2019-20 વર્ષમાં CAA અને NRCની સૂચિત નીતિ-પ્રક્રિયાના વિરોધમાં સમગ્ર દેશમાં આંદોલન-ધરણાં-પ્રદર્શનો થયાં. તે દરેકમાં ‘હમ દેખેંગે’ ગીત મહત્ત્વનું બન્યું. ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ થયો અને સતત ગવાતું રહ્યું. ગયા વર્ષે ભૂમિપુત્રના જાન્યુઆરીના અંકમાં અંગ્રેજી મહિનાના નવા વર્ષની શુભેચ્છાઓ રૂપે ફૈઝ અહમદ ફૈઝની ‘હમ દેખેંગે’ નઝ્મ દ્વારા આપી. આપણા વાચકો સહિત દેશભરમાં ઘણા લોકોને આ રચના હિન્દુ વિરોધી લાગી તો કેટલાકને ઇસ્લામની તરફેણ કરનારી લાગી. આઈઆઈટી કાનપુરમાં તો આ અંગેની તપાસ કરવા એક સમિતિ પણ બની.
આ રચનાની કેટલીક કડીઓને સંદર્ભ વિના સમજીએ તો ચોક્કસ જ ગેરસમજ ઊભી થાય એવું છે. ખાસ કરીને ‘सब ताज उछाले जाएँगे,‘सब तख़्त गिराए जाएँगे’,‘बुत उठवाए जाएंगे’, ‘उट्ठेगा अन-अल-हक़ का नारा’ અને ‘नाम रहेगा अल्लाह का’ આ કડીઓ એવી છે કે, જેને કવિતામાં પણ આગળ પાછળના સંદર્ભ સાથે જોવાની જરૂર છે. વળી સર્જકે જે હેતુથી સમગ્ર રચના કરી હોય તે સમજવા શબ્દોના માત્ર અર્થો નહિ પણ ભાવ સમજવો એટલો જ જરૂરી છે. ઘણી વખત શબ્દોના પ્રથમ દૃષ્ટિએ જે અર્થ લાગે તેને ઊંડાણથી કે જુદી દૃષ્ટિએ તપાસીએ તો તેનો ભાવાર્થ પામી શકીએ.
આપણે આ નઝ્મનો ભાવાનુવાદ જોઈએ.
हम देखेंगे
लाज़िम है कि हम भी देखेंगे
वो दिन कि जिसका वादा है
जो लोह-ए-अज़ल में लिखा है
આપણે જોઈશું
ખાતરી છે કે આપણે પણ જોઈશું
એ દિવસ જે અફર વરદાન સમો છે.
લખ્યો છે વિધિની લેખણથી
जब ज़ुल्म-ओ-सितम के कोह-ए-गरां
रुई की तरह उड़ जाएँगे
हम महकूमों के पाँव तले
ये धरती धड़-धड़ धड़केगी
और अहल-ए-हकम के सर ऊपर
जब बिजली कड़-कड़ कड़केगी
જ્યારે જોર-જુલમના પહાડો
રૂનાં પૂમડાંની જેમ ઊડી જશે
સામાન્ય લોકોના પગ નીચે
ધરતી ધડકશે ધક… ધક(ફરી જીવંત બનશે)
સરમુખત્યાર શાસકના માથા ઉપર
વીજળી પડશે..
जब अर्ज-ए-ख़ुदा के काबे से
सब बुत उठवाए जाएँगे
हम अहल-ए-सफ़ा, मरदूद-ए-हरम
मसनद पे बिठाए जाएँगे
सब ताज उछाले जाएँगे
सब तख़्त गिराए जाएँगे
દરેક પથ્થરના દેવને હટાવી દેવામાં આવશે
જેમના દિલ સ્વચ્છ(નિર્મળ) છે તેવા લોકોને
ગાદી પર બેસાડવામાં આવશે
મુગટ બધા ફગાવી દેવામાં આવશે
સિંહાસન થશે ભોં ભેગાં
बस नाम रहेगा अल्लाह का
जो ग़ायब भी है हाज़िर भी
जो मंज़र भी है नाज़िर भी
उट्ठेगा अन-अल-हक़ का नारा
जो मैं भी हूँ और तुम भी हो
और राज़ करेगी खुल्क-ए-ख़ुदा
जो मैं भी हूँ और तुम भी हो
માત્ર ભગવાનનું નામ રહેશે
જે અલોપ ને સાક્ષાત્ સદા
જે સ્વયં દ્રશ્ય અને દૃષ્ટા છે
હું જ સત્ય છું (અહં બ્રહ્માસ્મિ)નો અવાજ ઊઠશે
બધે રાજ હશે લોકોનું
જે હું પણ છું અને તમે પણ(આપણે બધા છીએ)
ફૈઝ અહમદ ફૈઝ વિશે જાણીએ…
આ રચના જેમની છે તે ફૈઝ અહમદ ફૈઝ આઝદી પહેલાં હિન્દુસ્તાનમાં જે પ્રગતિશીલ લેખકોની ચળવળ ચાલી તેમાં સક્રિય રહેલા. વિભાજનથી દુ:ખી. એ સમયમાં જીવેલા ઘણા લોકોની લાગણીની જેમ તેમના માટે વિભાજન સ્વીકારવું અઘરું રહ્યું હશે. અહીં એ ખાસ નોંધવું જોઈએ કે ફૈઝ અહમદ ફૈઝ પોતે પાકિસ્તાનમાં સતત નફરત અને દ્વેષની સામે તેમજ લોકશાહી મૂલ્યો માટે લડત આપતા રહ્યા. એક તરફ તેમણે પોતાના દેશમાં તાનાશાહી સામે અવાજ ઉઠાવ્યો તો ભારતમાં કટોકટી સામે પણ પોતાની વાત મૂકી.
જે લોકોએ કહ્યું છે કે ફૈઝ હિન્દુ વિરોધી છે, તેમણે જાણવું જોઈએ કે ફૈઝ હંમેશાં લોકશાહી મૂલ્યો માટે ઊભા રહ્યા, જેલમાં ગયા અને તેમ છતાં સતત લખતા રહ્યા. તેમણે પાકિસ્તાનમાં તો સામાન્ય લોકોના હક્કો માટે અવાજ ઉઠાવ્યો, પરંતુ ભારતમાં નહેરુ અને ઇન્દિરા ગાંધીના આ પ્રિય શાયરે, ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીની ટીકા કરવામાં પણ કોઈ સાડાબારી ન રાખી.
આજની જેમજ તે સમયે ભારતમાં ફૈઝ અહમદ ફૈઝનો વિશાળ ચાહક વર્ગ હતો. બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો ત્યારે ફૈઝે તેને ઘટાડવામાં મોટો ભાગ ભજવ્યો હતો. તેમના પ્રયત્નોને કારણે ફૈઝ પાકિસ્તાનમાં દુશ્મન તરીકે ઓળખાયા પણ ભારતમાં નવાઝ કહેવાતા હતા. તેઓ પોતાને સાચું લાગે તે કહેવામાં પોતાની ભૂમિકા જોતા અને કરવામાં વિશ્ર્વાસ રાખતા હતા.
અહીં એક ઘટના યાદ કરવી રહી. મોસ્કોમાં યોજાયેલી વિશ્ર્વભરના સર્જકોની કોંગ્રેસમાં ઉર્દૂ વાર્તાકાર ક્રિશન ચંદર અને ફૈઝને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મિટિંગના સ્થળ પર દરેક અતિથિના ટેબલ પર તેમના દેશનો ધ્વજ હતો. ભારતીય ત્રિરંગાથી ત્રીસ ટેબલના અંતરે પાકિસ્તાનનો ધ્વજ મૂકવામાં આવ્યો હતો. થોડા સમય પછી ફૈઝ ત્યાં આવ્યા અને આજુબાજુ જોવા લાગ્યા. ત્યારબાદ ક્રિશન ચંદર દાખલ થયા અને બંનેની નજર પડી.
બંને પોતાના દેશના ધ્વજ સાથે આગળ વધ્યા અને એકબીજાને ભેટી પડ્યા. મિટિંગ હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો. ત્યાર પછી મિટિંગમાંથી એવો સૂર ઊઠ્યો કે, “આ લોકો(રાજકારણીઓ) શું વિચારે છે, શું આપણે પણ પક્ષપાતી રાજકારણીઓની જેમ એકબીજાના દુશ્મન છીએ? આ દુશ્મનાવટ સાહિત્યમાં લાગુ પડતી નથી અને આપણે ઇચ્છીએ કે આ નફરત(દુશ્મનાવટ) ક્યાંય ન રહેવા પામે. આમ પ્રગતિશીલ વિચાર અને લોકશાહી મૂલ્યો માટે લડતા ફૈઝસાહેબે પાકિસ્તાનમાં ઝિયા-ઉલ-હકની સરમુખત્યાર સરકાર સામેની લડત વખતે આ નઝ્મ લખી હતી.
નઝ્મમાં આવતા શબ્દોના ‘છૂપા’ અર્થ
‘હમ દેખેંગે’ નઝ્મ ઝિયા-ઉલ-હકને ઇસ્લામ વિરોધી લાગી હતી અને આજે ભારતમાં ઘણાને હિન્દુ વિરોધી લાગે છે. ફૈઝસાહેબે કવિતામાં ઇસ્લામિક ચિહ્નો અને કુરાનની પરિભાષાનો ઉપયોગ ચોક્કસ કર્યો છે. પરંતુ ઉર્દૂ શાયરીની ખાસિયત છે તેમ શબ્દોના ગર્ભિત અર્થ જુદા હોય છે. આમ ફૈઝસાહેબે ઇસ્લામિક ચિહ્નોના શબ્દો લઈને તેને જુદી રીતે પરિભાષિત કર્યા છે, જેથી વાત વધુ લોકો સુધી સરળતાથી પહોંચી શકે.
આ નઝ્મમાં શરૂઆતની બે પંક્તિઓનો જો ભાવાર્થ સમજીએ તો અન્યાય અને હિંસા દ્વારા એકહથ્થુ શાસન ચલાવનાર વ્યક્તિઓ કે જે પોતાને કાયમી માની બેઠા છે તેમની સત્તાનો અંત આવશે અને સામાન્ય લોકોનું શાસન સ્થપાશે એવો સંદેશ તેમાં રહેલો છે.
ફૈઝ જ્યારે કાબામાંથી બૂત ઉઠાવવાની વાત કરે છે, ત્યારે તેમનો ઈશારો એ વ્યક્તિઓ પર છે જેઓ આ પૃથ્વીરૂપી કાબા પર પોતાને જ સર્વસ્વ માનીને સ્થાપિત થઈને બેસી ગયા છે, તેમને ઉઠાડી મૂકવાની વાત કરે છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો જે પોતાની જાતને સર્વેસર્વા માની બેઠા છે તેમને દૂર કરવાની વાત ફૈઝ કરે છે. તો વળી પ્રશ્ર્ન થાય કે તેમની જગ્યાએ શાસન કોનું આવશે? ફૈઝના માટે ધર્મ અથવા સમાજમાં સ્થાપિત હિત ધરાવનાર વ્યક્તિઓ જેને ખરાબ માને છે અથવા જેમને ગણતરીમાં જ નથી લેવાતા, તેવા લોકો હવે આગળ આવશે. જરા જુદી પરિભાષામાં કહીએ તો અત્યાર સુધી જેનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે, તે લોકો હવે તખ્ત પર આવશે.
‘उट्ठेगा अन-अल-हक़ का नारा’ છેલ્લી કડીમાં આવે છે, જેનો અર્થ થાય છે કે હું જ સત્ય છું. વેદમાં જેને અહં બ્રહ્મ કહ્યું છે, જે એક રીતે તો ઇસ્લામ ધર્મના વિરોધની વાત છે. કારણ કે અહીં સર્જનહાર અને તેની રચનાને એકરૂપ દર્શાવવામાં આવ્યા છે. આ વિચાર હિન્દુસ્તાની વૈદિક પરંપરામાં છે, સાથે જે સૂફી ચળવળ ચાલી તેમાં પણ अन-अल-हक़ का नारा ફેલાવવાની વાત કરવામાં આવી હતી. ઈશ્ર્વર અને ઇન્સાન વચ્ચે જે ઈશ્ર્વરના કહેવતા દૂત બનીને આવી જાય છે અને પછી પોતે જ સર્વસ્વ હોય તેવું સ્થાપિત કરવા લાગી જાય છે, તેમનો વિરોધ છે અથવા કહીએ કે નકાર છે.
ફૈઝની આ નઝ્મ આપણી મિલીજુલી, ગંગા-જમની સંસ્કૃતિનું પ્રતીક છે, જેમાં નવા સમાજની રચના તરફ દિશાનિર્દેશ કરવામાં આવ્યો છે. ફૈઝની આ રચનામાં વિરોધના સૂર ચોક્કસ જ છે. અન્યાય, નફરત, હિંસા, અત્યાચાર અને એકહથ્થુ શાસન વગેરે જેવી બાબતોનો વિરોધ કરવાની સાથે સામાન્ય લોકોના હક, ગૌરવ અને સન્માનની વાત આવે છે.
તમને આ પણ વાંચવું ગમશે
‘હમ દેખેંગે’ની યાદગાર રજૂઆત
આજથી લગભગ પાંત્રીસ વર્ષ પહેલાં પણ આ નઝ્મ ચર્ચામાં હતી. ફરક માત્ર એટલો જ હતો કે ત્યારે ચર્ચા સરહદને પેલે પાર હતી, પાકિસ્તાનમાં. ઘટના કંઈક એવી છે કે, 1985માં પાકિસ્તાનમાં સૈન્ય શાસક જિયા-ઉલ-હક દ્વારા દેશમાં વિચિત્ર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓના સાડી પહેરવા પર પ્રતિબંધ અને કવિ ફૈઝ અહમદ ફૈઝની કવિતાઓ નહીં ગાવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું. આ બંને પ્રતિબંધો વાહિયાત અને વ્યક્તિગત સ્વતંત્રતા પર પ્રહાર કરનારા હતા.
તે સમયનાં એક ગાયિકા ઈકબાલ બાનોએ આ પ્રતિબંધોનો વિરોધ કરવાનો નિશ્ર્ચય કર્યો. તેમણે જાહેર કર્યું કે આ પ્રતિબંધો સામે તેઓ જાહેરમાં વિરોધ નોંધાવશે. આ માટે લાહોરનું સ્ટેડિયમ પસંદ કરવામાં આવ્યું. કાર્યક્રમ માટે નક્કી કરેલો દિવસ નજીક આવ્યો ત્યારે ઈકબાલ બાનોને લાહોર સ્ટેડિયમ જતાં રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા. આ બધા વચ્ચે ઈકબાલ બાનો કાળી સાડી પહેરીને મંચ પર આવ્યાં….. સાડીમાં અતિશય સુંદર દેખાતાં ઈકબાલ બાનોએ માઈકમાં ‘આદાબ’ કહ્યું ને સાંજના સમયે પચાસ હજાર લોકોથી ભરાયેલ સ્ટેડિયમ પ્રસંશાના સૂરોથી ગુંજી ઊઠ્યું.
થોડી સેક્ધડ બાદ તેમણે જાહેર કર્યું કે, તેઓ ફૈઝની રચનાઓ રજૂ કરશે પછી ભલેને તેમની અને તેમના સાથીદારોની ધરપકડ કેમ ન થઈ જાય ! જો એવું થશે તો તેઓ જેલમાં બેસીને ફૈઝની કવિતાઓ ગાશે અને સત્તાધારી લોકોને સંભળાવશે. સ્ટેડિયમમાં થોડી ઘડી સન્નાટો છવાઈ ગયો. ત્યાં તબલાની થપાટ વાગી અને શહેનાઈ ગુંજી અને ઈકબાલ બાનોએ ફૈઝની રચના ‘હમ દેખેંગે’ની રજૂઆત કરી.
જ્યારે શાસકોના ઇશારે સ્ટેડિયમની લાઇટ્સ બંધ કરવામાં આવી, તે સમયે, પાકિસ્તાનના સ્ટેડિયમમાં ’ઇન્કિલાબ જિંદાબાદ’નો નારો ગુંજ્યો. આપણે જાણીએ જ છીએ કે આ નારો મૌલાના હસરત મોહનીએ આપ્યો હતો, જેમને ભગતસિંહ અને તેના સાથીઓએ બ્રિટીશરો સામેનું શસ્ત્ર બનાવ્યો. મૌલાના હસરત મોહની ભારતીય હોવાની ઓળખ આજે કદાચ આપવી અને યાદ રાખવી રહે. અહીં આ વાતને યાદ કરવાનો એક માત્ર હેતુ એ છે કે શબ્દ કોઈ સીમામાં બંધાઈને રહી ન શકે. લોકો તેની સાથે જોડાણ અનુભવે કે શબ્દો લોકોના બની જાય…. ધર્મ, જ્ઞાતિ, જાતિ, પ્રદેશ કે રાષ્ટ્રના સીમાડાઓ વટી જાય.
આ નઝ્મમાં વચ્ચે એક કડી આવે છે – ‘सब ताज उछाले जाएँगे, सब तख़्त गिराए जाएँगे’. આ કડીની રજૂઆત થઈ તે સમયે હજારો તાળીઓના અવાજથી સ્ટેડિયમ ગુંજી ઊઠ્યું. લગભગ દસ મિનિટ સુધી તાળીઓનો અવાજ ગુંજતો રહ્યો. સ્ટેડિયમમાં જાણે થોડો સમય પ્રતિબંધોનો દોર ઉઠાવી દેવાયો ન હોય! સ્ટેડિયમનો માહોલ જોઈને કોઈની ધરપકડ કરવાની હિંમત પોલીસ કરી શકી નહિ. એ માટેનું શ્રેય ઈકબાલ બાનોને જાય છે…..સાથે સાથે ફૈઝસાહેબની નઝ્મને.
સ્ટેડિયમમાં થયેલા કાર્યક્રમની વિગત અને ગીતની રજૂઆત બહાર ન આવે, વધુ લોકોને ખબર ન પડે તે માટે રેકોર્ડિંગ બહાર ન આવે તેવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા. જેમ તેમ કરીને ગીતનું રેકોર્ડિંગ સરહદ પાર પહોંચાડવામાં આવ્યું. થોડા સમયમાં તો આ વાત સમગ્ર વિશ્ર્વમાં ફેલાઈ ગઈ. સરકારે મૂકેલ વાહિયાત પ્રતિબંધો મજાક બનીને રહી ગયા.
તે પછીનાં વર્ષોમાં પણ ઈકબાલ બાનો ભારત આવ્યાં ત્યારે ખુશી ખુશી લોકોની ફરમાઈશ પર આ નઝ્મ રજૂ કરી હતી. આજે આ જ નઝ્મ સામે સમજ્યા વિના પ્રશ્ર્નો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે..
આ વિવાદ થયો ત્યારે
ભારતમાં ગયા વર્ષે જ્યારે આ અંગે વિવાદ થયો ત્યારે સાહિત્ય જગતની કેટલીક જાણીતી વ્યક્તિઓએ આ અંગે પ્રતિક્રિયાઓ આપી હતી, તે જોઈએ. પ્રખ્યાત ગીતકાર ગુલઝારે કહ્યું, ‘ફૈઝ પ્રગતિશીલ લેખક સંઘના સ્થાપક હતા, તેમના જેવા વ્યક્તિત્વને ધાર્મિક બાબતો સુધી માર્યાદિત કરવા યોગ્ય નથી. ફૈઝને આખી દુનિયામાં લોકો ઓળખે છે. તમે ઝિયા-ઉલ-હકના સમયમાં લખાયેલ નઝ્મ પર સંદર્ભ વગર ટિપ્પણીઓ કરી રહ્યા છો. તેમણે જે લખ્યું છે તેને સંદર્ભમાં જોવાની જરૂર છે.’ ફૈઝ અહેમદ ફૈઝની પુત્રી સલીમા હાશ્મીએ કહ્યું કે, ‘મને ખુશી છે કે આ નઝ્મને કારણે કબરની બહાર લોકો મારા પિતા અંગે વાત કરી રહ્યા છે. અબ્બાની નઝ્મ હિન્દુ વિરોધી કહેવી તે વાત મજાક સમાન છે.’
ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજે લખ્યું છે કે, ‘ફૈઝની નઝ્મ અંગે થઈ રહેલો તમાશો વાહિયાત છે. કવિતાને સમજવા માટે, પહેલાં તમને તેની અનુભૂતિ થવી જોઈએ. તમારામાં એક સ્ટાન્ડર્ડ ઈમોશનલ ઈન્ટેલીજન્સ હોવું જોઈએ, હાલમાં તે લોકોમાં દેખાતું નથી, એવા જ લોકો ફૈઝનાં મંતવ્યોને મુસ્લિમ સમર્થક અને ભારત વિરોધી ગણાવી રહ્યા છે.’
વરિષ્ઠ પત્રકાર તવલીનસિંહે લખ્યું છે, ‘ફૈઝે આ નઝમ લખ્યાના થોડા દિવસ પછી હું તેમની પુત્રીને મળી હતી. તેણે મને નઝ્મનું રેકોર્ડિંગ આપ્યું. મેં આ નઝ્મ જસવંતસિંહ અને અટલ બિહારી વાજપેયીને સંભળાવી. બંનેને નઝ્મ ખૂબ જ ગમી. આજે પક્ષ કેવી રીતે બદલાઈ ગયો?’
જાણીતા કવિ-કર્મશીલ જાવેદ અખ્તર કહે છે, “દેશમાં કરોડો ગરીબ લોકો છે, તેમાંના મોટા ભાગના હિન્દુઓ છે? શું બધાં ભૂખ્યાં લોકો મુસ્લિમ છે ? ના, તેમાં હિન્દુ પણ છે. આજે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે તમારી બેકારી વિશે વિચારતા નહી. એવું ન વિચારો કે તમારા માથે છત નથી. તમારી પત્ની-બાળકો માટે હોસ્પિટલ નથી, આવું વિચારશો જ નહીં. તમને લાગે છે કે તમે હિન્દુ છો. ભૂખ્યા મરો પણ ગર્વથી બાળકોએ ભીખ માંગવી જોઈએ અને ગર્વથી કહેવું જોઈએ કે પોતે હિન્દુ છીએ. અમે(સરકાર) કામ, ઘર, ભોજન નહીં આપીએ. અમે તમને ગર્વ આપી રહ્યા છીએ. તેને તમારી પાસે રાખો.
આપણે પાયાની વાતો કરવાનું છોડી દઈએ, દરેક બાબતને સીમિત કરીને જોઈએ….માત્ર બાબત જ નહીં, શબ્દોના અર્થ પણ સીમિત કરતાં થઈ જઈએ – સીમિત સમજીએ. કોઈપણ સત્તા આવું જ ઇચ્છે. પરંતુ તેની સામે આપણે દરેક ઘટનાનાં અનેક પરિમાણો હોય છે તે સમજવાં રહ્યાં, જુદાં દૃષ્ટિકોણ અને વિચારધારાઓ અને શબ્દના અનેક અર્થ……એ સમજતાં આપણે શીખવું જ રહ્યું. સ્વસ્થ સમાજરચના તેમજ લોકશાહી માટે એ અતિશય જરૂરી છે. આ સમયમાં ફૈઝની કવિતા સંદર્ભે થયેલો વિવાદ એટલું ચોક્કસ શીખવી જાય છે કે સત્તામાં બેઠેલા લોકોને આપણે અંદરોઅંદર ઝગડતાં રહીએ તેનાથી લાભ જ છે. તેમના ઈશારે છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે વાતે વાતે ‘હમ દેખ લેંગે’ની પરિભાષા બોલવા લાગ્યાં છીએ ત્યારે ‘હમ દેખેંગે’ આશાનું નવું કિરણ લઈને આવે તેવી પ્રાર્થના અને પ્રયત્ન કરીએ.
– સંકલિત રજૂઆત : પાર્થ