(આ વર્ષના જૂન મહિનાથી થાઈલેન્ડની કૉલેજો અને હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ રસ્તા ઉપર નીકળી પડ્યા છે. તેઓ ભૂતપૂર્વ જનરલ તેમજ હાલના પ્રધાનમંત્રી શ્રી પ્રયુત ચાન ઓચાના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. હંગર ગેમ્સ તેમજ હેરી પોટરનાં પાત્રો પરથી ત્રણ આંગળીઓની સલામ (Three Fingers Salute) અથવા જાદુઈ લાકડી, સફેદ રીબીનનો ઉપયોગ વિદ્યાર્થીઓ મિલિટ્રી તેમજ રાજાની સરમુખત્યારશાહીના વિરોધમાં કરી રહ્યા છે.
આમ કરીને તેઓ એક સાચી લોકશાહીની માંગણીને ઉજાગર કરી રહ્યા છે. જોખમ ઉઠાવીને તેઓ દેશમાં રાજાની જરૂરિયાત તેમજ ભૂમિકા વિશે પહેલી વાર ખૂલીને વાત કરી રહ્યા છે. #Why do we need A king જેવા મહત્ત્વના પ્રશ્ર્નો ઉઠાવીને કહી રહ્યા છે કે દેશમાં નવું બંધારણ બને તેમજ ચૂંટણીઓ થાય, જેથી લોકશાહી સરકારની રચના થઈ શકે. – સં.)
વર્ષ 1932માં બંધારણીય રાજાશાહી તંત્ર સ્વીકાર્યા બાદ થાઈલેન્ડમાં હમણાં સુધી 19 વાર સત્તાપરિવર્તન થઈ ચૂક્યું છે અને 20 વાર બંધારણ પણ બની ચૂક્યાં છે. આ 88 વર્ષમાંથી 60 વર્ષ સેનાનું શાસન હતું. લોકશાહી અને સેના વચ્ચેની આ સંતાકૂકડીની રમત અહીં સામાન્ય બાબત છે. આ બંનેની ખેંચતાણ વચ્ચે રાજાએ પોતાનું રાજનૈતિક તેમજ આર્થિક સામ્રાજ્ય ઊભું કયુર્ં છે.
બીજા વિશ્ર્વયુદ્ધ પછી સામ્યવાદના વિરોધમાં બનેલાં જૂથોમાં યુ.એસ.એ.ના મહત્ત્વના સાથીદાર બનીને રાજા ભૂમિબળે 70 વર્ષ (1946 થી 2016) શાસન ચલાવ્યું તેમજ થાઈલેન્ડના રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા બજાવી. ’70ના દાયકામાં સંસદીય લોકશાહીનું આગમન તેમજ ’90ના દશકમાં પૂર્વ એશિયાના દેશોમાં અપનાવવામાં આવેલી ઉદારીકરણની નીતિ પછી આવેલા ઝડપી ફેરફાર; આર્થિક મંદી (1997-98) અને ફરી 2001માં થાકસીન સિનવાત્રાના શાસનકાળ દરમ્યાન થયેલા ઘણા મહત્ત્વના ફેરફારો; 2006માં સત્તાપરિવર્તન પછી અસ્થિરતા વચ્ચે જુદાં જુદાં રાજકીય આંદોલનો તેમજ સેના વચ્ચે થયેલ હિંસક અથડામણો અને 2014માં પુન: એક વાર સત્તાપરિવર્તન – આ બધાની વચ્ચે પણ થાઈલેન્ડ વિશ્ર્વના સ્તરે રાજનૈતિક તેમજ આર્થિક રીતે મજબૂત દેશ તરીકે સામે આવ્યો. પરંતુ લોકશાહી માટેનો તેનો સંઘર્ષ સાતત્યપૂર્ણ ચાલી રહ્યો છે.
તાજેતરના દેખાવો ભલે સેનાના શાસન વિરુદ્ધ હોય, પરંતુ તેને સમજવા માટે આપણે થોડો ઇતિહાસ ચકાસીએ. સાચું પૂછો તો, 1997-98ની ભયાનક આર્થિક મંદીએ થાઈલેન્ડને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ પાસે મોટું દેવું લેવા મજબૂર બનાવ્યો તેમજ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)ની સુધારાવાદી નીતિઓ દેશમાં લાગુ પાડવાનું પણ ફરજિયાત બન્યું.
નવઉદારવાદી નીતિઓને કારણે દેશમાં અસમાનતાનું પ્રમાણ વધી રહ્યું હતું. આર્થિક મંદી પછી મોટી સંખ્યામાં ગામોમાંથી લોકો શહેર તરફ જવા માંડ્યા – જેની ગતિ સતત વધતી રહી. આ બધાની વચ્ચે વર્ષ 2001માં થાઈ રક થાઈ પાર્ટીના નેજા હેઠળ થાકસીન સિનવાત્રાની સરકાર બની.
તમને આ પણ વાંચવું ગમશે
એક ભૂતપૂર્વ પોલીસ અધિકારી તેમજ સફળ વ્યાવસાયિક થાકસિને વડાપ્રધાન બન્યા પછી થોડાં વર્ષોમાં જ IMFનું દેવું ચૂકવી દીધું. એટલું જ નહીં, તેની (IMF) સૂચનાથી વિપરીત દેશમાં સહુને માટે આરોગ્ય સેવા, ગરીબી નિર્મૂલન માટેનાં વિવિધ કાર્યક્રમો, ખેડૂતોનું દેવું માફ કરવું, દરેક ગામ પોતાના વિકાસ માટેની યોજના બનાવે અને તેનો અમલ કરી શકે તેને માટે દસ લાખ બાહત (થાઈલેન્ડનું નાણું)ની વ્યવસ્થા કરવી વગેરે જેવી આર્થિક તેમજ સામાજિક વિકાસને લગતી બાબતોનો સમાવેશ કર્યો. આને કારણે તેઓ શહેરના વિસ્તારો કરતાં ગ્રામીણ ક્ષેત્રમાં વધુ લોકપ્રિય બન્યા હતા.
એક બાજુ તેમની લોકપ્રિયતા તો વધી પરંતુ બીજી તરફ તેમણે પોતાની સત્તાનો ઉપયોગ તેમના રાજકીય સમર્થકો તમેજ પોતાના વ્યાપારને આર્થિક લાભ મળે તે માટે કર્યો. આમ કરવાથી તેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા તેમજ 2006માં જ્યારે તેમણે શિન કોર્પોરેશન (એ નામની થાઈ કંપની) વેચી તેમજ કાયદો બદલીને તેમાં થયેલ નફા ઉપર લાગતો ટેક્સ બચાવ્યો તો વિપક્ષને તેમની વિરુદ્ધ અભિયાન ચલાવવાની એક ઊજળી તક મળી ગઈ.
તેમની લોકપ્રિયતા એટલી હતી કે તેમને ચૂંટણીમાં હરાવવા તો શક્ય ન હતા તેથી વિપક્ષે સેનાની મદદ લઈને સત્તા પરિવર્તન (ખુરશી ઊથલાવી) કર્યું. ત્યારબાદ સિનવાત્રાના સમર્થક રેડ શર્ટસ્ (આંદોલન)એ ભારે વિરોધોનું આયોજન કર્યું. દેશભરમાં થયેલા આ દેખાવોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું, જેમાં ઘણા લોકોએ પોતાની જાન ગુમાવી.
2011માં ફરી એક વાર થાકસીનની બહેન યાંગલુક સિનવાત્રાના નેતૃત્વમાં ફેઉથાઈ પક્ષની સરકાર બની પરંતુ તેઓ પણ અનેક વિવાદોમાં સપડાયાં અને 2014ની સાલમાં સેનાએ સત્તાપરિવર્તન (તેમની ખુરશી ઊથલાવીને) કરીને જનરલ પ્રયુત ચાન ઓચાની સરકાર બનાવી.
સેનાના આ બળવા પછી હાંસલ કરેલી સત્તાનો ઉપયોગ કરી પ્રયુત ઓચાએ 2014માં (સત્તામાં આવ્યા પછી તુરત જ) દેશનું બંધારણ રદ્દ કરી દીધું. ત્યાર બાદ સેના દ્વારા એક નવું ચાર્ટર તૈયાર કરાવ્યું જેણે રાજા તેમજ સેનાની શક્તિમાં વધારો કર્યો. 2017ના એપ્રિલમાં જ્યારે રાજા વજીરાલૉન્ગકોર્ન સિંહાસન પર બેઠા તેના મહિનાઓ બાદ આ ચાર્ટરને પુષ્ટિ મળી.
આ નવા ચાર્ટરમાં રાજાની વિદેશયાત્રા દરમ્યાન અનિવાર્યપણે એક આયોજનકર્તાની નિમણૂક કરવાની આવશ્યકતાને હટાવી દેવામાં આવી તેમજ 250 સભ્યોવાળી સેનેટની નિયુક્ત કરવાની પરવાનગી સેનાને આપવામાં આવી, અગાઉ આ પસંદગી નવા આવનાર વડાપ્રધાન કરી શકતા હતા. આ બંને બાબતો થાઈલેન્ડના રાજકારણમાં મહત્ત્વ ધરાવે છે. કારણ કે નવા રાજા વધારે સમય થાઈલેન્ડની બહાર યુરોપમાં વીતાવે છે અને આ ફેરફારોને કારણે જ સત્તા પર તેમણે પોતાની પકડ જમાવી રાખી છે.
સન 2014થી જ વિપક્ષી પક્ષોએ સતત વિરોધપ્રદર્શનો ચાલુ રાખ્યાં છે જેને કારણે એક નવું બંધારણ પણ બન્યું અને માર્ચ 2019માં ચૂંટણી પણ કરાવવામાં આવી.
સેનાએ જે પક્ષને સમર્થન આપ્યું હતું તે પક્ષ બીજા નંબરે આવ્યો હોવા છતાં જનરલ પ્રયુત વડાપ્રધાનપદે ચાલુ રખાયા. સેનાની જેમાં બહુમતી છે તેવી સેનેટ તેમજ નાના નાના પક્ષોના સમર્થન દ્વારા તેમણે સત્તા પર પોતાનું સ્થાન જમાવી રાખ્યું. વિપક્ષી ફ્યુચર ફોરવર્ડ પક્ષ, જે ઘણો જ લોકપ્રિય છે તેને ચૂંટણી જ ન લડવા દેવાઈ. અને આમ ચૂંટણી છતાં પણ અને ચૂંટણી પછી પણ સેના તેમજ રાજાનું પ્રભુત્વ અગાઉની જેમ જ કાયમ છે.
તમને આ પણ વાંચવું ગમશે
કોરોના રાજકારણ-ભૂખી જનતા-પિસાતો ખેડૂત
હાલમાં થાઈલેન્ડમાં થઈ રહેલાં ધરણાં-પ્રદર્શનોને રાજનૈતિક વિશ્ર્લેષકો થાઈલેન્ડના રાજકારણની એક આગળની કડી તરીકે જુએ છે. ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે કે આ પ્રદર્શનો નવા રાજકારણના પ્રહરી સમાન છે. અગાઉ રાજકીય પક્ષો પોત-પોતાના નેતાઓ અને રાજકીય કાર્યક્રમ તેમજ મુદ્દાઓ દ્વારા લોકશાહી માટેની લડાઈ લડતા હતા.
આજનાં આ પ્રદર્શનોમાં કોઈ એક જૂથની નેતાગીરી નથી. આંદોલન સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓ દ્વારા ચલાવાઈ રહ્યું છે. જેમાં રાજકારણની નવી ભાષા છે, સમજણ છે. તેમજ સમાજમાં આજે જે રાજકીય તેમજ વર્ગભેદ પ્રવર્તમાન છે તેનાથી આગળ વધીને ત્રણ સ્પષ્ટ માંગણીઓથી તે પ્રેરિત પણ છે.
- વર્તમાન સરકાર રાજીનામું આપે.
- નવું બંધારણ બનાવવામાં આવે.
- નવા બંધારણ પ્રમાણે ચૂંટાયેલી લોકશાહી સરકાર બહાલ કરવામાં આવે.
આની સાથે સાથે રાજકીય કેદીઓને છોડવા બાબતે તેમજ રાજાની ભૂમિકા ઉપર પ્રશ્ર્ન ચિહ્ન લગાડવામાં આવ્યાં છે.
#Why do we need A king એટલે કે આપણને રાજાની શું જરૂર છે ? -ના મુદ્દે ચાલી રહેલ આંદોલનમાં હવે સહમતી નથી. પરંતુ આ મુદ્દો પહેલી વાર સ્પષ્ટરૂપે ચર્ચામાં આવ્યો છે. યુવાન વિદ્યાર્થીઓએ એ લક્ષ્મણરેખા પાર કરી દીધી છે કે રાજાની ભૂમિકા વિશે કોઈ કશું જ ના બોલી શકે. થાઈ સમાજમાં રાજાનું સ્થાન પૂજનીય છે અને રાજકીય વ્યવસ્થાની નિંદાના વિરોધમાં અવમાનનાનો કડક કાયદો છે.
સેનાએ પણ આ કાયદાનો ઉપયોગ વિરોધપક્ષ, માનવઅધિકારના કાર્યકર્તાઓ, વકીલો વગેરેની ધરપકડ કરવા, તેમને ચૂપ કરી દેવા માટે કર્યો છે. આમ છતાં 19મી સપ્ટેમ્બરના રોજ થાઈલેન્ડમાં સૌથી મોટા દેખાવોનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપરાંત નાગરિક સમાજ, ટ્રેડ યુનિયન તેમજ અન્ય સંગઠનોએ ભાગ લીધો.
હાલમાં તો સરકારે અગાઉ (2010)ની જેમ દમન શરૂ નથી કર્યું પણ ક્યાં સુધી આ સ્થિતિ કાયમ રહેશે તે એક કોયડો જ છે. યુવાનોએ આ આંદોલનમાં અભૂતપૂર્વ સાહસનો પરિચય તો કરાવ્યો જ છે પરંતુ, હોંગકોંગ અને તાઈવાનમાં થઈ રહેલાં લેાકશાહી માટેનાં આંદોલનો સાથે ગઠબંધન કરીને રાજકીય પુખ્તતાનું દર્શન પણ તેઓ કરાવી રહ્યા છે.
ઑક્ટોબર માસમાં પ્રદર્શનકર્તાઓએ રાજાની મોટરના કાફલાઓને ઘેરીને રોકી લીધો હતો એમ કહીને દેશમાં કટોકટી જાહેર કરી દેવાઈ. ઘણા લોકો ઉપર રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા, આંતરરાષ્ટ્રીય મિડિયામાં આ સમાચાર ન પહોંચે તેને માટે સેંસરશીપ પણ જાહેર કરી દેવાઈ હતી. પરંતુ પાછળથી લગભગ અઠવાડિયામાં જ કટોકટી ઉઠાવી લેવાઈ.
છેલ્લાં થોડાં વર્ષોમાં કોઈ એક ચોક્કસ નેતા વગરના આંદોલનો જોવા મળી રહ્યાં છે. દા.ત. અલ્જીરીયા, લેબેનોન વગેરે દેશોમાં. પરિવર્તનની ચાહતમાંથી ઊભરી રહેલાં આ આંદોલનો રાજકીય પક્ષો તેમજ લોકશાહી રાજ્યની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે. તેઓ લોકશાહીનો વિરોધ નથી કરતાં પરંતુ જે રીતે લોકશાહીની વ્યવસ્થાઓ ઉપર ખાસ રાજકીય વર્ગ તેમજ મૂડીપતિઓની સામ્રાજ્યવાદી શક્તિઓએ કબ્જો લીધો છે તેવી પરિસ્થિતિમાં નવી સંભાવનાઓ તેમજ પ્રક્રિયાઓ બાબતે વિચારવા સૌને ફરજ પાડી રહ્યા છે, જેથી ખરા અર્થમાં જનતાની લોકશાહી સ્થાપિત થઈ શકે.
(જનપથમાંથી સાભાર અનુવાદિત) – મધુરેશ કુમાર