ખેડૂત આંદોલન : એક અમાનવીય વિચાર સામેનો માનવીય પ્રતિકાર

સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરીને બે મહિના ચાલેલા કિસાન આંદોલનને પંજાબના થોડાક – મુઠ્ઠીભર અને મોટા ખેડૂતોના (બાલિશ કૃત્ય !) વિશાળ, અહિંસક અને મક્કમ આંદોલનને અવગણવામાં આવ્યું. આ બે મહિના સુધી ખેડૂતો રેલવેને પણ રોકીને બેસી ગયા. સરકારને તેની નોંધ લેવા જેવું તો ન જ લાગ્યું, ઉપરથી સામે ક્ધિનાખોરી રાખીને – સાન ઠેકાણે લાવી દેવાની હોય તેમ, માલગાડીઓની હેરફેર પણ બંધ કરી દીધી. આ સરકાર કઈ હદ સુધી નીચે ઊતરીને કાવતરું રચી શકે છે તેની આ કાંઈ પહેલી કે એકમાત્ર મિસાલ નથી.

માલગાડીઓની હેરફેર રોકવા પાછળ ઈરાદો હતો, પંજાબમાં આવતો કોલસો રોકી દેવાય તો તેનાં કારખાનાંને વીજળી મળે નહીં અને તે બંધ પડી જાય તો પંજાબીઓની સાન ઠેકાણે આવી જાય ! જો સરકાર કારખાનાં ચાલુ રાખવા મથે તો અન્ય રાજ્યોમાંથી વીજળી ખરીદવી પડે અને તો સરકાર ઉપર આર્થિક બોજો વધે. કેન્દ્ર સરકારને ગેરવહીવટને કારણે, આમેય તે જીએસટીની આવકો ઘટવાથી રાજ્યોને અપાતો ફાળો ઘટ્યો હતો. એટલે આંદોલનને તહસનહસ કરવા માટે કરામાતી ચાલો ખેલવામાં આવી હતી. આ ચાલબાજીઓમાં ‘માણસ’, ‘ભારતનો નાગરિક’ કે ‘કિસાન’, દુ:ખી થઈ રહ્યો છે. અને તેની સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ તેવી કોઈ સંવેદનશીલતા આ ચાલબાજોને સૂઝે જ શેની !

હાલની આ મડાગાંઠ અતિ ગંભીર છે. જો પૂરા ચિત્રનો વિચાર કરીએ તો, હવે ઊભા થનારા પ્રશ્ર્નો અને એક અતિગંભીર પ્રકારની સુનામી નજરે ચઢે છે. આવનારા દિવસો અત્યંત ગંભીર અને મોટી ઊથલપાથલનો નિર્દેશ કરે છે. આવું કશું જ ન બને તે માટે સૌ આસ્તિકોએ પોતપોતાના ઈષ્ટદેવ સમક્ષ પ્રાર્થના કરવી રહી. સૌ નાસ્તિકોએ આ સમગ્ર સમસ્યા પ્રતિ નાગરિકી નિસબત દાખવી યથાયોગ્ય અને યથાશક્તિ જોડાવું રહ્યું. માત્ર ભારતની જ નહીં; સમગ્ર વિશ્ર્વની દરેક વ્યક્તિએ આ ઘટનાચક્ર, તેની પાછળનું મૂડીવાદી આયોજન, કહેવાતા વિકાસની ભૂમિકા અને માનવીય સંવેદનાઓ તરફ સજાગ થવું પડશે.

વાતનું મૂળ બે પ્રવાહોમાં હોય તેમ જણાય છે. એક લોર્ડ બેડિંગ્ટન નામના બ્રિટિશ પર્યાવરણ નિષ્ણાતના અહેવાલ ’ઝવય ઙયરિયભિં જજ્ઞિંળિ’માં અને બે, વિકાસ શબ્દને બદલીને વિકૃત બનાવી દેવાયેલા, માણસખાઉ મૂડીવાદમાં.

(1) ધ પરફેક્ટ સ્ટોર્મ : ગુગલમાં આ શબ્દો વડે સર્ચ કરવાથી આ નાનકડો રિપોર્ટ જોવા મળશે. અહીં કિસાન આંદોલનના તેની સાથેના જોડાણના જ મુદ્દા જોઈએ :

(ક) 2030 સુધીમાં દુનિયાની વસ્તી સાતથી આઠ અબજે પહોંચશે.

(ખ) કુલ વસ્તીના પચાસ ટકા નગરોમાં વસતા થશે.

(ગ) ખેતીમાંથી મોટા પ્રમાણમાં પલાયન થશે.

(ઘ) પર્યાવરણ અનેક કારણોસર ભયજનક હદે બગડશે.

(ચ) ખેતપેદાશોની માંગ વધશે, પુરવઠા ઘટશે તેથી ભાવોમાં પુષ્કળ વધારો થશે.

આ પરિપ્રેક્ષ્યના મુદ્દા (ચ)ને ધનવાંચ્છુ શ્રીમંતોએ એક તક તરીકે વિચાર્યો. ભારત સહિત અનેક દેશોના ધનવાનોએ વિશ્ર્વના ‘પછાત’ દેશોમાં વિશાળ જમીનો ખરીદવા માંડી. યુક્રેન તથા આફ્રિકાના કેટલાક દેશોમાં ઊભી થનારી તકને ઓળખીને ભારતના કેટલાક ઉદ્યોગપતિઓ પણ જમીન- ખરીદી તરફ વળ્યા.

તેમાં તીક્ષ્ણબુદ્ધિ ધરાવનાર કેટલાકને વિચાર આવ્યો – આવા દેશોમાં જઈને ખેતી કરવા જેવું કંટાળાભર્યું કામ શીદ કરવું ? તેને સ્થાને, ભાવની ચઢ-ઊતર કરાવવાનું આપણા કાબૂમાં કરી લઈએ. જો ખેડૂત પાસેથી સસ્તામાં પડાવી લેવાય અને નગરોમાં વસી ગયેલી જનતાને મોંઘા ભાવે વેચાય તો ઘી અને કેળાં ! ‘ખેતરને નહીં પણ બજારને પકડો’ આ તેમનો મંત્ર બન્યો.

1991થી મૂડીવાદી વિકાસની જે છબી ઊપસી છે તે માત્ર માણસ વિરોધી જ નથી; એક હેવાનિયતભરી માણસખાઉ તરીકેની છે. વિકાસ માટે ખરેખર તો શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુખાકારીની જરૂર છે. દિલ્હીની આમ આદમીની સરકારે આ કામ કરી બતાવ્યું છે. વિકાસની આ તરાહ અશક્ય નથી ! અન્ય રાજ્યોમાં શું ચાલે છે ? ‘પ્રથમ’ નામની સંસ્થાના વાર્ષિક અહેવાલો ઊથલાવી જશો તો આ વરવું ચિત્ર દેખાશે. માત્ર ગુજરાતની જ અને એક જ બાબત નોંધીએ : રાજ્યનાં પિસ્તાળીસ ટકા બાળકો કુપોષણ કે અપોષણથી પીડાય છે. ‘વિકાસ’નાં ગુણગાન ગાવાની આદત ધરાવનારા સજ્જનોના આશાવાદને પ્રણામ કરીએ !

અગાઉ જોયું તેમ વૈશ્ર્વિક મૂડીવાદને 1991થી ભારતમાં (અન્યત્ર 1978થી) પુનર્જીવિત કરવામાં આવ્યો. આ મૂડીવાદની ફિલસૂફી, ગણિત-બદ્ધતા અને તાર્કીક અણિશુદ્ધતા પ્રખર છે. તેની સામે હરફ પણ બોલનાર, કોઈપણ વિદ્વદ્સભામાં, ક્યાં તો હાંસીપાત્ર બને છે અથવા દયાપાત્ર ! પુસ્તકોનાં પુસ્તકો ભરીને તેનાં ગુણગાન ગવાયાં છે. તેની પણ લાંબી ચર્ચા અહીં અપ્રસ્તુત ગણીએ : વાત મુદ્દાની એટલી કે આ માણસખાઉ મૂડીવાદ અને કિસાન આંદોલનને શો સંબંધ ?

અત્ર તત્ર સર્વત્ર એમ કહેવાય છે કે પછાત ખેતીને લીધે ભારત દેશ પછાત છે. કુલ જનસંખ્યાના એટલે કે લગભગ 135 કરોડના આ વિશાળ દેશના સત્તાવન ટકા કૃષિ અને ગ્રામીણ લોકો છે. દેશની જીડીપીમાં તેમનો હિસ્સો 17-18 ટકા જેવો જ છે. આ વિશાળ જનસંખ્યાને હવે શહેરો તરફ વાળો. શહેરો-નગરોનાં કારખાનાં માટે સસ્તા મજૂરો જરૂરી છે. ખેતી કરવા યંત્રો વાપરો.

શહેરમાં અત્યારે પણ આવી વસેલા લોકોની બેહાલી લોકડાઉન વખતે કરાયેલી બેરહમ હિજરત કરતાં વધુ સારી કહેવાય તેમ નથી. આ મજૂરો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય કે રહેઠાણ ક્યારેય કે ક્યાંય જોગવાયાં નથી. તો પછી આ ‘વિકાસ’ કોને માટે અને શેને માટે ?

એકલપેટો અને શોષક બની રહેલો આ મૂડીવાદ માત્ર ભારતે જ જગતને આપેલી ભેટ નથી. વિશ્ર્વમાં આ પ્રકારની રીતરસમો વધુ કે ઓછા પ્રમાણમાં ફેલાયેલી છે. અલબત્ત, તેમાં અપવાદો છે જ. ખાસ કરીને ઉત્તર યુરોપ, કેનેડા તથા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં મૂડીવાદી આતંક ઓછો છે.


તમને આ પણ વાંચવું ગમશે


ખેતીપ્રધાન દેશમાં ખેતી-ખેડૂત બેહાલ :

ગાંધીજીએ ભારતને ‘ગામડાંમાં વસેલો દેશ’ ગણાવેલો. તે સમયે દેશમાં લગભગ પોણા છ લાખ ગામડાં હતાં. જૂના વસતી ગણતરીના અહેવાલોમાં નજર નાંખીએ તો જણાય છે કે મોટાભાગનાં ગામોમાં લગભગ દસ ટકા વિસ્તાર ગોચર રૂપે હતો. આવી ગોચરોમાં સામાજિક વનઉછેર દ્વારા ચિખલી પાસેના ફડવેલ ગામે ચમત્કાર સર્જેલો. પૂના પાસેના પિંપરી-ચિંચવડ કે અણ્ણા હઝારેના રાલેગણ સિદ્ધિના પ્રયોગોએ બતાવેલું કે ગામડાં ‘આત્મનિર્ભર’ બની શકે છે.

પરંતુ ગોચરનો ‘વહીવટ’ થવા માંડ્યો; રાજકારણીઓ, જમીનોના સોદાગરો તથા ઉદ્યોગકારોએ આ જમીનો ઉપર કબજો જમાવ્યો. બીજી તરફ ખેતીને જે મહત્ત્વ અપાવું જોઈતું હતું તે ક્યારેય ન અપાયું. જો આ ખેતીપ્રધાન દેશનું વિકાસનું મોડલ ખેતીલક્ષી હોત તો ‘અમુલ’ અને હરિયાળી ક્રાંતિ જેવા વધુ ચમત્કારો નજરે પડ્યા હોત. હરિયાળી ક્રાંતિના પર્યાવરણીય નુકસાનો છતાં, દેશની અન્નસુરક્ષા તથા સામરીક મગરુરીમાં મોટો ફાળો છે. 1971ના યુદ્ધમાં અમેરિકાએ ભારતને નાથવા વાસ્તે અન્નસહાય મોકલવામાં આનાકાની દાખવી તો ઇંદિરાજીએ આપણી અન્નસ્વાવલંબનની ખુમારી દાખવી હતી.

ખેતી તરફ ભારતે નીતિગત રીતે માત્ર દુર્લક્ષ જ નથી સેવ્યું. ઈરાદાપૂર્વક પછાત રાખવાનો પ્રયાસ કર્યો છે. ભારતમાં કૃષિ-અર્થશાસ્ત્ર અને ગરીબી અંગેના સંખ્યાબંધ અભ્યાસો 1970-85 દરમિયાન થયા છે. પ્રો. એમ.એલ. દાંતાવાલા, વી.એમ.દાંડેકર, વગેરેએ કૃષિ અને ઉદ્યોગો વચ્ચેના આંતરસંબંધોને ખૂબ બારીકાઈથી તપાસ્યા છે. દાંડેકરના એક અભ્યાસનો ઉલ્લેખ અહીં ઉપયોગી છે.

અર્થશાસ્ત્રમાં ‘ટર્મ્સ ઓફ ટ્રેડ’ નામનો એક વિચાર પ્રવર્તે છે. આમ તો બે દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં તેનો આવિષ્કાર થયો હતો પરંતુ દાંડેકરે તેને એક જ દેશના કૃષિ અને ઉદ્યોગોના ક્ષેત્રને લાગુ પાડ્યો. તેમનું તારણ નોંધપાત્ર છે, તે દર્શાવે છે કે ઉદ્યોગોના માલની સામે કૃષિનો માલ, સમય જતાં, સસ્તો થતો જાય છે. આનો સાદો અર્થ એ છે કે ખાતર કે જંતુનાશક દવાઓ, ડીઝલ-વીજળી વગેરેની સામે ખેડૂતે વધુ ને વધુ પેદાશો આપવી પડે છે. દાંડેકરે ગણતરી કરીને બતાવેલું કે ચોથી પંચવર્ષીય યોજનાના કુલ કદ જેટલી રકમ કૃષિ ક્ષેત્ર આ રીતે ગુમાવે છે. ‘ગરીબી હટાવો’ની ભૂમિકામાં ચાલતા કાર્યક્રમો સામે આ ગણતરી ‘ગરીબી બઢાવો’નું રહસ્ય છતું કરે છે.

ગ્રામ્ય અને શહેરી, કૃષિ અને બિનસેવા એવાં ક્ષેત્રોનાં જોડકાં ગોઠવી વિચારીએ તો બે વચ્ચેના સાપેક્ષ આર્થિક તફાવતો તરત નજરે ચઢે છે. બે-ત્રણ વિગતો જ નોધીએ :

1970 અને 2015 અટલે કે વિતેલા સાડાચાર દાયકા દરમિયાન ખેડૂત અને બિનખેડૂત નોકરિયાતોની આવકવૃદ્ધિના તફાવતો ચોંકાવી દેનારા છે.

0              ઘઉંનો ભાવ ક્વિટંલે રૂ. 70 થી વધીને રૂ. 1450 થયો એટલે કે તેમાં લગભગ ઓગણીસ ગણો વધારો થયો. સામે પક્ષે સરકારી કર્મચારી, શિક્ષક અને કૉલેજ અધ્યાપકોનાં વેતનો 125થી 280 ગણાં વધ્યાં.

0              નોકરીઓમાં વેતન ઉપરાંત મોંઘવારી ભથ્થું, સહકુટુંબ પ્રવાસ, મકાન ભાડાં ભથ્થું, કપડાં ધોવડાવવાનું ભથ્થું કે વાહનભથ્થું પણ મળતાં હોય છે. ખેડૂતને આવું કશું જ મળતું નથી.

આવા અનેક પુરાવા અને ઉદાહરણો નજરે ચઢે છે પણ તેનું હાર્દ સ્પષ્ટ છે; ખેતીમાંથી ખેડૂતોને હટાવો. રઘુરામ રાજને પણ જણાવ્યું છે કે ‘ભારતમાં સાચો સુધારો ત્યારે જ થશે કે જ્યારે ખેતીમાંથી મોટી વસતીને શહેરોમાં મજૂરો તરીકે ધકેલી દેવાશે.’ (આ દૈનિક મજૂરી કરનારાની સ્થિતિને પણ વધુ દયનીય બનાવવા વાસ્તે ‘મજૂર કાયદા’માં ‘સુધારા’ લવાઈ રહ્યા છે. તાજેતરમાં જ દેશના અનેક મજૂર સંઘોએ સરકારની કામદાર વિરોધી નીતિઓ સામે એક દિવસનો ભારતબંધ પાળ્યો હતો !)

સરકાર ખાનગીકરણ, મૂડીવાદ અને નિર્ધારિત ઉદ્યોગપતિઓના હાથમાં વધુ ને વધુ ધનની જમાવટ થતી જાય તે વાસ્તે ઈરાદાપૂર્વકનાં પગલાં ભરે છે. હાલમાં ભારતમાં લગભગ સત્તાવન ટકા લોકો ખેતી અને આનુષંગિક વ્યવસાયોમાં છે; સરકાર આ પ્રમાણ ઘટાડીને અઢાર ટકા કરવા માંગે છે.

કાયદાની માયાજાળ :

દેશમાં કોરોના આટલો વ્યાપક છે ત્યારે સંસદમાં આ ત્રણ કાયદાઓ પસાર કરાવી દેવાયા. ખેડૂતો સાથે કોઈ ચર્ચા કરવા જેવું પણ સરકારને લાગ્યું નહીં. રાજ્યસભામાં તો તેની ઉપર મતપત્ર દ્વારા મતદાનની માંગણી થઈ હોવા છતાં તેને ધ્વનિમતથી પસાર કરાયા. આ ત્રણ કાયદા ઉપર ચર્ચેલી ભૂમિકા અને ખેડૂત, વેપારી તથા ગ્રાહકના હિતોને કઈ રીતે ઠોકરે ચઢાવે છે તે પણ સમજવા જેવું છે. ત્રણે કાયદાની કલમવાર ચર્ચા શક્ય ન હોવાથી તેની મુખ્ય અસરો જોઈશું.

(ક)          એપીએમસી સામે ખાનગી મંડી : એપીએમસીની પ્રથામાં પુષ્કળ ખામીઓ છે જ. હાલની ટેકાના ભાવની પદ્ધતિ પણ ખેડૂત વિરોધી જ રહી છે. તેમાં પુષ્કળ સુધારા જરૂરી છે જ. પણ સરકારે શું કર્યું ?

એપીએમસીને સુધાર્યા કે દૂર કર્યા વગર તેના સમાંતરે ખાનગી મંડીની ગોઠવણ કરી. દેખીતી રીતે આમાં કશું ખોટું નથી. પરંતુ આ એક ગહરી ચાલબાજી છે, જેને ખેડૂતોએ પકડી પાડી છે.

એપીએમસીને ચાલવા તો દેવી પણ તેને ધીમું ઝેર આપીને ચાર-પાંચ વર્ષે મારી નાંખવી અને પછી બધો વેપાર ખાનગી હાથોમાં જાય એટલે ખેડૂતની ખેર નથી. એપીએમસીમાં ઘણી ત્રુટિઓ છે, જેની સામે શરદ પવારે પણ ધ્યાન દોર્યું છે. તેને દુરસ્ત કરવાને બદલ સમાંતરે ખાનગી મંડી શા માટે ?

બીજું 1970ના દાયકામાં કૃષિભાવો બાબતે ઘણો ઊહાપોહ મચેલો. ભારતમાં રોટી રમખાણો ફાટી નીકળેલાં. ‘તેલિયા રાજા’નું નવું બિરુદ પણ શોધાયેલું. ભાવો ઉપર અંકુશ આવે તે હેતુથી એક એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ ઘડીને સંગ્રહખોરી સામે કાનૂની જોગવાઈ કરવામાં આવેલી. વેપારીઓ બેંક પાસેથી કરજ લઈ તેલ વગેરે જેવી ખેતપેદાશોનાં ગોદામો ભરી લેતા અને કૃત્રિમ તંગી સર્જી ઊંચા ભાવે વેચતા. પૈસા બેંકોના, પેદાશો ખેડૂતોની અને નફો વેપારીનો.

હવે આ કાનૂન રદ કરવામાં આવ્યો છે. હવે શું બનશે તેની એક ઝલક ત્રણેક વરસ અગાઉ તુવેરની દાળના ભાવ દ્વારા મળી જ છે. દાળ સસ્તામાં ખરીદી, મોટો સંગ્રહ કરી ઊંચા ભાવે વેચાઈ તે વખતે આ કાયદો તો હતો પણ અમલ ન થયો. કેટલાકના મતે તેનું કારણ એ હતું કે આ વેપારના નફામાંથી ચૂંટણી ફંડ અપાયેલું.

નવી વ્યવસ્થા શું કરવા તાકે છે ? આ વ્યવસ્થા પણ એપીએમસીની જેમ છદ્મવેશી છે. મોટા ઉદ્યોગપતિઓ મહાકાય ગોદામો બાંધી, ખાનગી મંડીઓ દ્વારા, શરૂઆતનાં વર્ષોમાં ખેડૂતો પાસેથી ઊંચી કીમતે ખરીદશે. બે-ચાર વર્ષ પછી આ ગોદામોનું અનાજ વગેરે વેચવા કાઢશે જ્યારે ખેડૂત તેની નવી ફસલ લઈને બજારમાં ઊતર્યો હોય. આથી ખેડૂતે પાયમાલ થયે જ છૂટકો. અત્યારની વ્યવસ્થામાં પણ લાખો ખેડૂતો આપઘાત કરી જ ચૂક્યા છે ને ! નફા અને સત્તા આગળ માણસની જિંદગીની શી વિસાત !

ત્રીજું, કરારી ખેતી ખરેખર તો તકરારી અને તબાહીવાળી ખેતી બની રહે તેમ છે. એસ્કિમોને રેફ્રિજરેટર વેચી આવવાની ક્ષમતા ધરાવનારા એમબીએની ફોજને નોકરી આપનારા આ માલેતુજારો કરારના નામે શું કરી શકે છે તેના અસંખ્ય દાખલા છે; થોડાક નમૂના જોઈએ :

ળ            પેપ્સિકોએ બનાસકાંઠાના ખેડૂતો સાથે બટાકાની ખેતી બાબતે કારર કર્યો. પાક તૈયાર થયો. એટલે માલની ગુણવત્તા બરાબર નથી એમ કહી કરાર કરતાં ઓછા ભાવ આપવા માંડ્યા. ખેડૂતોએ બહાર બટાકા વેચ્યા તો કંપનીએ ખેડૂતો ઉપર કરારભંગનો કરોડો રૂપિયાનો કેસ ઠોકી દીધો ! થોડાંક વીઘા જમીન ધરાવનાર બનાસકાંઠાનો ખેડૂત અમદાવાદની હાઈકોર્ટના ધક્કા ખાય !

ળ            1980ના દાયકામાં દીવાસળી બનાવનારી કંપનીએ ખેડૂતો પાસે અરડૂસાના ઝાડ (છોડ નહીં)ની ખેતી કરાવી. આ અંગે કરાર થયો. ખેતીની જમીનમાં ઝાડ ઉગાડ્યાં પણ પછી કંપની ફસકી ગઈ. આખરે ઝાડ સસ્તામાં વેચી અને ઊંડે સુધીનાં મૂળ ખોદીને ફરી જમીન સાફ કરવાનું ખર્ચ ખેડૂતોને માથે પડ્યું !

ળ            આજે પણ પ્રાંતીજના ખેડૂતો પાસે રૂ. 10/-ના ભાવે એક નંગ ફલાવર ખરીદીને શહેરી બજારોમાં રૂ. 50 થી 100ના ભાવે વેચાય છે. ખેડૂત એટલે ‘પરથમીનો પોઠી’ જ ને !

ળ            ભારતના બંધારણમાં નિર્ધારિત કરાયેલી સમવાયતંત્રની વ્યવસ્થા અનુસાર ખેતી રાજ્યનો વિષય છે.

આ પ્રકારના કાયદા કરતા પહેલાં રાજ્યોને વિશ્ર્વાસમાં લેવાપણું તો લાગે જ શેનું ? આ બધાની વાતમાં સ્વામિનાથન કમિટીના અહેવાલ ઉપર આ જ સરકારનાં વચનોને યાદ કરીએ ?

સમાપન : એક તરફ લોર્ડ બેંડિંગ્ટનના ‘પરફેક્ટ સ્ટોર્મ’ની ભવિષ્યવાણી છે. તેમાંથી કૃષિ ક્ષેત્રમાં ખજાનાના ખજાના ભંડરાયેલા છે તે પેલા ચાલબાજોને દેખાઈ ચૂક્યું છે. પણ આ ખજાના પોતે અંકે કરવા છે. આ માટે તેમના કહ્યા પ્રમાણે ચાલે તેવી રાજસત્તા જરૂરી ગણાય.

બીજી તરફ ખેતી તરફ સરકારી વલણ ક્યારેય સાબદું રહ્યું નથી. જૂના અપવાદો સિવાય ખેતી નિર્ધનતા, આપઘાત અને નિરાશાનું ચિત્ર પેશ કરે છે. નવા મૂડીવાદની કલ્પનાના ભારતમાં આ ક્ષેત્ર બોજારૂપ ગણીને, તેની ઉપર નભતી જનસંખ્યાને હડસેલા મારીને શહેરી દહાડિયા મજૂર રૂપે કાઢવા માંગે છે. હાલની સત્તાવન ટકા જનસંખ્યાને અઢાર ટકાએ લઈ જવાનો ‘આદર્શ’ આ મૂડીવાદી વિકાસ ધરાવે છે. જરાક થોભીને વિચારવા જેવું છે : ‘મારા સ્વપ્નનું ભારત’ ગાંધીજી માટે અને નવા મૂડીવાદ માટે અલ્પાંશે પણ સમાનતા ધરાવે છે ? આઝાદીનું સ્વપ્ન અને કુરબાનીઓ આ નવા દુ:સ્વપ્ન વાસ્તે હતાં ?

બેંડિગ્ટનની ભવિષ્યવાણી તથા નવા મૂડીવાદની નિર્મમ નફાખોરીની વ્યવસ્થામાં ભારતમાં પ્રવર્તતા સર્વવ્યાપી ભ્રષ્ટાચારની પરિસ્થિતિ ઉમેરીએ તો આ ત્રણે કાયદા ગંગાના જળ જેવી પવિત્રતા દાખવી શકે તેમ નથી તે સ્પષ્ટ થશે. આ કાયદામાં ઝઘડાના ઉકેલ માટે કલેક્ટર કચેરીનો રસ્તો બતાવાયો છે. આ વિકલ્પની વાસ્તવિકતા સમજવા અને અનુભવવા માટે આવી કચેરીઓમાં થોડાક આંટાફેરા કરી આવવા જેવા છે. કલેક્ટર નિર્ધારિત સમયે ભાગ્યે જ મળે છે; તેમની ઓફિસમાં ચીંથરેહાલ ખેડૂતને પ્રવેશ મળશે ? કલેક્ટર મોટી કંપનીના મસમોટા અધિકારીની વાત સાંભળશે કે ખેડૂતની કકળતી આંતરડીનો અવાજ સાંભળશે ? હમણાં જ બહાર પડેલ ટ્રાન્સપરન્સીના હેવાલ મુજબ એશિયન દેશોમાં ભારત ભ્રષ્ટાચારમાં ‘નંબર વન’ છે !

આથી જ આ આંદોલન સલામને પાત્ર છે. 96,000 ટ્રેક્ટરો અને લાખો કિસાનો નવેંબરની આખરથી દિલ્હીની નાકાબંધી કરીને બેઠા છે. સપ્ટેમ્બરથી રેલરોકોના માર્ગે બે મહિના સુધી અહિંસક દેખાવો કર્યા ત્યારે કેટલીક ટીવી ચેનલોએ એક ફિલ્મ કલાકારની આત્મહત્યા અને અન્યોના કેફી દ્રવ્યોના સેવનનાં ઢોલ-નગારાં પીટે રાખ્યાં. આ આંદોલનની ભનક પણ દેશને ન આવે તેની કાળજી રખાઈ !

હજુ ગયે વર્ષે જ તમિલનાડૂના ખેડૂતોએ દિલ્હીમાં યોજેલાં પ્રદર્શનો અને આત્મપીડનની કથાની પીડા તાજી જ છે. મહારાષ્ટ્રમાં નાસિકથી મુંબઈની કૂચ અને ખેડૂતોએ દાખવેલા સંયમ અને શાલીનતા પણ સ્મૃતિપટ ઉપર છે. મહુવાથી ગાંધીનગરની કૂચ પણ એટલી જ જીવંત છે, આ તમામ બાબતે, લોકશાહીથી ચૂંટાયેલી સરકારો માત્ર ‘નિષ્ઠુર’ બની રહી છે ! ખેડૂતોની આ લડાઈ એક શુકુનસભર જીવનપદ્ધતિ અને હજારો વર્ષની સંસ્કૃતિના સંરક્ષણ માટેની લડાઈ છે. ખરેખર તો અહીં ‘લડાઈ’ શબ્દ શોભતો જ નથી. આ એક આપદ્ધર્મ છે. ખેડૂતોએ પુષ્કળ શાલીનતા દાખવી છે, ગૌરવ જાળવ્યું છે. અને પોતાનું સન્માન વધાયુર્ં છે. પરિસ્થિતિ તરલ છે; પણ ત્રણે કાયદાને પાછા હટાવીને ખેતીના વિકાસ સાથેના સાચા આર્થિક વિકાસનો માર્ગ કંડાર્યા વગર ચાલે તેમ પણ નથી.                                                                               –

રોહિત શુકલ

પહેલી તસવીર સાભાર : રવિ ચૌધરી (સમાચાર સંસ્થા પીટીઆઈ)


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s