યાત્રા-અધ્યયન-પ્રસાદી

ભૂદાન-યાત્રામાં મારું જે અધ્યયન ચાલ્યું, તેનું સ્વરૂપ સંગ્રહનું નહીં, દાનનું હતું. લોકહૃદયમાં પ્રવેશ માટે નિમિત્ત તે તે પ્રાંતની તે તે ભાષાના સાહિત્યનું અધ્યયન મારા પર લાદવામાં આવે, મતલબ એ કે પ્રેમથી તેને હું મારા પર લાદી દઉં છું. ઓરિસ્સાની ભૂદાન-યાત્રા વખતે ઉડિયા ભાષા શીખવાને નિમિત્તે ઉડિયાના ભક્ત શિરોમણિ જગન્નાથદાસ દ્વારા રચિત ભાગવતનું અધ્યયન કરવાનો મોકો મળ્યો. અધ્યયન હેતુ એમનો એકાદશ સ્કંધ અમે પસંદ કર્યો. યાત્રામાં જ અધવચ્ચે કલાક-અડધો કલાક રોકાઈને કોઈ ખેતરમાં એકાંતમાં બેસીને બધા યાત્રીઓ સહ-અધ્યયન કરતા. તુલના માટે મૂળ સંસ્કૃત અને એકનાથના હરિરંગમાં રંગાયેલું વિવરણ, શ્રીધરી ટીકા સહિત, હું વચ્ચે વચ્ચે જોઈ લેતો.

ભાગવતે જેના મન પર પકડ ન જમાવી હોય, જેના ચિત્તને રિઝવ્યું ન હોય, રમમાણ ન કર્યું હોય, શાંત ન કર્યું હોય, એવો કયો ભક્ત આ જાગૃત ભારતમાં થયો હશે ? ભટ્ટાદ્,િ પોતના, શંકરદેવ, ચૈતન્ય, વલ્લભ, જગન્નાથદાસ, સૂરદાસ, એકનાથ – આ સૌ તો ભાગવતના પ્રત્યક્ષ સેવક જ છે, પરંતુ અન્ય અસંખ્ય સંત-મહંત ભારતમાં થયા. સહુ ભાગવતની મોહિનીથી મુગ્ધ થઈ ગયા, પછી તે અશિક્ષિત કે ગ્રામીણ કેમ ન હોય. કેરળ, કશ્મિર અને કામરૂપ આ ત્રિકોણની પકડમાં જે પણ આવ્યા, તેઓ ભાગવતથી છૂટીને ભાગી ન શક્યા. તુકારામે તો ભક્તનું લક્ષણ જ એ બતાવ્યું કે – गीता भागवत करिती पठण , अखंड चिंतन विठोबाचे॥ એટલે કે ભક્ત એ, જે ગીતા અને ભાગવતનો પાઠ કરે છે અને વિઠોબાનું અખંડ ચિંતન કરે છે.

જેનાથી કોઈ છૂટી ન શક્યું, તેનાથી હું કેમ છૂટી શકું ? ગીતાના તુલનાત્મક અધ્યયન નિમિત્તે ભલેને હોય, મારે ભાગવત જોવું પડ્યું. वाचा एकोबाचा भागवता ध्या रे बापानो – (ભાઈઓ, એકનાથની ભાગવત વાંચો), એ અમૃતોપદેશ અનુસાર ભાગવતના એકાદશ સ્કંધનું અધ્યયન એકસાથે મને અનેક વાર કરાવ્યું. મારે સ્વીકારવું પડ્યું કે ગીતારૂપી દૂધમાં ભાગવતે મધની મીઠાશ ઉમેરી દીધી.

ભાગવત સંસ્કૃત સારસ્વતનો એક ઉત્તમ ગ્રંથ છે. પૂરા ભારતના બધા પ્રાંતો અને વૈષ્ણવો ઉપર ગીતાની અપેક્ષાએ આ ગ્રંથનો અધિક પ્રભાવ છે. સાધારણપણે કવિઓની કઈ રીત હોય છે ? સામાન્યતયા એ પૂરા ભાગવત પર લખશે. પરંતુ કોઈ વિશેષ અંશ પર લખવું હશે, તો દશમ સ્કંધ પર લખશે. જેમણે જેમણે શ્રીમદ્ભાગવત પર લખ્યું, તેમણે આ બે પૈકી એક અપનાવ્યું. દશમ્ સ્કંધ ભગવાન કૃષ્ણની લીલાઓની સ્તુતિ કરતો મધુરતમ અંશ છે. ચૈતન્ય મહાપ્રભુ, વલ્લભાચાર્ય આદિ વૈષ્ણવ સંતોએ આ દશમ સ્કંધ પર લખ્યું છે. જ્યારે મહારાષ્ટ્રના ભાગવતધર્મીય એકનાથ મહારાજે લખવા માટે એકાદશ સ્કંધ પસંદ કર્યો. તે જ એમને સર્વોત્તમ અંશ જણાયો. વ્યક્તિ-નિરપેક્ષ શ્રીકૃષ્ણ-ચરિત્ર જ એમાં છે. ત્યાં વ્યક્તિ શ્રીકૃષ્ણનો લોપ છે. મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણ સર્વત્ર ભક્તિરૂપ વિરાજમાન છે, પરંતુ ગીતામાં બોધરૂપ છે. તેથી જ્ઞાનદેવે ગીતાને પસંદ કરી અને એકનાથે તેના પર એક એક પદ મૂકવા એકાદશ સ્કંધ પસંદ કર્યો.

ભગવાને ભગવત્-પ્રાપ્તિના આ ગ્રંથમાં ઉપાય બતાવ્યા છે, માટે તેનું નામ ‘ભાગવત-ધર્મ’ છે. શા માટે બતાવ્યા છે ? आत्मलब्धये. પોતાની લબ્ધિ, પ્રાપ્તિ માટે. દુનિયામાં પૈસા, ઘર, જાતજાતના પદાર્થો – ઘણું બધું મેળવી લીધું છે, પરંતુ એક ચીજ આપણી ખોવાઈ ગઈ છે. આપણે પોતાની જાતને જ ખોઈ બેઠા છીએ. ધન કમાયા તો ધન મેળવ્યું. ભણ્યા તો વિદ્યા-પ્રાપ્તિ થઈ. પરંતુ આપણને પોતાની જ પ્રાપ્તિ નથી થઈ. મહારાષ્ટ્રના સંત રામદાસ સ્વામીને પરમાત્મ-પ્રસાદનો અનુભવ થયો તે વેળા એમણે લખ્યું : बहुतां दिसां आपुली भेटी जाली – બહુ દિવસો પછી મને મારી જાતની મુલાકાત થઈ ! તો ભગવાને આ જે ‘પોતાની’ પ્રાપ્તિના ઉપાયો બતાવ્યા એનું નામ છે ભાગવત્-ધર્મ.

કેવા છે એ ઉપાય ? કહે છે अंज: – સાદા છે, पुंसां अविदुषाम् – મૂઢજનો માટે. विद्धि – (કહેલા) સમજો. भागवतान् हि तान् – તેને ભાગવત-ધર્મ જ (સમજો).

મૂઢ લોકોના કામમાં આવે તેવા, સરળ, સીધા-સાદા ઉપાય ભગવાન બતાવી રહ્યા છે. આમ તો કેવળ વિદ્વાનોને ખપમાં આવે તેવા બીજા પણ ઉપાય અને રસ્તા છે. તેમાં એક છે, કર્મનો વૈદિક માર્ગ – સતત કર્મનિષ્ઠા. બીજો માર્ગ છે, ઉપનિષદનો ધ્યાન-માર્ગ, જેનું વ્યાવહારિક સૂત્ર કહી શકાય : ‘लब’ (શબ્દ) બંધ, ‘चश्म’ (આંખ) બંધ, ‘गोश’ (કાન) બંધ. તે દ્વારા એવું ધ્યાન ધરવું કે આત્માને આત્મામાં લીન કરવો – બ્રહ્મવિદ્યાનો આ માર્ગ પણ ભારે કઠણ છે. ઉપનિષદે કહ્યું છે : क्षुरस्य धारा निशिता दुरत्यया, दुर्ग पथस् तत् कवयो वदन्ति . અર્થાત્ સત્યનો માર્ગ અસ્ત્રાની ધાર પર ચાલવા જેવો દુર્ગમ છે. પરંતુ આ બેઉ માર્ગ ભાગવત-ધર્મ નથી. ભાગવત-ધર્મ તો પ્રેમભર્યો માર્ગ છે. અજ્ઞાનીજનો માટે બતાવેલો એ સરળ માર્ગ છે.

એ માર્ગ એવો છે કે આંખો બંધ કરીને દોડ્યા જાઓ તો યે ઠેસ નહીં લાગે, પડી નહીં જાઓ.

यानास्थाय नरो राजन्, न प्रमाद्येत कर्हिचित्

धावन् निमील्य वा नेत्रे न स्खलेन्न पतेदिह ॥

यान् स्थाय – જે ધર્મનો આશ્રય લઈને ચાલશે તેને न प्रमाद्येत कर्हिचित् – ક્યારેય પ્રમાદ થશે જ નહીં, धावन् निमील्य वा नेत्रे – ચાહે તેમ દોડ્યા કર – આંખો મીંચીને, न स्खलेत् न पतत् – ન ઠેસ વાગશે, ન પડશો.

એવું શાને કહ્યું ? કારણ કે – આ ધર્મનો આશરો લઈને ચાલશો તો કદી પ્રમાદ ચડશે જ નહીં. ભૂલ થશે જ નહીં કારણ કે ભૂલ કરશો તો પણ ભગવાનને જ અર્પણ કહેવાનું કહ્યું છે. પછી ડર રહેશે જ નહીં.

શરીર, મન, વચન, ઇન્દ્રિયોને, અથવા ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, આત્માથી જે કંઈ પોતાનો સ્વભાવ હોય તેને અનુસાર તમે જે કંઈ કરો તે બધું પરમાત્મા નારાયણને સમર્પણ કરવાનું છે, એવી ભાવના સેવીને કરવાનું છે.

ગીતા પ્રવચનના નવમા અધ્યાયમાં કૃષ્ણાર્પણની એક વાર્તા છે. તે વાર્તા અમારી મા અમને નાનપણમાં સંભળાવતી. એક બેન જે કંઈ કરે તે સઘળું કૃષ્ણાર્પણ કરતી. ગામમાં એક કૃષ્ણમંદિર હતું. તે જે કૃષ્ણાર્પણ કરતી તે બધું ત્યાંની મૂર્તિ પર પડતું. તેણે હાથ ધોયા ને કહ્યું : કૃષ્ણાર્પણ. તો બધું પાણી મૂર્તિ પર પડતું. ઘર લીંપ્યું ને છાણ ફેંક્યું અને કહ્યું ‘કૃષ્ણાર્પણ’, તો છાણ મૂર્તિ પર છંટાયું. જ્યારે તે બેન મરી અને ભગવાનનો દૂત વિમાન લઈને તેને લેવા આવ્યો તો તે બોલી – કૃષ્ણાર્પણ. તે વિમાન એકદમ મૂર્તિ સાથે અથડાયું અને તે મૂર્તિ ખંડિત થઈ ગઈ.

સાર એ કે જે કરીએ તે ભગવાનને અર્પણ કરવું. પોતાનાં કર્મોનું નિયમન કરવાની જરૂર નથી. શરીર, મન, વાણી, ઇન્દ્રિયો કે બુદ્ધિથી જે કંઈ કર્મ કરીએ તે सकलं परस्मै नारायणाय !

આ ભાગવતધર્મની ચતુરાઈ છે, કારણ કે મનુષ્ય ભગવાનને અર્પણ કરવાનો ખ્યાલ કરશે, ત્યારે ખોટું કામ કરવાનું સંભવશે જ નહીં. જાણી જોઈને કોઈ ખોટું કામ નહીં કરે. જાણી જોઈને કોઈ ખોટું કામ કરવા જશે, તો તે ભગવાનને અર્પણ કરવાની બુદ્ધિ તેનામાં પેદા નહીં થાય. ભગવાનને અર્પણ કરવાની વાત યાદ આવતાં જ ખોટું કામ કરતાં અટકી જશે. આ ખૂબી છે અહીં. મતલબ કે ભગવત્-સ્મરણની સાથે જ બૂરું કામ ટળી જાય છે. અને સારું કામ સહેજે થવા લાગે છે. એ શ્ર્લોક નીચે છે, બહુ પ્રસિદ્ધ છે અનેકને કંઠસ્થ છે પણ થોડો ફેરવીને બોલે છે :

कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वाडनुसृतस्वभावात् ।

करोति यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयेति तत् ॥

ભય કેવી રીતે પેદા થાય છે તેનો વિચાર નીચેના શ્ર્લોકમાં છે:

भयं द्वितीग्राभिनिवेशतः स्यात् ईशादपेतस्य विपर्ययो ड स्मृतिः।
तन्मायया ड तो बुध आभजेत् तं भक्त्यैकयेशं गुरुदेवतात्मा।

કહે છે : द्वितीग्राभिनिवेशतः – ‘દ્વિતીય’ ભાવનાથી ભય પેદા થાય છે. આપણાથી કોઈ બીજું ભિન્ન છે, આપણે એક અને તે બીજો, એવા બીજાપણાની ભાવનાથી ભય પેદા થાય છે. બાળક પોતાના પડછાયાથી ડરે છે. કારણ કે તે માને છે કે પડછાયો કોઈ બીજો છે. તેને જોઈને તે માને છે કે પોતાની પાછળ કોઈ પડ્યું છે. એ જ દ્વિતીયાભિનિવેશ છે. ભાગવતકાર કહેવા ચાહે છે કે ‘દુનિયામાં આપણાથી ભિન્ન કોઈ છે જ નહીં, એવું જાણી લઈએ તો ભય નહીં રહે.’

‘દુનિયામાં આપણે જ આપણે છીએ, બીજું કોઈ નથી’ – એવી ભાવના થવી એ ભારે કઠણ છે. એ તો અદ્વૈત થઈ ગયું ! અદ્વૈત સિદ્ધ થયેથી ભય સમાપ્ત થઈ જશે, એ તો સ્પષ્ટ છે. ભયની નિવૃત્તિ માટે સૂચવેલો ઉપાય ભય-નિવારણ કરતાંયે અઘરો હોય તો શું કામનું ? તેથી મારું સૂચન છે કે ‘દ્વિતીય’ ભાવના છોડી ન શકતા હો તો જે બીજો છે, તેને પ્રેમ કરવાનું શીખો. હવે જો આ ‘દ્વિતીય’ આપણો પ્રેમી હોય, તો ભય નહીં રહે, ભય દૂર થઈ જશે.


તમને આ પણ વાંચવું ગમશે


દ્વિતીય ભાવના કોને થાય છે ? ईशाइ अपैतस्य – જે પોતાને પરમેશ્ર્વરથી વિમુખ માને છે તેને. જે જાણે છે કે પરમેશ્ર્વરની સાથે મારો સંબંધ જોડાયેલો છે, તે સિંહ છે. જે પોતાને પરમેશ્ર્વરથી અળગો માને છે તે પરમેશ્ર્વરથી દૂર થઈ ગયો, તેને विपर्यय: अस्मृति: – વિપરીત ભાવના અને અસ્મૃતિ થાય છે. તેને આત્માનું ભાન નથી રહેતું, તો પોતાનું ભાન ભૂલી જાય છે. મનુષ્ય જ્યાં સુધી પોતાનું ભાન રાખશે, તેની પ્રતિષ્ઠા બની રહેશે. તેથી તે નીતિમાર્ગ પર ચાલશે. પરંતુ માનવ જો પોતાનું ભાન ભૂલશે, તો દારૂ પીધેલા માણસ જેવી હાલત થાય છે. દારૂ પીવાની મુખ્ય ખરાબી આ જ છે કે માણસ પોતાને ભૂલી જાય છે. તેને એ પણ યાદ નથી રહેતું કે એ મારી બહેન છે કે પત્ની. આ રીતે સ્મરણશક્તિ પર પ્રહાર થાય છે. તેને બહુ જ ખરાબ વ્યસન સમજવું જોઈએ. આમ જેને આત્માની સ્મૃતિ નથી, તે પ્રતિષ્ઠા ગુમાવશે. પછી તેનાથી વિપરીત ભાવના થશે, ભય પેદા થશે.

ભાગવતકાર આગળ કહે છે – तन्मायया – ભગવાનની માયા સર્વદા છવાયેલી છે. તેથી જ આ બધું બને છે અને મનુષ્ય તેમાં ફસાય છે. તો શું કરવું ? કહે છે – बुध: एकया भक्त्या तं ईशं आभजेत- બુધજનોએ એકાગ્ર-ભક્તિથી એ પરમાત્માને ભજવા જોઈએ.

કેવી રીતે ભજશો ? તો કહે છે – गुरुदेवात्मा – પોતાના આત્મા, પરમાત્મા અને ગુરુ – ત્રણેયને એક સમજીને. કહેવા માગે છે કે ભગવાનના વિષયમાં આત્મીય ભાવના અને ગુરુભાવના કરવી જોઈએ. ભગવાન તો આપણું સ્વરૂપ જ છે. અને આપણા ગુરુ પણ છે.

અહીં એક સવાલ પેદા થાય. આપણે પોતાને તો જાણીએ છીએ. પરમેશ્ર્વરને પણ કલ્પના કરીને જાણી શકીએ. પરંતુ ગુરુ ન મળે તો શું કરવું ? ગુરુ એટલે જેને અનુભવ છે. જો એવા અનુભવી ગુરુ ન મળે તો શું કરીએ ? ગોરખનાથને ગુરુ મળ્યા, મચ્છીન્દ્રનાથ. વિવેકાનંદને મળ્યા, રામકૃષ્ણ પરમહંસ. પરંતુ ગુરુ મળે જ નહીં તો શું કરવું ? તે માટે સિખોએ એક ઉપાય, એક યુક્તિ શોધી કાઢી. ભક્તોનો જે પુરાણો ગ્રંથ હોય તેને જ ગુરુ માનો. ઈસા મસીહને જ લો. તેઓને જેમણે ગુરુ માન્યા, તેમના એ ગુરુ થયા. પણ આપણને એવા ગુરુ ન દેખાય તો શું કરવું ? ઈસા મસીહના ‘બાઇબલ’ને જ ગુરુ માની લો. ભગવાન કૃષ્ણ આપણને મળનાર નથી તો ‘ગીતા’ને જ ગુરુ માની લઈએ. ‘ગ્રંથને જ ગુરુ માનો’ એમ કહી સિખોએ માર્ગ ખોલી દીધો.

પછી સવાલ આવશે કે ગ્રંથ વાંચ્યા વિના ગુરુ શી રીતે માનવા? આ તો અજીબ વાત થઈ જશે, એટલે પહેલાં ગ્રંથ તો વાંચવો જોઈએ. ત્યાર પછી એ ગ્રંથમાં કોઈ વાત છે, કોઈ વિચાર છે, જે વિવેકને પસંદ ન પડે, તો ત્યારે શું કરવું ? તેથી આપણે એક યુક્તિ શોધી કાઢી કે ગ્રંથનો સાર કાઢવો. ભાગવત એટલો મોટો ગ્રંથ અને એમાં અનેક પ્રકારની ચીજો પડી છે. એ બધો બોજ શરીર પર કોણ ઉઠાવશે ? માટે તેમાંથી સાર કાઢો. આમાં પણ સવાલ આવશે કે ગ્રંથમાંથી જેણે સાર ખેંચ્યો છે તે અક્કલવાળો છે કે બેવકૂફ ? જો કોઈ શ્રદ્ધેય વ્યક્તિ હોય અને તેણે સાર કાઢ્યો હોય તો તેને ગુરુ માનો.

પરંતુ આમાંથી એક ચડિયાતી યુક્તિ મળી કે જ્યાં કોઈ ગુણ દેખાય તે ગુણને માટે ગુરુ માનો. બીજી વાતો માટે નહીં. જેવી રીતે વિવિધ વિષયો માટે પ્રોફેસર જે તે વિષયના ગુરુ હોય છે તેમ જે મનુષ્યમાં જે ગુણ વિકસ્યો હોય તે ગુણ માટે તેને ગુરુ માનો. એનું જ નામ છે ‘ગુણ-ગુરુ’. એની કળા હાથ લાગી જાય તો હરેક મનુષ્યમાં કોઈ ને કોઈ ગુણ જોવા મળશે. તે ગુણ જોવો અને ગુરુ-ભાવના રાખો. ગુણ જ ગુણ જૂઓ, દોષ નહીં. એ કળા જો સધી જાય તો એક એક ગુણ માટે એકએક ગુુરુ મળી જશે.

વાસ્તવમાં દ્વૈત છે જ નહીં, તો પણ ભાસે છે. ‘ખુદથી અલગ કોઈ છે જ નહીં’ – આ વાત કોઈ માનતું નથી. તોયે એટલું સ્વીકારી શકાય કે આપણું હિત કોઈના હિતની વિરુદ્ધ નથી, તો પણ ભાગવતની પકડમાં આપણે આવી જઈશું, તેની જાળમાં ફસાઈ જઈશું. એટલું માનીશું  કે આપણા સહુનું હિત એકમેકના હિતમાં છે, બીજાના હિતની વિરુદ્ધમાં નથી, તો શોષણ ખતમ થઈ જશે. એ જ મુખ્ય વાત છે.

આપણે ગ્રામદાન વગેરે વિચાર સમજાવતી વેળા એ જ કહીએ છીએ. આપણું આખું યે ગામ એક પરિવાર સમજો અને એકમેકના હિતમાં સારી રીતે સુરક્ષિત રહો. તેથી સહુનું ભલું થશે.

દ્વૈત ભાસમાન કેવી રીતે છે ? કહે છે – ध्यातु: धिया – કલ્પના કરવાવાળી આપણી બુદ્ધિ થકી. स्वप्न मनोरथौ यथा – જેવી રીતે સ્વપ્ન અને મનોરથ બને છે. સ્વપ્નમાં અનેક પ્રકારના ભેદ અનુભવાય છે પણ તે સાચા નથી હોતા. જાગી જતાં જ સમજાય છે કે તે બધા મિથ્યા હતા. મનોરથોના પણ અનેક પ્રકારો હોય છે. જાતજાતની કલ્પના દોડે છે. પણ તે બધું કલ્પનામાત્ર જ હોય છે. તેવી રીતે આપણે જે ભેદ માની બેઠા છીએ, દ્વૈત માની લીધું છે, તે વસ્તુત: છે નહીં.

ભેદ છે જ નહીં, તેનું પ્રમાણ સ્મશાનમાં મળશે. આમ તો લોકો સ્મશાન પણ અલગ અલગ રચે છે – હિંદુનું, સિખ્ખોનું, પારસીનું વગેરે અલગ અલગ. પરંતુ એટલું પાકું સમજી લો કે આખરે તો સહુની રાખ જ બનવાની. રાખમાં કોઈ ભેદ નથી. તમે પારખી નહીં શકો કે આ કોની રાખ છે. બિલકુલ અદ્વૈત ! અહીં એકતા સિદ્ધ થઈ જાય છે. એટલે બધા જ ભેદ ખતમ કરવા જોઈએ.

એ માટે શું કરવું ? તે કહે છે – तत् તે માટે, कर्म- संकल्प – विकल्पकं मन: પણ: – જેના સંકલ્પ-વિકલ્પને કારણે કર્મ થાય છે, તે મનનો, बुधो निरुंध्यात् – બુધજનો નિરોધ કરે. મનમાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો ઊઠે છે. તે સારા-નરસા સંકલ્પ વિકલ્પોને વશ થઈ માણસ સારાં-નરસાં કામો કરે છે, તો મનમાં આ જે ચીજો આવે છે તેનો નિરોધ કરવો. તેને કાબૂમાં રાખો.

ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે હું તો મારા મનનું કરીશ. એક મિત્ર બીજા મિત્રને કહે છે કે, ‘હું તારું નહીં સાંભળું, મારા મનની વાત અનુસાર ચાલીશ.’ એટલે કે પોતાના મિત્રની નહીં, પોતાના ગુલામ મનની વાત માનવામાં તે રાજી છે ? મન તો આપણું ગુલામ છે અને તમે તેના માલિક. વાસ્તવમાં નોકરને તો પોતાના હાથ નીચે રાખવો જોઈએ, તેને બદલે લોકો નોકરના જ ગુલામ બને છે. એટલે જેઓ કહે છે કે અમે સ્વાતંત્ર્યવાદી છીએ, તેઓ અસલમાં સ્વાતંત્ર્યવાદી નહીં, મનના ગુલામ છે. જ્યારે તેઓ મનથી અલગ થઈ વિચારશે, ત્યારે જ સ્વતંત્ર થશે. આ બધા ભેદ કોણ પેદા કરે છે ? મન જ ને ! તેથી બુદ્ધિમાન મનુષ્યનું કામ છે તેઓ પોતાના મનને કાબૂમાં રાખે.

સારાંશ, જેઓ ઈશ્ર્વરથી અલગ છે, તેમને ભય લાગે છે, ‘દ્વિતીય’ – ભાવના થાય તો સ્મરણહાનિ થાય છે. તેથી ભક્તિ શીખવી. આપણે ગુરુ, પરમાત્મા અને આત્માને એક માની પરમાત્માની ભક્તિ કરીએ. એ ભક્તિથી સ્મરણશક્તિ સારી અને તીક્ષ્ણ થશે, દુનિયા સાથે પ્રેમ થશે, ભયનું નિવારણ થશે.

(સંકલિત)

વિનોબા


તમને આ પણ વાંચવું ગમશે


Leave a comment