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ પુસ્તક લોકપ્રિય છે.
અમેરિકામાં જે ખ્રિસ્તી સંતોએ પ્રેમ અને કરુણાની ધારા વહાવી તેના વિશે તો કાવ્યસંગ્રહ આપ્યો. આદિવાસી જાતિ પછી તે અમેરિકાના રેડ ઇન્ડિયનો હોય કે આપણા સંશોધક ભગવાનદાસે સાબરકાંઠાના આદિવાસીના દિલમાં રહેલાં આધ્યાત્મિક ઉપાસનાનાં તત્ત્વો કહ્યાં તે ઉજાગર કરી આપ્યાં છે. તો પ્રમાણમાં નવા ઉદ્ભવેલા ધર્મના સંતોની વિચારધારા-વર્તન સ્પષ્ટ કરી આપ્યાં છે.
શીખ ધર્મના પ્રવર્તક ગુરુ નાનકની વાણીનો અનુવાદ આપણી અગત્યની સંપદા છે. એક પર્વતની ટોચે જવા માટે વિવિધ કેડી, રસ્તા, પગથિયાં, રોપવે, ડોલીની જોગવાઈ હોય તેમ અવિકારી આત્મતત્ત્વને પામવા અનેક માર્ગ-પદ્ધતિ છે.
મકરન્દભાઈ મોટાભાગના માર્ગના ભોમિયા બન્યા છે. તે તેમના આ સાહિત્યમાંથી ફલિત થાય છે. આમ તો આ વિષયના એક-એક પુસ્તક ઉપર એક-એક અધિકૃતને બોલવા કહી શકાય તેવી સામગ્રી છે. ‘તારક યંત્ર રામ નામ’ કે હનુમંત ઉપાસના કે અંગ્રેજીમાં શિવ વિષય લખાણ એ સગુણ છે.
બે પ્રસંગ કહી વાત પૂરી કરીએ.
આ આત્મતત્ત્વ અને અધ્યાત્મ દ્વારા જાણીએ. પછી શું ? આપણે તેને રિઅલાઈઝેશન કહીએ છીએ. આ અંગે જે૦ કૃષ્ણમૂર્તિ, રમણમહર્ષિ અને રામકૃષ્ણ પરમહંસ જેવાનાં નામ આદરથી લઈએ છીએ.
મકરન્દભાઈને પૂછ્યું : આમ અધ્યાત્મ દ્વારા આત્મસાક્ષાત્કાર કે પરમ તત્ત્વની અનુભૂતિ, પછી શું ?
તો કહે, ‘ભાઈ, તકલીફોનો કોઈ પાર નથી.’ સાક્ષાત્કાર પછીની ૧૪ જેટલી તકલીફોની માર્કંડ પુરાણના આધારે યાદી આપી. બીજું, આત્માને અમર-અવિનાશી માનતા દાર્શનિકોને પણ આ અંગે સજાગ બનવા માટેની પાત્રતા જોઈએ. મકરન્દભાઈએ તેનો એક હળવો પ્રસંગ લખ્યો છે.
એક સાધક મુમુક્ષુ આવ્યો, ‘મારે પરમાત્મા મેળવવો છે. આત્મજ્ઞાન પામવું છે, મને દીક્ષા આપો.’ તો એ મહાત્માએ કહ્યું, ‘ભાઈ, હું તો એવું કશું જાણતો નથી. પણ આ નદીના સામા કાંઠે મારા ગુરુભાઈ છે, તેની પાસેથી કદાચ જાણી શકીશ.’ ત્યાં જવા તૈયાર થયો.
‘બધું જોઈએ જ છે’ (એ તૈયાર મળે તો સારું). તો કહ્યું, ‘જાય છે તો આ સંપેતરું લેતો જા. સાચવીને આપી દેજે’. ડબરો આપ્યો. હોડીમાં નદી પાર કરવા બેઠો. તો કુતૂહલ થયું કે આ ડબરામાં શું છે ? ડબરો ખોલ્યો. તે સાથે ડબ્બામાંથી ઉંદરડી છટકીને હોડીમાં અને ત્યાંથી નદીમાં. પણ સાધક હતો, એને થયું કે ક્યાં કોઈને ખબર છે કે ડબરામાં શું હતું. કદાચ ઉંદરડી ભૂલથી આવી ગઈ હોય. આશ્રમે ગુરુને ડબરો આપી જિજ્ઞાસાની વાત કરી તો ગુરુએ કહ્યું, ‘એલા, એક ઉંદરડી નથી સાચવી શકતો તો તું આત્મા કે પરમાત્માને કેમ જાણી શકીશ. માટે જવા દે.’
આ લખાણમાં મકરન્દભાઈના સાહિત્ય ઉપરાંત ગુજરાતના જ્ઞાનકોશ સમા પુસ્તકોમાં વિવિધ વિદ્વાનો જેમ કે, પ્ર૦ઉ૦શાસ્ત્રી, નગીન શાહ, સલોની જોષીએ આપેલાં મંતવ્યોનો સહારો મળ્યો છે.
– મનોજ રાવલ (મૂળ લેખ ટુંકાવીને સાભાર : ‘બુદ્ધિ પ્રકાશ’)
(કોર્ટ રોડ, સોની વાડી નજીક, જામજોધપુર, મો.: ૯૪૨૬૪૪૩૯૯૭)